ઉદ્ધવ જૂથ પર સાફ થઈ જવાનો ખતરો

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવારે ધારણા પ્રમાણે જ એકનાથ શિંદે સરકારે વિશ્ર્વાસનો મત જીતી લીધો. એકનાથ શિંદે સરકારને વિશ્ર્વાસનો મત જીતવામાં વાંધો નહીં આવે તેનો અણસાર રવિવારે વિધાનસભાના સ્પીકરની ચૂંટણીમાં જ મળી ગયેલો. ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાના સંયુક્ત ઉમેદવાર રાહુલ નાર્વેકર સરળતાથી જીતી ગયા ત્યારે જ ખબર પડી ગયેલી કે, સોમવારે એકનાથ શિંદે સરકારને વિશ્ર્વાસનો મત જીતવામાં વાંધો નહીં આવે ને એવું જ થયું છે.
શિંદે સરકારને ૧૬૪ ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે જ્યારે વિરૂદ્ધમાં ૯૯ વોટ પડતા શિંદે સરકાર જીતી ગઈ છે. વિધાનસભામાં અત્યારે ૨૮૭ ધારાસભ્ય છે તેથી શિંદે સરકારને જીતવા માટે ૧૪૪ ધારાસભ્યના મતની જરૂર હતી પણ મતદાનમાં માત્ર ૨૭૫ ધારાસભ્યોએ જ ભાગ લેતાં બહુમતી માટે ૧૩૭ ધારાસભ્યોના મતની જરૂર હતી. શિંદે સરકારને તેના કરતાં ૨૭ વધારે ધારાસભ્યોનો ટેકો મળ્યો છે.
રવિવારે વિધાનસભાના સ્પીકરની ચૂંટણીમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાના સંયુક્ત ઉમેદવાર રાહુલ નાર્વેકરને ૧૬૪ મત મળ્યા હતા એ જોતાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાની તાકાત જળવાઈ છે પણ સામે વિપક્ષના મત ઘટ્યા છે. શિવસેનાના ઉમેદવાર રાજન સાલવીને સ્પીકરની ચૂંટણીમાં ૧૦૭ મત મળ્યા હતા જ્યારે વિશ્ર્વાસના મતમાં શિંદે સરકારની વિરૂદ્ધ ૯૯ મત પડ્યા એ જોતાં ૮ મત તૂટ્યા છે. સોમવારે વિશ્ર્વાસના મત વખતે ૨૬૬ ધારાસભ્યો ગૃહમાં હાજર હતા અને તેમાંથી ત્રણ ધારાસભ્યોએ મત નહોતા નાખ્યા ને તેમને ગણતરીમાં ના લઈએ તો પણ પાંચ ધારાસભ્યો તો તૂટ્યા જ છે.
શિંદે સરકારે વિશ્ર્વાસનો મત જીત્યો એ ઘટના મહત્ત્વની છે. શિંદેની જીતની ધારણા હતી જ તેથી તેમાં નવાઈ નથી પણ આ ઘટના પરથી એક વાતનો સ્પષ્ટ સંકેત મળે છે કે, ઉદ્ધવ ઠાકરે માટે હવે રાજકીય અસ્તિત્વનો સવાલ આવીને ઊભો રહી ગયો છે. બલકે વિધાનસભામાં ઉદ્ધવ જૂથનું અસ્તિત્વ મટી જાય એવો ખતરો છે, કેમ કે ઉદ્ધવના પડખે ઊભા રહેનારા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા શિંદે જૂથે અરજી આપી છે.
ઉદ્ધવની સરકાર ગઈ કેમ કે બહુમતી ધારાસભ્યો તેમની સાથે હતા પણ ધીરે ધીરે અન્ય પક્ષોના સમર્થકો પણ તેમના પડખેથી ખસી રહ્યા છે. બીજા બધા તો છોડો પણ તેમના નજીકના કહેવાય એવા ધારાસભ્યોએ પણ શિંદેના સમર્થનમાં મતદાન કર્યું. એટલું જ નહીં પણ અઢી વર્ષ લગી સરકારમાં તેમના સાથી એવા કૉંગ્રેસ અને એનસીપીના કેટલાક ધારાસભ્યો પણ ઉદ્ધવના પડખે ઊભા ના રહ્યા.
ઉદ્ધવના પડખેથી અત્યાર લગી ઊભા રહેલા ધારાસભ્યો ખસી રહ્યાનો સંકેત સ્પીકરની ચૂંટણીમાં જ મળી ગયેલો. એનસીપીના નવાબ મલિક અને અનિલ દેશમુખ એ બે ભૂતપૂર્વ મંત્રી જેલમાં હોવાથી મતદાનમાં હાજર ના રહી શક્યા એ સમજાય એવી વાત છે પણ એ સિવાય એનસીપી અને કૉંગ્રેસમાંથી બીજા ઘણા ધારાસભ્યોએ મતદાનમાં ભાગ નહોતો લીધો. સોમવારે આ યાદીમાં બીજાં નામો ઉમેરાયાં છે.
સોમવારે વિશ્ર્વાસના મત વખતે ૨૧ ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. આ ધારાસભ્યોમાંથી મોટા ભાગના અપક્ષ અને નાની નાની પાર્ટીઓના ધારાસભ્યો છે. આ ધારાસભ્યો એકનાથ શિંદે સરકારને પસંદ નથી કરતા એ સ્પષ્ટ છે કેમ કે પસંદ કરતા હોત તો શિંદે સરકારના સમર્થનમાં મતદાન કરવા માટે હાજર રહ્યા હોત. તેના બદલે તેમણે મતદાનથી જ અળગા રહેવાનું પસંદ કર્યું કેમ કે તેમને ખબર હતી કે, પોતે મતદાન કરે કે ના કરે, તેનાથી કોઈ ફરક પડવાનો નથી.
ઉદ્ધવ ઠાકરે માટે આઘાતજનક વાત એ છે કે, મતદાન દરમિયાન ઉદ્ધવ ઠાકરેના ખાસ માણસ ગણાતા સંજય બાંગડે શિંદેના સમર્થનમાં મત નાખ્યો હતો. સંજય બાંગડ મતદાન પહેલાં ઉદ્ધવની તરફેણ કરીને ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા પણ મતદાન વખતે ઉદ્ધવની વિરૂદ્ધ મતાદન કરીને ઊભા રહી ગયા. એ જ રીતે શરદ પવારના ખાસ મનાતા શેકપાના ધારાસભ્ય શ્યામ સુંદરે પણ શિંદે સરકારના સમર્થનમાં મત આપ્યો છે.
ઉદ્ધવ જૂથ માટે હજુ મોટો ખતરો તો પોતાના બાકી રહેલા ધારાસભ્યોના ગેરલાયક ઠરવાનો છે ને તેમાં ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરે પણ આવી ગયા. રવિવારે ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકર સ્પીકર બન્યા કે તરત જ તેમણે વિધાનસભામાં શિવસેનાના નેતા અજય ચૌધરી અને ચીફ વ્હિપને સુનીલ પ્રભુને આ બંને હોદ્દા પરથી દૂર કરી દીધા. શિવસેના તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી ને વિશ્ર્વાસના મત પહેલાં આ અરજી પર સુનાવણીની વિનંતી કરી હતી પણ સુપ્રીમ કોર્ટે શિવસેનાની અરજી પર તરત સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો. સ્પીકર રાહુલ નાર્વેકરના નિર્ણય વિરુદ્ધ શિવસેનાએ અરજી દાખલ કરી હતી એ સુપ્રીમ કોર્ટે ના સ્વીકારી તેથી વિશ્ર્વાસના મતનો રસ્તો ખૂલી ગયો ને તેમાં શિંદે જીતી ગયા.
દરમિયાનમાં સ્પીકરની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી એકનાથ શિંદે જૂથે આદિત્ય ઠાકરે સહિત શિવસેનાના ૧૬ ધારાસભ્યને અયોગ્ય જાહેર કરવાની માગણી કરતી અરજી આપી છે તેને સ્પીકર નાર્વેકરે સ્વીકારી છે. એકનાથ શિંદે જૂથના ચીફ વ્હિપ ભારત ગોગાવાલેએ નવા સ્પીકર રાહુલ નાર્વેકરને પત્ર આપીને રજૂઆત કરી છે કે, શિવસેનાના ૧૬ ધારાસભ્યે સ્પીકરની ચૂંટણીમાં વ્હિપનું ઉલ્લંઘન કર્યું છે તેથી તેમનું ધારાસભ્યપદ રદ કરવા જોઈએ.
સ્પીકરે તેમની માગણી અંગે વિચાર કરવાની વાત કરી છે. સ્પીકર નાર્વેકર ભાજપના છે એ જોતાં એકનાથ શિંદે જૂથ માટે ઘરના ભૂવા ને ઘરના ડાકલા જેવો ઘાટ છે. તેથી નાળિયેર ફેંકાય તો પણ ઘર ભણી એવો જ ઘાટ છે. આ સંજોગોમાં સ્પીકર ગમે ત્યારે નિર્ણય લઈ નાખે અને ઉદ્ધવ જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી દે એવું બને. ટૂંકમાં ઉદ્ધવ જૂથના માથે લટકતી તલવાર છે જ. ઉદ્ધવ જૂથે એકનાથ શિંદે જૂથના ૧૬ ધારાસભ્યને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવા કરેલી હિલચાલનો કેસ પહેલેથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે પણ એ પહેલાં જ ઉદ્ધવના સમર્થક ધારાસભ્યો ગેરલાયક ઠરી જાય એવું બને.
ઉદ્ધવ જૂથ માટે એ રીતે બહુ મોટી લડાઈ છે. ઉદ્ધવના માર્ગદર્શક શરદ પવારે દાવો કર્યો છે કે એકનાથ શિંદેની સરકાર વધારે નહીં ચાલે અને ૬ મહિનામાં પડી જશે તેથી લોકો મિડ ટર્મ ઈલેક્શનની તૈયારી કરી લે. પવારની આ વાત સાચી પડશે કે નહીં એ ખબર નથી પણ ઉદ્ધવ જૂથ સાફ થઈ જાય એવું ચોક્કસ બની શકે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.