મૌત એક સનાતન સત્ય: ન એક પલ આગે, ન એક પલ પીછે

વાદ પ્રતિવાદ

મુખ્બિરે ઈસ્લામ-અનવર વલિયાણી

જગતનું સર્જન કરનારા મહાન અલ્લાહતઆલા (ઇશ્ર્વર, પ્રભુ)એ મનુષ્ય માત્રમાં બે ચીજો મૂકી છે, ૧-શરીર અને ૨-રૂહ (આત્મા):
શરીર ફના એટલે કે નાશ થનાર ચીજ છે અને રૂહ બાકી રહેનારી ચીજ છે. એક ખ્યાતનામ શાયરે પોતાના શે’રની બે પંક્તિઓમાં અલ્લાહના આ ભેદને ઘણી જ સહજતાથી વ્યક્ત કરી છે.
જિસ્મ મરતા હૈ લેકિન
રૂહ કો મૌત આતી નહીં…!
આ સનાતન સત્ય છે. આત્મા અમર છે, તે મૃત્યુ પામતો નથી. આ સંદર્ભમાં આપણા ગુજરાતી સાહિત્યના મુઠ્ઠી ઊંચેરા શાયર જનાબ બરકત વિરાણી ‘બેફામ’ની આ લા’જવા શે’ર પાછળ રહેલી સચ્ચાઇને પણ જાણવી રસપ્રદ બની રહેવા પામશે.
નહોતી ખબર કે રૂહમાં ખુશ્બુ હોય છે
મરી ગયા પછી શરીર ગંધાય છે…
આથી પરવરદિગારે શરીર અને રૂહ બન્નેની શક્તિ અને કુવ્વત (કૌશલ્ય) માટે અલગ અલગ બજારે બનાવ્યાં છે અને મનુષ્યને ઉમરની પૂંજી અદા કરી છે. તે ફરમાવ્યું છે કે, આ જાહેરી બજારમાંથી, જેમાં દરેક પ્રકારના વસ્ત્રો, અનાજ, મેવા મસાલા, સ્વાદિષ્ટ મીઠાઇઓ તેમ જ દરેક પ્રકારનાં આરામ તથા આસાએસના સાધનો એક તરીકાથી (પદ્ધતિથી) રાખવામાં આવ્યા છે. તેમાંથી જરૂરત મુજબ ખરીદો, ખાવો-પીવો અને જેટલી હદ સુધી શરીરનો હક છે, એટલી હદ સુધી તેને ખોરાક પહોંચાડો અને મારી બંદગી અને મારી ઇબાદતમાં લાગ્યા રહો. આ થોડા દિવસના ફાની બજારથી તમારા દિલને લોભાવા દેશો નહીં…!
બીજું, રૂહાની બજાર છે. તેમાં પોતાની રૂહની (જે હંમેશાં બાકી રહેનારી છે) તાકાત તથા કુવ્વત માટે અને તેની તાજગી તથા પરવાઝ (ઊંચું ઉડ્ડયન) માટે અલ્લાહે આપણને રૂહાની બજારો ઇનાયત ફરમાવ્યાં છે. તેને આપણે મસ્જિદો-પ્રાર્થનાલયો કહીએ છીએ. આ રૂહાની બજારમાં દરેક ચીજ મુશ્ક (કેસર) અને અંબરથી મઘમઘતી અને નૂર તથા તજલ્લીથી ભરપૂર સજાવવામાં આવી છે.
હવે ઇન્સાન પોતાની ઉંમર, જે તેની પૂંજી છે, તેને લઇને એ જાતે પાકના બરકતવાળા બજારમાં એટલે મસ્જિદમાં હાજર થઇ જાય અને પોતાની હંમેશાં બાકી રહેનારી રૂહની પરવરીશ, તાઝગી, કુવ્વત માટે ખૂબ દિલ ખોલીને રૂહાની સોદા (ચીજો) ખરીદે, દિલ ખોલીને પોતાની રૂહને રૂહાની ખોરાક ખવડાવે અને નૂર ઇમાનના છલકાતા જામ પર જામ પીવડાવે, પછી જુઓ કે એ રૂહ કેવાં કેવાં ભયાનક જંગલો, જીવલેણ રસ્તાઓ અને જોખમી ખીણોથી બચાવીને તમને સિદિકો (આલિમ, જ્ઞાની, વિદ્વાનો)ના મુકામ, બુલંદ દરજ્જે (ઉચ્ચ સ્થાને) પહોંચાડી દેશે.
સુબ્હાનલ્લાહ! (સર્વ વખાણ ઇશ્ર્વર માટે) આ રૂહમાં રૂહાની ખોરાક અને રૂહાની દેખરેખને કારણે એવી રૂહાની રોશની અને રૂહાની પરવાઝ આવી જશે, કે સકરાતનો અંધકાર અને કબરનું અંધારું અને પુલસિરાતની સંકડાશ ઝપાટાબંધ નૂર અને તજલ્લીમાં બદલાઇ જશે. દરેક તરફ નૂર જ નૂર ઝગમગી ઊઠશે.
અય પ્યારા મોમીનો! સારી સમજ પેદા કરો અને ઇબરત (જ્ઞાન)ની નિગાહથી જુઓ અને નસીહત (બોધ)ના કાનથી સાંભળો. જે લોકોએ પૂરી ઉંમર માત્ર શરીરની દેખભાળ કરી અને રૂહાની દેખભાળ ના કરી, તેમના તાજા માજા શરીરને (કબરમાં) કીડાઓ ખાઇ ગયા. એ તમામ દેખભાળ માટીમાં મળી ગઇ. નતીજો (પરિણામ) એ આવ્યો કે ન તો આખેરતના ભયાનક જંગલો, જીવલેણ રસ્તાઓ અને મુશ્કેલ ખીણોથી બચવાનો કોઇ માર્ગ મળ્યો, ના કોઇ પાક મુકામ હાંસલ કરી શકાયો, ન સકરાતનો અંધકાર, કબરનું અંધારું અને પુલસિરાતની સંકડાશથી ચેન મળ્યું, બલકે સેતાન સાથે દોઝખનો અઝાબ જ મળ્યો. જેણે પોતાની રૂહને રૂહાની ખોરાકથી દેખભાળ કરી, તેને દીન અને દુનિયાનું બધું ચેન, શુકુન અને શાંતિ મળી.
શરીરને પાક-સાફ રાખો અને પોતાની હેસિયત મુજબ પાક-સ્વચ્છ કપડાં પહેરો અને કપડાંમાં દરૂદો સલામના મુશ્ક, અંબર અને ગુલાબનાં અત્તરો લગાવો. એ પછી રબ્બેકા’બાના બજારમાં જઇને પોતાની ઉંમરની પૂંજીથી ખૂબ દિલ ખોલીને રૂહને તાજીમાજી કરવા માટે રૂહાની ને’મતો (કૃપાઓ) અને રૂહાની ખોરાકનો સોદો કરો.
પાક છે તે ઝાતે ઇલાહી, જેણે કાએનાતની તખલીક (પેદા) કરી અને તે જ તેનો પાલનહાર છે.
બોધ : હિકમત (બુદ્ધિ-ચાતુર્ય)ના થોડાંક બોધવચનો ઇન્શા અલ્લાહ દિલમાં રોશની પ્રગટાવશે તો મોમીનના બન્ને જહાં આબાદ બની રહેશે:
* તૂટેલી કબરોને ધ્યાનથી જો કેવાં કેવાં હસીનોની માટી ખરાબ થઇ ગઇ છે.
* તે દિવસ પર ગમગીન થાઓ જે ગુજરી ગયું અને તેમાં કોઇપણ નેકી (પુણ્ય) ન કર્યું.
* ખરાબ છે તે વ્યક્તિ જે પોતે તો મરી જાય પણ તેનો ગુનાહ જીવતો રહે.
* અપમાનના જીવનથી સન્માનની મોત સારી છે.
* તે લોકો સારા ન હોઇ શકે જેઓ આખેરત (મરી ગયા પછીના જીવન) માટે દુનિયા ત્યજી દે છે, સારા અને બેહતર (શ્રેષ્ઠ) તો તે લોકો છે જેઓ દુનિયા અને આખેરત બન્ને પ્રાપ્ત કરે છે.
* સચ્ચાઇ અને નેકી પર ચાલનારાઓ જન્નત (સ્વર્ગ)માં છે, જૂઠ અને બદકારી (ગુનાહિત કૃત્ય) પર ચાલનારા દોઝખમાં છે.
* જે કોમમાં બેહયાઇ, બેશરમી ફેલાઇ જાય તો અલ્લાહતઆલા તેના પર બલાઓ અને આફતોનો અઝાબ (પ્રકોપ) મોકલતો રહે છે, જેમાં જાલિમ શાસનકર્તાને હુકુમત (સત્તા) આપવા સહિત કુદરતી આફતો દ્વારા તે પોતાની નારાજગી પ્રકટ કરતો હોય છે.
– કબીર સી. લાલાણી ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.