પપ્પાએ મારા નિર્ણય લેવામાં ભાગ ન ભજવીને મોટો ભાગ ભજવ્યો છે

પુરુષ

પ્રિય પપ્પા…-આતિશ કાપડિયા

મારા પિતા ઇન્દુકુમાર પ્રાણલાલ કાપડિયા દશા સોરઠિયા વૈષ્ણવ વણિક. એમનો જન્મ મુંબઇમાં જ થયો. અમારું વતન રાણાવાવ. મારા પપ્પાના દાદા વિઠ્ઠલદાસબાપા રાણાવાવથી મુંબઈ આવીને વસ્યા. મૂળજી જેઠા માર્કેટમાં ગણેશવાડીમાં અમારી એક દુકાન હતી અને એની ઉપર જ રહેવાનું, પરંતુ થોડા સમય બાદ પરિવાર મોટો થતાં ઘર નાનું પડવા લાગ્યું અટલે મારા દાદા અને મારા પપ્પાના કાકા વિલે પાર્લેમાં ખૂબ જ મોટા મકાનમાં શિફ્ટ થયા. પપ્પા મીઠીબાઇ કોલેજમાં ઇન્ટર સુધી ભણ્યા. ગોકળીબાઇ સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં ભણેલા હોવા છતાં તેઓ જેમ્સ હેડલી ચેઝ, અલ સેન્ડલી ગાર્ડનર વગેરે લેખકોનાં અંગ્રેજી પુસ્તકો રસપૂવર્ક વાંચીની અંગ્રેજી ભાષા શીખ્યા. હું પપ્પા અંગ્રેજી શીખ્યા એને મહત્ત્વ નથી આપી રહ્યો, પણ તેમણે ભાષા પોતે જાતે શીખી એ વાતને મહત્ત્વ આપી રહ્યો છું. એ વખતે ઇન્ટર સુધીના અભ્યાસક્રમમાં અંગ્રેજીને એટલું મહત્ત્વ નહોતું આપવામાં આવતું. આપવું જોઇએ કે નહીં એ પાછો ચર્ચાનો વિષય છે. એ સમયે એવી માન્યતા હતી કે તમને અંગ્રેજી આવડતું હોય તો તમે સોફિસ્ટિકેટેડ ગણાવ. આ એકદમ બેવકૂફ જેવી માન્યતા છે. ભાષાને અને સોફિસ્ટિકેશનને શું લાગેવળગે? એ તમારા વર્તનની સાથે જોડાયેલું હોવું જોઇએ. ખેર, પપ્પાના મોટા ભાઇ પ્રતાપભાઇ નાની ઉંમરમાં એક કાર અકસ્માતમાં ગુજરી ગયા, તેથી ફક્ત અઢાર વર્ષની ઉંમરમાં જ બધી જવાબદારી પપ્પા પર આવી ગઇ. અમારો કાપડનો હોલસેલનો વ્યવસાય હતો. તે પપ્પાએ સંભાળી લીધો, પણ મને એવું લાગે છે કે એમની રુચિ વાચન કે આર્ટ્સ તરફ વધારે હતી. વ્યવસાય તરફ એટલી રુચિ નહોતી. કદાચ હું ખોટો પણ હોઇ શકું, પણ મેં જોયું છે કે મારા પરિવારમાં બધા જ લોકો થોડા ઘણા અંશે આર્ટ્સ તરફ ઢળેલા હતા. મારા અદા ખૂબ જ સારું લખતા, પણ એ એમની ડાયરીમાં લખતા. મારાં કુસુમફોઇબા ચોપડીઓમાં લખતા અને લેખક બનવાનું તેમનું સ્વપ્ન હતું. મને એવું લાગે છે કે મારા પરિવારના લોકો શાંત પ્રકૃતિના છે, પરંતુ ધંધાકીય વલણવાળા નહોતા. એમને વાંચવા અને આર્ટ્સ પ્રત્યે વધારે રુચિ હતી, જે મારામાં પણ હતી, પરંતુ મેં ડાયનામિઝમ ન છોડ્યું. પોતાની મેળે કંઇક કરી બતાવવાનું મારું એક સ્વપ્ન હતું. હું ઝનૂનથી એને વળગી રહ્યો, પણ તેમણે પોતાની રુચિને ધ્યેય ન બનાવી, જો બનાવી હોત તો તેના થકી જીવનમાં એ ઘણું બધું કરી શક્યા હોત. મેં પપ્પાને બાસઠ વર્ષની ઉંમરે જ નિવૃત્ત કરી દીધા.
મારાં મમ્મી ઇન્દિરાબહેન સાઉથ આફ્રિકાના ગર્ભશ્રીમંત પરિવારનાં દીકરી. અમારો પરિવાર સમૃદ્ધ હતો. વિલે પાર્લેમાં હવેલી જેવડું મોટું ઘર હતું, પરંતુ મારાં દાદીને એ વાતની ચિંતા હતી કે મારાં મમ્મીનો પરિવાર મરીન ડ્રાઇન રહેતો હતો. ચર્ચગેટમાં પણ એમનું ઘર હતું, તો એ વિલે પાર્લેમાં એડજસ્ટ થશે કે નહીં, પણ મારા પપ્પાની જીદ હતી કે લગ્ન તો હું આની સાથે જ કરીશ અને મારા પિતાજીએ મારી મમ્મી સાથે ૧૯૬૩-૬૪માં લગ્ન કર્યાં. અમે ત્રણ ભાઇઓ. હું માતા-પિતાનું બીજું સંતાન.
બાળપણથી જ મારા મગજમાં નક્કી હતું કે મારે નાટ્યક્ષેત્રે જ મારું કેરિયર બનાવવું છે. હું છ વર્ષનો હતો એ સમયે મારા પપ્પાના એક મિત્રએ સહજભાવે મને પૂછયું કે બેટા, મોટો થઇને શું બનવા માગે છે? મેં કહ્યું કે મારે નાટકમાં કામ કરવું છે. મારા જવાબથી એ એકદમ હબતાઇ ગયા કે આટલી નાની ઉંમરનું બાળક આટલી મક્કમતાથી કેવી રીતે જવાબ આપી શકે. અમારા ઘરમાં ખૂબ જ લિબરલ વાતાવરણ હતું, થોડા અંશે એ વાતાવરણ હાનિકારક પણ હતું. જે વિષય અહીં અસ્થાને છે. કોણ શું કરે છે? કોની શું ઇચ્છા છે? એના પર કોઇનો અંકુશ નહોતો. મને સમજાઇ ગયું હતું કે મારે મારો રસ્તો જાતે જ કંડારવો પડશે. અમે ખૂબ જ શ્રીમંત હતા. ફોર્ડ, જીપ, એમ્બેસેડર અને ફિયાટ એમ ચાર ચાર ગાડીઓ અમારી પાસે હતી. હું શાળામાં પણ ગાડીમાં જ જતો. વલીભાઇ નામના અમારા ડ્રાઇવર હતા. પપ્પાને તહેવારો ઊજવવાનો બહુ શોખ, તેથી હંમેશાં ઘરમાં મહેમાનોનો મેળો જામેલો જ હોય. ઘરે જમવાનું બનાવવા માટે મહારાજ હતો. ટૂંકમાં કહું તો ખૂબ જ જાહોજહાલી હતી, પરંતુ ધંધાને મારા દાદા અને પરદાદાએ જે રીતે વધાર્યો હતો, તે રીતે એમની પછીની પેઢી વધારી ન શકી. એમનામાં ધંધો કરવાની આવડત અને ક્ષમતા બન્ને હતી, પણ રુચિ નહોતી. (કદાચ હું ખોટો પણ હોઇ શકું છું.) અમારા ધીકતા ધંધાના કારણે એટલી જાહોજહાલી હતી કે દાગીના લેવા માટે ઘરની મહિલાઓએ બહાર નહોતું જવું પડતું. ઝવેરી પોતે ઘરે આવે એટલી દોમ દોમ સાહ્યબી હતી. ધંધામાં રુચિ ન હોવાના કારણે નુકસાન થવાથી રાતોરાત અમે દેવાદાર થઇ ગયા. દેવું ચૂકવવામાં મિલકત સિવાય બાકી બધું જ વેચાઇ ગયું. બેન્ક બેલેન્સથી લઇને ઘરની મહિલાઓના દાગીના પણ જતા રહ્યા. ચાંદીનાં વાસણો પણ વેચવાં પડ્યાં હતાં. ત્રીજા દિવસે અમારા ઘરમાં ખાવાનું પણ ખૂટી ગયું એટલી દારુણ પરિસ્થિતિ સર્જાઇ ગઇ. અમારા ઘરની બહાર પરસાળમાં અજાણ્યા લોકો અનાજ મૂકી જતા. એ વખતે અજુગતું પણ લાગે, ખરાબ પણ લાગે, પરંતુ કુદરતે પરિસ્થિતિ જ એવી નિર્માણ કરી હતી. મને યાદ છે ઘરના ક્લેશથી દૂર રહેવા માટે હું અમારા ઘરની સામે ઊગેલા ચંપાના ઝાડ પર બેસતો. ત્યારે મને અનુભવ થયો કે આ રસ્તા પર અવરજવર કરતા લોકો મારાં પાત્રો છે, જેને ભગવાને રચ્યાં છે. ભવિષ્યમાં મારા લખાણમાં હું એમનો ઉપયોગ કરીશ. એ કલ્પનાના જીવનમાં રચ્યોપચ્યો રહેતો. ત્યારે મેં સાત વર્ષની ઉંમરે જ નિર્ધાર કર્યો હતો કે હું બનીશ તો લેખક જ.
અમારે ત્યાં લાઇબ્રેરિયન હતા. તેઓ ખૂબ બધાં પુસ્તકો લઇને અમારે ત્યાં આવતા. તેમાંથી ટીનટીન, અમરચિત્ર કથાઓ વગેર હું વાંચતો. મારાં ભણવાનાં તમામેતમામ પુસ્તકો હું વેકેશન દરમિયાનમાં જ વાંચી જતો, જેને અભ્યાસની રીતે ક્યારેય વાંચ્યાં નથી. એને કથાની જેમ જ વાંચતો. ઇવન ગણિત પણ હું એ રીતે જ વાંચતો. હું જમનાબાઇ નરસી સ્કૂલમાં પણ ભણ્યો છું. અભ્યાસમાં હું ખૂબ જ હોશિયાર હતો, પણ મને રુચિ નહોતી, તેથી શાળામાં પણ શિક્ષકો મને ‘ઢ’ માનતા. નાટકો લખવા માટે શું કરવું? એની માટે મારી પાસ કોઇ માર્ગદર્શક નહોતો. દસમા ધોરણમાં હતો ત્યારે મેં નક્કી કર્યું કે નરસી મોનજી કોલેજમાં જ ભણીશ, કારણ કે ત્યાં નાટકોની એક્ટિવિટી બહુ જબરજસ્ત અને ખૂબ જ મોટા પાયે થતી તો ત્યાંથી મને કોઇ રસ્તો મળી જાય. મારા કુટુંબના લોકોની ઇચ્છા ખરી કે હું ભણી-ગણીને ડૉક્ટર કે સીએ બનું, પણ એમને એ વાત નહોતી સમજાતી કે કોઇ કોર્મસની કોલેજમાં જઇને નાટકો કેવી રીતે કરી શકે? મારું એકમાત્ર લક્ષ્ય હતું નરસી મોનજી કોલેજનાં ઇન્ટર કોલેજ નાટકો. આ બાબતે મમ્મી-પપ્પા સિવાય બધાને ચિંતા હતી. જુલાઇ, ૧૯૮૨માં કોલેજમાં એડમિશન લીધાના ત્રીજા કે ચોથા દિવસે જ કોલેજના નોટિસ બોર્ડ પર વાંચ્યું કે કોલેજ ડેના નાટકમાં ભાગ લેવા માટે સંપર્ક કરો જમનાદાસ મજેઠિયા (જે.ડી)નો. સૌથી પહેલો હું જઇને બેસી ગયો. એટલામાં જે.ડી. આવ્યો. એણે મારું ઓડિશન લીધું અને ‘સિંગિંગ પોલિટિશિયન’ નામના નાટકમાં મને રોલ આપ્યો. એ રીતે મારો પ્રથમ દિગ્દર્શક જે.ડી. છે. જે.ડી. સાથે કામ કરીને મારો આત્મવિશ્ર્વાસ પણ વધ્યો.
પપ્પાએ અજાણતાં મારા નિર્ણયોમાં ભાગ ન ભજવીને મોટો ભાગ ભજવ્યો છે. એમણે મને સ્વેચ્છાએ આઝાદી આપી. એમણે ક્યારેય મને રોક્યો કે ટોક્યો નથી. એના લીધે અમારા વચ્ચે એક વિશ્ર્વાસનો સંબંધ બન્યો, પરંતુ મારા એમની સાથે વ્યક્તિગત સ્તરે જે સંબંધ હોવા જોઇએ, એ એક યા બીજા કારણે હું સ્થાપી નહોતો શક્યો. એકબીજા માટે પારસ્પરિક આદર ખૂબ જ જબરજસ્ત હતો. હું માનસિક રીતે એટલો સ્વતંત્ર વિચાર ધરાવતો કે મારે પપ્પા પાસેથી એકપણ પૈસો જોઇતો નથી એવું નક્કી કરી રાખેલું. હું જ્યારે કમાતો થયો ત્યારે અમારા ઘરમાં રાચ-રચીલું અને અન્ય વસ્તુઓ લાવવા માટે ખર્ચા કરતો, તેથી મારી પાસે બીજા પૈસા બચતા જ નહોતા અને ઘરખર્ચ માટે પૈસા આપી નહોતો શકતો. એના કારણે પપ્પાને અમારા કેટલાક હિતેચ્છુઓ આ બાબતે કાનભંભેરણી કરતા, પણ પપ્પા તેને હસીને ભૂલી જતા, કારણે કે એમને ખબર હતી જ કે હું કાં તો ઘરખર્ચ આપી શકીશ અથવા ઘરમાં રાચ-રચીલું અને અન્ય વસ્તુઓ લાવવા માટે પૈસા આપી શકીશ. હું એ હિતેચ્છુને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેતો કે મારા અને પપ્પા વચ્ચેની આ મેટર છે. તમારે આ બાબતે દખલગીરી કરવાની જરૂર નથી.
વર્ષો પછી પાર્લાથી મલાડ શિફ્ટ થયા અને હું માતા-પિતા અને બે ભાઇઓ સાથે વન બી.એચ.કે.ના ફ્લેટમાં રહેવા લાગ્યો. બાજુમાં જ મારાં ભાભુ (મોટાં કાકી) રહેતાં હતાં, તો મોટો ભાઇ તેમની સાથે રહેતો હતો. ઘર બહુ નાનાં નાનાં હતાં, તેથી મેં એ સમયે જ નક્કી કરી લીધું હતું કે મારે સ્વતંત્ર થવું છે. મારી થનારી પત્ની એલિસનને પણ મેં કહી દીધું હતું કે હું તારી સાથે લગ્ન ત્યારે જ કરીશ જ્યારે મારું પોતાનું ઘર હશે, કારણ કે હું સંયુક્ત કુટુંબમાં નહીં રહી શકું. મેં બાળપણથી સંયુક્ત પરિવારમાં રહેતા લોકોનો ક્લેશ જોયો હતો. ૧૯૯૭માં મેં એ જ ફ્લોર પર મારું પોતાનું ઘર ખરીદ્યું. મારાં સાસુ-સસરાએ લગ્નની ભેટ તરીકે ઘરનું ફર્નિચર બનાવી આપ્યું હતું. લગ્ન પછી હું અલગ રહેતો હતો, પરંતુ આર્થિક રીતે હું ફેમિલી સાથે હતો જ. મારું નક્કી હતું કે મારે ઘરનો એકપણ પૈસો જોઇતો નહોતો. એમણે જો લગ્નમાં તેમની વહુને દાગીના પણ આપવા હોય તો આપે, પરંતુ પૈસા તો હું જ આપીશ. મને અંદરથી જ હતું કે મારે પપ્પાનું વારસાગત કંઇ પણ જોઇતું નથી. એની પાછળ ખાસ કોઇ કારણ નહોતું, પણ નક્કી કર્યું હતું કે મારામાં એ ક્ષમતા છે, એ તાકાત છે કે હું મારું પોતાનું ઊભું કરીશ.
બી.કોમ. પૂરું કરીને જે.ડી.ની ઇચ્છાને માન આપીને મેનેજમેન્ટમાં એડમિશન લીધું. એ માનતો કે નાટકો ભલે કરો, પણ એક ડિગ્રી તો હોવી જ જોઇએ અને ડૉ. હોશી ભિવંડીવાલાને ભલામણ કરીને મારું એડમિશન જે.ડી.ની સાથે સોમૈયા મેનેજમેન્ટમાં એમણે જ કરાવ્યું હતું. એના માટે હું એમનો આભારી છું. એ વખતે ડૉ. યુ. આર. કોહલી અમારી કોલેજના ડિરેક્ટર હતા. એમનો પણ ખૂબ આભારી છું, કારણ કે ઇન્ટર કોલેજીસ નાટકો કોલેજમાંથી કરવા માટે તેમણે કહ્યું. અમે ‘કિત્તી કિત્તી’ નામનું નાટક કર્યું. એમાં લેખક-દિગ્દર્શક-અભિનેતા-બેકસ્ટેજ જે ગણો એ બધું ફક્ત અમે બે જણ, હું અને જે.ડી. જ. એ નાટક ખૂબ જ વખણાયું. લોકો મારી એક અલગ પ્રકારના લેખક તરીકે નોંધ લેવા લાગ્યા. એ સમયનાં મોટાં અને સફળ નિર્માત્રી શોભના દેસાઇ પાસે વિપુલ મને લઇને ગયો. શોભનાજી અમદાવાદ દૂરદર્શન પર સિરિયલ કરતા. મને ટેલિવિઝનમાં ‘આગંતુક’ નામની સિરિયલથી લેખક અને અભિનેતા તરીકે સૌપ્રથમ બ્રેક નિર્માત્રી શોભના દેસાઇએ આપ્યો. ત્યાર બાદની એક ઘટનાએ મારી કેરિયરને એક નવી દિશા આપી. કિરણ ભટ્ટ જેને લોકો કે.બી.ના નામથી ઓળખે છે એમણે એક આઇડિયા આપ્યો કે ત્રણ આંધળાઓ એક બેન્કને લૂંટે છે. એ વનલાઇનના આધારે ભાઇદાસનાં પગથિયાં પર ‘આંધળોપાટો’ની આખી વાર્તા ફક્ત દોઢ કલાકમાં લખી નાખી હતી. સમય અને કાળ બધું બંધ બેસી ગયું. એ નાટકમાં દર્શન જરીવાલા સિવાય બધા જ નવા કલાકારો હતા છતાં એ નાટક સુપરડુપર હિટ થયું. એના પરથી હિન્દી ફિલ્મ ‘આંખેં’ પણ બની. એ પણ મેં જ લખી હતી. ત્યાર બાદ લેખક-દિગ્દર્શક તરીકે ‘લાડકવાયો’ કર્યું, જે એવરેજ રહ્યું હતું. હું નવો હતો એટલે મારી સાથે મોટા નામવાળા કામ કરવા માટે તૈયાર નહોતા. શફી ઇનામદારે આ નાટકના સેટ, સ્ટેજ અને વિષયનાં ખૂબ જ વખાણ કર્યાં હતાં. એના પછી ‘એક્શન રિપ્લે’ કર્યું, જે ખૂબ જ સફળ રહ્યું હતું. આજે હું દિગ્દર્શક છું તો એનો સૌથી મોટો ફાળો જે.ડી.ને જાય છે. એણે મારા પર ખૂબ જ વિશ્ર્વાસ રાખ્યો. જે.ડી.એ પોતાનું ઘર ગીરવે મૂકીને મારી સાથે ‘થેન્ક યુ કોકિલા’ નામનું નાટક કર્યું, જેમાં સરિતાબહેન જોશી લીડ રોલમાં હતાં. ત્યાર બાદ ‘એકબીજાને ગમતાં રહીએ’ કર્યું. આ નાટક પણ ખૂબ જ સફળ રહ્યું. ત્યાર બાદ ‘આવજો વ્હાલા ફરી મળીશું’ નામથી નાટક કર્યું. આ નાટકની ખાસ વાત એ હતી કે દેવેન ભોજાણીના અદ્ભુત અભિનયને કારણે નાટક જોતાં જોતાં સ્ત્રીઓ નહીં, પણ પુરષો રડતા અને સ્ત્રીઓ તેમને રૂમાલ આપતી. આ વાત મને ઘણી સ્ત્રીઓએ આવીને કરી હતી. ત્યાર બાદ મેં અને જે.ડી.એ ભેગા મળીને ‘હેટ્સ ઓફ પ્રોડક્શન ટી.વી.’ની શરૂઆત કરી. એમાં અમારો પહેલો શો હતો ‘ખીચડી’. રંગભૂમિના લોકો કહેતા કે ખીચડી ખવાય, જોવાય નહીં. આ પહેલાં મેં ‘એક મહેલ હો સપનોં કા’ અને ‘અલ્પવિરામ’ સિરિયલ લખી હતી. હું ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં નોકરી કરતો હતો ત્યાં મારી ભાવિ પત્ની એલિસન સાથે મારી મુલાકાત થઇ હતી. હું એનો બોસ હતો. આવતા વર્ષે અમારાં લગ્નને પચીસ વર્ષ પૂરાં થશે.
સમય જતાં મેં નક્કી કર્યું હતું કે મારા પિતાજી પહેલાં જે રીતે જીવતા હતા, એ જીવન મારે એમને પાછું આપવું છે. ભગવાનની દયાથી મારી પ્રગતિ ખૂબ જ થઇ. ત્યાર બાદ મેં બીજું મોટું ઘર પણ ખરીદ્યું. અમારી વચ્ચે અંડરસ્ટેન્ડિંગ હતી. હું કોઇ પણ નિર્ણય પહેલાં લેતો અને બાદમાં પપ્પાને જણાવતો હતો. એ જાણ્યા બાદ એમને ખુશી પણ થતી. એમણે જે જાહોજહાલી ભોગવી હતી, એ ધીરે ધીરે મારા દ્વારા પાછી આવવા માંડી. બે વર્ષ પહેલાંની જ વાત છે. અમારું જે જૂનું ઘર છે, એમાં વરસાદની સીઝનમાં બહુ તકલીફ પડતી હતી. એક દિવસ સીલિંગનો એક હિસ્સો તૂટી ગયો હતો. હવે તો એ બિલ્ડિંગ રિપેર થઇ ગયું છે, પરંતુ ક્યાં સુધી એ રિપેર કરતા રહીશું, એમ વિચારીને એ વખતે મારી પાસે એક ઘર હતું, ત્યાં તેમને શિફ્ટ કર્યા અને કહ્યું કે જ્યાં સુધી તમને રુચિ થાય ત્યાં સુધી તમે અહીં રહો. કોઇ જ પ્રકારની ચિંતા ન કરો. ત્યાર બાદ એમની સાથેનું મારું બોન્ડિંગ વધારે સ્ટ્રોન્ગ થયું.
છેલ્લાં પંદર વર્ષ દરમિયાન દિવસે દિવસે અમારું બોન્ડિંગ વધતું ગયું, કારણ કે અનુભવાય છે કે આ રોલ રિવર્સલ પ્રોસેસ છે. ઘણી વાર હું તેમને એમના પપ્પાની જેમ વઢી પણ નાખું તો એ હસી પડે. એમની હઠ હવે બાળહઠ જેવી લાગે. હાલમાં એમને જે રીતે જીવન જીવવું હોય એ રીતે જીવી શકે છે. એના કારણે એમના ચહેરા પર એક શાંતિ દેખાય છે કે તેમની પાસેથી જે છીનવાઇ ગયું હતું તે પાછું આવવા લાગ્યું છે. હવે એવું બોન્ડિંગ થઇ ગયું છે કે જો એ મને ફોન ન કરે તો હું એમને વઢું, કેમ ફોન નથી કરતા? તમારે મને ફોન કરવો જ પડશે. હવે નિયમિત ફોન પણ કરવા લાગ્યા છે. એક બાળકને સાચવીએ એ રીતે મારા કરતાં પણ વધારે મારો નાનો ભાઇ અને ભાભી તેમને સાચવે છે. એમનું બહારનું જમવાનું, હરવા-ફરવાનું એ બધાનું ધ્યાન મારે જ રાખવાનું.
મારાં મમ્મી નાની ઉંમરે ગુજરી ગયાં હતાં, ત્યારે મારી ઉંમર ૨૭ વર્ષની હતી. એ પછી મારા અને પપ્પાના સંબંધો વધારે ગાઢ થયા. પપ્પાની કાળજી લેવી એ મારે માટે નિજાનંદની વાત છે. એમાં ફરજ, જવાબદારી એવું કશું જ નથી પણ મને ગમે છે અને હું કરું છું. મારા ઘરમાં શિફ્ટ થયા બાદ એમને એટલું બધું સારું લાગે છે કે તે હવે જૂના ઘરમાં જવાની વાત જ નથી કરતા. હું પણ કહું છું કે મેં ક્યારે તમને કંઇ કહ્યું છે, જ્યાં સુધી તમારે રહેવું હોય ત્યાં સુધી તમે અહીં રહો. અત્યારે તેઓ તેમના જીવનની બીજી ઇનિંગ્સ ખૂબ જ સારી રીતે માણી રહ્યા છે. હવે એમને જીવનમાં નિરાંતનો અનુભવ થાય છે અને એ જોઇને મને પણ મને શાંતિ મળે છે. તેમની પાસે ટેરેસ ફ્લેટ છે, એમાં હીંચકો છે અને નીચે સરસ ગાર્ડન છે. એમાં એમનું જીવન ખૂબ જ સારી રીતે વ્યતીત કરી રહ્યા છે. ડૉક્ટર કહેતા હતા કે આ જ જીવનશૈલી રહેશે તો એમની સેન્ચુરી પાક્કી છે.
હું નાનપણથી જ સ્વતંત્ર હતો, તેથી પપ્પા સાથેના સંઘર્ષમાં આવવાનું થતું નહોતું, પણ હા, એક વાર મારા મૂર્ખતાભર્યા કૃત્યને કારણે મારા પર ખૂબ જ ગુસ્સે થયા હતા. એમાં વાંક મારો જ હતો. અમે લોકો જ્યારે મલાડ રહેતા હતા, ત્યારે અમારું ઘર અને મારાં મોટાં કાકીનું ઘર બાજુ બાજુમાં હતું. એક વાર એમના ઘરનો દરવાજો લોક થઇ ગયો અને એની ચાવી ઘરમાં અંદર જ રહી ગઇ હતી. અમારો ફ્લેટ છઠ્ઠા માળે હતો. હું કોઇને કહ્યા વગર જ મારા ઘરના રસોડાની બારીમાંથી બહાર ઊતર્યો. એક પાઇપ પકડીને કૂદકો મારીને બાજુના ફ્લેટમાં અંદર ઘૂસ્યો અને દરવાજો અંદરથી ખોલ્યો. આવું કોઇએ કરવું ન જોઇએ, બહુ જ મૂર્ખતાભર્યું કામ હતું. હું એ વખતે એકવીસ વર્ષનો જ હતો. જવાનીના જોશમાં કરી નાખ્યું. મારાથી સહેજ પણ ચૂક થઇ હોત તો? છઠ્ઠા માળેથી સીધો નીચે પટકાત. આ ઘટના પર મેં ‘વાગલે કી દુનિયા’માં એક એપિસોડ પણ લખ્યો હતો.
મારે નોકરીમાંથી જૂઠું બોલીને રિહર્સલમાં જવું પડતું એ મને ગમતું નહોતું, તેથી લેખક તરીકે આગળ વધવા માટે મેં ૧૯૯૨માં છ હજાર રૂપિયાના પગારવાળી નોકરી છોડી હતી. ત્યારે પણ પપ્પાએ ફક્ત ‘ભલે’ એટલું જ રિએક્શન આપ્યું હતું. ત્યારે તેમના હિતેચ્છુઓ પપ્પાને આવીને કહેતા કે છ હજાર રૂપિયાની નોકરી છોડીને આ ફિલ્ડમાં જવાની ભૂલ ન કરાય. હવે જ્યારે હું સફ્ળ થયો ત્યારે એ જ લોકો પપ્પાને આવીને કહે છે તમારો દીકરો તો બહુ સરસ કામ કરે છે. હું પપ્પાને કહું છું કે તમારા હિતેચ્છુઓને કહેજો કે મેં નોકરી છોડી એ મારા જીવનની સૌથી સારી ભૂલ હતી. પપ્પાને શૂટિંગ પર જવાનો ખૂબ જ શોખ છે. તેઓ જ્યારે મારા વિશેના સમાચાર જુએ ત્યારે એમની આંખોમાં મારા માટેનું અભિમાન સ્પષ્ટ દેખાઇ આવે.
એમની જીવનશૈલી ખૂબ જ નિયમિત છે, જે મારી નથી. સવારે સાત વાગે ઊઠીને પોતાની ચા બનાવી લે. ૯થી ૯.૩૦ની વચ્ચે મારાં ભાભી એમના માટે નાસ્તો બનાવે એ ખાઇ લે. પછી અખબાર વાંચે. જમવામાં પણ પ્રમાણસરનું જ જમવાનું. થોડી વાર આરામ કરવો. ૪થી ૪.૩૦ વચ્ચે ચા પીને નીચે લટાર મારવા જાય. ૮થી ૮.૩૦ની વચ્ચે વ્હિસ્કીના દોઢ પેગ પીવાના. દોઢ અટલે દોઢ જ. પછી રાત્રે જમીને ૧૦.૩૦ સુધીમાં સૂઇ જવાનું. એમની નિવૃત્તિ બાદ આ એમનો નિત્યક્રમ રહ્યો છે. ઉંમરના હિસાબે ડૉક્ટરે ડ્રિંક્સ ઓછું કરી નાખવાનું કહ્યું એ પણ એમણે કરી નાખ્યું. એમના માટે નિયમ એટલે નિયમ. જો એક રોટલી બાદ બીજી રોટલી આવવામાં વાર લાગે તો એ ન ખાય. એમની ભૂખ મરી જાય. જ્યારે મારે એમના કરતાં તદ્દન ઊલટું. હું આ બાબતે ફ્લેક્સિબલ છું. મને ડિસિપ્લિન બહુ ન ગમે. આ નિયમોને કેવી રીતે વળગી રહેવાય એ હું એમની પાસેથી શીખવાની કોશિશ કરી રહ્યો છું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.