બુધવારે સવારે મુરબાડ તાલુકાના સરલગામ પાસે કોરાવળેની હદમાં એક દિપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની માહિતી મળતા જ વન વિભાગ દ્વારા દિપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જીલ્લા પશુ વૈધકીય વિભાગમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ દિપડાનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનો અંદાજ વનવિભાગે વ્યક્ત કર્યો હતો. શારિરિક કારણોસર શિકાર કરવામાં અસમર્થ હોવાથી ભૂખ્યાં રહેવાને કારણે તેનું મૃત્યુ થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
થાણે જિલ્લા અને અહમદનગર જિલ્લામાં ઘણીવાર દિપડા રસ્તા પર ફરતાં જોવા મળે છે. અહમદનગરથી તો એક દિપડો લાંબો પ્રવાસ કરી કલ્યાણ અને અંબરનાથ સુધી પહોંચી ગયો હતો. રેડિયો કોલર હોવાને કારણે આ દિપડાના પ્રવાસની જાણકારી મળી રહી હતી. આ દિપડાએ અનેક પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા. વચ્ચે બદલાપુરમાં પણ દિપડો દેખાયો હોવાની જાણ થઇ હતી અને હવે મુરબાડના સરળગામ પાસેના કોરાવળેમાં દિપડાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.
દિપડાનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર મળતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારે આ દિપડો મૃત અવસ્થામાં હતો અને તેના શરીર પર કીડા ફરી રહ્યાં હતા. તેથી આ દિપડાનું મૃત્યુ ત્રણ થી ચાર દિવસ પહેલા થયું હોવાની આશંકા સ્થાનીક વનક્ષેત્રપાલ દર્શના પાટિલે વ્યક્ત કરી હતી. દિપડાનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે તેવી જાણ પણ દર્શના પાટીલે કરી હતી. આ પરિસરમાં દિપડાની અવર-જવર હોવાનું અગાઉ પણ જાણવા મળ્યું હતું. આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા લગાવવામાં આવેલ ટ્રેપ કેમેરામાં થોડા દિવસ પહેલાં એક દિપડાનો ફોટો જોવા મળ્યો હતો. હવે એ આ જ દિપડો છે કે શું એ અંગે વન વિભાગે શંકા વ્યક્ત કરી હતી.
મુરબાડ પાસે દિપડાનો મૃતદેહ મળી આવ્યો : કુદરતી મૃત્યુની નોંધ
RELATED ARTICLES