Homeઉત્સવદાન્તે બાળક હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થયું હતું

દાન્તે બાળક હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થયું હતું

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

મુંબઈના ગવર્નર લોર્ડ માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટોને સને ૧૮૨૦માં એશિયાટીક સોસાયટી લાઈબ્રેરીને ‘ડિવાઈન કોમેડી’ની હસ્તપ્રત ભેટ આપી; પણ ત્યાર પછી આ મૂલ્યવાન ગ્રંથ પ્રત્યે વિશેષ ધ્યાન તે વખતના અંગ્રેજ વિદ્વાનો અને અધિકારીઓએ આપ્યું નહોતું. ૪૭ વરસો પછી ડૉ. (સર) જ્યોર્જ સી. બર્ડવુડ ઈ.સ. ૧૮૬૭માં એશિયાટીક સોસાયટીના સેક્રેટરી બન્યા ત્યારે એક દિવસ પુસ્તકો જોવા ટાઉનહોલમાં પહેલે માળે પહોંચી ગયા તો ત્યાં ગેલેરીમાં જૂનાં પુસ્તકો, મેગેઝિનો અને અન્ય કચરાના ઢગલામાં એક નક્કર વસ્તુ ઉપર તેમનો પગ પડ્યો. એ નક્કર વસ્તુ ‘ડિવાઈન કોમેડી’ની હસ્તપ્રત હતી. ત્યાર પછી વિદ્વાન અને વિદ્યારસિક યુરોપિયનો જ્યારે મુંબઈ બંદરેથી પસાર થતા ત્યારે ટાઉનહોલમાં આવી આ ‘ડિવાઈન કોમેડી’ નિહાળીને આગળ વધવાનો આગ્રહ ધરાવતા હતા.
તેરમી અને ચૌદમી સદીનો સમય એવો હતો કે જ્યારે પુરોગામી મહાનુભાવોએ કરેલાં વિધાનો સંબંધમાં સહેજ પણ આશંકા દર્શાવવાનું સાહસ કોઈ કરી શકતું નહોતું. એવા સમયે ધર્મિક અને સામાજિક ખ્યાલોની સીમામાં રહીને અંગત પ્રેમની જાહેર અભિવ્યક્તિ કરવાનું સાહસ દાન્તેએ કર્યું. દાન્તેએ પોતાની કૃતિઓમાં ધાર્મિક માન્યતાઓનો આધાર લઈ જીવ, જગત, નર્ક અને સ્વર્ગ સંબંધી ગૂઢ વિચારોના માધ્યમ દ્વારા પોતાના નિષ્ફળ પ્રણયના દિવાસ્વપ્નની રજૂઆત કરી છે. દાન્તે આમ તો રાજકીય જીવ છે, પણ એના હૈયે કવિ ભરાઈ બેઠો છે અને એ કવિના કારણે જ દાન્તે આજે અમર છે. જગતના અન્ય સાહિત્યસમ્રાટો સર્વેન્ટીસ, એમિલ ઝોલા, દોસ્તોવોસ્કી, ચાર્લ્સ ડિક્ધસ, ફિરદૌસી, મિરઝા ગાલિબ જેવો જીવનસંઘર્ષ ખેડ્યો નથી. દાન્તેના પિતા અલિઘિયેરી ફલોરેન્સ શહેરમાં શાહુકારનો વ્યવસાય કરતા હતા. એમની પોતાની હવેલી હતી. દાન્તેની માતાનું નામ અબાતી હતું. દાન્તેનો જન્મ ઈ.સ. ૧૨૬૫માં મે મહિનાની ૨૧મી તારીખે થયો હતો. દાન્તેના જન્મની આગલી રાતે માતા અબાતીને એક વિચિત્ર સ્વપ્નું આવ્યું હતું. અબાતી સ્વપ્નમાં નિહાળે છે કે પોતે હરિયાળા મેદાનમાં એક ઘટાદાર વૃક્ષ નીચે બેઠી છે. નજીકમાં કલકલ કરતું નિર્મળ જળનું ઝરણું વહી રહ્યું છે અને દૂર દૂર પર્વતો ઊભા છે. નિસર્ગની રમ્યતા નિહાળવામાં અબાતી મંત્રમુગ્ધ બની જાય છે અને એવી મુગ્ધાવસ્થામાં જ પુત્ર જન્મે છે. આ પુત્ર જન્મ્યા પછી માતાને ધાવવાને બદલે ઝરણાંનું પાણી પીએ છે અને વૃક્ષ પરથી પડતાં બેરીઝ જેવાં ફળો ખાય છે. જોતજોતામાં એ ગોવાળિયા જેવો બની જાય છે. દોડતાં દોડતાં પડી જાય છે અને માતાના હૈયે ધ્રાસ્કો પડે છે. એ ઊંચકવા દોડી જાય છે તો ત્યાં પુત્ર મોર બનીને ઊડી જાય છે. સાથોસાથ સ્વપ્નભંગ થાય છે. સવારે દાન્તેનો જન્મ થાય છે.
આ સ્વપ્નની વાત પતિ અને પાદરીને કહેવામાં આવતાં વિચારીને પુત્રનું નામ દાન્તે રાખવામાં આવે છે. ‘દાન્તે’નો અર્થ ‘દાતા’ થાય છે. દાન્તેનો જન્મ મિથુન રાશિમાં થયો હતો અને ‘દાન્તે’ એ મૂળનામ ‘દુરાંતે’નું ટૂંકું રૂપ છે. દાન્તે બાળક હતા ત્યારે જ માતાનું અવસાન થયું હતું. પિતાએ બીજા લગ્ન કર્યાં હતાં; પરંતુ દાન્તેના શિક્ષણ માટે વિશેષ ધ્યાન આપતાં દાન્તે કળા, સાહિત્ય, સંગીત વગેરેનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા હતા.
દાન્તે જ્યારે નવ વર્ષના કિશોર હતા ત્યારે પિતા સાથે ફલોરેન્સ નગરના ધનાઢય ઉમરાવ ફોલ્કો પોર્તીનારીના નિવાસસ્થાને યોજાએલા એક સમારંભમાં ગયા હતા. ત્યાં ફોલ્કોની આઠ વર્ષની નમણી, નાજુક અને પતંગિયા જેવી પુત્રી બિત્રીસને દાન્તે પ્રથમવાર મળ્યા અને પ્રથમ નજરે જ મુગ્ધ થઈ ગયા. કિશોરાવસ્થાના દિવાસ્વપ્નમાં બિત્રીસ એક પરી રાજકુમારી બનીને દાન્તેના હૈયે વસી ગઈ.
દાન્તે રોમાન્ટિક પ્રકૃતિના હતા. અભ્યાસકાળ દરમિયાન જ જેમ્મા દોનાતી નામની કિશોરી સાથે પ્રેમમાં પડ્યા હતા અને અઢાર વર્ષની વયે વડીલોની સંમતિથી દાન્તે અને જેમ્માનાં લગ્ન ૧૮૨૩માં થયાં હતાં. દાન્તેને જેમ્માથી બે પુત્રો અને એક પુત્રી એમ ત્રણ સંતાનો થયાં હતાં. પુત્રીનું નામ એનતોન્યા હતું. દાન્તેની અંતિમ અવસ્થા દરમિયાન ત્રણે સંતાનો સાથે હતાં. એનતોન્યાએ પિતાની તમામ સાહિત્યકૃતિઓનું અધ્યયન કર્યું હતું. દાન્તેના મરણ પછી એન સાધ્વી બની ગઈ હતી અને પિતાની સાહિત્યકૃતિના પાત્ર બિત્રીસ ઉપરથી પોતાનું નામ બિત્રીસ રાખ્યું હતું. દાન્તેને રાજકીય કારણસર સને ૧૩૦૦માં ફલોરેન્સથી હદપાર કરવામાં આવ્યા હતા. અને તેઓ ઈટલીમાં રેવન્ના ખાતે સ્થાયી થયા હતા; પરંતુ પત્ની જેમ્માએ ફલોરેન્સમાં જ રહેવાનું પસંદ કર્યું હતું અને ૧૩૪૩માં જેમ્માનું અવસાન થયું હતું.
બિત્રીસ વિશે કોઈ વાસ્તવિક પુરાવા મળી આવતા નથી અને ઘણા પાશ્ર્ચાત્ય વિવેચકો બિત્રીસને કાલ્પનિક પાત્ર માને છે. દાન્તેએ કાવ્યસંગ્રહ ‘વીતા ન્યુ એવા’માં બિત્રીસ વિશે જે નિરૂપણ કર્યું છે તેના ઉપર જ આધાર રાખવાનો રહે છે. દાન્તેએ પણ બિત્રીસ સંબંધી પ્રેમનિરૂપણ બિત્રીસના મૃત્યુ પછી જ કર્યું છે. બિત્રીસ પ્રથમ મુલાકાત પછી નવ વરસે દાન્તેને મળે છે અને દાન્તેનું અભિવાદન કરે છે. આથી દાન્તે એવું માની બેઠા કે બિત્રીસ પોતાને પ્રેમ કરે છે. આથી બિત્રીસના મિલનની આશામાં બિત્રીસના નિવાસસ્થાને જતી શેરીઓમાં ભટકવાનું શરૂ કર્યું અને બિત્રીસના નિવાસસ્થાન ઉપર નજર માંડીને રાતોની રાતો વિતાવી દેતા હતા. એકવાર અન્ય મહિલાઓની ઉપસ્થિતિમાં દાન્તેએ બિત્રીસ માટે લાગણીનું વધુ પડતું પ્રદર્શન કરતાં બિત્રીસે કડક વલણ અપનાવ્યું અને દાન્તે હૃદયભગ્ન થઈ ગયા. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular