માર્ગ અકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીનું અવસાન

દેશ વિદેશ

મુંબઈ: પાલઘર જિલ્લામાં દહાણુના ચારોટી નાકા પાસે માર્ગ અકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રી (૫૪) તથા સહપ્રવાસી જહાંગીર પંડોલનું અવસાન થયું હતું. દુર્ઘટનામાં કારના ડ્રાઇવિંગ કરતાં ડૉ. અનાહિતા પંડોલ તથા અન્ય એક જણને ઇજાઓ થઈ હતી. રવિવારે બપોરે ૩.૧૫ વાગ્યે શહેરથી ૧૨૦ કિલોમીટર દૂર મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સૂર્યા નદી પરના બ્રિજ પર કાર રોડ ડિવાઇડર જોડે ટકરાતાં અકસ્માત થયો હતો.
ટાટા સન્સના ભૂતપૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ સહિત મહાનુભવોએ ઘેરા શોક અને આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ ઉદ્યોગજગતને મોટી ખોટ હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે
કહ્યું હતું.
સાયરસ મિસ્ત્રીની કસમયે વિદાય આઘાતજનક હોવાનું જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પરના સંદેશામાં કહ્યું હતું કે મિસ્ત્રી આશાસ્પદ બિઝનેસ લીડર હતા અને તેમને ભારતના આર્થિક કૌશલ્ય પર ભરોસો હતો.
સાયરસ મિસ્ત્રીના પરિવારજનો અને મિત્રો પરત્વે મોદીએ દિલસોજી વ્યક્ત કરી હતી.
ઈશ્ર્વર તેમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના મોદીએ કરી હતી.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સાયરસ મિસ્ત્રી માટે જીવલેણ નીવડેલા અકસ્માતની વિગતવાર તપાસ કરવાનો નિર્દેશ મહારાષ્ટ્ર પોલીસને આપ્યો છે. મુંબઈનાં વિખ્યાત ગાયનેકૉલોજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલ (૫૫) કાર ડ્રાઇવ કરતાં હતાં. કારમાં તેમની જોડે પતિ દારાયસ પંડોલ (૬૦) પણ હતા. અકસ્માતમાં અનાહિતા અને દારાયસ ઇજા પામ્યાં હતાં અને સાયરસ તથા દારાયસના ભાઈ જહાંગીર પંડોલ મૃત્યુ પામ્યાં હતાં.
પાલઘર જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે સૂર્યા નદી ઉપરના બ્રિજ પર થયેલા અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી તથા અન્ય એક જણ તત્કાળ મૃત્યુ પામ્યા હતા અને અન્ય બે ઇજા પામ્યા હતા. મર્સીડીઝ કારમાં સાયરસ, ડ્રાઇવર તથા અન્ય બે જણ મળીને ચાર જણ હતા. ઇજા પામેલાં અનાહિતા પંડોલ અને દારાયસ પંડોલને સારવાર માટે ગુજરાતના વાપીની પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાસા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સાયરસ મિસ્ત્રીની કાર સૂર્યા નદીની ઉપરના રોડ ડિવાઇડર જોડે અથડાયા પછી બ્રિજની દીવાલ- રિટેન્શન વૉલ- સાથે ટકરાઈ હતી. તેમાં સાયરસ સહિત બે જણ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
સાયરસ મિસ્ત્રી આયર્લેન્ડના નાગરિક હતા. તેઓ મુંબઈમાં શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટન ગયા હતા. તેમણે ઇંગ્લૅન્ડમાં સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન બાદ મૅનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. સાયરસના ભાઈ શાપુર પણ ‘શાપુરજી પાલનજી ગ્રૂપ’ નામે ફેમિલી બિઝનેસમાં સક્રિય છે.
ભારતીય ઉદ્યોગે એક ચમકતો સિતારો ગુમાવ્યો છે. દેશના અર્થતંત્રમાં તેમણે આપેલા યોગદાનને લોકો લાંબા સમય સુધી યાદ રાખશે, એમ તેમણે કહ્યું હતું.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પણ મિસ્ત્રીની કસમયની વિદાય અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.
મિસ્ત્રી તેમના ઈન્ફ્રા બિઝનેસને મજબૂત કરવા અને ઈન્ફ્રા પ્રોજેક્ટને આગળ લઈ જવા કટિબદ્ધ હતા. દેશના અર્થતંત્રના વિકાસમાં યોગદાન આપતા રહેવાની તેમની અદમ્ય ઈચ્છા હતી, એમ સીતારમણે કહ્યું હતું.
રોડ અને પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ પણ મિસ્ત્રીની અચાનક વિદાય અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. ગડકરીએ પણ મિસ્ત્રીના પરિવારજનો પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ટાટા સન્સના ભૂતપૂર્વ અધ્યક્ષ મિસ્ત્રીના કમનસીબ અવસાનથી હું ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યો છું.
દેશના સૌથી તેજસ્વી ઉદ્યોગપતિઓમાં મિસ્ત્રીનો સમાવેશ થતો હતો અને દેશના અર્થતંત્રની વિકાસયાત્રામાં તેમણે અમૂલ્ય યોગદાન આપ્યું હતું, એમ રાહુલે કહ્યું હતું.
મિસ્ત્રીના મિત્રો, પરિવારજનો અને પ્રશંસકો પરત્વે હું સહાનુભૂતિ વ્યક્ત કરું છું, એમ રાહુલે કહ્યું હતું.
૫૪ વર્ષના ઉદ્યોગપતિની વિદાયને આઘાતજનક લેખાવતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે મિસ્ત્રી માત્ર સફળ ઉદ્યોગપતિ જ નહોતા, પરંતુ તેઓ યુવાન અને દીર્ઘદૃષ્ટા ઉદ્યોગપતિ હતા.
ઉદ્યોગજગત તેમના પર આશાભરી મીટ માંડી રહ્યું હતું, એમ શિંદેએ કહ્યું હતું.
તેમનું મૃત્યુ માત્ર મિસ્ત્રી પરિવારની જ ખોટ નથી, પરંતુ સમગ્ર ઉદ્યોગજગતની ખોટ છે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)

1 thought on “માર્ગ અકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીનું અવસાન

  1. Yet another prominent and able life cut down in the prime of his life. Cyrus’ s death is inconsolable. I am immensely saddened. At this time I am compelled to say that this is not the first nor the last accident that caused immense grief. Nor it would be the last unfortunately. Poor road design is the biggest culprit. The road dividers are the main culprits in this carnage, be it in city or on the highways. Without them they wouldn’t occur. In fact without them drivers have a leeway to come out of emergency situations. Instead of spending money on dividers it should be spent on making the road wider which itself would improve safety. These accidents cry out for action.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.