‘દખ્ખન કી રાણી’ નવા રંગરૂપ સાથે તૈયાર

આમચી મુંબઈ

બુધવારથી નવા આધુનિક એલએચબી કોચ દોડાવવાનું ચાલુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ટ્વીન સિટી મુંબઈ અને પુણે વચ્ચેની પ્રતિષ્ઠિત અને ડાઈનિંગ કાર માટે જાણીતી ‘દખ્ખન કી રાણી’ અથવા ડેક્કન ક્વીનને બુધવારથી આધુનિક નવા રંગરૂપ સાથે દોડાવવાનું ચાલુ કરવામાં આવી હતી. ૨૨મી જૂનથી મુંબઈથી પુણે વચ્ચે ૯૨ વર્ષ પૂરાં કરનાર ડેક્કન ક્વીનને એલએચબી (આધુનિક કોચ)થી દોડાવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું. બુધવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ના પ્લેટફૉર્મ નંબર આઠ પરથી સાંજના ૫.૧૦ વાગ્યાના સુમારે એલએચબી નવા કોચ સાથે પુણે માટે રવાના કરી હતી. નવા કોચની ટ્રેનમાં નવી ડાઈનિંગ કાર તથા વિસ્ટાડોમ કોચનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે સૌથી મોટું આકર્ષણ છે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું. આઈસીએફના જૂના કોચને બદલે એલએચબી (લિંક હોફમેન બુશ) કોચ જોડવાને કારણે પ્રવાસીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. નવા કોચ એકદમ આધુનિક તથા જગ્યાની દૃષ્ટિએ મોકળા છે, જેથી પ્રવાસીઓને અવરજવર કરવામાં રાહત થઈ રહી છે, એમ ઓપરેટરે જણાવ્યું હતું. અમારા માટે આજનો દિવસ મહત્ત્વનો છે, કારણ કે એકદમ આધુનિક કોચ સાથે સૌથી પહેલી વખત ટ્રાવેલ કરી રહ્યા છીએ. મારી સાથે મારો આખો પરિવાર છે. અમે મુંબઈથી પુણે વચ્ચે રેગ્યુલર ટ્રાવેલ કરીએ છીએ, જેમાં જૂના કોચની તુલનામાં નવા કોચ હોવાને કારણે તમામ પ્રવાસીઓ માટે આ ટ્રેન લોકપ્રિય રહી હતી, એમ પુણેના રહેવાસી મનીષ પાંડેએ જણાવ્યું હતું. બુધવારે મુંબઈથી પુણે રવાના થયેલી ટ્રેનનું બુકિંગ સંપૂર્ણ ફુલ થઈ ગયું હતું, જેમાં વિસ્ટાડોમ કોચની સાથે અન્ય કોચમાં પ્રવાસીઓનું બુકિંગ ફુલ હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. ———–
પણ ડાઇનિંગ કારમાં કૂકિંગ ફૂડ નહીં મળે…
રેલવે બોર્ડના આદેશ પ્રમાણે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ગેસના સિલિન્ડર વાપરવાનો પ્રતિબંધ હોવાને કારણે ટ્રેનના પેન્ટ્રી કોચમાંથી પ્રવાસીઓને ગરમ ફૂડ આપવાનું મુશ્કેલ છે. રેલવે બોર્ડે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં સિલિન્ડરના વપરાશમાં પ્રતિબંધ મૂક્યો છે, તેથી પ્રવાસીઓને ગરમાગરમ ફૂડ આપવાનું બંધ થશે. આમ છતાં ઈલેક્ટ્રિક સગડી વાપરવાનું ચાલુ કરવામાં આવ્યું છે, જ્યારે સીએસએમટીના બેઝ કિચનમાંથી ઓર્ડર કરવામાં આવેલું ફૂડ પ્રવાસીઓને આપવામાં આવશે, એમ એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું. લાંબા અંતરની ટ્રેનોમાં પેન્ટ્રી કારમાં ચુલા વાપરવાનું બંધ કર્યું છે, જેથી રાજધાની, શતાબ્દી, દુરંતો, તેજસ એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનોના પેન્ટ્રી કારમાં કૂકિંગ બંધ કરવામાં આવ્યું છે. ટ્રેનોમાં ફ્રેશ ફૂડ મળવાનું બંધ થયું હોવાને કારણે પ્રવાસીઓ જ નહીં, પરંતુ વીઆઈપી ટૂરિસ્ટ પણ તેની અત્યારથી ફરિયાદ કરવા લાગ્યા છે, એમ આઈઆરસીટીસીના અધિકારીએ જણાવ્યું હતું.

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.