પપ્પાએ મને ‘શો મસ્ટ ગો ઓન’નો મંત્ર શીખવાડ્યો હતો

પુરુષ

પ્રિય પપ્પા…-પ્રતિમા ટી

હું ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. મારાં પપ્પા-મમ્મીનો હંમેશાં મને સહકાર સાંપડ્યો હતો. પપ્પા (બચુભાઇ લીલાશંકર ત્રિવેદી)નું મૂળ વતન સુરેન્દ્રનગર અને મારાં મમ્મી (નિર્મળાબહેન)નું મૂળ વતન જામનગર એટલે એવું કહી શકાય કે હું નખશિખ કાઠિયાવાડી છું. જોકે મારો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયો છે. અમે લોકો ચાર ભાઈબહેન. એમાં હું સૌથી નાની. હું જ્યારે સોળ વર્ષની હતી ત્યારથી મેં નાટકો કરવાની શરૂઆત કરી હતી. એ ૧૯૭૬નું વર્ષ હતું. મારા પપ્પા કાનેથી બિલકુલ સાંભળી શકતા નહોતા, છતાં પણ એમણે મને હંમેશાં મારા કામ માટે સહકાર આપ્યો, કારણ કે એમને ખબર હતી કે ગરબા, નૃત્ય, અભિનય વગેરે પ્રવૃત્તિ મને ગમે છે અને એમની ઈચ્છા પણ હતી કે હું આ ક્ષેત્રમાં આગળ વધું અને સફળ થાઉં. મારા ગુરુ સ્વ. બિમલ માંગલિયા છે, જેમણે દિગ્દર્શક અને નિર્માતા તરીકે ગુજરાતી રંગભૂમિને સરસ મજાનાં હાસ્યપ્રધાન નાટકો આપ્યાં છે.
એમની સાથેનું મારું પહેલું નાટક હતું
‘પારકાં બૈરાં સૌને ગમે’. આ નાટકના અમે ૩,૫૦૦ ઉપરાંત શો કર્યા હતા, જે એક રેકોર્ડ છે.
મારા પ્રથમ નાટકની સાથે એક યાદ જોડાયેલી છે, જે હંમેશાં માટે મારા દિલમાં કોરાઈ ગઈ છે. આ નાટક કરતાં પહેલાં હું એ વિચારીને દુ:ખી હતી કે પપ્પા, મારા નાટકને ફક્ત મારા અભિનયના એક્સપ્રેશનથી જ માણી શકશે, જોઈ શકશે, પણ મારા બોલાયેલા સંવાદો સમજી નહિ શકે, કારણ કે એ સાંભળી નહોતા શકતા. તો એ નાટકને સમજશે કેવી રીતે? નાટકનાં રિહર્સલ ચાલતાં હતાં ત્યારે મેં એ વિશે પપ્પાને પૂછ્યું કે પપ્પા, તમને મારું નાટક સમજાશે? ત્યારે એમણે મારા નાટકની સ્ક્રિપ્ટ નાટકના નિર્માતા અને લેખક પાસેથી મગાવી લીધી. એ સમયે મને બહુ સમજાયું નહીં કે પપ્પા આ સ્ક્રિપ્ટનું કરશે શું? નાટકનું રિહર્સલ પતાવીને ઘરે આવતી, ત્યારે હું જોતી કે તેઓ નાટકની સ્ક્રિપ્ટ વાંચતા હોય. એ ફક્ત મારા પાત્રના જ સંવાદો નહોતા વાંચતા, પરંતુ શ્રી ગણેશાયથી લઈને નાટકના દરેકેદરેક કલાકારના પાત્રોના સંવાદો વાંચતા હતા. મારા એ નાટકનો શો પપ્પા અને મમ્મી જોવા માટે આવ્યાં હતાં. પપ્પા નાટક જોતા હતા અને હું પણ સ્ટેજ પરથી તેમને જોતી હતી કે તેઓ દરેકેદરેક સંવાદો સાથેના એક્સપ્રેશન સમજી શકતા હતા. જ્યાં કોમેડી આવે તો એ ખડખડાટ હસતા હતા અને જ્યાં લાગણીના સંવાદો આવે ત્યાં એ સિરિયસ થતા પણ દેખાતા હતા. એ વખતે મને આશ્ર્ચર્ય થયું કે પપ્પા સાંભળી નથી શકતા તો નાટકને કેવી રીતે સમજી શકે છે. મેં નાટક પત્યા બાદ ઘરે જઈને એમને આ વિશે વાત કરી અને પૂછ્યું કે પપ્પા તમને નાટકમાં સમજણ પડી? ત્યારે એમણે મને જે જવાબ આપ્યો એ યાદ કરીને આજે પણ મારી આંખો ભીની થઇ જાય છે. તેમણે કહ્યું કે બેટા, તારા આખા નાટકના શબ્દેશબ્દો મેં યાદ કરી લીધા હતા. મને તારા નાટકની આખેઆખી સ્ક્રિપ્ટ મોઢે છે, તેથી હું દરેક કલાકારોના સંવાદો સમજી શકતો હતો, એટલે ત્યાં ઓડિટોરિયમમાં બેઠેલા દર્શકો જેટલું નાટક માણી રહ્યા હતા, કદાચ એ લોકો કરતાં હું વધારે અન્જોય કરી રહ્યો હતો, એમનાથી વધારે હું સમજતો હતો. નાટકમાં આગળ કયું દૃશ્ય આવશે એ મને ખબર હોવા છતાં પણ એના પર ધ્યાન આપ્યા સિવાય હું માત્ર ને માત્ર નાટક એન્જોય કરતો હતો, તમારા બધાનો અભિનય જોતો હતો.
પપ્પાની આ વાત સાંભળીને મને લાગ્યું કે જ્યાં કુદરત મનુષ્યમાં કોઈ ખોટ રાખતી હોય છે, ત્યારે તે મનુષ્ય તેને કેવી
રીતે બેલેન્સ કરી શકે એની પણ સૂઝ
આપતી હોય છે. એ હું એમની પાસેથી શીખી.
પપ્પા મને કહેતા કે જીવનમાં ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય, પણ ક્યારેય કોઈ દિવસ નાટકના શોમાં સ્ટેજ પર પ્રેક્ષકોને એ કળવા નહિ દેતી કે તારી જિંદગીમાં શું બન્યું છે. એ રીતે પપ્પાએ મને ‘શો મસ્ટ ગો ઓન’નો મંત્ર આપ્યો હતો. ૧૯૯૧માં પપ્પાનું અવસાન થયું, ત્યારે મારું એક કોમેડી નાટક ચાલતું હતું અને એનો શો હતો. જે કરવો જરૂરી પણ હતો અને મેં કર્યો પણ ખરો. એ કપરા સમયમાં મારામાં હિમ્મત અને જોમ પૂરું પાડવા માટે રંગદેવતાની ખૂબ જ આભારી છું. પપ્પાના આશીર્વાદ પણ સાથે જ હતા અને તેના કારણે એ નાટકનો શો હું કરી શકી.
પપ્પાના આશીર્વાદથી જ મેં ૧૯૭૮થી નાટકો માટે વિદેશની ટૂર કરવાની શરૂઆત કરી. મારી પ્રથમ વિદેશી ટૂર સમયે હું થોડી મૂંઝવણમાં હતી. મારી મૂંઝવણ પારખીને એમણે મને નાટક માટે વિદેશ જવા માટે પ્રોત્સાહિત કરી અને મને આશીર્વાદ આપતાં કહ્યું હતું કે તું એક કલાકાર છે. તારે નાટકો કરવા જવું જ જોઈએ. આ તો તારી વિદેશની પહેલી ટૂર છે, પણ બેટા મારા તને આશીર્વાદ છે કે ગુજરાતી રંગભૂમિની તું એકમાત્ર એવી અભિનેત્રી હોઈશ જેનો વિદેશી ટૂરનો વિક્રમ સર્જક આંકડો હશે. મારા પપ્પાના એ શબ્દો આજે સાચા પડ્યા છે. ગુજરાતી રંગભૂમિની હું એકમાત્ર અભિનેત્રી છું કે જેણે સૌથી વધારે (૮૭) વિદેશ ટૂર કરી છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે અને એનો એવોર્ડ પણ મને મળી ચૂક્યો છે. તેમના આશીર્વાદથી ટૂંક સમયમાં સદીનો આંકડો પણ હું પૂર્ણ
કરીશ.
હું એકમાત્ર ગુજરાતી રંગભૂમિની અભિનેત્રી છું, જેને લંડનમાં બ્રિટિશ સરકાર દ્વારા પાર્લામેન્ટ હાઉસ, બિગ બેન ટાવરમાં ‘હાઉસ ઓફ કોમન’થી ચાર વાર સન્માનિત કરવામાં આવી છે. રોયલ ફેમિલીની એક્સક્લુઝિવ પેન હોય છે, એમાંની એક પેન લેખક, દિગ્દર્શક તરીકે મને બ્રિટિશ સરકાર દ્વારા ભેટ આપવામાં આવી છે, જે મારા માટે ખૂબ જ અમૂલ્ય છે. ૧૯૯૨માં લંડનમાં ભારતીય વિદ્યા ભવન ખાતે મને ‘કોમેડી ક્વીન લેડી અમિતાભ પ્રતિમા ટી.’ નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય પણ એમના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી મને ઘણા બધા એવોર્ડ મળ્યા છે.
પપ્પાને ડૉક્ટર થવાની ઘણી ઈચ્છા હતી, પરંતુ કાનથી સંભળાતું નહોતું એ પરિસ્થિતિને કારણે તેમણે ડૉક્ટર બનવાનું ટાળ્યું હતું. એમને લાગતું હતું કે આ કુદરતી ખામીને કારણે મારા હાથે ક્યારેક કોઈ દર્દીનું ખોટું ન થઇ જાય, પણ હું એવું કહી શકું એ હતા તો ફાર્માસિસ્ટ, પણ ડૉક્ટરના લેવલનું એમને નોલેજ હતું.
મનોરંજન ક્ષેત્રે અમારા આખા ખાનદાનમાંથી ફક્ત હું જ છું, પરંતુ હવે મારા મોટા ભાઇનો દીકરો મારી સાથે નાટકોમાં અભિનય કરે છે.
ખરેખર તો મારું સાચું નામ કુન્દન છે. કુન્દન એટલે સોનાનો પથ્થર. મારા જીવનમાં મારા ગુરુ સ્વ. બિમલ માંગલિયા શિલ્પકાર તરીકે આવ્યા અને એમણે મને ટાંકણાં મારી મારીને એક પ્રતિમા તૈયાર કરી. એમણે જ મને સ્ટેજનું નામ પ્રતિમા આપ્યું હતું. આ રીતે મારા નામની સાથે મારી અટકના શબ્દનો પ્રથમ અંગ્રેજી વર્ડ લઇને એમણે મને નામ આપ્યું ‘પ્રતિમા ટી.’ અને એ જ નામથી હું પ્રખ્યાત થઇ.
પપ્પાના સ્વભાવની વાત કરું તો તેઓ બહુ જ સાલસ, પ્રેમાળ, લાગણીશીલ અને સરળ સ્વભાવના હતા. મારાં પપ્પા-મમ્મીએ ખુબ જ સારા સંસ્કારો સાથે અમારો ઉછેર કર્યો અને ભણાવ્યા પણ ખરાં. મમ્મીનાં ખૂબ જ નાની ઉંમરે પપ્પા સાથે લગ્ન થઇ ગયાં, તેથી મમ્મી સંપૂર્ણપણે પપ્પા પર જ આધારિત હતાં. પપ્પા જે કહે એ એમના માટે બ્રહ્મ વાક્ય. પપ્પા અમને અમારું ગમતું કામ કરવા માટે હંમેશાં પ્રોત્સાહિત કરતા. ક્યારેય અમને રોક્યાં કે ટોક્યાં નથી. જોકે અમે પણ એવી રીતે રહેતાં હતાં કે એમણે અમને કંઈ કહેવું ન પડે.
પપ્પા મને હંમેશાં સલાહ આપતા કે બેટા, જે પણ કામ કરો એ નીતિ, ઇમાનદારી અને સચ્ચાઇ સાથે કરો. જીવનમાં હંમેશાં સાચું જ બોલવાનું. એક જૂઠને સંતાડવા માટે સો જૂઠનો સહારો લેવો પડે છે. સાચું બોલવાથી જિંદગીમાં ક્યારેય તમે ફસાસો નહીં. સમય ક્યારેય કોઇનો એક સરખો રહેતો નથી. આપણી ચાદર જેટલા જ પગ લાંબા કરવાના. ખરાબ સમય આવે ત્યારે થોડું સંભાળીને સમય કાઢી નાખવાનો, પણ ક્યારેય કોઇની પાસે હાથ લાંબો કરવો પડે એવું કામ કરવું નહીં. એમની કહેલી આ વાતો આજે પણ હું પાળું છું.
હું શાળામાં ભણતી ત્યારથી જ વક્તૃત્વ સ્પર્ધા અને નાટ્ય પ્રવૃત્તિમાં ભાગ લેતી. ક્યારેક કોઇ વિષય પર બોલવાનું હોય અને જો મને સમજણ ન પડે તો એ માટે હું પપ્પાની સલાહ લેતી. ત્યારે એ કહેતા કે બેટા, રોજ છાપાં (અખબાર) વાંચવાનાં. એનાથી તમારા નોલેજમાં બહુ જ વધારો થશે. દેશ અને દુનિયાની ઘણી બધી જાણકારી મળે, તમને સમજણ પડે. મારા પપ્પા રોજ સવારમાં ‘મુંબઈ સમાચાર’ વાંચતા. એમનો રોજિંદો ક્રમ હતો કે સવારે ચા અને ફાફડાની લિજ્જત માણતાં માણતાં ‘મુંબઈ સમાચાર’ વાંચે. એમની સલાહ માનીને આજની તારીખમાં પણ હું રોજ સવારે છાપાં વાંચતી રહું છું.
મારા પપ્પાની એક ઇચ્છા હતી કે હું હિન્દી ફિલ્મોમાં હિરોઇન તરીકે કામ કરું. એ વખતે શરીરસૌષ્ઠવ, કાબેલિયત બધું હોવા છતાં એમની એ ઇચ્છા પૂરી ન થઇ શકી. જોકે મેં અસંખ્ય ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.
મારી પણ એક ઇચ્છા હતી કે હું મારાં મમ્મી-પપ્પાને યુરોપની ટૂર કરાવું, પણ મારી એ ઇચ્છા પૂરી ન થઇ. હું એટલી સક્ષમ બનું એ પહેલાં તે બન્ને આ ફાની દુનિયા છોડી ગયાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.