અમેરિકા પહેલાં દારા સિંહની ‘चांद पर चढाई’

મેટિની

હેન્રી શાસ્ત્રી

દિવસ હતો ૨૦ જુલાઈ, ૧૯૬૯. અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પગ મૂક્યો અને વિજ્ઞાન વિશ્ર્વમાં ક્રાંતિકારી કદમના મંડાણ થયા. જોકે, આ અદભુત ઘટનાના બે વર્ષ પહેલા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિ તરીકે કુસ્તીબાજ અને કલાકાર દારા સિંહે ‘ચાંદ પર ચઢાઈ’ (૧૯૬૭) કરી હતી એની મોટાભાગના લોકોને જાણ નહીં હોય. અલબત્ત બંનેમાં આસમાન જમીનનો ફરક છે. ૧૯૬૯નો બનાવ હકીકત છે જ્યારે ૧૯૬૭ની વાત કલમની કલ્પના છે જે ફિલ્મ સ્વરૂપે રૂપેરી પડદે અવતરી હતી. આર. માધવનની ‘રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ’ રિલીઝ થઈ છે એ નિમિત્તે Sci – Fi (Science Fiction) ફિલ્મો અંગે જાણવાની વધેલી ઉત્સુકતાને પગલે ‘મુંબઈ સમાચાર’ના વાચકો માટે રસપ્રદ જાણકારી રજૂ કરી છે. સાયન્સ ફિક્શન એ પ્રકાર છે જેમાં વિજ્ઞાન દ્વારા પ્રમાણિત ન થઈ હોય એવી વાત – વિષય (પરગ્રહવાસી, બીજા ગ્રહમાં પ્રવાસ, અન્ય ટેકનોલોજી વગેરે)ની રજૂઆત કરવામાં આવે છે.
જુલે વર્નની નવલકથા ‘ટવેન્ટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી’માં કાલ્પનિક સબમરીનનું વર્ણન આવે છે. લેખકની કલ્પના વાસ્તવિકતાથી આગળ દોડતી હોવાના અનેક ઉદાહરણો જોવા મળે છે. ચંદ્ર પર પગ મૂકવાનું મનુષ્યનું સપનું ૧૯૬૯માં સાકાર થયું પણ એના બે વર્ષ પહેલા ટી. આર. સુન્દરમ નામના સાઉથના ફિલ્મમેકરની એકમાત્ર હિન્દી ફિલ્મ ‘ચાંદ પર ચઢાઈ’(Trip To Moon – અગાઉ ફિલ્મના ટાઈટલ હિન્દી અને અંગ્રેજીમાં લખવાનો રિવાજ હતો) રિલીઝ થઈ હતી. ભવિષ્યની કલ્પના વર્તમાનમાં કરવાની જુલે વર્નની કુનેહને બિરદાવીએ એની સાથે સાથે મૂન મિશનની આગોતરી કલ્પના કરવા બદલ ફિલ્મના દિગ્દર્શક (લેખકનું નામ ફિલ્મના ટાઈટલમાં પણ નથી) મિસ્ટર સુન્દરમની પીઠ પણ થાબડવી જોઈએ. ફિલ્મના મુખ્ય કલાકાર હતા દારાસિંહ, અનવર હુસેન, ભગવાન દાદા, એસ. નઝીર, પદ્મા ખન્ના અને હેલન. કથા – પટકથા લેખકનું નામ ગાયબ છે, સંવાદ લેખક તરીકે બાલકૃષ્ણ મૌજનું નામ છે. સંગીતકાર ઉષા ખન્ના છે.
ફિલ્મની શરૂઆત ભારતીય રોકેટ લોન્ચ મિશનના ચીફ (અનવર હુસેન)ને પરગ્રહવાસીઓ ઉઠાવી જાય છે એ સીનથી થાય છે. ચીફના સાથીઓને ચેતવણી અપાય છે કે જો રોકેટ મોકલવાની યોજના પડતી નહીં મૂકવામાં આવે તો બાકીના સભ્યોના હાલ પણ ચીફ જેવા જ થશે. તાબડતોબ સ્પેસ મિશન કાર્યક્રમની તાકીદની બેઠક બોલાવવામાં આવે છે અને કેપ્ટન આનંદ (દારાસિંહ)ને ચંદ્ર પર ચઢાઈ કરવાનું મિશન સોંપવામાં આવે છે. જોકે, કમનસીબે કેપ્ટન આનંદ અને તેનો મિત્ર (ભગવાન દાદા) ચંદ્ર પર જવા રોકેટમાં સવાર થાય એ પહેલા પરગ્રહવાસીઓ
એ બંનેનું અપહરણ કરી તેમને અલગ સ્પેસ ફ્લાઈટમાં લઈ જાય છે. ત્યારબાદ સાહસકથા સાથે પ્રેમકથા પણ આકાર લે છે. ફિલ્મને આજની કથા – પટકથા અને ટેક્નિકલ બાબતો દિમાગમાં રાખી જોશો (યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે) તો નિરાશ થશો, પણ યાદ રહે કે આ ફિલ્મ ૫૫ વર્ષ પહેલા બની હતી. ફિલ્મ જોયા પછી વાત ચંદ્ર પર ચઢાઈની હતી કે એમાં ગીત – સંગીત – નૃત્યની મિજબાની હતી અથવા આનંદની પીઠ પર રોકેટ સાથે હવામાં ઉડતો દેખાડવામાં કેમ આવ્યો અને દારાસિંહનું સ્નાયુબદ્ધ કદાવર શરીર દર્શકોને દેખાય એવો સ્પેસ સૂટ કેમ છે જેવા સવાલ ઊભા થવા સ્વાભાવિક છે. અલબત્ત એ સાથે આવો વિષય લઈને ફિલ્મ બનાવવાની સૂઝબૂઝ અને હિંમત વિશે પણ વિચાર કરી હરખાવું જોઈએ. હોલીવૂડમાં બનતી સાયન્સ ફિક્શન ફિલ્મો અને એ પ્રકારમાં ફિટ કરવામાં આવતી હિન્દી ફિલ્મોમાં ફરક છે એ વાત સમજી લેવી જોઈએ.
——————
The Alien: સત્યજિત રાયનું રગદોળાયેલું સ્વપ્ન

સ્વદેશની સરખામણીએ વિદેશમાં વધુ વાહ વાહ મેળવનાર વિશ્ર્વવિખ્યાત ફિલ્મમેકર સત્યજિત રાયના કેટલાક સર્જનને અમરત્વ પ્રાપ્ત થયું છે. જોકે, તેમણે કરવા ધારેલી કેટલીક ફિલ્મો એવી છે જે બની હોત તો એના અલાયદા વિષયને કારણે કેવી ઊંચાઈને આંબી હોત એની તો કલ્પના જ કરવી રહી. એવી જ એક ફિલ્મની વાત આજે કરવી છે. વાત ચાલીસ વર્ષ પહેલાની – ૧૯૮૨ની છે. સ્ટીવન સ્પીલબર્ગની જગવિખ્યાત ફિલ્મ E. T. The Extra Terrestrial રિલીઝ થયા પછી નામી સાયન્સ – ફિક્શન લેખક આર્થર ક્લાર્કએ ફિલ્મ જોઈ રાયને ફોન કરી સ્પીલબર્ગની ફિલ્મમાં અને સત્યજિત રાયની The Alienની સ્ક્રિપ્ટમાં રહેલા સામ્યની વિગતે વાત કરી. લેખકની રજૂઆત સાંભળ્યા પછી શ્રી રાય ખૂબ જ નિરાશ થઈ ગયા, કારણ કે તેમની લખેલી ઝવય અહશયક્ષ પરથી ફિલ્મ બનાવવા અંગે તેઓ હોલીવૂડમાં કેટલાક પ્રોડ્યુસરો સાથે વાતચીત કરી રહ્યા હતા. જોકે, એક યા બીજા કારણસર વાત ચર્ચાથી આગળ નહોતી વધી રહી.
આ સંદર્ભમાં એક અગ્રણી અંગ્રેજી સામાયિક સાથેની વાતચીતમાં શ્રી રાયે જણાવ્યું હતું કે ‘સ્પીલબર્ગ – લ્યુકાસની બે ફિલ્મClose Encounters of the Third Kind’ અને ET મેં લખેલી
The Alienની સ્ક્રિપ્ટની નકલ સમગ્ર અમેરિકામાં ઉપલબ્ધ થઈ હોય એ વિના બનવી શક્ય જ નથી. થોડા દિવસો પહેલા લંડનથી આર્થર ક્લાર્કએ મને ફોન કરી જણાવ્યું હતું કે ‘હાથ જોડીને બેસી રહેવાને બદલે મારે કોપીરાઈટ કેસ દાખલ કરવો જોઈએ.’ આ વાત સ્પીલબર્ગના કાન સુધી પહોંચી ત્યારે તેમને આક્ષેપો નકાર્યા હતા અને ’ધ એલિયન’ની સ્ક્રિપ્ટ હોલીવૂડમાં ફરી રહી હતી ત્યારે પોતે હાઈસ્કૂલમાં ભણતા હોવાની દલીલ કરી હતી. સ્પીલબર્ગની ફિલ્મમાં એક અમેરિકન કિશોરની પરગ્રહવાસી સાથેની મુલાકાત મૈત્રીમાં પરિણમે છે અને પછી એને પોતાના ઘરમાં સંતાડી રાખે છે એવું કથાબીજ છે. સત્યજિત રાયની ફિલ્મમાં પણ લગભગ આવી જ વાત છે જેમાં એક પરગ્રહવાસી બંગાળના કોઈ ગામમાં ઉતરાણ કરી એક કિશોર સાથે દોસ્તી કરે છે. ગજબની સરખામણી છે. આમાં મહત્ત્વની વાત એ છે કેE. T. The Extra Terrestrial ફિલ્મને પગલે પૃથ્વી પર પગ મૂકતા પરગ્રહવાસીઓ માત્ર અમેરિકાની મુલાકાત લે છે એવી ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો. તો શું એમ કહી શકાય કે The Alien બની હોત તો પરગ્રહવાસીઓ પૃથ્વી પર ઉતરી બંગાળની મુલાકાત લે એવી ફિલ્મો બનાવવાનો સિલસિલો ચાલ્યો હોત? ખેર. આ તો જો અને તોની વાત છે. હકીકત તો ‘તમે લઈ ગયા અમે રહી ગયા’ જેવી સ્પષ્ટ છે. (સાયન્સ ફિક્શનની અન્ય ફિલ્મોની વાત આવતા સપ્તાહે) ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.