Homeપુરુષપપ્પાએ કોઇ પણ જાતની મહાન વાતો કર્યા વગર પરોક્ષ રીતે માર્ગદર્શન આપ્યું

પપ્પાએ કોઇ પણ જાતની મહાન વાતો કર્યા વગર પરોક્ષ રીતે માર્ગદર્શન આપ્યું

પ્રિય પપ્પા… -મનહર ઉધાસ

મારા પપ્પા કેશુભાઇ ઉધાસ વિશે વાત કરું એ પહેલાં એમના પરિવાર વિશે વાત કરું. અમારું મૂળ વતન ચરખડી જે ગોંડલ અને વિરપુરની વચ્ચે આવેલું એક ગામ છે. મારા દાદાને ભણવા માટે ખૂબ જ ધગશ હતી. એટલે એ સમયે મારા દાદાએ પૂનામાં ફર્ગ્યુશન કૉલેજમાં બેચલર ઑફ એગ્રિકલ્ચરની ડિગ્રી મેળવી હતી. આ વાત છે આશરે સો વર્ષ પહેલાંની, જ્યારે આ ડિગ્રી મેળવનારા લોકો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હતા. એ ડિગ્રીના સહારે એમણે ભાવનગર સ્ટેટમાં નોકરી પણ મેળવી. અમારી આખી ચારણ જ્ઞાતિ માટે એ ગૌરવ સમાન હતા. હું પણ એમની સાથે રહીને ઉછર્યો છું. એમની પાસેથી ઘણું બધું શીખ્યો છું. એમને પોતાને ભણવામાં ખૂબ જ રુચિ હતી તેથી તેમણે કુટુંબમાં પણ બધાને એવી ફરજ પાડેલી કે આપણા ઘરમાં કોઇપણ વ્યક્તિ સ્નાતક સુધી તો ભણેલો હોવો જ જોઇએ. તેઓ કહેતા કે ‘એજ્યુકેશન ઇઝ મસ્ટ’, ત્યાર બાદ તમારે તમારી રુચિ પ્રમાણે જે પણ કામ કરવું હોય તે કરજો. એના કારણે મારા પિતાજી અને મારા ત્રણ કાકા બધા સ્નાતક સુધી ભણ્યા.
મારા પિતાજીએ સૌરાષ્ટ્રમાં સરકારી નોકરી જ કરી હતી. એમની અલગ-અલગ શહેરોમાં બદલી થતી રહેતી હતી. અમે લોકો જેતપુર રહેતા હતા અને પપ્પાની બદલી રાજકોટ થઇ હતી, તેથી તેઓ મારા કાકા સાથે રાજકોટ રહેતા હતા. તેઓ સપ્તાહના અંતે બે દિવસ ઘરે આવતા અને પાછા રાજકોટ જતાં રહેતા. એ સમયે સરકારી નોકરી કરવી એ ખૂબ જ પ્રતિષ્ઠાની વાત ગણાતી.
આજે સમય ખૂબ જ બદલાઇ ગયો છે. એ વખતે દરેક માતા-પિતાની ઇચ્છા રહેતી કે પહેલાં તમે સારું ભણો અને સારી નોકરી મેળવો. આજના જમાનામાં એ ક્યાંય લાગુ નથી પડતું. જો તમારામાં આવડત હોય તો સ્પોટર્સ, ગાયકી, સંગીતક્ષેત્ર સહિત અન્ય કોઇપણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવીને પૈસા કમાઇ શકો છો. એ વખતે રમત-ગમત કરતા અભ્યાસને વધારે મહત્ત્વ આપવામાં આવતું.
પપ્પા ખૂબ જ શાંત પ્રકૃતિના માણસ હતા. એકદમ ઓછું બોલવાની આદત. એમણે ક્યારેય મારા કે મારા ભાઇઓના જીવનમાં માર્ગદર્શન આપ્યું હોય કે સલાહ આપી હોય એવું યાદ નથી. એમને એ પણ ખબર ન હોય કે અમે કયાં ધોરણમાં ભણીએ છીએ.
બસ એમને એટલી ખબર હોય કે બાળકો સારી રીતે ભણે છે. તો મારે એમની પૂછપરછ કરવાની જરૂર નથી. એનો મતલબ એ નથી કે એ અમારા પ્રત્યે ધ્યાન નહોતા આપતા પણ તેમનો સ્વભાવ જ એવો કે કોઇ જ પ્રકારની માથાકૂટમાં એ ન પડે. જે જેમ કરે એને એ કરવા દે.
જેતપુરમાં એક રસપ્રદ ઘટના બની હતી. જેતપુરમાં હું છઠ્ઠા ધોરણ સુધી ભણ્યો. દિવાળીનો તહેવાર અમારું આખું કુટુંબ અમારા ગામ ચરખડીમાં ભેગા થઇને ઊજવતા. ત્યારે મારા કાકા પણ આવેલા હતા. મને હજી સુધી ખબર નથી પડી કે આ વિચાર મારા મગજમાં કેવી રીતે આવ્યો હશે. કદાચ એ વખતે ભગવાને જ મારામાં એ વિચાર પ્રગટાવ્યો હશે.
મને ક્યાંકથી ખબર પડી હતી કે રાજકોટમાં વીરાણી હાઇસ્કૂલ છે, જે નંબર વન અને બહુ જ પ્રખ્યાત છે. ત્યાં મુશ્કેલીથી પ્રવેશ (ઍડમિશન) મળે. મેં મારા પપ્પાને કહ્યું કે મને તમારી સાથે રાજકોટ લઇ જાવ. ત્યાં કાકા સાથે રહીને વીરાણીમાં ભણવું છે. એ વખતે છઠ્ઠા ધોરણમાં છ મહિના થઇ ગયા હતા. પપ્પાએ મને સમજાવ્યું કે વીરાણી સ્કૂલ ખૂબ મોંઘી પણ છે. ત્યાં હું કોઇને ઓળખતો નથી. મારે બધી તપાસ કરવા પડેશે તો આટલું વર્ષ જેતપુરમાં ભણી લે. આવતા વર્ષે તને લઇ જઇશ.
મારી જિદ જોઇને મારા દાદાએ મધ્યસ્થી કરી કે પપ્પા મને રાજકોટ લઇ જાય. એના માટે તેમણે પપ્પાને સમજાવ્યા.
પપ્પા મને રાજકોટ લઇને મારી સાથે શાળામાં આવ્યા. શાળામાં એ વખતે આચાર્ય સાહેબ અને વારિયા સાહેબ પ્રિન્સિપાલ હતા. તે બન્નેએ મારો ઇન્ટર્વ્યુ લીધો અને છઠ્ઠા ધોરણની આગામી સત્રાંત પરીક્ષા (ટર્મિનલ એક્ઝામ)માં સાઠ ટકા કરતા વધારે ગુણ (માર્ક) આવશે તો પ્રવેશ આપીશું. મને ભણવામાં સખત રુચિ હોવાના કારણે એક જ મહિનાના સમયગાળમાં થયેલી પરીક્ષામાં હું એંસી ટકા ગુણ લાવ્યો હતો. તેથી મારો પ્રવેશ એ સ્કૂલમાં જ થઇ ગયો.
ધોરણ આઠમાં સત્રાંત પરીક્ષામાં મારા ચૌર્યાસી ટકા આવ્યા હતા. એ વખતે શાળામાં બેવડી સિદ્ધિ કહેવાતી એક રીત (સિસ્ટમ) હતી. જેમાં હોંશિયાર વિદ્યાર્થીઓને એક જ વર્ષમાં બે ધોરણમાં ભણવાનો મોકો મળતો.
મારા વર્ગ શિક્ષકે (ક્લાસ ટિચરે) મારા સહિત બીજા કેટલાક ભણવામાં હાશિયાર વિદ્યાર્થીઓની ભલામણ પ્રિન્સિપાલને કરી. આાઠમા ધોરણમાં છ મહિના ભણ્યા બાદ મને નવમા ધોરણમાં પ્રમોટ કરવામાં આવ્યો અને નવમા ધોરણમાં ફક્ત છ મહિના ભણીને આઠમા ધોરણમાં લાવ્યો હતો એટલા માર્ક લાવ્યો. એ પ્રગતિપત્રક હજી મેં મારી પાસે સાચવીને રાખેલું છે.
રાજકોટમાં ઇન્ટર સાયન્સ સુધી હું ભણ્યો. આ બધી સિદ્ધિઓ માટે મારા પપ્પા-મમ્મી બન્નેનો સર્પોટ હતો. મારા મમ્મી(જિતુબહેન)એ સંસ્કાર આપ્યા હતા કે સવારે શાળાએ જતાં પહેલાં ગીતાનો એક અધ્યાય વાંચીને જ જવાનું.
મને મુંબઇ લાવવાનો શ્રેય મનુભાઇ ગઢવીને જાય છે. તેમના લગ્ન મારા કાકાની દીકરી સાથે થયા હતા. એમનામાં કુદરતી રીતે કલાકારને પારખવાની એક ઇશ્ર્વરીય દેન હતી. તેઓ મુંબઇ આવતા પહેલાં સૌરાષ્ટ્રમાં રહેતા હતા એટલે એમણે નાનપણથી મને ગીતો ગાતા સાંભળ્યો હતો.
એમને મનમાં થતું કે આ છોકરો સારું ગાય છે. એને ગાવાનો શોખ છે. તો જો એને કોઇ સારી તક મળી જાય તો કદાચ એ જીવનમાં કઇંક બની શકે. આવું વિચારીને એમણે મને મુંંબઇ બોલાવ્યો. એ સમયે તેઓ પણ સંઘર્ષ જ કરતા હતા, તેમ છતાં મને એમની સાથે જ રાખ્યો. તેમ જ હિન્દી ફિલ્મોની મહાન સંગીતકાર બેલડી કલ્યાણજીભાઇ-આનંદજીભાઇ સાથે મારો પરિચય કરાવ્યો અને મને માર્ગદર્શન આપવા માટે ભલામણ કરી.
મનુભાઇની ઓળખાણને કારણે જ કલ્યાણજીભાઇ-આનંદજીભાઇના મ્યુઝિક રૂમમાં આખો વખત બેસવાની મને છૂટ હતી. એમણે મને ખૂબ જ સારી રીતે રાખ્યો હતો.
હું તો મુંબઇ એન્જિનિયર તરીકે સારી નોકરી કરવા માટે જ આવ્યો હતો. મેં મુંબઇ આવીને એન્જિનિયર તરીકે નોકરી મેળવી પણ લીધી હતી. ગાયક બનવા વિશે મેં કઇ વિચાર્યું પણ નહોતું કે કોઇ કલ્પના પણ નહોતી, પરંતુ મને એક સફળ ગાયક બનાવવાની મનુભાઇની ઇચ્છા અને ધારણા હતી.
હું વાત કરું ૧૯૬૮ની. એ સમયે હું મુંબઇમાં એકલો જ રહેતો હતો. તેથી પપ્પા મમ્મીને પણ મુંબઇ મારી સાથે રહેવા માટે બોલાવી લીધા. કોઇપણ જાતની મોટી મહાન વાતો કર્યા વગર એમણે હંમેશાં દરેક બાબતે મને સપોર્ટ કર્યો. હું મારી જાતને સદ્નસીબ માનું છું કારણ કે જીવનપર્યંત મને તેમની સેવા કરવાનો મોકો મળ્યો.
સામાન્ય રીતે દરેક મા-બાપને દીકરાની ચિંતા હોય અને એના કામ અને આવક વિશે પૂછતાં રહેતાં હોય. જ્યારે મારા પપ્પા એટલા બધા નિર્મોહી હતા કે એમણે ક્યારેય મને પૂછયું નથી કે તને આ કામ કરવાથી કેટલી આવક થાય છે. ઘર ચલાવવામાં કોઇ તકલીફ તો નથી ને. અમે પ્રોગ્રામ પતાવી ઘરે મોડાં પહોંચ્યા હોઇએ તો પણ મને યાદ નથી કે એમણે ક્યારેય એ વિશે મને ફરિયાદ કરી હોય. ક્યારેય પણ નહીં. બસ એમને એ વાતનો સંતોષ અને મારા પ્રત્યેનો વિશ્ર્વાસ હતો કે મારો દીકરો જે કઇ પણ કરે છે એ યોગ્ય જ કરે છે. આવું વ્યક્તિત્વ જવલ્લે જ મળે, એવું મારુ માનવું છે.
મને યાદ નથી કે મારા પપ્પાએ મને બેસાડીને કોઇ વાત સમજાવી હોય કે મારી કોઇ વાતનો વિરોધ કર્યો હોય. ક્યારેય મારા કાર્યમાં ચંચૂપાત નથી કર્યો. એમને મારા પર એટલો બધો અપ્રતિમ વિશ્ર્વાસ હતો કે શાળા જીવનમાં, કૉલેજકાળમાં કે યુવાવસ્થા દરમિયાન મારી કોઇપણ એક્ટિવિટી અંગે તેમણે ક્યારેય કોઇ પ્રશ્ર્નાર્થ ઊભો નથી કર્યો. દરેક પિતા એના દીકરાને સલાહ-સૂચન કરતા હોય છે, પણ પપ્પાએ ક્યારેય મને સલાહ-સૂચન આપ્યાનું યાદ નથી. આ બધું યાદ કરીને આજે પણ હું એમને મિસ કરું છું.
એમના સ્વભાવની વાત કરું તો તેઓ ખૂબ જ સૉફ્ટ અને સૉબર વ્યક્તિ હતા. એકદમ શાંત સ્વભાવ અને પરમ સંતોષી વ્યક્તિ. મેં એમને ક્યારેય ગુસ્સે થતા જોયા નથી.
મને આજે પણ એ વાતનું દુ:ખ છે કે એ આ ફાની દુનિયા છોડી ગયા ત્યારે હું તેમની પાસે નહોતો. પપ્પા બીમાર થયા અને એમને ભાટિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં બે-ત્રણ દિવસની સારવાર બાદ એમની તબિયતમાં સુધારો થયો હતો. મને લાગ્યું કે હવે તેઓ બીમારીમાંથી સ્વસ્થ થઇને ઘરે પાછા આવશે. મારે મારા મામાના ગામ દેરડી ખાતે એક જમીનના કામ અર્થે જવાનું હતું. તો પપ્પાની અનુમતિ લઇને હું ગયો.
હું ત્યાં પહોંચ્યો એના બીજા જ દિવસે તેઓ હરિશરણ થયા. સમાચાર મળતા હું તાત્કાલિક
મુંબઇ પાછો આવી ગયો અને એમની બધી ક્રિયાઓ કરી, પરંતુ આજે પણ મને એ વાતનો વસવસો છે કે એમની એ છેલ્લી ક્ષણોમાં હું કેમ એમની સાથે
ન રહ્યો.
એમનાથી અમને ક્યારેય કોઇ ફરિયાદ નથી રહી. પપ્પાએ અમને આપેલા સંસ્કારો પર એમને એટલો બધો વિશ્ર્વાસ હતો કે એમણે હંમેશાં અમને અમારું ગમતું કરવાની છૂટ આપી હતી.
આજે પણ મને વિચાર આવે છે કે એ આટલા બધા શાંત કેવી રીતે રહી શકતા હતા! મને આજે પણ એવો અનુભવ થાય છે કે મારા પપ્પા મને માર્ગદર્શન આપી રહ્યા છે. હું આજે પણ એમના ગુણોને અનુસરું છું. એમની જેમ જ શાંત રહું છું અને જે પણ થાય છે એમાં ઉપરવાળાની મરજી હોય છે એમ માનીને જીવન જીવું છું.

RELATED ARTICLES

Most Popular