રાજસ્થાનની રાજધાની જયપુરમાં સોમવારે ધોળે દહાડે બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે, જ્યાં શ્યામ નગર વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકમાં બદમાશોએ હાથ સાફ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, બદમાશોએ જયપુરના શ્યામ નગર વિસ્તારના DCM ચારરસ્તા પાસે ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. બદમાશોએ બેંકમાં પ્રવેશ કર્યો હતો અને બંદૂકની અણીએ બેંકની તિજોરી લૂંટીને ફરાર થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બદમાશો બેંક ખૂલતાની સાથે જ અંદર ઘુસી ગયા હતા અને તિજોરી ખોલીને લૂંટ ચલાવી બેંકના કર્મચારીની બાઇક પર ફરાર થઇ ગયા હતા. આજે સવારે લગભગ 10 વાગે આ ઘટના બની હતી.
સવારે લગભગ 10 વાગ્યે બેંક ખુલતાની સાથે જ 2 બદમાશો ત્યાં પહોંચ્યા હતા. તેમણે બેંકના સ્ટાફને ચાકુ બતાવીને ધમકાવ્યા હતા અને પછી તિજોરી ખોલીને રોકડ લઈ ફરાર થઇ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ લગભગ 10 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ બેંકમાં અંધાધૂંધી મચી ગઈ હતી અને શ્યામ નગર પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવી હતી.બદમાશોનો કોઈ સુરાગ હજી સુધી મળ્યો નથી અને પોલીસે બદમાશોને ઝડપી લેવા સમગ્ર શહેરમાં નાકાબંધી કરી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં બદમાશોને પકડી લેવામાં આવશે.