દાદરના કચ્છી વેપારીના પુત્રનો મૃતદેહ વિરારમાં ફાર્મ હાઉસ નજીકથી મળ્યો: આત્મહત્યાની શંકા

આમચી મુંબઈ

કલ્પેશ મારૂએ અગાઉ ચાર વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો: પોલીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદરના કચ્છી વેપારીના ૪૬ વર્ષના પુત્ર કલ્પેશ મારૂનો મૃતદેહ ગુરુવારે વિરારમાં હાઇવે નજીક ફાર્મ હાઉસના ગેટ પાસેથી મળી આવ્યો હતો. મૃતદેહ પાસેથી પોલીસને ઠંડા પીણાની બોટલ મળી આવી હોઇ કલ્પેશ મારૂએ વધુ પડતી ગોળીઓ પીને આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કલ્પેશ મારૂએ અગાઉ પણ ચાર વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, એવું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું. કલ્પેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ શુક્રવારે તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો.
કચ્છી વિશા ઓશવાળ સમાજના અગ્રણી અને દાદરમાં સુવિધા શોરૂમ ધરાવતા તેમ જ દાદર પશ્ર્ચિમ સ્થિત ડી.એલ. વૈદ્ય માર્ગ પર સમૃદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેનારા શાંતિલાલ મારૂનો પુત્ર કલ્પેશ ૧૫ ઓગસ્ટે કોઇને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો અને બાદમાં ગુરુવારે મુંબઈ-અમદાવાદ હાઇવે પર વિરારમાં શિરસાડ ફાટા ખાતે આવેલા વર્તક ફાર્મ હાઉસના ગેટ નજીકથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પ્રફુલ વાઘે ‘મુંબઈ સમાચાર’ને માહિતી આપતાં કહ્યું હતું કે ફાર્મ હાઉસના ગેટ નજીક પડેલા કલ્પેશ પર ત્યાંના વોચમેનની નજર પડી હતી. આથી તેણે પોલીસને જાણ કરી હતી. કલ્પેશના મોઢા અને નાકમાંથી ફીણ નીકળી રહ્યું હતું. કલ્પેશને ત્વરિત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. પોલીસને ઘટનાસ્થળેથી બોટલ તથા બેગ મળી આવી હતી. બેગમાંથી આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યા હતા, જેના પરથી મૃતકની ઓળખ થઇ હતી. બેગમાંથી અમને દવાઓની ખાલી સ્ટ્રીપ્સ પણ મળી હતી, એમ પ્રફુલ વાઘે જણાવ્યું હતું.
અમે ત્યાર બાદ દાદર પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ત્યાંથી કલ્પેશના પરિવારજનોનો નંબર મેળવીને તેમને કૉલ કર્યો હતો. કલ્પેશના પરિવારજનો તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવવાના હતા. જોકે એ અગાઉ અમે તેમનો સંપર્ક સાધીને તેમને ઘટનાની જાણ કરી હતી, એમ જણાવી વાઘે ઉમેર્યું હતું કે કલ્પેશના પિતા શાંતિલાલ પાસેથી અમને જાણવા મળ્યું હતું કે કલ્પેશ અગાઉ પણ ચારથી પાંચ વખત ઘરેથી નીકળી ગયો હતો અને ચારથી આઠ દિવસ બાદ ઘરે પાછો ફર્યો હતો. તે એક વાર જોગેશ્ર્વરીમાં પડી ગયો હતો. એ સમયે તેને સમયસર સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
કલ્પેશને સાઇકોલોજિકલ પ્રોબ્લેમ હતો અને તેની સારવાર ચાલી રહી હતી. તે હંમેશાં પોતાની દવા સાથે રાખતો હતો. તે ડિપ્રેશનમાં આવે ત્યારે વધુ પડતી ગોળીઓ પી લેતો હતો. કલ્પેશ પરિણીત હતો અને તેને સંતાન છે, એમ તેમના પિતાએ જણાવ્યું હોવાનું વાઘે કહ્યું હતું.
દરમિયાન કલ્પેશના પિતા શાંતિલાલ મારૂએ જણાવ્યું હતું કે કલ્પેશ સુવિધા ગ્રુપનો ડિરેક્ટર હતો. તે અગાઉ પણ દર્શને જઇ રહ્યાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો અને બાદમાં પાછો ફર્યો હતો. જોકે ૧૫ ઓગસ્ટે તે કોઇને પણ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. કલ્પેશ વિરાર શા માટે ગયો એ અમને ખબર નથી. કલ્પેશે અગાઉ પણ ચાર વખત વધુ પડતી ગોળીઓ પી લીધી હતી. તે ડિપ્રેશનમાં આવે ત્યારે આવું કરતો હતો.
શાંતિલાલ મારૂના નજીકના મિત્ર ધીરજ છેડાએ કલ્પેશના મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી કલ્પેશની માનસિક સ્થિતિ સારી નહોતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.