પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના પાર્થિવ દેહને પાલઘરથી મુંબઈ લઈ જવામાં આવી રહ્યો છે. તેમજ તેની કારની તપાસ કરવામાં આવી રહી છે. સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયા બાદ પોલીસ હવે આ કેસમાં અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. તપાસમાં પોલીસને કેટલાક CCTV ફૂટેજ પણ મળ્યા છે.
સાયરસ મિસ્ત્રી રવિવારે બપોરે પોતાની મર્સિડીઝ કારમાં ગુજરાતથી મુંબઈ આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. દુર્ઘટના બાદ હવે તેની પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માર્ગ અકસ્માતની પ્રાથમિક તપાસ અનુસાર, મિસ્ત્રી, ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને તેમના એક સહ-યાત્રીએ સીટ બેલ્ટ પહેર્યો ન હતો અને વાહન ખૂબ જ ઝડપે હતું. પોલીસના જણાવ્યા અનુસાર લક્ઝરી કારની સ્પીડ એટલી ઝડપી હતી કે તેણે પાલઘર જિલ્લામાં ચારોટી ચેકપોસ્ટને પાર કર્યા પછી માત્ર નવ મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું.
મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં સૂર્યા નદી પરના પુલ પર મિસ્ત્રીની લક્ઝરી કાર ડિવાઈડર સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મિસ્ત્રી અને જહાંગીર પંડોલે નામના વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે જાણીતા ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે (55) અને તેમના પતિ ડેરિયસ પંડોલે (60) ગંભીર રીતે ઘાયલ થયા હતા. જહાંગીરના ભાઈ ડેરિયસ ટાટા ગ્રુપના ભૂતપૂર્વ સ્વતંત્ર ડિરેક્ટર હતા, જેમણે મિસ્ત્રીને ચેરમેન પદ પરથી હટાવવાનો વિરોધ કર્યો હતો. આ અકસ્માત બપોરે 2.30 કલાકે થયો હતો. અનાહિતા પંડોલે કાર ચલાવી રહી હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાસા ગ્રામ્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને ઘાયલ બે લોકોને સારવાર માટે ગુજરાતના વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સાયરસ મિસ્ત્રી જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તેનો નંબર MH-47-AB-6705 હતો. અકસ્માત સમયે કારની એરબેગ પણ ખુલ્લી હતી. આમ છતાં સાયરસ મિસ્ત્રીનો જીવ બચાવી શકાયો નહોતો. કાર ડિવાઈડર સાથે અથડાઈ જતાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશા પંડોલેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અનાહિતા અને તેમના પતિ ડેરિયસ પંડોલે ગંભીર હાલતમાં પડ્યા હતા. આ પછી પોલીસ ચારેયને કાસ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. હોસ્પિટલમાં ડોક્ટરે સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશા પંડોલેને મૃત જાહેર કર્યા હતા. અનાહિતા પંડોલે અને ડેરિયસ પંડોલેની સારવાર ચાલુ છે.

Google search engine