Homeરોજ બરોજખજૂર હવે સોના જેટલું દુર્લભ: વૈશ્ર્વિક મોંઘવારી સામે ટકી રહેશે ભારત?

ખજૂર હવે સોના જેટલું દુર્લભ: વૈશ્ર્વિક મોંઘવારી સામે ટકી રહેશે ભારત?

રોજ બરોજ – અભિમન્યુ મોદી

અફઘાન જલેબી અને ઈરાકના ખજૂર, આ બે ગળચટ્ટી જણસનું નામ સાંભળીને અફઘાનિસ્તાનનો ક્રૂર આતંક અને ઈરાકનો યુદ્ધસંગ્રામ ક્ષણભર માટે વિસરાઈ જાય. શિયાળાની ઋતુ એટલે પોષણની મોસમ, શિયાળામાં ફળ અને શાકભાજીનો ઉત્તમ પાક ઉતરે છે. એટલે જ શિયાળાને સ્વાસ્થ્યવર્ધક કહેવામાં આવે છે. શિયાળો આવે અને જીભને ચટાકા મળે એવી વાનગીઓ યાદ આવે અને તેની સાથે અળદીયા તથા મધ મીઠી ખજૂરની મિજબાની માણવાનું મન થઈ જાય. મુંબઈમાં સામાન્યરીતે બજારમાં આવતી ખજૂર ૧૫૦-૨૦૦ રૂપિયામાં ૫૦૦ ગ્રામના પેકીંગમાં મળી જાય પરંતુ ૫૦૦ ગ્રામના એક હજાર રૂપિયા ચૂકવવા પડે તો?
ટૂંક સમયમાં આવી જ સ્થિતિ ઉત્પન્ન થશે. કારણ? ઈરાન-ઇરાકમાં સાડા ત્રણસો કરતા વધારે પ્રકારના ખજૂર મળી આવે છે. તેમાંથી ૧૬૦ જેટલી વિભિન્ન જાતો મધ્ય અને દક્ષિણ ઇરાનમાં ઉત્પન્ન થાય છે. આજે ઇરાકની રાજધાની બગદાદનાં દક્ષિણ પ્રાંતના કરબલા શહેરમાં સૂર્યદેવ આકાશમાંથી અગનજ્વાળા વરસાવે છે ૪૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે હવાની થોડીક જ ગતિવિધિ અથવા તો હલચલથી ધૂળના ગોટેગોટા ઊઠી રહ્યા છે. છતાં પણ પ્રાંતની રાજધાની કરબલા શહેરથી બહાર રણપ્રદેશના એક ખૂણે ખજૂરની ૧૬૦ જાતનાં આશરે ૭૦ હજાર વૃક્ષો ધરાશાયી થયેલા છે. કઠિયારા આવીને તેની કપાયેલી શાખાઓને એકઠી કરી રહ્યા છે. આ એવા વૃક્ષ હતા જેણે વર્ષો સુધી લોકોના રુક્ષ થયેલા જીભના સ્વાદને ખજૂરના ગળપણથી તરબોર કર્યા હતા. પરંતુ ચારેકોરથી નીકળતી ગરમી વૃક્ષને ભરખી ગઈ. આ વૃક્ષો જ ખજૂરને પેદા કરતાં હતા હવે ઉદ્ગમ સ્થાન જ વેરાન બન્યું એટલે ભાવ તો વધશે ને..
છેલ્લા કેટલાક દાયકાઓમાં ઇરાકમાં ખજૂરના વૃક્ષોની સંખ્યા અડધી રહી ગઇ છે. ૧૯૮૦-૧૯૮૮ના ઇરાક-ઇરાન યુદ્ધ, ૧૯૯૦-૯૧ના પ્રથમ અખાત યુદ્ધ અને ૨૦૦૩માં અમેરિકાનાં હુમલા જેવા યુદ્ધના કારણે હજારો વૃક્ષો નષ્ટ થઇ ગયા છે. દરેક યુદ્ધ બાદ અરાજકતા ફેલાઇ રહી છે. લોકોએ પોતાના એપાર્ટમેન્ટ બનાવવા માટે વન્ય અને બાગબગીચાને કાપી નાંખ્યા છે. કુવૈત, ઇરાન જેવા સરહદી વિસ્તારોમાં ખજૂર, તાડનાં વૃક્ષો બોંબમારામાં નષ્ટ થઇ ગયા છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ૧૯૨૮માં લખેલું ‘વૃક્ષો પૃથ્વી દ્વારા અવિરત રીતે સ્વર્ગ સાથે વાતો કરે છે. પણ તેમાંય જો રણમાં ખજૂરીનું વૃક્ષ હોય તો ખજૂરી સ્વર્ગ નહીં પણ પૃથ્વીના રણમાં એટલો કસ ખેંચે છે કે ખજૂરી તેના ફળ-ખજૂર દ્વારા માનવોને સ્વર્ગીય-દેવોનો ખોરાક પૂરો પાડે છે.’ પરંતુ આજે ઇરાકના રણ પ્રદેશમાં વેરાન ભૂમિ ખજૂરના વૃક્ષોની યશોગાથાને કહી રહી છે.
હાલમાં ખૂબ ગાજેલા પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, ગાંધીજી, મોરારજી દેસાઈ એ બધામાં કોમન શું છે? બધાને ખજૂર અતિપ્રિય. મુસ્લિમ સમુદાય રમઝાનના રોઝા-ઉપવાસ ખજૂરથી તોડે છે. નાઈજિરિયાના મુસ્લિમો ‘આબિદ રહીમ’ નામની ખજૂરથી જ ઉપવાસ તોડે છે. આમ તો સૌથી સસ્તી ખજૂર ઈજિપ્તમાં પાકે છે. પણ દરેક ચળકતી ચીજ જેમ સોનું નથી તેમ ખજૂરનો ખરો ટેસ્ટ અને જાયફત માણવી હોય તો ઈરાકનો ખજૂર અચૂક આરોગવો જોઇએ. બાઇબલમાં પચાસ વખત અને કુરાનમાં ૨૦ વખત ખજૂરનો આહાર તરીકે ઉલ્લેખ આવે છે.
ઈજિપ્ત અને બગદાદના આરબો મુંબઈ આવતા ત્યારે ખાસ ખજૂરના વહાણ ભરીને આવતા, લીબિયા તો લોહિયાળ ક્રાંતિથી દૂર ચાલ્યું ગયું છે પણ જ્યારે લીબિયાના આરબો ટ્રીપોલીથી મુંબઈ આવતા ત્યારે ‘હલીમા’ નામની ઉત્તમ ખજૂર લાવતા. ગાઝા સ્ટ્રીપ જ્યાં અમુક પ્રદેશ પેલેસ્ટાઈની આરબો પાસેથી ઈઝરાયલે પડાવી લીધો છે ત્યાં ‘દાયર-અલ-બલાહ’ નામનું ગામ છે. તે અરબી શબ્દનો અર્થ જ ‘ખજૂરનું ગામ’ થાય છે. એ ગામની ખજૂર વખણાય છે. આમ તો સાઉદી, ઈરાક, ઈરાન, પાકિસ્તાન, તુર્કી વગેરે રાષ્ટ્રો મીઠી ખજૂરને કારણે પણ મબલખ કમાણી કરે છે છતાં વિશ્ર્વને આતંકની કડવી વાતો જ ફેલાવે છે.
ભાગલા વખતે ભારતના નસીબમાં ખજૂરીનાં વૃક્ષો ન આવ્યાં. પાકિસ્તાનને થોકબંધ ખજૂરીનાં વૃક્ષો મળ્યાં અને ઘણા આરબ દેશો કરતાં પાકિસ્તાનમાં વધુ ખજૂર પાકે છે. ખજૂરને ઉદૂર, સંસ્કૃત, ક્ધનડ, તમિળ અને બંગાળી એ બધી ભાષામાં અનુક્રમે ખજૂર, ખરજુરા, ખરજુરમ અને બંગાળીમાં પણ ખજૂર જ કહે છે. ખજૂર તમને કુદરતી સ્વરૂપે લોહતત્ત્વ, કેલ્શિયમ અને પોટેશિયમ પૂરાં પાડે છે. ખજૂર તો વિટામીન-એ, બી અને ફોસ્ફરસનાં તત્ત્વોનું ટ્રેઝર હાઉસ છે. પરંતુ ઘણા ધનિકો ઠળિયા વગરની ખજૂર ઊંચી માને છે, પરંતુ આયુર્વેદના મતે ઠળિયાવાળી ખજૂર જ વધુ પોષણદાયી હોય છે.
વિસનગરમાં તો છેલ્લા ૧૫૦ વર્ષથી ખજૂરને પામવા પરંપરાગત ખાસડા યુદ્ધ થાય છે. આ યુદ્ધમાં જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જતું હોવાની માન્યતા છે. આ યુદ્ધમાં નગરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યુદ્ધ બાદ ખજૂર ભરેલો ઘડો મેળવવા બે જૂથે પડાપડી કરવાની પણ પરંપરા છે. યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરેઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચે છે.
દુબઈ જગતમાં ત્રીજા નંબરની ખજૂર પકાવતો દેશ છે. એટલે જ અમેરિકામાં વસતા ધનિક આરબો અને તેમના અમેરિકન મિત્રો ખજૂર અને બદામની બ્રેડ ખાય છે. જોકે કેલિફોર્નિયાના લોકો ખજૂરને વંઠાવીને ખાય છે. શોખીન-અમેરિકન-આરબો-મુસ્લિમો જેને શેમ્પેન આપવું હોય તો ખજૂરમાંથી ખાસ પ્રકારનું નોન-આલ્કોહોલીક શેમ્પેન પણ બને છે. નાઈજિરિયામાં બિયરને ઓછો નશો કરનારું બનાવવા તેમાં ખજૂરનો રસ નંખાય છે. અરે! આરબ રાષ્ટ્રોનાં ઊંટ, અશ્ર્વ અને શ્ર્વાન અતિ ભાગ્યશાળી છે કે તેમને સુકવેલી ખજૂરની મિજબાની માણવા મળે છે.
આવી સ્નેહની મીઠી વીરડી સમી ખજૂર તેના ઉદગમ સ્થાનમાં જ નાશવંત થઈ જાય તો શું થાય? મોંઘવારીનો માર સહન કરવો. ભારતનો એક વર્ગ તો આજે પણ કેરીને ૨૫૦ ગ્રામ ખરીદવાનું જ પસંદ કરે છે. કારણ કે આમ્રકુંજની આદત પડી જાય તો તેના વધતા ભાવને કઈ રીતે અટકાવવા! નિભાવ ખર્ચની માસિક જવાબદારી વધી જાય તો બચતમાં ગાબડું પડે અને વર્ષાન્તે થતા ગણિતમાં ગોટો થાય. તો મોંઘી ખજૂરને કોણ ખરીદે?
ઈરાકમાં ૨૦૦૬ બાદ કર્બલા પ્રાંતમાં હરિયાળી ૪૦ ટકા ઓછી થઇ ગઇ છે. કર્બલા શહેરની આસપાસ સ્થિત ખેતીની ફળદ્રુપ જમીન ખતમ થઇ ગઇ છે. ભેજની કમી અને ગરમી વધારે હોવાના કારણે ખુબ ઓછા વૃક્ષો ઉત્પન્ન થઇ રહ્યા છે. આના કારણે રણવિસ્તારમાં વધારો થયો છે. કર્બલામાં ૧૯૭૯થી ૨૦૧૯ની વચ્ચે તાપમાન ૧.૬ ડિગ્રી વધ્યું છે. આ સમયગાળામાં ગ્લોબલ સરેરાશ ૦.૭૨ ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે. યુદ્ધ તો ક્યારે અટકશે એ લડનાર સૈનિકને પણ ખબર નથી. પરંતુ યુદ્ધના કારણે ઇરાકની ભૌતિક સંપદા લુપ્ત થઈ રહી છે તેના પર સત્તાધિશોએ ધ્યાન દેવું જરૂરી છે.
અર્થતંત્ર પર મંદીનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. કોરોના મહામારીની હજી સુધી ટકી રહેલી અસરો, યુક્રેન યુદ્ધ અને આબોહવા પરિવર્તનને કારણે અનેક દેશોમાં ત્રાટકતી કુદરતી આપત્તિઓને કારણે વૈશ્ર્વિક અર્થતંત્રનું માળખું સમૂળું બદલાઈ રહ્યું છે. અત્યાર સુધી તે મહંદઅંશે આગાહીપાત્ર હતું. હવે તે વધુ બટકણું બની ગયું છે. અનિશ્ર્ચિતતા, આર્થિક ચંચળતા અને અસ્થિરતા, ભૌગોલિક-રાજકીય તંગદિલી અને ઉપરાછાપરી આવતી ઉગ્ર કુદરતી આપત્તિઓથી ભાવિ સંયોગો ધૂંધળા બની ગયા છે. કોઈ પણ દેશની ગાડી ગમે ત્યારે આડે પાટે ચડી જવાની શક્યતા વધી ગઈ છે. પ્રવર્તમાન સમયમાં ભારતનું અર્થતંત્ર અનેક પ્રતિકૂળતાઓ વચ્ચેથી માર્ગ કાઢતું મંદ ગતિએ આગળ વધતું જાય છે, વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા પર વિપત્તિનાં વાદળો વધુ ઘેરાં બની રહ્યાં છે. ત્યારે જોવાનું રહેશે કે ખજૂરના વધતા ભાવ ભારતના અર્થતંત્ર પર કેવી અસર કરશે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular