પ્લૅટફૉર્મના દરવાજા બળજબરીપૂર્વક ખોલવાનું અજાણ્યા યુવકે કર્યું દુ:સાહસ, સીસીટીવીમાં કેદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મેટ્રોના દહીસર મેટ્રો સ્ટેશને મેટ્રોની સમગ્ર યંત્રણાને ખોટકાવવાનું દુ:સાહસ એક અજાણ્યા યુવકે કર્યો અને તેનો વિડિયો વાઈરલ થયા બાદ પ્રશાસને સીસીટીવી ચકાસીને એ યુવકને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો હોવાનું મેટ્રોના પ્રવક્તાએ જણાવ્યું હતું.
મેટ્રોના દહીસર પૂર્વ સ્ટેશન ખાતે રવિવારે સાંજના ૬.૨૪ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. મેટ્રોના દહીસર સ્ટેશને કોઈ ટ્રેન નહીં હોવાથી એક યુવક પ્લૅટફૉર્મના બંધ દરવાજા તરફ ધસી જઈને બળજબરીપૂર્વક દરવાજા ખોલી રહ્યો હતો, પરંતુ દરવાજા ખૂલ્યા નહોતા. ત્યાર બાદ સેન્સર હોવાને કારણે સમગ્ર ઘટના અંગે પ્રશાસનનું ધ્યાન ગયું હતું. જોકે, ટ્રેનની એન્ટ્રી પછી દરવાજા ખૂલતા હોવાથી દરવાજા તો ખૂલ્યા નહોતા, પરંતુ સમગ્ર સેફ્ટી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ હતી અને સિગ્નલ નંબર ૧૪માં ખામી સર્જાઈ હતી. એક-બે મિનિટમાં સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી, પરંતુ ટેક્નિકલ ખામી સર્જાવવાનું કારણ ચેક કરતા એક યુવક બળજબરીપૂર્વક પ્લૅટફૉર્મના દરવાજા ચાલુ કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ સાંજના ૬.૨૬ વાગ્યાના સુમારે ટ્રેનને રવાના કરવામાં આવી હતી. જોકે, આ બનાવના વિડિયોના આધારે એ અજાણ્યા યુવકની શોધ હાથ ધરવામાં આવી છે, પરંતુ મેટ્રોની સંપત્તિને નુકસાન પહોંચાડનારા વિરુદ્ધ સખત પગલાં ભરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
હકીકતમાં આ ગંભીર બાબત છે. પ્લૅટફૉર્મ પર મેટ્રો ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ હોત તો મોટી હોનારતનું નિર્માણ થયું હોત. સીસીટીવીમાં કેદ યુવકને જોતા લાગે છે તેણે જાણીજોઈને આ કૃત્ય કર્યું છે, તેથી તેની સામે મેટ્રો રેલવે ઍક્ટ (ઑપરેશન એન્ડ મેઈન્ટેનન્સ), ૨૦૦૨, સેક્શન ૬૭ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ ઑપરેટિંગ એજન્સી એમએમએમઓસીએલના પ્રવક્તાએ જણાવ્યું હતું. જો કોઈ પણ વ્યક્તિ દ્વારા મેટ્રો ટ્રેન, રોલિંગ સ્ટોક, સિગ્નલિંગ સિસ્ટમ સહિત અન્ય સાધનસામગ્રીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે તો તેની સામે સખત પગલાં ભરવામાં આવશે તથા તે વ્યક્તિને ચાર વર્ષની જેલ અથવા પાંચ હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે, એવું વધુમાં જણાવ્યું હતું.

Google search engine