બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સાતમા દિવસની રમતના અંતે ભારતના ખાતામાં વધુ બે મેડલ જમા થયા હતા. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીમાં સાતમા દિવસે ભારતને ઓછા મેડલ મળ્યા હતા. સ્પર્ધાના સાતમા દિવસના અંત પહેલા ભારતે એક સુવર્ણ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની મેડલ સંખ્યા હવે 20 થઈ ગઈ છે. મેડલ ટેબલમાં ભારત 7મા ક્રમે છે.
ભારતને ગુરુવારે એથ્લેટિક્સ અને પાવરલિફ્ટિંગમાં મેડલ મળ્યા હતા. ગુરુવારે મુરલી શ્રીશંકરે લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મુરલી શ્રીશંકર કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોના લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીતનાર માત્ર બીજો ભારતીય એથ્લેટ બન્યો છે.
પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટનો ગુરુવારે પ્રારંભ થયો હતો. ભારતના સુધીરે મેન્સ હેવીવેઈટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને નવો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો હતો. કોમનવેલ્થના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે પેરા પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ જીત્યો છે.
આ બે મેડલ સાથે ભારતની કુલ મેડલ 20 થઈ ગઈ છે. જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
