ઠંડી સામે રક્ષણ માટે માણસો પાસે તો ઘણા નુસખા હોય છે, વધારે ઠંડી લાગી સ્વેટર, શાલ, મફલર પહેરી લીધા પરંતુ મૂંગા જીવો અને પક્ષીઓ માટે કુદરતનો આ કહેર સહન કરવા સિવયા કોઈ ઉપાય હોતો નથી.
કચ્છના અંજાર તાલુકાના, અંજારથી આદિપુર તરફ જતા ધોરીમાર્ગ પરના મેલડી માતાજીના મંદિર પાસેના તળાવમાંથી 20 જેટલા બતક સહિતના પક્ષીઓ મૃત અવસ્થામાં મળી આવતા પક્ષીપ્રેમીઓમાં દુઃખની લાગણી ફરી વળી છે. પક્ષીઓના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ તો જાણી શકાયું નથી, પરંતુ જાણકારોના મતે આ પક્ષીઓના મોત ઠંડીમાં ઠૂંઠવાઈને થયા હોવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક પખવાડિયાથી કચ્છમાં ઠંડીનું જોર વધી રહ્યું છે અને વિક્રમી ઠંડી પડી રહી છે. કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને અબડાસા તાલુકામાં ઠંડીમાં ઠૂંઠવાઈને સેંકડો વિદેશી યાયાવર પંખીઓ સહિતના અન્ય પંખીઓના ઠંડીથી મોત નીપજી ચુક્યા છે. અબડાસા બાદ હવે કચ્છના અંજાર તાલુકામાંથી પક્ષીઓના મોતનાં સમાચાર મળી રહ્યા છે જે કાતિલ ઠંડીની પરાકાષ્ઠા દર્શાવી રહ્યા છે.