મુંબઈઃ સેલ્ફી ક્લિક કરવી એ દરેકને ગમતી બાબત છે અને આજે સેલ્ફી લવર્સ માટે ખૂબ જ મહત્ત્વના અને સારા સમાચાર આવી રહ્યા છે આજે વેલેન્ટાઈન્સ ડેના દિવસે, કારણ કે તેમનું મનપસંદ સ્થળ હવે ફરી એક વખત તેમના માટે ખૂલ્લું મૂકવામાં આવી રહ્યું છે.
જી હા, મનસેના દાદર શિવાજી પાર્ક ખાતેનો સેલ્ફી પોઈન્ટ હવે ફરી એક વખત સામાન્ય નાગરિકો માટે ખૂલ્લું મૂકાઈ રહ્યું છે. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના હસ્તે ઉદ્ઘાટન આજે આ સેલ્ફી પોઈન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે, એવી માહિતી સામે આવી રહી છે.
2013ની સાલમાં તત્કાલિન મનસેના નગરસેવક સંદીપ દેશપાંડેની સંકલ્પનાથી આ સેલ્ફી પોઈન્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને યુવાપેઢીનો સારો પ્રતિસાદ આ સેલ્ફી પોઈન્ટને મળી રહ્યો હતો. પરંતુ 2017ની સાલમાં આ સેલ્ફી પોઈન્ટ બંધ થઈ ગયો હતો. ભાજપ-શિવસેના દ્વારા આ સેલ્ફી પોઈન્ટ શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના પ્રયાસોને સફળતા મળી નહીં.
ચાર વર્ષથી બંધ પડેલાં આ સેલ્ફી પોઈન્ટનું આજે વેલેન્ટાઈન્સ ડેના મૂહુર્ત પર મનસે અધ્યક્ષ રાજ ઠાકરેના હસ્તે ઉદ્ઘાટન થશે. ખાસ આજના દિવસને ધ્યાનમાં લઈને એ પ્રકારની સજાવટ કરવામાં આવી છે. એટલે આવનારા સમયમાં સેલ્ફી લવર્સને સેલ્ફી ક્લિક કરવા માટે એક નવું લોકેશન મળી રહેશે.