Homeપુરુષપપ્પાએ પરોક્ષ રીતે મને જીવનમાં શિસ્તતા અને પ્રામાણિકતાના પાઠ ભણાવ્યા

પપ્પાએ પરોક્ષ રીતે મને જીવનમાં શિસ્તતા અને પ્રામાણિકતાના પાઠ ભણાવ્યા

પ્રિય પપ્પા…-નીરજ પાઠક

અમે લોકો રહ્યાં અમદાવાદમાં પણ પપ્પાનું મુળ વતન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલું જલાલખેડા. મારા મમ્મી શાળામાં શિક્ષક હતા અને પપ્પા જિઓલોજિકલ એન્જિનિયર હતા. તેથી જ્યાં પણ ખનીજ નીકળે એ જગ્યાએ પપ્પાની બદલી થતી. બે-ત્રણ વર્ષ માઇનિંગ થઇ જાય, ત્યાં સુધી રહેવું પડે, ત્યાર બાદ અન્ય રાજ્યમાં જવાનું. એમ વારંવાર અલગ-અલગ જગ્યાઓએ એમની બદલી થતી રહેતી હતી. હું બિહાર, નાગપુર, આન્ધ્ર પ્રદેશ, સિકંદરાબાદ, ગુજરાત, રાજસ્થાન અને હવે મુંબઇમાં રહું છું. વારંવાર બે-ત્રણ વર્ષે અલગ અલગ રાજ્યમાં પપ્પાની બદલી થતી રહેતી. તેથી મમ્મીએ પપ્પાને કહ્યું કે છોકરાઓનું બોર્ડ દર વર્ષે બદલાય તેના કારણે તેમના ભણતરમાં વિક્ષેપ પડશે. દરેક રાજ્યમાં તેની એક સ્થાનિક ભાષા હોય છે, જેમ કે મહારાષ્ટ્રમાં મરાઠી, ગુજરાતમાં ગુજરાતી, આન્ધપ્રદેશમાં તેલગુ એમ રાજ્યની સ્થાનિક ભાષામાં જ ભણવું પડે. તો આ બધુ આ છોકરાઓ કેવી રીતે મેનેજ કરશે. તેથી નક્કી કરવામાં આવ્યું કે કોઇ એક જ શહેરમાં રહેવું જેથી, અમારા ભણતરમાં વિક્ષેપ ન પડે અને મમ્મીએ અમદાવાદમાં રહેવાનું નક્કી કર્યું. મેં અમદાવાદમાં જ ધોરણ દસથી લઇને કૉલેજ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો. પપ્પા પણ વારંવારની બદલીથી કંટાળીને છેવટે અમદાવાદ રહેવા માટે આવી ગયા હતા.
હું માઇક્રોબાયોલોજિમાં સ્નાતક છું. અમદાવાદની ગુજરાત કૉલેજમાં ભણતો હતો. હું ૧૪-૧૫ વર્ષનો થયો ત્યારથી જ મને ગીત, સંગીત, નાટકનો શોખ હતો, પરંતુ એમાં આગળ વધવા વિશે મેં ક્યારેય વિચાર્યું નહોતું. એક સમય હતો, જ્યારે મને ગાયક બનવાની ઇચ્છા હતી. તો એ વખતે મને ૧૪,૦૦૦ ગીતો કંઠસ્ત હતા. બાદમાં મેં ક્લાસિકલ સંગીતની તાલિમ લેવાની પણ શરૂઆત કરી હતી, પણ પપ્પાને એ ગમતુ નહોતું એટલે મેં એ છોડીને ફક્ત ભણવા પર ધ્યાન આપવા લાગ્યો. ગુજરાત કૉલેજમાં ડ્રામા સ્કૂલ પણ હતી અને એને જોઇને મારો શોખ પાછો જાગ્રત થયો. ત્યાં બે વર્ષનો ડિપ્લોમાનો કોર્સ હતો. મમ્મીને કહીને ડ્રામા સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો, ત્યારે મને લાગ્યું કે હું આ જ કામ કરવા માટે સજાર્યો છું. એનએસડી, દિલ્હીમાં મારું સિલેક્શન થયું હતું, પરંતુ હું ત્યાં ઇન્ટરવ્યું માટે સમયસર પહોંચી નહતો શક્યો. ત્યાર બાદ એનએસડી, મુંબઇમાં નહેરુ સેન્ટરમાં મારું ઇન્ટરવ્યું હતું. એની જાણ મને ઇન્ટરવ્યુનાં જ દિવસે બપોરે બે વાગે થઇ. ગમે તેમ કરીને હું ફ્લાઇટમાં મુંબઇ પહોંચ્યો. પણ મોડું થઇ ગયું હતું. સમયઅવધિ પૂરી થઇ ગઇ હતી. દીના પાઠક જજ હતા. હું ઇન્ટરવ્યું આપવા માટે રાત્રે એમના ઘરે પહોંચી ગયો. એમણે અન્ય શહેરમાં મારો ઇન્ટરવ્યું થાય એ માટે ખૂબ જ કોશિશ કરી હતી, પણ એ શક્ય બન્યું નહીં. એ સમયે મને ખૂબ જ દુ:ખ થયું હતું, પરંતુ પછીથી મને એવું લાગ્યું કે ભગવાન જે કરે એ સારા માટે કરે છે. હવે મને એનો કોઇ વસવસો નથી. ત્યાં ગયો હોત તો ફક્ત અભિનેતા જ બની શક્યો હોત, જ્યારે આજે હું લેખક-દિગ્દર્શક છું. દિગ્દર્શક હોવાને કારણે હું ‘કૅપ્ટન ઑફ ધ શીપ’ હોઉ છું. ઘણા બધા અભિનેતાઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો. જે મારા માટે ઘણી મહત્ત્વની અને સંતોષજનક બાબત છે.
એક સમય એવો આવ્યો હતો, જ્યારે મેં અને પપ્પાએ નવ વર્ષ સુધી એકબીજા સાથે વાત નહોતી કરી. પપ્પાએ અમદાવાદ આવીને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો. હું અભિનય કરું છું એ વાતની મમ્મીને ખબર હતી, પરંતુ પપ્પાને એ વાતની જાણ નહોતી કરી. એક દિવસ મારો નાટકનો પ્રથમ શો હતો અને એ જ દિવસે પપ્પાની ટ્રકને ભરૂચ પાસે અક્સ્માત થયો. પપ્પાએ મને ત્યાં જવા માટે કહ્યું, પણ એમને કેવી રીતે કહું કે મારો નાટકનો શો છે. એ વખતે નાટકમાં મારું રિપલેસમેન્ટ થઇ શકે એટલો સમય પણ નહોતો. મારા વતી મમ્મીએ પપ્પાને મારા નાટકની વાત કરી. આ ઘટનાથી પપ્પા મારાથી બહુ જ નારાજ થયા. આટલો મોટો અક્સ્માત થયો છે અને એને એના નાટકની પડી છે. એમને આ વાતનું એટલું બધુ ખરાબ લાગ્યું કે ત્યાર બાદ આઠથી નવ વર્ષ સુધી અમારો સંબંધ ફક્ત કામ પુરતી વાતનો જ રહ્યો.
હું અમદાવાદમાં નાટકો અને સિરિયલોમાં અભિનય પણ કરતો હતો. મારી ત્રણ-ચાર સિરિયલો બહુ હીટ થઇ ગઇ હતી. અમદાવાદ દૂરદર્શન પર ‘જુહી’ નામની મારી સિરિયલ ખૂબ જ હીટ થઇ હતી. ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓમાં. એ સિરિયલમાં મારી સાથે વંદના (મારી પત્ની) પણ હતી. મારા પપ્પાના માલિકની દીકરી મારી જબરજસ્ત પ્રશંસક હતી. તેમણે પપ્પાને કહ્યું કે મારી દીકરીને તમારા દીકરાને મળવું છે તો એને લઇને એક દિવસ મારા ઘરે આવો. પપ્પાને તો ખબર જ નહોતી કે હું શું કામ કરી રહ્યો છું. એમણે આવીને મમ્મીને મારા કામ વિશે પૃચ્છા કરી. અમારા તો અબોલા ચાલતા હતા એટલે પપ્પાએ મને ન કહ્યું પણ મમ્મીને જ કહ્યું કે એને કહેજે કે એણે મારી સાથે મારા બોસની દીકરીને મળવા માટે એમના ઘરે જવાનું છે. ઘણા વર્ષો પછી અમે એકસાથે બાઇક પર નીકળ્યા. એ ચલાવતા હતા અને હું પાછળ બેઠો હતો. એમના બોસના ઘરે પહોંચ્યા તો ત્યાં મને જોવા માટે અને મારા હસ્તાક્ષર લેવા માટે પાંચ-છ હજાર લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. એમના બોસે અમને ખૂબ જ સારો આવકાર આપ્યો. આ બધુ જોઇને પપ્પાને લાગ્યું કે મારો દીકરો તો બહું સારું કામ કરી રહ્યો છે અને એમને મારા પર ગર્વ થયો. આ ઘટના બાદ એમના મારી સાથેના સંબંધો ફરીથી પૂર્વવત થઇ ગયા. મારા પપ્પાના સ્વભાવની વાત કરું તો એ આપકર્મી વ્યક્તિ હતા. ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરીને જિઓલોજિક ઓફિસર તરીકે કારર્કિદી શરૂ કરીને થાપર ગ્રૂપમાં ડેપ્યુટી જનરલ મૅનેજરની પદવી સુધી પહોંચ્યા હતા. મારા પપ્પાનો સ્વભાવ નારિયેળ જેવો હતો. બહારથી કડક પણ અંદરથી બિલકુલ નરમ અને મીઠાં. મને તો હંમેશા કડક જ લાગ્યા છે. એ બહારગામ રહેતા અને ક્યારેક કયારેક અમદાવાદ આવતા. તો એમની નજરમાં હું બદમાશ હતો અને તેઓ મને સુધારવા માગતા હતા. તેથી મારા પ્રત્યે તેમનું વલણ કડક રહેતું હતું, પરંતુ સમય જતા-જતા બાદમાં એમની સાથેના મારા સંબંધો એક મિત્ર જેવા બની ગયા. એકબીજાને સમજતા. તેમનો પાછલો સમય મુંબઇમાં મારી સાથે વિત્યો એ વાતનો મને સંતોષ છે.
તેઓ મને હંમેશા શિસ્તતા જાળવવા માટે કહેતા. હું રહ્યો લેખક, અભિનેતા, દિગ્દર્શક. તો મારા જીવનમાં શિસ્તતા ન હોતી. મરજી પડે ત્યારે ઊઠવાનું, ઇચ્છા થાય ત્યારે કામ કરવાનું. હું મુંબઇ આવી ગયો, ત્યારે મને પપ્પાની વાત સમજાઇ કે જીવનમાં શિસ્તતા કેમ જરૂરી છે. શિસ્તતાના કારણે માણસનું ઘડતર થાય છે. પપ્પાનું કહેવું હતું કે તમે કામ કોઇપણ કરો, પરંતુ એ એક ચોક્કસ સમયે જ કરો. ઉદાહરણ તરીકે જો તમે સવારે નવ વાગે ઊઠો છો તો રોજ નવ વાગે જ ઊઠો. નિયમિતતા વગર કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. હું ઘણા સફળ વ્યક્તિઓ અને લેખકોની સમય અને શિસ્તતાપાલનથી પ્રભાવિત થયો છું. એમાં જેફ્રી આર્ચર ટોચ પર છે. અત્યારે પણ શિસ્તતાના નિયમો પાલન કરવાની કોશિશ કરું છું, ત્યારે મને પપ્પા યાદ આવે છે. જ્યારે પણ મારે શૂટિંગ ન હોય ત્યારે સવારે વહેલો ઊઠવાની કોશિશ કરું છું. પપ્પા મને હંમેશા પ્રમાણિક રહેવાની સલાહ આપતા. તેમની એ સલાહને હું આજપર્યંત વળગી રહ્યો છું. હું ક્યારેય કોઇની સાથે અપ્રમાણિકતાથી વર્ત્યો નથી. હું જે કહું છું, એ કરું જ છું. હું ક્યારેય કોઇને સારું લગાડવા માટે કામનું વચન નથી આપતો. હું એકવાર કોઇને ફિલ્મમાં કામ આપવાનું કહું તો તેને લાયક જ્યારે પણ કામ આવે ત્યારે એને જરૂરથી યાદ કરું છું અને કામ આપુ છું. એને યાદ કરાવવામાં કુદરતે પણ મને સહયોગ આપ્યો છે. એ લોકો ભૂલી ગયા હોય છે, પણ હું મારું વચન યાદ રાખું છું. એમાં મારો રેશિયો સો ટકાનો છે કે નહીં એ યાદ પણ નેવું ટકા તો હશે જ.
મારા પપ્પા ખૂબ જ ખંતીલા અને સખત મહેનતુ વ્યક્તિ હતા. શાળામાં રજાના સમયમાં અમે પપ્પા સાથે માઇન્સમાં જતા અને જોતા કે ત્યાં સવારે સાત વાગ્યાથી લઇને સાંજે સાત વાગ્યા સુધી કે કોઇક વાર મોડી રાત સુધી ડ્રિલિંગ ચાલુ હોય. જ્યારે તેઓ થાપર ગ્રૂપની કંપનીના વાઇસ પ્રેસિડન્ટ હતા, ત્યારે ત્રણ માઇન્સની જવાબદારી એમની પાસે હતી. હજારો કામદારો એમના હાથની નીચે કામ કરતા. એમની ઘણી બધી સમસ્યાઓ રહેતી, માઇન્સમાં પણ દરેક તબક્કે કોઇને કોઇ સમસ્યા આવતી રહેતી. એ સમસ્યાને એ ખૂબ જ સારી રીતે અને મક્કમતાથી ઊકેલતા હતા. એમનો એ ગુણ મારામાં પણ આવ્યો છે. એમના જેમ હું પણ ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છું. ઘણીવાર ફિલ્મ જોતા સમયે કોઇને અસર ન થતી હોય, પરંતુ અમને એ દૃશ્યમાં કોઇ ભાવૂકપણું દેખાઇ આવે અને અમે ફિલ્મ જોતા-જોતા પણ અમે રડી પડીયે. મેં હિન્દી ફિલ્મ ‘અપને’ લખી હતી. એ જોઇને પણ પપ્પા ખૂબ જ રડેલા. પપ્પા બહારથી એકદમ કડક અને અંદરથી મૃદુ.
વર્ષ ૨૦૧૯માં એમનું દેહાંત થયું. એ પહેલાનાં એક વર્ષ અમને એમની સેવા કરવાનો મોકો મળ્યો હતો. એને હું મારું અહોભાગ્ય માનું છું. જતા-જતા તેઓ અમને ખૂબ જ આર્શિવાદ આપીને ગયા. પપ્પાએ મને કહેલી એક વાત દુુનિયાના કોઇપણ ઍવોર્ડ કરતા મારા માટે વિશેષ છે. એક વાર તેઓ મારા રૂમમાં આવ્યા અને કહ્યું કે ‘તું મારા કરતા સારો પિતા છે. તું તારા દીકરા-દીકરીને બહુ સારી રીતે ઉછરે છે. હું તારા પ્રત્યે ખૂબ જ કડક અને કઠોર હતો. મારે તને વધારે મદદ કરવી જોઇતી હતી, પણ એ ન કરી શક્યો.’ મેં તેમને કહ્યું હતું કે ‘પપ્પા, એવું નથી. હું તમારાથી ખૂબ ખુશ છું. હું એવું માનું છું કે હું આજે જે કંઇપણ છું એ તમારા કારણે જ છું. જો તમે મારા પ્રત્યે કડક વલણ ન દાખવ્યું હોત તો કદાચ મારામાં આટલી શિસ્તતા ન આવી હોત. તમારા કારણે જ હું આત્મનિર્ભર પણ બની શક્યો છું.’ નવ વર્ષના અબોલા ટૂટયા બાદથી એમના જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી પપ્પા સાથે મારા લાગણીભીના સુમેળ સંબંધો રહ્યા હતા. અમે (મેં અને વંદના) નાનપણથી જ અમારા બન્ને સંતાનોને એવી રીતે ઉછેર્યા છે કે એમને એમની મનની વાત મનમાં ન રાખીને અમારી સાથે શૅર કરવાની આઝાદી છે. એ રીતે પપ્પાએ પરોક્ષ રીતે પણ મારા માટે ઘણું કર્યું છે.
પપ્પા ખૂબ જ નિર્ભય હતા. તેમનો એ ગુણ પણ મારામાં આવ્યો છે. એમની નિર્ભયતાનો એક કિસ્સો પપ્પાએ મને કહ્યો હતો. પપ્પા જ્યારે આન્ધ્રપ્રદેશમાં કામ કરતા હતા. તે સમયે ચાલીસ જેટલા મજૂરો હતા. જે ત્યાંની વાયએસઆર રેડ્ડીની રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હતા. તે બધા દારૂ પીને પડયાં રહેતાં હતાં. કામ નહોતા કરતા, તેથી પપ્પાએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યાં હતા. તો એ મજૂરોએ પપ્પાનું ખૂન કરવાની યોજના બનાવી અને એ ચાલીસ મજૂરો સાઉથની ફિલ્મોમાં દેખાડવામાં આવે છે એ રીતે હથિયારો લઇને મધરાતે પપ્પાની કારને સૂમસામ રસ્તે આંતરી લીધી. એમની કારનો ડ્રાઇવર તો ડરી ગયો પણ પપ્પા કારમાંથી ઊતરીને બહાર આવીને એ મજૂરોના નેતાને ચેલેન્જ આપતા કહ્યું કે આજની આ લડાઇમાં હું કદાચ મરી જઇશ પણ તમારામાંથી ૯-૧૦ને તો મારીને જ મરીશ. બીજો રસ્તો છે કાલે ઓફિસ પર આવો ત્યાં બેસીને આપણે વાત કરીશું. પપ્પાએ આ ઘટના અંગે તેમના કંપનીના માલિક કુલ્લરજીને જાણ કરી. આન્ધ્ર પ્રદેશમાં તેઓ ખૂબ જ મોટી વગ ધરાવતા હતા. તેમણે પપ્પાની વાયએસઆર રેડ્ડી સાથે મુલાકાત કરાવી. મજૂરો પપ્પા કહે એ પ્રમાણે કામ કરશે અને એની જવાબદારી વાયએસઆરરેડ્ડી લેશે એ શરતે તે તમામ મજૂરોને નોકરી પર પાછા રાખ્યા હતા. તે બાદ ક્યારે એ લોકોએ પપ્પાને હેરાન નહોતા કર્યા. પપ્પા કહેતા કે હું એવા ક્ષેત્રમાં કામ કરતો હતો, જ્યાં આ બધી રોજબરોજની ઘટના હતી. આપણે કામ કરવું છે, તો કરવું જ છે. આ નિર્ભયતા મારા આવી કે ‘કોઇપણ અણધારી આપતિજનક પરિસ્થિતિ હોય આપણે ગભરાવવાની જરૂર નથી.
આવી જ એક ઘટના હમણાં મારી સાથે પણ બની. હું મારી વૅબ સિરીઝનું શૂટિંગ ચંબલમાં કરતો હતો. ધોલપુરની બોર્ડર પર ચંબલ નદીમાં જ શૂટ કરતો હતો. ત્યારે અચાનક ક્યાંકથી ભૂતપૂર્વ ડાકૂઓના દીકરાઓ દારૂ પીને બંદૂકમાંથી ગોળી ફોડતા-ફોડતા આવી ગયા. કદાચ તેમને પૈસા નહીં મળ્યાં હોય. એ લોકોને જોઇએ મારો ઇ.પી. (એક્ઝિક્યુટિવ પ્રોડયુસર) અને લોકલ લાઇન પ્રોડયુસર ગાયબ થઇ ગયા. સેટ પર રણદીપ હૂડા સહિત ઘણા બધા લોકો હતા. મેં એમને એકબાજુ કરીને એ ડાકુઓ સાથે નિર્ભયતાથી વાટાઘાટો કરી. અમે જ્યાં શૂટ કરતા હતા એ જમીન એની હતી અને લાઇન પ્રોડયુસરે તેને પૈસા નહીં આપ્યા હોય એટલે ઓ લોકો ધમાલ કરવા આવી ગયા હતા. એમને શાંત પાડયા અને પૈસા પણ આપ્યા.
છેલ્લે-છેલ્લે પપ્પા તેમની બીમારીના કારણે લાચાર થઇ ગયા હતા. એમને એમના દૈનિક કાર્ય કરવા માટે પુરુષ નર્સની મદદ લેવી પડતી હતી. ત્યારે એ વિચારતા કે હું બોજ બની ગયો છું. બીમારીમાંથી સાજા થયા બાદ એમણે જીવવાની જિજિવિશા છોડી દીધી હતી. પપ્પા બીમારી સામે લડીને એટલા હતાશ થઇ ગયા હતા કે એક દિવસ મને આવીને કહે કે તું મને જંગલમાં મૂકી આવ. ત્યાં જંગલી જાનવરો આવશે. મને ખાઇ લેશે. મને એ વાતનો અફસોસ છે કે તેઓ જે ઇચ્છાશક્તિથી બીમારી સામે લડીને સાજા થઇ ગયા હતા, પરંતુ બીમારીમાંથી સાજા થયા બાદ એમની એ ઇચ્છાશક્તિ નબળી પડી ગઇ હતી. નહીં તો એ હજુ વધારે દસ વર્ષ જીવી શક્યા હોત. હું સમજણો થયો ત્યારબાદ મારા પપ્પાએ કદાચ જ કોઇ બાપે એના દીકરાને આપ્યો હશે, એટલો પ્રેમ મને આપ્યો હતો.
પપ્પાની ઇચ્છાશક્તિ પર્વત જેવી હતી. તેઓ ખૂબ જ માયાળુ અને એકદમ મજબૂત તથા ખડતલ હતા. પંચોતેર વર્ષની ઊંમરે પણ એમની બંધ મુઠ્ઠીને આપણે ખોલી ન શકીયે, એ એટલા તાકાતવર હતા. હું સમજણો થયો ત્યારબાદ મારા પપ્પાએ કદાચ જ કોઇ બાપે એના દીકરાને આપ્યો હશે, એટલો પ્રેમ મને આપ્યો હતો. ઉ

RELATED ARTICLES

Most Popular