તસવીરની આરપાર -ભાટી એન.
“આધુનિકીકરણ તરફ વેગવંતું ગુજરાત જી’યા નૈસર્ગિક વન સંપદાનો અખૂટ ભંડાર છે…! ઇ’. શીતળભૂમિનો સાપુતારા ડુંગર છે…! ઇ’ શ્ર્વાસોચ્છવાસમાં શુદ્ધ હવા-પાણીને ભોળા ભટ્ટ જેવા નિખાલસ માનવીને કદિ’ક ‘ડાંગ’ હેવન ઑફ ગુજરાત અર્થાત્ “ગુજરાતનું સ્વર્ગ ગુજરાતનો હિમાલય ‘ડાંગ’ ગ્રીન ગુજરાત ‘ડાંગ’ ગુજરાતની કંકુવર્ણી વસુંધરા પર લબ્ધપ્રતિષ્ઠિતને સર્વોત્કૃષ્ટ વનરાઇની સંપદા, આદિવાસી જાતિની કલા-સંસ્કૃતિ, જન સામાન્યના લોકાભિમુખ ઉન્મેષને સંવેદનશીલ માણસોની અનુભૂતિનો સાપુતારા (ડાંગનું) સ્ફૂર્તિદાયક આહ્લાદક શીતળતાની અલૌકિક લાગણી ડાંગ જિલ્લાનું એવરેસ્ટ છે. ઇ’. આકાશે આંબતા ઉચ્ચા સાગનાં વૃક્ષોથી અડાબીડ ગ્રીન રંગની ચૂંદડી ઓઢી ડાંગ બેઠું હોય તેવી પ્રતીતિ તંતોતંત થાય છે…!
૧૭૧૪ કિ. મી. નો એરિયા ધરાવતા ગુજરાતના ડાંગ જિલ્લાનું વડું મથક આહવા છે. તેની ભાષા અલાયદી છે…! પણ ગુજરાતીની છાંટ ખરી. પ્રવાસીઓને કુદરતી સૌંદર્યસભર જિલ્લાના સાપુતારા અને વધઇ સ્થળો પર્યટક નયનરમ્ય સ્થળો છે. સાપુતારા ખાસું વિરાટ ડુંગર પર આવેલું છે. ત્યાં ઉનાળામાં ઠંડીનો આરામદાયક અહેસાસ કરવા પ્રવાસીઓ આવે છે. જેના કારણે અત્યાધુનિક સુવિધાવાળી ભવ્ય હોટલો છે. ઉડ્ડન ખટોલા છે. વચ્ચે આવેલ સુંદરત્તમ તળાવ, શ્રી ગજાભિષેક શ્ર્વે. મુ. પુ. જૈન તીર્થ શ્ર્વેત રંગનું કલાત્મકને ભવ્યતાતિભવ્ય છે. સાપુતારાના હિલ-સ્ટેશન પરથી નઝારો નિરખતા ગામડાઓ નાના… નાના… લાગે છે…!
‘ડાંગ’ એટલે લાકડી-વાંસનો શબ્દાર્થ થાય…! હકીકતમાં ‘ડાંગ’ ડુંગરાળ અને જંગલનો પ્રદેશ છે. અહીં સાગ-સાદડ અન વાંસનાં ગાઢ જંગલો વિસ્તૃત પ્રમાણમાં છે. રાજયના દક્ષિણ હિસ્સાના આ જિલ્લામાં પાંચ નદીઓ વહે છે.
ગિરા, અંબિકા, પૂર્ણા, ખાયરી અને સર્પ ગંગા નદીઓ છે. પહેલાં ‘ડાંગ’ જિલ્લાનો એક માત્ર આહવા તાલુકો જ હતો, પરંતુ હવે વિભાજન પ્રક્રિયા બાદ અન્ય બે તાલુકાઓ વધઇ તથા સુબિર તાલુકાનો ઉમેરો થયો છે. ‘ડાંગ’ જિલ્લાની ૭૨ ટકા વસતિ આદિવાસી પ્રજાની છે.
‘ડાંગ’ના આહવામાં પ્રતિ વર્ષ ‘ડાંગ દરબાર’ ઉત્સવ હોળી અવસરે ઉજવાય છે. આ આદિવાસી લોકોમાં હોળી-ધુળેટીનો મહિમા અપાર છે. ‘ડાંગ દરબાર’માં આવતા આદિવાસી યુવાનો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી આવે છે. પગેને કેડે ઘુઘરા બાંધી માથે મોર પીંછનો મુગટ, યુવાન છોકરીઓ લાલ ચટક સાડીને ચાંદીના ઓરનામેન્ટ પહેરી મેળે આવે છે. ‘ડાંગ દરબાર’નો મેળો કલરફૂલ મેળો છે. તેમાં થતું નૃત્ય મનમોહક હોય છે. તેમાં પિરામિડ બનાવે છે. ભાઇઓ ઉપર છોકરી અને વચ્ચાળે યુવાન મોરપીંછવાળા મુગટમાં હોય ને ત્રાસને આંગળીથી ગોળ… ગોળ… ફેરવે તે વેળા શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર ફેરવતા હોય તેવો ભાષ થાય છે.
ગુજરાતના છેવાડાનો ભાગ ડાંગનો વિકાસ નહિવત થયો છે. તેના લોકોમાં અક્ષરજ્ઞાનનો અભાવ ઊડીને આંખે વળગે છે. આર્થિક પરિસ્થિતિ નબળી છે. ભાઇઓ બુસર્ટ ને ચડી કે પેન્ટ પહેરે મોટાઓ સફેદ ટોપી પહેરે, બહેનો સાડી, પોલકુને ચણિયો પહેરે પણ દેશી સુતરાઉ કપડા પહેરે, ડાંગમાં વરસાદ વધારે માત્રામાં પડતો હોવાથી તેના મુખ્યત્વે ઘર લાકડામાંથી વેરેલા પાટિયામાંથી બનાવેલ હોય છે.
લાકડાની મકાન ફરતી વાડ અહીં લાકડું પુષ્કળ માત્રામાં ઉપલબ્ધ હોવાથી શક્ય હોય ત્યાં સુધી લાકડાનો ઉપયોગ કરે છે.
નાનાં… નાનાં ગામડાઓમાં ખેતીવાડીના નાનાં ખેતરો છે. જેથી માલ ઢોર પણ રાખે છે. ડાંગના આદિવાસીઓનું જીવન હજુ ૧૮મી સદીમાં રહેતા હોય તેવું લાગે. ખેતીમાંથી પાકને લાવી ખળામાં નાખેને ત્રણ બળદોને એક સાથે રાખી ગોળાકાર ફેરવે. બહેનો સાવેણી લઇ રજકણને દૂર કરે ને ઉપણેને ધોકા મારી કોઇ પાકમાં ફોતરા રહી ગયા હોય તો કાઢે.
ગારવાળા મકાનની ઓસરીઓમાં ખાંડણી રાખેને લાલ મરચાને ખાંડે લાકડાના મોટા દસ્તાથી હજુ ચકી લોટ દળવાની ઓછી હોય તેમ લાગે છે. ઘણી જગ્યાએ ઘંટીથી દળેલ અનાજ ખાવાનો આગ્રહ રાખે છે. હું ડાંગના પ્રવાસે ગયો તે વેળા પાળિયા જોયા તો વાઘ, મોર, નાગદાદા, સૂરજદાદા, બીજની કૃતિઓ રંગબેરંગી કલરથી ચિત્રો દોરેલા નિહાળેલ. ગામડાઓમાં સિંગલપટ્ટી રોડને લીલાછમ વૃક્ષાની શૃંખલા માનવ ચેતનાને અભિભૂત કરે છે. હેરિટેજ સંગાથે આહ્લાદક આનંદ પૂર્ણ પ્રવાસ કરવા એકવાર તો ‘ડાંગ’ હેવન ઑફ ગુજરાતની મુલાકાત અચૂક લેજો.