સાયરસ મિસ્ત્રી ફેમિલી બિઝનેસને નવી ઊંચાઈએ લઈ ગયા હતા

આમચી મુંબઈ

દુ:ખદ: પાલઘર જિલ્લામાં કાર અકસ્માતમાં ટાટા ગ્રુપના ભૂતપૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું અવસાન થયા પછી વાલકેશ્ર્વર ખાતેના તેમના નિવાસસ્થાને દિલસોજી પાઠવવા માટે સંબંધીઓની અવરજવર વધી ગઈ હતી. (અમય ખરાડે)

મુંબઈ: ટાટા ગ્રુપના ભૂતપૂર્વ વડા સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં અવસાન થવાના અહેવાલને લઈને ઉદ્યોગજગતના વડાઓની સાથે રાજકારણીઓએ ઊંડા આઘાતની લાગણી વ્યક્ત કરી હતી, ત્યારે તેમના જીવનના અનેક ઉતારચઢાવ વચ્ચે પણ ટાટા ગ્રુપના અધ્યક્ષથી લઈને તેમની નિમણૂક સુધી સાયરસ મિસ્ત્રી વિશે મોટાભાગના લોકો એ વાત જાણતા નહીં હોય કે તેઓ તેમના પારિવારિક વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા.
સાયરસ મિસ્ત્રીને પ્રસિદ્ધિની ઝાકઝમાળ ગમતી નહીં. તેઓ મૃદુભાષી પણ નિખાલસ હતા. પરિવારના બિઝનેસને પણ તેઓ નવી ઊંચાઈએ લઈ ગયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન શાપૂરજી પાલનજીના બાંધકામ વ્યવસાય ૨૦૦ લાખ ડૉલરથી વધીને ૧.૫ અબજ ડૉલર પર પહોંચ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ શાપૂરજી પાલનજીએ દેશના સૌથી ઊંચી રહેણાંક ઈમારત, સૌથી ઊંચો લાંબો રેલવે બ્રિજ, સૌથી મોટો ડ્રાય ડોક અને સૌથી મોટો પરવડી શકે એવો ગૃહ નિર્માણ પ્રોજેક્ટ અમલી બનાવ્યો હતો.
૫૪ વર્ષીય મિસ્ત્રી પરિવારના વારસદાર પહેલાથી જ શાપૂરજી પાલનજી ગ્રુપમાં વિવિધ કંપનીઓનું નેતૃત્વ કર્યું હતું તથા તેમની નિમણૂક રતન ટાટાના સ્થાને ૧૦૦ અબજ ડૉલરથી વધુના સોલ્ટથી લઈને સોફ્ટવેર બિઝનેસમાં ટાટા ગ્રુપના વડા તરીકે કરવામાં આવી હતી.
એક અહેવાલ અનુસાર મિસ્ત્રી ટાટા ગ્રુપનું સુકાન સંભાળવા તૈયાર નહોતા, પરંતુ રતન ટાટાએ પોતે અને અન્ય લોકોની સમજાવટને કારણે તેમણે એ ઑફરને સ્વીકારી હતી.
૨૦૧૨થી ૨૦૧૬ સુધી મિસ્ત્રીએ ટાટા ગ્રુપનું સુકાન સંભાળ્યું હતું. ચાર વર્ષ સુકાન સંભાળવામાં આવ્યા પછી ઑક્ટોબર, ૨૦૧૬માં ટાટા સન્સે ચૅરમેન પદેથી હટાવવામાં આવ્યા હતા અને રતન ટાટાને ઈન્ટરિમ ચૅરમેન બનાવવામાં આવ્યા હતા, ત્યાર બાદ એન. ચંદ્રશેખરનને ટાટા સન્સના ચૅરમેન બનાવવામાં આવ્યા હતા. મૂળ આયર્લેન્ડનું નાગરિકત્વ ધરાવનાર મિસ્ત્રી પાલનજી ગ્રુપના પ્રમુખ પાલનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. તેમણે મુંબઈની કેથેડ્રલ એન્ડ જોન કેનોન સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો ત્યારબાદ તેમણે લંડનમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હતી અને લંડન બિઝનેસ સ્કૂલમાંથી મૅનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. વર્ષ ૧૯૯૧માં પોતાના ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા અને ૧૯૯૪માં શાપૂરજી પાલનજી ગ્રુપના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ૨૦૧૨માં રતન ટાટાએ ટાટા સન્સના ચૅરમેન પદેથી રાજીનામું આપ્યા પછી સાયરસ મિસ્ત્રીને આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી. મિસ્ત્રી ટાટા સન્સના સૌથી યુવા વયના ચૅરમેન હતા. મિસ્ત્રી પરિવાર ટાટા સન્સમાં ૧૮ ટકાથી વધુ ભાગીદારી ધરાવે છે તથા ટાટા ટ્રસ્ટ પછી ટાટા સન્સમાં બીજા નંબરના સૌથી મોટા શેરધારક હોવાનું કહેવાય છે. પરિવારમાં તેમના મોટા ભાઈ શાપોર મિસ્ત્રી અને બે બહેન લૈલા અને આલુ છે. ૧૯૯૨માં તેમણે ભારતના સૌથી જાણીતા વકીલ ઈકબાલ ચાગલાની પુત્રી રોહિકા ચાગલા સાથે લગ્ન કર્યા હતા તથા તેમને બે પુત્ર છે. (પીટીઆઈ)
——–
ઉદ્યોગજગતે મોટો સિતારો ગુમાવ્યો: રાજ્યપાલ

મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રવિવારે જણાવ્યું હતું કે ઉદ્યોગજગતે સાયરસ મિસ્ત્રીના રૂપમાં પોતાનો એક સૌથી મોટો ચમકતો સિતારો ગુમાવ્યો છે.
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મૃત્યુના સમાચાર શબ્દમાં ન વર્ણવી શકાય એટલા આઘાતજનક છે. દેશના સૌથી સફળ ઉદ્યોગપતિ પરિવારના સાયરસ મિસ્ત્રીએ ઉદ્યોગ અને વ્યાપાર જગતમાં પોતાની બુદ્ધિ અને કૌશલ્ય દ્વારા અનોખી છાપ છોડી હતી, એમ રાજ્યપાલે જણાવ્યું હતું.
સૌથી કમનસીબ બાબત એ છે કે તેમનું નિધન તેમના પ્રસિદ્ધ પિતા પાલનજી મિસ્ત્રીના બે મહિનામાં થયું છે. તેમના નિધનથી ઉદ્યોગજગતે સૌતી ચમકતો સિતારો ગુમાવ્યો છે, એમ પણ રાજ્યપાલે જણાવ્યું હતું.

આઘાતજનક, સમગ્ર ઉદ્યોગજગત માટે મોટી ખોટ: મુખ્ય પ્રધાન

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીને અંજલી આપતાં કહ્યું હતું કે તેમની ખોટ ફક્ત તેમના પરિવારને જ નહીં, સમગ્ર વ્યાપારજગતને વર્તાશે.
૫૪ વર્ષના ઉદ્યોગપતિના મૃત્યુના સમાચારને અત્યંત આઘાતજનક ગણાવતાં શિંદેએ જણાવ્યું હતું કે તેઓ ફક્ત એક સફળ ઉદ્યોગપપતિ જ નહોતા, પરંતુ યુવાન અને દૂરદર્શી વ્યાવસાયિક હતા અને વ્યાપારજગત તેમના પ્રત્યે આશાભરી નજરે જોઈ રહ્યું હતું.
———–
હાઈ વે પર સ્પીડ લિમિટના આકરા અમલની જરૂર: શરદ પવાર
એનસીપીસુપ્રીમો શરદ પવારે રવિવારે જણાવ્યું હતું કે સાયરસ મિસ્ત્રીનું નિધન આઘાતજનક છે અને હાઈ વે પર સ્પીડ લિમિટના આકરા અમલની આવશ્યકતા દર્શાવે છે.
દેશમાં એવા કેટલાક પરિવારો છે જેઓ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ તેમનું યોગદાન દેશના વિકાસમાં ઘણું બધું છે. શાપુરજી પાલનજી મિસ્ત્રીએ વિવિધ પ્રોજેક્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને અમુલ્ય યોગદાન આપ્યું હતું, એમ શરદ પવારે જણાવ્યું હતું.
દેશમાં છેલ્લા કેટલાક સમયમાં રસ્તાઓની હાલત ઘણી સુધરી છે અને તેને કારણે વધુ ઝડપે વાહનો હંકારવાનું પ્રમાણ વધી રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં લેતાં હાઈ વે પર વેગમર્યાદાનું પાલન કરવા માટે આકરા થવાની આવશ્યકતા છે, એમ પવારે જણાવ્યું હતું.
સાયરસ મિસ્ત્રી ઉદ્યોગ જગતની યુવા પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેઓ લાંબા સમય સુધી ટાટા જૂથના ડિરેક્ટરોના બોર્ડ પર હતા. તેમને ટાટા જૂથના ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ મૃદુભાષી હતા. તેમને ટાટા જૂથનું નેતૃત્વ સંભાળવા માટે ઘણો ઓછો સમય મળ્યો હતો, પરંતુ તેમણે સારું કામ કર્યું હતું, એમ શરદ પવારે જણાવ્યું હતું.
મારી પુત્રી સુપ્રિયા અને સાયરસ અઠવાડિયામાં એક વખત મળતા હતા અને હું વ્યક્તિગત રીતે તેમના સંપર્કમાં નહોતો, એમ તેમણે જણાવ્યું હતું. છેલ્લા બે વર્ષમાં મિસ્ત્રી પરિવારને અનેક આઘાતોનો સામનો કરવો પડ્યો હતો. ટાટા જૂથ છોડવું પડ્યું, તેમના પરિવારના કેટલાક લોકોનાં મૃત્યુ, કેટલાક લોકોને ગંભીર બિમારી થવી અને હવે સાયરસનું મૃત્યુ, એમ પણ પવારે જણાવ્યું હતું.
———
મારા ભાઈ જેવા હતા સાયરસ: સુપ્રિયા સુળે

એનસીપીના સંસદસભ્ય સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે સાયરસ મિસ્ત્રી મારા ભાઈ જેવા હતા, તેમના મૃત્યુના સમાચાર મારે માટે આઘાતજનક છે. છેલ્લા ચાર વર્ષમાં તેઓ અને તેમનાં પત્ની અનેક સંઘર્ષનો સામનો કરી ચૂક્યા છે. હું હજી પણ માની શકતી નથી કે તેમનું મૃત્યુ થયું છે. આપણે કેટલી વખત માર્ગ સુરક્ષા અંગે ચર્ચા કરવી પડશે, એવો સવાલ તેમણે કર્યો હતો. મારા અને મારા પતિ સદાનંદ સુળેમાટે આ વ્યક્તિગત ખોટ પડી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.