મોબાઇલ ફોનનું ઘાતક વળગણ: સુરતમાં મોબાઈલ ફોનના વળગણને કારણે એક કિશોર અને એક કિશોરીએ જીવન ટુંકાવ્યું

આપણું ગુજરાત

લોકોનું જીવન સરળ બનવવા શોધાયેલ મોબાઈલ ફોનના વળગણના ઘાતક કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. મોબાઈલનું વળગણને કારણે ખાસ કરીને કિશોર વયના બાળકોમાં ગંભીર માનસિક સમસ્યાઓ ઉભી થઇ રહી છે. ત્યારે સુરતમાં ૨૪ કલાકમાં જ દિવસમાં એક કિશોર અને એક કિશોરીએ મોબાઈલના કારણે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટનાઓ બની છે. સુરતના લીંબાયતમાં ફોનના વપરાશ બાબતે માતાએ ઠપકો એક કિશોરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું, જ્યારે અન્ય એક બનાવમાં ડિંડોલીમાં મોબાઈલ ફોન રિપેર ન થતાં આવેશમાં આવીને કિશોરીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

પ્રથમ બનાવની મળતી માહિત પ્રમાણે સુરતમાં લિંબાયત રહેતા ૧૭ વર્ષીય અશરફે ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યા બાદ ડ્રોપ લીધો હતો. હાલમાં જ તેણે ધોરણ ૧૧માં પ્રવેશ લીધો હતો. અશરફને મોબાઈલ ફોનનું વળગણ હોય તે મોટા ભાગનો સમય મોબાઇલ ફોનમાં ગેમ રમવામાં અને સોશિયલ મીડિયા જોવામાં ગાળતો હતો. શાળાઓ શરૂ થવાની હોવાથી માતાએ મંગળવારે તેને ભણવામાં સમય આપવાનું કહીને મોબાઇલ ફોન જોવા બાબતે ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠું લાગી આવતાં અશરફે પોતાના ઘરના પહેલા માળે આવેલા રૂમમાં જઇને રૂમને અંદરથી બંધ કરી ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.

જયારે બીજા બનાવમાં ડિંડોલીમાં રેહતી ૧૬ વર્ષની ઉર્વશી ઉર્ફે ટીના ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. હાલમાં તેણે અભ્યાસમાંથી ડ્રોપ લીધો હતો. ઉર્વશીને મોબાઇલ ફોનનું ભારે વળગણ હતું. થોડા સમય પહેલા તેનો મોબાઇલ ફોન બગડી ગયો હતો. પિતાએ મોબાઇલ ફોન રિપેર કરવા માટે દુકાનમાં આપ્યો હતો. જોકે મોબાઇલ રિપેર થવામાં સમય લગતા આવેશમાં આવી ગયેલી કિશોરી ગઈકાલે બુધવારની સંજે ઘરમાં એકલી હતી ત્યારે તેણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

નોંધનીય છે કે હાલમાં જ લખનઉમાં PUBG  ગેમ ન રમવા દેવાને કારણે ગુસ્સે થયેલા ૧૬ વર્ષના કિશોરે તેની માતાની ગોળી મારીને હત્યા કર્યાનો બનાવ બન્યો હતો. એ પછી તે માતાના લાશને ત્રણ દિવસ ઘરમાં છુપાવી રાખેલી. આ ઘટનાની ચર્ચા સમગ્ર દેશમાં થઇ હતી.

બાળકોના મોબાઈલ ફોનના વળગણ તથા અન્ય માનસિક સમસ્યાઓને લઈને વાલીઓ મનોચિકિત્સકોની સલાહ લઇ શકે છે. જરૂર પડ્યે બાળક અથવા તેમના હિતેચ્છુઓ ટોલ ફ્રી ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ પર ફોન કરી મદદ મેળવી શકે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.