Homeલાડકીતમિળ બ્રાહ્મણ પરિવારની દીકરી, હિન્દી પોપની મહારાણી

તમિળ બ્રાહ્મણ પરિવારની દીકરી, હિન્દી પોપની મહારાણી

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૧)
નામ: ઉષા ઉત્થુપ
સ્થળ: સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાત્તા
સમય: ૨૦૨૩
ઉંમર: ૭૫ વર્ષ
ચઢતી લહર જૈસે ચઢતી જવાની
ખિલતી કલી સા ખિલા રૂપ
જાને કબ કૈસે કહાઁ
હાથોં સે ફિસલ જાયે જૈસે
ઢલ જાએ ચઢી ધૂપ
nce in every lifetime
Comes a love like this
I Need you, you need me
Oh my honey, can’t you see, અને हरि ॐ हरि
તમને બધાને યાદ હશે, આ અવાજ. ‘પ્યારા દુશ્મન’ નામની ફિલ્મ, જેમાં કલ્પના ઐયરનો કેબ્રે ખૂબ જ લોકપ્રિય થયેલો. એ ૧૯૮૦નો સમય હતો. ત્યારે બપ્પી લહેરીની કારકિર્દી ટોપ પર હતી. આમ તો ૧૯૬૫-૬૬થી જ આર.ડી. બર્મને હિન્દી સિનેમાના સંગીતને એક નવો ઓપ આપવાનું શરૂ કરી દીધું હતું. જેમાં, ‘હરે રામ હરે કૃષ્ણ’ નામની ફિલ્મમાં મને પહેલીવાર ગાવાનો ચાન્સ મળ્યો. આશા ભોંસલે જેવી મંજાયેલી અને પ્રસિદ્ધ ગાયિકા સાથે ગાવાની તક મારે માટે બોલીવુડના દરવાજા ખોલશે એવું મેં ધાર્યું નહોતું, પરંતુ એ ગીતના ખૂબ વખાણ થયા એટલું જ નહીં, યુવા પેઢીમાં એ ગીત ખૂબ લોકપ્રિય થયું. કદાચ એટલા માટે કે, એ વખતે આઝાદીને ૩૦ વર્ષ ઉપર થઈ ચૂક્યા હતા. એક એવી પેઢી યુવાન થઈ હતી જે પશ્ર્ચિમ તરફ આકર્ષાયેલી હતી. પશ્ર્ચિમની વેશભૂષા, ત્યાંનું સંગીત અને સાથે સાથે ‘હિપ્પી કલ્ચર’નો વાયરો એ સમયમાં વહેતો થયેલો.
એક ઘેરો ઘૂંટાયેલો અવાજ એ વખતે બોલીવુડના સંગીતમાં જે રીતે દાખલ થયો એ જરા નવાઈની અને પ્રમાણમાં અસ્વીકાર્ય બાબત હતી. એ લતા મંગેશકર અને આશા ભોંસલેનો સમય હતો. બોલીવુડની સંગીત ઈન્ડસ્ટ્રી પર આ બે બહેનો રાજ કરતી એમ કહીએ તો ખોટું નહીં! સુમન કલ્યાણપુર, વાણી જયરામ જેવી કોકિલકંઠી ગાયિકાઓની કારકિર્દી શરૂ થાય તે પહેલાં જ લપેટાઈ ગયેલી. મને બોલીવુડમાં કોઈ ચાન્સ મળશે એવી તો મારી કલ્પના પણ નહોતી… બાય ધ વે, મારો કોઈ ઈરાદો પણ નહોતો કે, હું બોલીવુડમાં કારકિર્દી બનાવું. નવાઈની વાત તો એ છે કે, સંગીતમાં કારકિર્દી બનાવવાનો પણ મેં વિચાર નહોતો કર્યો!
આજે ૭૫ વર્ષની ઉંમરે મેં ૧૬ ભાષાઓમાં ગીતો ગાયાં છે. જેમાં બંગાળી, હિન્દી, પંજાબી, આસામી, ઉડિયા, ગુજરાતી, મરાઠી, કોકણી, મલયાલમ, કન્નડ, તમિળ, તુલુ અને તેલુગુ જેવી ભારતીય ભાષાઓ સહિત અંગ્રેજી, ડચ, ફ્રેન્ચ, જર્મન, ઈટાલિયન, સિંહવાલી, સ્વાહિલી, રશિયન, નેપાળી, અરબી, ક્રિઓલ, ઝુલુ અને સ્પેનિશ જેવી ભાષાઓમાં પણ મેં ગાયું છે. ૧૫૦થી વધુ લોકપ્રિય ગીતો સાથે આજે મારા ૪૩થી વધારે આલ્બમ્સ બહાર પડી ચૂક્યાં છે.
મારો જન્મ ૧૯૪૭માં થયો છે. ભારતની આઝાદીના સમયમાં. મેં જ્યારે ગાવાનું શરૂ કર્યું ત્યારે ૬૦નો દાયકો હતો. શંકર જયકિશન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, એસ.ડી. બર્મન અને નૌશાદ, ખય્યામના પ્રશંસકો ઉપર હિન્દી સિનેમાનાં ગીતોની લોકપ્રિયતાનો આધાર હતો. આ એવો સમય હતો જ્યારે આર.ડી. બર્મન પણ સ્વતંત્ર સંગીતકાર બનવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. મહેમુદ સાહેબે સ્વતંત્ર સંગીતકાર તરીકે પોતાની પહેલી ફિલ્મ ‘ભૂત બંગલા’ (૧૯૬૫) આપી… એ ફિલ્મ તો ખાસ સફળ ન થઈ, પરંતુ ૧૯૬૬માં ‘તીસરી મંઝિલ’ ફિલ્મે આર.ડી. બર્મનને નવી ઓળખ આપી, અને સાથે જ હિન્દી સિનેમાના સંગીતને પણ એક નવો, ફ્રેશ સૂર મળ્યો.
હિન્દી પોપ, એ વખતે એક નવો જ કોન્સેપ્ટ હતો જ્યારે મેં ગાવાનું શરૂ કર્યું. એ શાસ્ત્રીય સંગીતના રાગો પર આધારિત ફિલ્મી ગીતોનો સમય હતો. ‘ડિસ્કો’ શબ્દ તો જાણે સુગાળવી નજરે જોવામાં આવતો… દરેક ડિસ્કો જાણે વિદેશી ધૂનની ચોરી હોય એવી રીતે અન્ય સંગીતકારો એવાં ફિલ્મી ગીતોનો વિરોધ કરતાં, ટીકા કરતાં અને
પ્રેક્ષકો પણ આવાં ગીતોને ખાસ સ્વીકારતા નહીં. હું ગાઈ શકીશ, અને એ પણ જાહેર પ્લેટફોર્મ પર… એવી મને પણ ખબર નહોતી.
મારો જન્મ તામિલનાડુમાં મદ્રાસ (આજે ચેન્નાઈ)માં એક તામિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એ ચાર બહેનો હતી અને એક ભાઈ. ઉમા, ઈન્દિરા, માયા અને ઉષા. એક ભાઈ જેનું નામ શ્યામ. મારા પિતા પોલીસમાં હતા. ભાયખલ્લામાં આવેલી લોવલેન પોલીસ ક્વાર્ટર્સમાં અમે રહેતા અને અમે બધાં જ ભાઈ-બહેન સેન્ટ એગ્નેસ હાઈસ્કૂલમાં ભણતાં. મારી બંને બહેનો સારું ગાતી, પરંતુ મને મ્યુઝિક ક્લાસમાંથી બહાર કાઢી નાખવામાં આવી હતી. અમારા સંગીત શિક્ષકને લાગેલું કે, મારો અવાજ ઘણો ઘોઘરો અને સંગીત માટે અનફિટ છે. જોકે, અમારા ઘરમાં સંગીતનું વાતાવરણ હતું. મારા માતા-પિતા કિશોરી અમોનકર, બડે ગુલામ અલી ખાં સાહેબ અને બીજા અનેક શાસ્ત્રીય સંગીતકારોને સાંભળતા. અમારા ઘરમાં રેડિયો સિલોન નિયમિત રીતે વાગતું. અમીન સયાનીના અમે બધા જબરજસ્ત ફેન હતા. સાથે સાથે અમારા ઘરમાં કર્ણાટકી સંગીત અને પશ્ર્ચિમી સંગીત પણ સાંભળવામાં આવતું. મારા પિતા ક્ધટ્રી મ્યુઝિકના ફેન હતા. એલ્વિસ પ્રેસ્લી અને બિટલ્સ એ સમયે ખૂબ પ્રસિદ્ધ હતા. અમારા ઘરમાં ગ્રામોફોન રેકોર્ડનું વાજુ હતું. મારા પિતા એલ.પી. રેકોર્ડ્સ લઈ આવતા. અમે બધા સાથે મળીને સંગીત સાંભળતા. ક્યારેક અમે ભાઈ-બહેનો એ સંગીતની ધૂન પર ડાન્સ કરતાં…
અમારી બાજુમાં એસ.એમ.એ. પઠાણ રહેતા. જે એ સમયના પોલીસ કમિશનર હતા. અમારા પરિવારની સાથે એમને ખૂબ ઘરોબો હતો. અમે ચાર બહેનો અને એમને એક જ દીકરી જમિલા, એટલે જમિલા પોતાનો અડધો દિવસ અમારા ઘરે જ વીતાવતી. જમિલાને જોઈને હું પણ સલવાર કમીઝ પહેરતી થઈ ગઈ. એના પિતા પણ સંગીતના ચાહક હતા. એમણે મારા પિતાને સલાહ આપી કે, મારો અવાજ બીજા કરતાં જુદો છે, પણ જો એને સરખી રીતે કેળવવામાં આવે તો હું ગંગુબાઈ હંગલ અને મોગુબાઈ કર્ડીકર જેવી ગાયક બની શકું. એમણે મારા અવાજના ઘેરાપણા તરફ મારા પિતાને સજાગ કર્યા. મારા પિતા મને શાસ્ત્રીય સંગીત શીખવવા તૈયાર થયા અને પહેલી વખત મારી સંગીતની તાલીમ શરૂ કરવામાં આવી.
જોકે, મને કોઈ દિવસ મારા દેખાવ કે અવાજ વિશે કોન્શિયન્સ કરવામાં આવી નથી. મારા માતા-પિતાએ કોઈ દિવસ મારી બીજી બહેનોની સરખામણી મારા દેખાવ સાથે કરી નહીં, કદાચ એટલે જ મારામાં આત્મવિશ્ર્વાસ ભરપૂર હતો. મારી બહેને સંગીતને પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધું હતું. એ ગાળામાં રેડિયો સિલોને એક હરીફાઈ યોજી હતી જેમાં નવા અવાજને તક આપવાનું આયોજન હતું. હું નવ વર્ષની હતી ત્યારે મારી બહેન મને પોતાની સાથે રેડિયો સિલોનની એ હરીફાઈમાં લઈ ગઈ. બાકીના હરીફો કરતાં હું બહુ નાની હતી તેમ છતાં મને હરીફાઈમાં ભાગ લેવાની તક મળી અને મેં ‘મોકિંગબર્ડ’ નામનું ગીત ગાયું, જે વધુ આજના ‘રેપ સોન્ગ’ જેવું હતું. અમીન સયાનીએ એ ગીતનો નાનકડો ટુકડો રેડિયો સિલોન પર વગાડ્યો અને ‘ઓવલટાઈન’ નામના એક દૂધ સાથે પીવાના (બોર્નવીટા જેવા) ડ્રીન્કની જાહેરાત ગાવાની મને તક મળી.
એ પછી જાણે કે જિંગલ અને પશ્ર્ચિમી ધૂન પર આધારિત ગીતોનો રાફડો ફાટ્યો. એ જ ગાળામાં મને પબ્લિક શોની (સ્ટેજ શો)ઓફર આવવા લાગી. મુંબઈની અનેક પ્રતિષ્ઠિત નાઈટ ક્લ્બ્સમાં ગાવા માટે મને આમંત્રણ મળવા લાગ્યા.
હું જે પ્રકારનાં ગીતો ગાતી એમાં સ્વાભાવિક હતું કે, પશ્ર્ચિમી ગાઉન્સ અને ફેશનેબલ વસ્ત્રો પહેરું એવી સૌની અપેક્ષા હોય… મારા પિતાએ મને બેસાડીને સમજાવી, ‘ભારતીય પરિધાન જેટલું સેક્સી બીજું કોઈ પરિધાન નથી. સાડીમાં સૌંદર્ય છે, શૃંગાર છે અને છતાં સભ્યતા છે. તું ભલે નાઈટ ક્લ્બ્સમાં ગાવા જાય, પણ હું ઈચ્છું છું કે, તું આપણી પરંપરાગત વેશભૂષા છોડે નહીં…’ મારા ઉપર એમની વાતની ઊંડી અસર થઈ અને મેં કાંજીવરમ સાડી સાથે માથામાં ગજરા નાખીને પાશ્ર્ચાત્ય સંગીત, અને હિન્દી પોપ ગીતો ગાવાના શરૂ કર્યાં. ધીરે ધીરે એ મારી ઓળખ બની ગઈ. હું સાડી જ પહેરતી, સુંદર પરંપરાગત દાગીના અને માથામાં ગજરો, મોટો ચાંદલો અને સુંદર આઈ મેક-અપ સાથેની મારી ઓળખ માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ લોકપ્રિય થવા લાગી.
એ હદ સુધી કે પેરિસની ક્લબ ‘મોલાં રૂશ’માં મને ગાવા બોલાવી ત્યારે મારી વેશભૂષા સાથે મેચ કરવા માટે એ દિવસે વેઈટ્રેસ અને મારી સાથે રિધમ પર જોડાનાર તમામ સ્ત્રીઓએ સાડી પરિધાન કરી! (ક્રમશ:)

1 COMMENT

  1. આજે ૭૫ વર્ષની ઉંમરે મેં ૧૬ ભાષાઓમાં ગીતો ગાયાં છે. જેમાં બંગાળી, હિન્દી, પંજાબી, આસામી, ઉડિયા, ગુજરાતી, મરાઠી, કોકણી, મલયાલમ, કન્નડ, તમિળ, તુલુ અને તેલુગુ જેવી ભારતીય ભાષાઓ સહિત અંગ્રેજી, ડચ, ફ્રેન્ચ, જર્મન, ઈટાલિયન, સિંહવાલી, સ્વાહિલી, રશિયન, નેપાળી, અરબી, ક્રિઓલ, ઝુલુ અને સ્પેનિશ જેવી ભાષાઓમાં પણ મેં ગાયું છે. ૧૫૦થી વધુ લોકપ્રિય ગીતો સાથે આજે મારા ૪૩થી વધારે આલ્બમ્સ બહાર પડી ચૂક્યાં છે.

    ઊપર ના લખાણ મુજબ ગુજરાતીનું કયું ગીત ગુજરાતી ગીત ગાયું ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular