મહારાષ્ટ્રમાં ડાન્સ ઓફ ડેમોક્રેસી: શિવસેનાનો ડંડો અને ભાજપનો ઝંડો

ઉત્સવ

ખુ(ર)શી મેળવતા આવડવી જોઈએ

અભિમન્યુ મોદી

મહારાષ્ટ્રમાં જોવા મળતા રાજકીય નાટકનું ક્લાઈમેક્સ આવી ગયું છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા સીએમ બન્યા છે. ભાજપે તેમને સમર્થન આપ્યું છે અને મંત્રીમંડળમાં પણ સામેલ થયા છે, પરંતુ સરકાર બચાવવી શિંદે માટે પણ એટલું સહેલું નહીં હોય. કાયદાકીય રીતે જોવામાં આવે તો મહારાષ્ટ્રની સરકાર એડહોક પર છે, જે બળવાખોર ધારાસભ્યને સુપ્રીમ કોર્ટમાંથી મળેલી વચગાળાની રાહત પર ટકેલી છે. આ વચ્ચે શિવસેનાના ચીફ વ્હિપે નવી અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટમાં માગ કરી છે કે ૧૬ બળવાખોર ધારાસભ્યોને વોટ આપવાથી રોકવામાં આવે. જોકે આ મુદ્દે ૧૧ જુલાઈએ સુનાવણી થવાની છે. સુનાવણી પહેલા એ જાણવું જરૂરી છે કે ભાજપે શિંદે જૂથને બળવો કરવાનું બળ ક્યાંથી પૂરું પાડ્યું.
મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદેએ ૨૦ જૂનની રાત્રે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો અને ૨૨ની રાત્રે ૮:૧૧ વાગ્યે એકસાથે બે ટ્વિટ કર્યા. તેમણે લખ્યું- છેલ્લાં અઢી વર્ષમાં મહાવિકાસ અઘાડી સરકારે માત્ર કૉંગ્રેસને જ ફાયદો કરાવ્યો અને શિવસૈનિકોને ભારે નુકસાન થયું. પક્ષ અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે આ અસંગઠિત ગઠબંધનમાંથી બહાર નીકળવું જરૂરી છે. શિંદે અને તેમના સાથી ધારાસભ્યોએ આ દલીલને બળવાનું સૌથી મોટું કારણ ગણાવ્યું. બળવાખોર શિવસેનાના વિધાનસભ્ય દીપક કેસરકરે ૨૭ જૂને ઉદ્ધવ ઠાકરેને લખેલા ખુલ્લા પત્રમાં કહ્યું હતું કે ભાજપ-શિવસેના ગઠબંધન મહારાષ્ટ્રને ઊંચાઈ પર લઈ જશે. બીજેપી-શિવસેના ગઠબંધનની શરૂઆતથી લઈને અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો સમીકરણ સાવ વિપરીત હતાં. છેલ્લાં ૩૩ વર્ષમાં ભાજપ ૪૨થી ૧૦૬ સીટ પર આવી ગઈ છે, જ્યારે શિવસેના ૭૩થી ઘટીને ૫૬ સીટ પર આવી ગઈ છે.
ભાજપ અને શિવસેના વચ્ચે ભાજપ સાથે શિવસેનાનું જોડાણ ૧૯૮૪માં જ શરૂ થયું હતું. એ સમયે શિવસેનાના મનોહર જોશી સહિત બે નેતા મુંબઈથી ભાજપના સિમ્બોલ પર લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. શિવસેના-ભાજપના ગઠબંધન પાછળ પ્રમોદ મહાજનનું ભેજું હતું. તેઓ ભાજપાના મહાસચિવ હતા અને બાલ ઠાકરે સાથે તેમના સંબંધો ઘણા સારા હતા. એ સમયે ભાજપ દેશભરમાં પાર્ટીનો વિસ્તાર કરી રહી હતી અને મહારાષ્ટ્રમાં ભાજપને એક પ્રાદેશિક પક્ષની જરૂર હતી. આવી સ્થિતિમાં ભાજપ માટે શિવસેના શ્રેષ્ઠ વિકલ્પ હતો, કારણ કે બંને પક્ષોની વિચારધારા ઘણી સમાન હતી.
બાલાસાહેબના સમયમાં શિવસેના મહારાષ્ટ્રના રાજકારણમાં હંમેશાં મોટા ભાઈની ભૂમિકામાં રહી. આ કારણોસર, ગઠબંધન સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે ભાજપ લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો પર લડશે, જ્યારે શિવસેનાને વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠકો મળશે.૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ કુલ ૨૮૮ બેઠકમાંથી ૧૮૩ બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે ભાજપે ૧૦૪ બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં શિવસેનાને ૫૨ અને ભાજપને ૪૨ બેઠકો મળી હતી. શિવસેનાના મનોહર જોશી વિપક્ષના નેતા બન્યા હતા. ૧૯૯૫માં ભાજપ-શિવસેના ફરી ચૂંટણી લડ્યા. રામમંદિર આંદોલનને કારણે હિન્દુત્વની લહેર ચરમસીમાએ હતી. ચૂંટણીમાં બંનેને ફાયદો થયો. શિવસેનાએ ૭૩ બેઠક જીતી હતી, જ્યારે ભાજપા ૬૫ બેઠકો જીતવામાં સફળ રહી હતી ત્યારે બાલ ઠાકરેએ ફોર્મ્યુલા આપી હતી કે જે પક્ષની બેઠકો વધુ હશે, મુખ્યમંત્રી તેમનો જ રહેશે. તેના આધારે શિવસેનાના મનોહર જોશીને સીએમની ખુરશી મળી અને ભાજપાના ગોપીનાથ મુંડે ડેપ્યુટી સીએમ બન્યા. આ દરમિયાન બાળ ઠાકરેએ કહ્યું હતું કે આ સરકારનું રિમોટ કંટ્રોલ મારા હાથમાં રહેશે.જોકે આ ફોર્મ્યુલા પાછળથી બંને પક્ષો વચ્ચેના વિવાદનું મૂળ બની ગયું હતું. શિવસેના અને ભાજપાએ ૧૯૯૯ની ચૂંટણી પણ સાથે મળીને લડી હતી. એ સમયે પણ શિવસેના મોટી ભૂમિકામાં રહી હતી. શિવસેનાને ૬૯ અને ભાજપાને ૫૬ બેઠક મળી છે. જોકે ગઠબંધન પાસે માત્ર ૧૨૫ બેઠકો હતી, જે બહુમતીના ૧૪૫ના આંકડા કરતાં ૨૦ ઓછી હતી.
શિવસેનાને લાગ્યું કે બહુમતી માટે બાકીની બેઠકો જંગ કરવામાં આવશે, પરંતુ ભાજપાએ બહુ રસ દાખવ્યો ન હતો. એ સમયે ભાજપના ગોપીનાથ મુંડે સીએમ પદની માગ કરી રહ્યા હતા. ભાજપ-શિવસેના વચ્ચે ૨૩ દિવસ સુધી ચર્ચા-વિચારણા ચાલી, પરંતુ કોઈ રસ્તો નીકળ્યો નહીં. અંતે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડીને એનસીપી અને કૉંગ્રેસે મળીને સરકાર બનાવી. પણ કહેવાય છે ને રાજકારણમાં કોઈ દુશ્મન નથી અને કોઈ મિત્ર નથી.
૫ વર્ષમાં બાલાસાહેબ કૉંગ્રેસની કટકટથી ઉકળી ગયા હતા તેમને એનસીપી અને કૉંગ્રેસનું ગઠબંધન તોડીને ૧૯૯૯માં સીએમ પદ માટે જંગ જામ્યો હોવા છતાં ફરી ૨૦૦૪માં ભાજપ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં શિવસેનાને ૬૨ અને ભાજપને ૫૪ બેઠકો મળી છે. વધુ બેઠકો જીતવાને કારણે ફરી એકવાર શિવસેનાને વિપક્ષના નેતાનું પદ મળ્યું. જોકે જ્યારે ૨૦૦૫માં નારાયણ રાણે લગભગ એક ડઝન ધારાસભ્યો સાથે કૉંગ્રેસમાં ગયા ત્યારે ભાજપે શિવસેના તરફથી વિપક્ષના નેતા પદનો દાવો કર્યો હતો, પરંતુ શિવસેનાએ એને ફગાવી દીધો હતો. ૨૦૦૯માં સતત બીજી વખત ભાજપા-શિવસેના ગઠબંધનને વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ભાજપ પ્રથમ વખત શિવસેનાને પછાડવામાં સફળ રહી હતી. આ સમયગાળા દરમિયાન ભાજપને ૪૬ અને શિવસેનાને ૪૫ બેઠક મળી હતી. આ દરમિયાન ભાજપને વિપક્ષના નેતાનું પદ મળ્યું હતું.
૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેરને કારણે ભાજપનો ઉત્સાહ ચરમસીમાએ હતો. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શિવસેના કરતાં વધુ બેઠકોની માગ કરી હતી. સર્વસંમતિ સધાઈ ન હતી અને ફરી ગઠબંધન તૂટી ગયું હતું. એ જ સમયે એનસીપી અને કૉંગ્રેસ પણ આ ચૂંટણીમાં ગઠબંધન કરી શક્યા નહિ. ભાજપને એકલા ચૂંટણી લડવાનો ફાયદો મળ્યો અને તેણે ૧૨૨ બેઠક જીતી. જ્યારે શિવસેના તમામ સીટો પર ચૂંટણી લડવા છતાં માત્ર ૬૩ સીટ જ જીતી શકી હતી. આ દરમિયાન ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા હતા. જોકે થોડા દિવસો વિપક્ષમાં બેઠા પછી શિવસેના સરકારમાં સામેલ થઈ અને ૧૨ મંત્રીપદ મેળવ્યાં. બસ, અહીંથી શિવસેના મોટા ભાઈમાંથી નાના ભાઈની ભૂમિકામાં આવી.
૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ફરી એકવાર બંને પક્ષોએ સાથે આવવાની જરૂર અનુભવવા લાગી. ફેબ્રુઆરીમાં ફડણવીસે કહ્યું હતું કે, રાજ્ય સરકારમાં ખાતાની ફાળવણી સમાનરૂપે થશે. જોકે લોકસભાનાં પરિણામો સાથે ભાજપ ફરી એકવાર શિવસેના પર દબાણ બનાવવામાં સફળ રહી હતી.
એ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વધુ ચૂંટણી લડી હતી, જ્યારે શિવસેના ઓછી બેઠકો પર લડી હતી. આ સમયગાળા દરમિયાન ભાજપે ૧૦૬ બેઠક જીતી હતી, જ્યારે શિવસેનાને ૨૦૧૪ કરતાં માત્ર ૫૬ બેઠક ઓછી મળી હતી. જેથી શિવસેના-ભાજપનું ગઠબંધન ફરી તૂટી ગયું. અને શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસ સાથે મહાવિકાસ આઘાડી નામે સરકાર રચી જેમાં ઉદ્ધવ ઠાકરેને સીએમ પદે બેસાડવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના રાજકારણમાં પહેલીવાર ઠાકરે પરિવારમાંથી કોઈ વ્યક્તિને મુખ્યમંત્રીનું પદ મળ્યું હતું. મરાઠા રાજકારણમાં આ એક મોટી ઘટના હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ખુરશી બાલ ઠાકરેના દીકરાના હાથમાં હતી જેના ઈશારા પર મહારાષ્ટ્ર ચાલતું હતું. એ સમયે શિવસૈનિકોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ હતી. જોકે તેમની સામે દેવેન્દ્ર ફડણવીસ બ્રાન્ડને ટક્કર આપવાનો પડકાર હતો. ૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે એક શાયરીનું પઠન કરતા કહ્યું હતું કે, “મેરા પાની ઉતરતા દેખ,
મેરે કિનારે પર ઘર મત બસા લેના, મેં સમંદર હૂં લૌટકર વાપસ આઉંગા”
એ સમયે કોઈએ તેમની ખાસ નોંધ ન લીધી. ૩૧ મહિના અને ૧ દિવસ સુધી ઉદ્ધવ ઠાકરેની સરકાર સત્તા પર હતી. તેમના આ સમયગાળામાં કંગના રણોત સાથેનો વિવાદ અને નવનીત રાણા અને તેમની ધર્મ પત્ની સાથેનો હનુમાન ચાલીસાના પઠનનો વિવાદ આ બે ઘટના જ લોકોને યાદ છે. પરંતુ અઢી વર્ષ સુધી શાંત બેસેલા દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાના દિગ્ગ્જ નેતાઓ પર વોચ રાખી. અને તેમાં એકનાથ શિંદે તેમને મળી ગયા.
બસ, પછી જે થયું એ તો સર્વવિદિત છે. ઉદ્ધવ ઠાકરે બીજા એવા મુખ્યમંત્રી છે, જેમને પોતાના રાજીનામાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે. આ પહેલાં ગુજરાતનાં મુખ્યમંત્રીપદેથી આનંદીબેન પટેલે ફેસબુકમાં રાજીનામાની જાહેરાત કરી હતી. ૧ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ આનંદીબેન પટેલે સોશિયલ મીડિયામાં પોતાનું રાજીનામું આપ્યું હતું.
જયારે શિંદે જૂથ ગુવાહાટીમાં હતું ત્યારે એવી પણ ચર્ચા થતી હતી કે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાં શિંદે જૂથ સામેલ થશે. પણ ૨૦૦૫માં જયારે ઉદ્ધવ ઠાકરેને શિવસેનાની કમાન આપવામાં આવી હતી ત્યારે બાલાસાહેબથી નારાજ થઈને રાજ ઠાકરેએ પોતે અલગ થઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી હતી. પણ આટલાં વર્ષોમાં તેમની પાર્ટી ખાસ કંઈ ઉકાળી નથી શકી અને હવે તો ભાજપના હાથમાં જ સતા છે. શિંદેને વિલન બનાવીને ફડણવીસે ફરી ભાજપની સરકાર તો રચી છે પણ હવે તેમની સામે ન્યાયાલયનો ચુકાદો મોટો પડકાર બની ગયો છે.
એ કારણથી જ ફડણવીસે પોતાની ક્લીન ઇમેજને જાળવી રાખી એકનાથ શિંદેને મહારાષ્ટ્રના ૨૦મા મુખ્યમંત્રી બનાવ્યા અને પોતાને નાયબ મુખ્યમંત્રીની સીટ એ કહીને સ્વીકારી કે મારે ડેપ્યુટી સીએમ બનવું એવો ભાજપના અગ્રણી નેતા જે.પી.નડ્ડાનો આદેશ છે. આ તો એક સરકારી જવાબ છે. આ ચોંકાવનારા નિર્ણયની પાછળ રાજકીય અને કાયદાકીય કારણ જોડાયેલું છે. રાજકીય કારણ એવું છે કે, ભાજપ શિવસેનાને ઠાકરેના વારસા સાથે અલગ કરી નાખવા માગે છે, પરંતુ તે એ પણ નહોતું ઇચ્છતું કે મહારાષ્ટ્રની જનતાની સામે ભાજપ વિરુદ્ધ વિરોધનો સૂર ઊઠે એટલે આ વિદ્રોહમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવવા છતાં ભાજપના નેતાઓ પોતે આગળ ન આવ્યા, બીજી તરફ શિંદે વારંવાર પોતાને અસલી શિવસૈનિક ગણાવતા રહ્યા અને આખરે ભાજપે શિવસૈનિક શિંદેને સીએમ બનાવીને સૌથી મોટો દાવ રમી નાખ્યો.
હવે કાયદાકીય કારણ સમજીએ તો મહારાષ્ટ્રમાં નવી સરકારનો બધો જ આધાર સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણય પર ટકેલો છે. જ્યારે બળવાખોરોએ પોતાની માગ શરૂ કરી ત્યારે ઉદ્ધવ જૂથે કોર્ટના દ્વાર ખખડાવ્યા અને એકનાથ શિંદે સહિત શિવસેનાના ૧૬ બળવાખોર ધારાસભ્યના સભ્યપદનો મામલો સુપ્રીમ કોર્ટમાં સુધી પહોંચ્યો, તેમના પર એવો આરોપ છે કે તેમણે સરકારમાં ધારાસભ્ય પદનો દુરપયોગ કર્યો છે. કોર્ટે બળવાખોર ધારાસભ્યોને ૧૨ જુલાઈ સુધી જવાબ આપવા માટે વચગાળાની રાહત આપી હતી. જેની આગળની સુનાવણી ૧૧ જુલાઈના રોજ થવાની છે, જેમાં મહારાષ્ટ્ર પોલીસ, ડેપ્યુટી સ્પીકર અને કેન્દ્ર સરકાર તેમજ શિવસેના પાસે જવાબ માગ્યો છે.
રસપ્રદ વાત એ છે કે પહેલી સુનાવણીમાં રાજ્યપાલ પાર્ટીમાં ન હતા, પરંતુ બુધવારે મોડી રાત્રે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના મુખ્ય સચિવને પણ નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. એ બાદ ગુરુવારે રાજ્યપાલે શિંદેને સરકાર બનાવવાનું આમંત્રણ આપીને શિવસેનામાં તેમના દાવાને મજબૂત કરી દીધો. એવામાં કોર્ટમાં વિચારધીન કેસમાં રાજ્યપાલ દ્વારા શિંદેને સીએમ તરીકે આમંત્રણથી સરકાર પર સંકટ વધી ગયું છે.
ઉદ્ધવ જૂથના ચીફ વ્હિપ મુજબ જે ધારાસભ્યો વિરુદ્ધ અયોગ્યતાના મામલાની સુનાવણી ચાલી રહી છે, તેમના વિરુદ્ધ વિધાનસભામાં થનારી કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવે. તેમનો એવો પણ તર્ક છે કે ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના સંગઠનાત્મક ચૂંટણી અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા, તેથી તેઓ જ અસલી શિવસેના છે. તેમના વકીલના જણાવ્યા મુજબ, શિંદે જૂથે કોઈ વિલીનીકરણ નથી કર્યું, તેથી તેમની કાયદેસરતા અંગે ચૂંટણીપંચ જ નિર્ણય કરી શકે છે. કોર્ટે નવી અરજી પર ૧૧ જુલાઈએ જ સુનાવણી માટે કહ્યું છે, જેનાથી તેમના વકીલ ભડકીને બોલ્યા- ડેમોક્રેસીનો ડાન્સ નથી ચાલી રહ્યો, જેના પર સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ સૂર્યકાન્તેએ એવો જવાબ આપ્યો હતો કે, કોર્ટ આંખ ખોલીને બેઠી છે અને તેઓ નિષ્પક્ષ ચુકાદો આપશે.
શિંદેને શિવસેનાના ધારાસભ્યોએ સર્વસંમતિથી નેતા તરીકે ચૂંટ્યા હતા. હવે શિવસેનાના ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રીના બહુમતી પરીક્ષણમાં શિંદે પોતાના ચીફ વ્હિપને માન્યતા અપાવશે. વ્હિપના ઉલ્લંઘન પર ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના ધારાસભ્યોની ઉપર પક્ષપલટાના કાયદાની તલવાર લટકી શકે છે. ઉદ્ધવે એમએલસી પદ પરથી રાજીનામું આપ્યા બાદ ગૃહમાં શિંદેનો માર્ગ સરળ બની ગયો છે, પરંતુ સુપ્રીમ કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી શિંદે સરકાર ઉપર ખતરાની તલવાર લટકતી રહેશે. હવે મહારાષ્ટ્રના રાજકારણમાં શું નવો વણાંક આવશે એ જોવાનું રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.