ડિયર બોલીવૂડ, જત જણાવવાનું કે…

મેટિની

સિનેપ્રેમીઓનો ફિલ્મમેકર્સને એક કાલ્પનિક જાહેર પત્ર

શો- શરાબા -દિવ્યકાંત પંડ્યા

ડિયર બોલીવૂડ,
આજના ડીએમ અને ઈ-મેઈલના જમાનામાં અમે બધા દર્શકો ભેગા મળીને તમને એક જાહેર પત્ર લખી રહ્યા છીએ. શું કરીએ? વાત જ કંઈક એવી છે. એમાં છે એવું કે અમે બધા હમણાં તમારાથી થોડા નારાજ છીએ, કેમ કે આજકાલ તમે અમારી અપેક્ષા પ્રમાણેનું કશું જ નથી કરી રહ્યા. અમે ભલે આમ છડેચોક સ્વીકાર ન કરીએ, પણ અમારા જીવનમાં તમારું ખૂબ જ મહત્ત્વ છે. અમે ભલે આમ વારંવાર બોયકોટના ઝંડા, આઈ મીન હેશટેગ હાથમાં લઈને ફરીએ, પણ મસ્તીમાં કે ફાઈટમાં થતી ડાયલોગબાજી, વાર-તહેવારે વાગતાં ગીતો, સોશિયલ મીડિયા પર ફોરવર્ડ થતા મીમ્સ, નાઈટઓવરમાં થતી મૂવી મેરેથોન, યુવાનોની કપડાંની ફેશનથી લઈ હેરસ્ટાઈલ વગેરે બધે જ સિનેમા અમારી રગ-રગમાં દોડે છે. જય હો મનોરંજન દેવની!
તમે વિચારતા હશો કે અમે જો તમને આટલો બધો પ્રેમ કરીએ છીએ તો પછી તકલીફ ક્યાં પડી? એ જ તો મૂળ વાત છે. પ્રેમ હોય ત્યાં અપેક્ષા પણ તો હોવાની જને. એ જ અપેક્ષા પ્રમાણેની ફિલ્મ્સ અમને હમણાંથી થિયેટર્સમાં જોવા મળી નથી રહી. એક તો પેન્ડેમિકમાં અમારું બહાર નીકળવાનું બંધ થયું હતું એટલે અમે રઘવાયા થયા હતા અને ઉપરથી એ પછી પેન્ડેમિક જેવી જ ભયાનક ‘બચ્ચન પાંડે’, ‘હિરોપંતી ૨’ જેવી ફિલ્મ્સ તમે અમારા માથે મારો તો અમે ફરિયાદ તો કરીએ કે નહીં ભૈસાબ! હા, હા અમને ખબર છે કે ઓટીટી પર ઘણું બધું જોવાનું છે ને અમે જોઈએ પણ છીએ, પણ અમારો વહાલો સુશાંત આમ અકાળે ગયો ત્યારથી અમે તો બહુ ગુસ્સામાં છીએ એટલે અમને ઓટીટી પર પણ જે સારું લાગે એ સારું ને ખરાબ લાગે તેને બોલીવૂડ છે એમ જ કહેવાના. અમે તમને દાયકાઓ સુધી પ્રેમ આપ્યો તો અમારો આટલો સગવડિયો ધર્મ તો તમારે ચલાવવો પડે કે નહીં!
એમ તો તમે પણ ક્યાં વળી ઓછા છો. પબ્લિકને તો આવું જ ગમે એમ કહી કહીને અમે ના પાડીએ તોય તમે ટાઈગરની ‘બાગી ૧૫’ જેવી ‘સ્ક્રૂ ઢીલા’ નામની ફિલ્મ એનાઉન્સ કરો જ છોને. હા, અમને ખબર છે કે ટાઈગરને ડાન્સ ને એક્શન સિવાય કંઈ નથી આવડતું, પણ હવે આપણા જેકી દાદાનો છોકરો છે એમ કહી અમે તેની કેટલી ફિલ્મ્સ ચલાવી દઈએ? તમે અમને સાવ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લો એ કેમ ચાલે? અમેય પાક્કા છીએ હોં. ભલે અમે સામાજિક અને રાજકીય મુદ્દે કંગનાને અમારો સપોર્ટ છે એમ કહેતા હોઈએ, પણ જો અમને તેની ‘ધાકડ’ ન ગમે તો અમને રેકોર્ડ બ્રેકિંગ લો કલેક્શન કરાવતાં પણ આવડે છે. યાદ છેને આઠમા દિવસના રોકડા ૪,૪૨૦ ઓન્લી? જબરદસ્ત મહિલા ખેલાડી મિતાલી રાજની પ્રેરણાદાયક જિંદગી પરથી બનેલી ‘શાબાશ મિતુ’ પણ નબળી હતી, તો ભલે એમાં તાપસી પન્નુ હતી તો પણ અમે તો છોકરીઓ ભેગા બે દિવસ મોળાકતનું વ્રત વધારે કરી લીધું, પણ એ ફિલ્મ જોવા તો નથી જ ગયા. આમ અમે તમારા રાજકુમાર હીરાણીની જેમ હસતાં હસતાં અમારી ગંભીર વાત પત્રમાં લખીએ તેનો મતલબ એમ નહીં કે તમારે અમને ગંભીરતાથી નહીં લેવાના. નહીં તો અમે તો આ દક્ષિણ ભારતીય મેકર્સ જે ડબ કરીને પાન ઈન્ડિયા ફિલ્મ્સ બનાવે છે ખાલી એને જ ગંભીરતાથી લેવાનું શરૂ કરી દઈશુંને તો આ વચ્ચે વચ્ચે જે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને ‘ભૂલભુલૈયા ૨’ જેવી ફિલ્મ્સ હિટ કરાવીએ છીએને એ પણ બંધ થઈ જશે!
અમને સાચે ક્યારેક આમ દિલથી લાગી આવે હોં કે આ જે ભૂષણ કુમારે ખુશ થઈને કાર્તિક આર્યનને મોંઘીદાટ ગાડી ગિફ્ટ આપી એના કરતાં અથવા એમાંથી દસમો ભાગ કાપીને સારા લેખકોને થોડું વધુ પેમેન્ટ આપતા હોય તો! જો બધા પ્રોડ્યુસર્સ એમ કરે તો અમે તો ‘સત્યમેવ જયતે ૨’, ‘થાર’, ‘નિકમ્મા’, ‘શમશેરા’, ‘એક વિલન રિટર્ન્સ’, ‘એટેક પાર્ટ ૧’ જેવી ફિલ્મ્સથી બચી જઈએને અને તમારો આ કોન્ફિડન્સ પાછો જબરો છે હોં. હોલીવૂડની જેમ ફ્રેન્ચાઈઝ બનાવવામાં પહેલી ફિલ્મની રિલીઝ વખતે જ પાર્ટ ૧ નામ આપી દેવાનું, પછી ફિલ્મ ચાલે કે ન ચાલે એ તો ત્યારે જોયું જાય. અમને તો ડર છે કે આ ‘બ્રહ્માસ્ત્ર’ ફ્રેન્ચાઈઝનું પણ કંઈક ‘શમશેરા’ જેવું ન થાય. અમારામાંના ઘણા તો એમ કહે છે કે આ રણબીર અને આલિયાએ લગ્ન પણ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન માટે જ કર્યાં છે. જોકે અમે તેમને સમજાવીએ કે આ થોડું વધુ પડતું થઈ ગયું, પણ તમે પણ જરા સમજીને વરસે-દહાડે ઓછામાં ઓછી ૧૦-૧૫ સારી ગુણવત્તાવાળી ફિલ્મ્સ બનાવો તો ઘણી ખમ્મા!
તમને અમારી તાકાતનો અંદાજ તો આવી જ ગયો હશે. આ કરણ જોહરને પોતે નિર્માણ કરેલી ‘જુગ જુગ જિયો’ના પ્રમોશનથી એટલે જ દૂર રહેવું પડ્યું હતું કે ક્યાંક તેને જોઈને અમે નેપોટિઝમ-નેપોટિઝમ કરીને થિયેટરથી દૂર ન રહીએ. રણબીરની ફિલ્મ ફ્લોપ ગઈ એમ શાહરુખ-આમિરની ફિલ્મ પણ ભલે ત્રણ-ચાર વર્ષે આવે, અમને નહીં ગમે તો નહીં જ જોઈએ. સ્ટાર પાવર પર અમે ગમે તે જોઈ લઈએ એ દિવસો હવે ગયા. હમેં ચાહિએ આઝાદી સોરી ક્વાલિટી! હા એમ ક્યારેક કોઈ ‘જયેશભાઈ જોરદાર’ જેવી સારી ફિલ્મ આવે, પણ અમને ન મૂડ હોય તો ન પણ જોઈએ, પણ તમારે તો યાદ રાખીને અમને મજા પડી જાય તેવી ફિલ્મ્સ જ બનાવવાની અને આ શું, તમે ફિલ્મમાં સારા સંદેશ આપો પણ પછી ટીવીમાં ‘જુબાં કેસરી’ બોલતા દોડ્યા આવો છો? તમારી કંઈક સમાજ પ્રત્યે જવાબદારી ખરી કે નહીં? અમારે પછી તમારી વાત માનીને થિયેટરના ખૂણા કેસરી કરવા પડે છે ખબર છે? એમ તમે બધે કેસરી કેસરી કરીને કામ ચલાવી લો એ થોડું ચાલે!
અમને ખબર છે કે હમણાંની મોટા ભાગની ફિલ્મ્સ તમે દેશભક્તિની ફિલ્મ તરીકે ગણીને જ પ્રચાર કરો છો. હા, અમારામાં રાષ્ટ્રપ્રેમ છે, પણ એમ કંઈ અમે બધા જ બેવકૂફ નથી (હા, થોડાક તો બધે હોવાના) કે તમે રાષ્ટ્રપ્રેમના નામે રાષ્ટ્ર કવચ ‘ઓમ’ જેવી નબળી ફિલ્મ બનાવો તો પણ અમે જય હિન્દ કરીને વધાવી લઈએ. એટલે જ અમે તો ભાઈ નક્કી કર્યું છે કે સલમાનની ‘રાધે’ હોય કે અક્ષયની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અમને ફિલ્મ ન ગમે તો ન ગમે. એમ અક્ષય ફિલ્મની રિલીઝ વખતે ભારતભરનાં મંદિરોએ જઈને દર્શન કરે, પણ બીજી બાજુ ‘મારે તો ભાઈ વર્ષનો ફિક્સ ટાર્ગેટ કે આટલી ફિલ્મ્સ બનાવવી એટલે બનાવવી’ એમ કહી કાચીપાકી ફિલ્મ બનાવે તો અમે કંઈ થોડું ચલાવી લઈએ. અમારી માએ પણ સવા શેર સૂંઠ ખાધી છે, અમારે પણ સારી ફિલ્મ્સ જોવાના ટાર્ગેટ છે વળી!
તો આપણે આ જ વાત પર સમાધાન કરીએ કે તમે કંઈક ‘તુંબાડ’, ‘શેરશાહ’, ‘સોનચીરિયાં’, ‘આર્ટિકલ ૧૫’, ‘રામપ્રસાદ કી તેરવી’, ‘શેરની’ જેવી મસ્તમજાની ફિલ્મ્સ બનાવો અને અમે તમને કમાણીની સાથે વખાણ ફ્રીમાં આપીએ બસ!
લિખિતંગ,
એ જ તમારા વહાલા દર્શકો
———–
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિક્કો માત્ર અભિનેતાઓને જ લાગી જાય છે એવું નથી. દિગ્દર્શક અને અન્ય કસબીઓ પણ એની ઝપેટમાં આવી જાય છે. કારકિર્દીના પ્રારંભમાં ‘વૃદ્ધ વ્યક્તિના ગાયક’નો સિક્કો મન્ના ડે જેવા અદ્ભુત ગાયકને લાગ્યો હતો. રિશી કપૂર તો રોમેન્ટિક રોલમાં જ શોભે એવું લેબલ વર્ષો સુધી જોડાયેલું રહ્યું. આવાં બીજાં પણ ઉદાહરણ છે. રવિકાંત નાગાઇચનું નામ પડતાં થ્રિલર ફિલ્મોના દિગ્દર્શક એવી પ્રતિક્રિયા પહેલી આવે. ‘રાની ઔર લાલપરી’ જેવી ફેન્ટસી ફિલ્મ પણ બનાવનાર નાગાઇચની પ્રમુખ ઓળખ નાના બજેટની થ્રિલર ફિલ્મના મેકર તરીકેની છે. હોલીવૂડમાં બોન્ડ ફિલ્મોનો દોર શરૂ થયા પછી હિન્દી ફિલ્મની બોન્ડ આવૃત્તિને જન્મ આપવાનું શ્રેય રવિભાઈને જાય છે. એક રીતે આપણે તેમને ભારતીય બોન્ડના બાપા કહી શકીએ.
૩૦ વર્ષની ઉંમરે તેલુગુ ફિલ્મમાં સિનેમેટોગ્રાફર તરીકે શરૂઆત કરનાર નાગાઇચ પછી હિન્દી ફિલ્મના દિગ્દર્શક બન્યા. ૧૯૬૦ના દાયકામાં જિતેન્દ્રની અને ૧૯૭૦ના દાયકામાં મિથુન ચક્રવર્તીની પહેલી હિટ ફિલ્મ તેમણે ડિરેક્ટ કરી હતી. સાઉથની ફિલ્મોની વિગતવાર જાણકારી તેમને હતી અને એટલે તેમની કેટલીક સફળ ફિલ્મો સાઉથની ફિલ્મોની પ્રેરણા હતી. ‘ધ ટ્રેન’ અને ‘મેરે જીવનસાથી’ જેવી બિગ બજેટ ફિલ્મો બનાવનાર રવિકાંત ‘ફર્ઝ’, ‘કીમત’, ‘સુરક્ષા’ જેવી નાના બજેટની ફિલ્મો સફળ બનાવી શક્યા હતા. ૧૯૭૫માં આવેલી વેસ્ટર્ન ફિલ્મ પર આધારિત ‘કાલા સોના’ પણ તેમની વખણાયેલી ફિલ્મ છે. ‘ફર્ઝ’થી જિતેન્દ્રની અને ‘સુરક્ષા’થી મિથુનની ગાડી ટોપ ગિયરમાં આવી ગઈ એ વાત ઈતિહાસના ચોપડે જમા છે. ૧૯૮૦ના દાયકામાં રવિભાઈએ બે ફિલ્મનું નિર્માણ પણ કર્યું, ‘વારદાત’ અને ‘શપથ’. મિથુનની ફિલ્મ ‘વારદાત’માં ખેતરો પર તીડના આક્રમણની વાત ગૂંથીને અલગ પ્રકારના રહસ્યનો પરચો કરાવ્યો હતો. ‘શપથ’ (૧૯૮૪)માં પોલીસ કમિશનરને કેન્દ્રમાં રાખી વાર્તા શરૂ કર્યા પછી ફિલ્મને એડવેન્ચરનું સ્વરૂપ આપી દીધું હતું. એક આડવાત. ‘શપથ’નાં હીરો-હિરોઈન હતાં રાજ બબ્બર અને સ્મિતા પાટીલ. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું એ દરમિયાન તેમનો રોમેન્સ ‘બાગો મેં બહાર હૈ’ જેવો ખીલેલો હતો. અલબત્ત બંને પ્રોફેશનલ કલાકાર હતાં અને ફિલ્મના શૂટિંગમાં કોઈ સમસ્યા ઊભી નહોતી કરી.
——–
લાસ્ટ શોટ
‘શાબાશ મિતુ’ ફિલ્મે આઠમા દિવસે ફક્ત ૪,૨૮૦ રૂપિયાની કમાણી કરી!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.