સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
કળાના અન્ય ક્ષેત્રની જેમ સ્થાપત્યમાં પણ વિવિધ વલણો જે તે સમયે પ્રચલિત થતાં રહ્યાં છે. આ વલણ ક્યાંક કળાત્મક બાબતોથી પ્રેરાઈને ઉદ્ભવતું હોય છે તો ક્યાંક તેની પાછળ ઈજનેરી-તકનિકી બાબતોમાં થયેલો વિકાસ હોય છે. ક્યારેક આ વલણ અમુક બાબતો પ્રત્યેકની સંવેદનશીલતામાં થયેલ વધઘટથી પરિણમે છે તો કદીક તેની પાછળ વિદ્રોહ છુપાયેલો હોય છે. સ્થાપત્યમાં આજકલ સૌથી વધુ પ્રચલિત વલણ સ્વનિર્ભર-ટકાઉ, સસ્ટેનેબલ સ્થાપત્યનો છે. વિચાર સારો છે. આ મકાનની કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાનો પ્રયત્ન છે. મકાનની કુદરત પ્રત્યેની માંગ ઓછી કરી. ધર્મના વૈકલ્પિક સ્રોતનો ઉપયોગ કરી ક્યાંક મકાનના વપરાશ તથા રાખ-રખાવમાં સંયમ રહે તેવી રચના કરવાનો આ હેતુ છે. સાથે સાથે કુદરતને કશુંક પાછું અપાવાનો પણ ભાવ છે. ટૂંકમાં કુદરત અને સ્થાપત્ય વચ્ચેના આપ-લેના સમીકરણમાં વિવેક લાવવાનો આ પ્રયત્ન છે.
સ્થાપત્યમાં ન્યૂનતમવાદી રચનાનું પણ વલણ આજના સમયમાં પ્રચલિત છે. જેટલું જરૂરી છે તેટલું જ મકાન બનાવવું અને જો શક્ય હોય તો તેમાં પણ કટોતી કરવી. આ વલણ માનવીની માનસિકતાને અનુકૂળ ન હોય તેમ જણાય છે. માનવી આમેય જે તે વસ્તુ ‘ગમે ત્યારે જરૂર પડે’ તેમ માનીને સગ્રહતો રહે છે. છતાં પણ ક્યાંક અટકી શકાય. આવી અટકણના પરિણામે બનતું સ્થાપત્ય એટલે ન્યૂનતમવાદી. આ પ્રકારની રચના સઘન-કોમ્પેકટ બને છે. સ્માર્ટ ફોનની જેમ સ્માર્ટ સ્થાપત્યની વાત પણ આજકાલ સાંભળવા મળશે. મહેનત વગર કામ પતી જાય, જરૂરિયાત પહેલેથી જ સમજીને પરિસ્થિતિ ગોઠવી દેવાય. માનવીનું પોતાનું કાર્ય ન્યૂનતમ સ્તરે પહોંચી જાય અને તે પણ સરળ બની રહે, જાણે ઈશારાથી કામ થઈ જતું હોય તેવું લાગે આ અને આવી બાબતો આ સ્માર્ટ અર્થાત્ ચતુર સ્થાપત્યની મુખ્ય ખાસિયત ગણાય. આ પ્રકારની રચના ક્યાંક સામાન્ય કરતાં વધુ કિંમતી બને અને તેના વપરાશમાં ઊર્જાનો પણ વધુ વ્યય થાય. સ્થાપત્યનું આ વલણ એક રીતે સ્વનિર્ભર સ્થાપત્યથી વિપરીત ગણાય. બાયોફિલિક કે કુદરત સંલગ્ન સ્થાપત્ય પણ આજકાલ પ્રચલિત વલણ છે. અહીં મકાનને કુદરતનાં પરિબળો સાથે સાંકળવામાં આવે છે. એક રીતે જોતાં આમા મકાનની અંદર ઝાડ-પાન-પાણી લવાય છે અથવા તો ઝાડ-પાન-પાણીની આસપાસ મકાન બનાવાય છે. કુદરત સાથે માનવીને ફરીથી જોડવાનો આ પ્રયત્ન છે. આ પ્રકારની રચના પાછળનો મુખ્ય હેતુ કુદરતના સાનિધ્યથી માનસિક શાંતિ મેળવવાનો છે, અને તે ઈચ્છનીય પણ છે.
ગ્રીન બિલ્ડિંગ અર્થાત સ્થાપત્યકિય લીલોતરી એ આ વલણનો જ એક ભાગ છે આમાં મકાનની રચનામાં કદાચ લીલોતરી ન વણાય પણ કુદરતને પડતો ભાર તો ઓછો કરાય જ છે. અહીં બાંધકામની સામગ્રીનું ચયન તથા તેનો ઉપયોગ એ રીતે કરાય છે કે મકાનની રચના તથા રાખરખાવમાં તો ઓછી ઊર્જા વપરાય જ પણ સાથે સાથે તે સામગ્રીની બનાવટમાં તથા તેના બાંધકામની તકનિકમાં પણ ઓછી ઊર્જા ખર્ચાય. આ હરિત સ્થાપત્યમાં ઊર્જાના વપરાશને સમયાંતરે “શૂન્યના સ્તરે લઈ જવાય છે અને તેની માટે ખાસ ગણતરીની રીત છે. ઓછી સંપન્નતા સાથે વધુ જરૂરિયાતોની પૂર્તિ થઈ શકે તે માટે બહુઉપયોગી- મલ્ટી ફંક્શનલ, સ્થાપત્યની રચના પણ સાંપ્રત સમયમાં પ્રચલિત બનતી જાય છે. જે પ્રવૃત્તિઓ એક સાથે અસ્તિત્વમાં ન આવતી હોય તેવી પ્રવૃત્તિઓને એક જ છત નીચે ગોઠવવાથી આ પ્રકારનું સ્થાપત્ય બને. આ માટેનું સામાન્ય ઉદાહરણ એમ આપી શકાય કે જ્યારે ઘરમાં માણસ જમે ત્યારે તે સૂવે નહીં અને સૂવે ત્યારે તે જમે નહીં તેથી એવું સ્થાન બનાવી શકાય કે જ્યાં એક સમયે સરળતાથી જમી શકાય અને અન્ય સમયે તેટલી જ સરળતાથી સૂઈ શકાય. આ વિચારને મોટા પ્રમાણમાપમાં અમલમાં મૂકવાથી બહુઉપયોગી સ્થાપત્ય અસ્તિત્વમાં આવે. આ પ્રકારના સ્થાપત્યમાં મકાનની રચનામાં તો ક્યાંક બચત થાય પણ જે તે પ્રવૃત્તિ માટે વપરાતાં ઉપકરણો – રાચરચીલાં થોડાંક મોંઘા પણ થાય. સહજ સ્ફૂરિત સ્થાપત્ય કે સાહજિક-ઈન્ટિઈટયુવ-સ્થાપત્ય પ્રમાણમાં ઓછું પ્રચલિત છે. આમાં સ્થપતિની આંતર્સ્ફૂરણા મહત્ત્વની બની રહે. આ સ્ફૂરણા ખરેખર સ્ફૂરણા જ હોય તો તેમાં કંઈક યથાર્થતા રહેલી હશે. પણ જો અહીં દંભ હોય તો ઘણા પ્રશ્ર્નો પુછાશે-ઊભા થશે. અંતર્સ્ફૂરણાના નામે સ્થાપત્યના ક્ષેત્રમાં થતી આ સૌથી મોટી અંચાઈ છે સૌથી વધુ ઢંગધડા વગરનાં મકાનો આ શૈલીમાં બનાવાયા છે. “મને એક સ્વપ્નું આવ્યું એમ વાર્તા લખી જે મકાનો બનાવાય છે તે એક સમયે તો સમાજ વિકલ્પના અભાવે સ્વીકારી લે પણ લાંબા ગાળે તે વજૂદ વિનાના માત્ર ગ્લેમરસ તથા દંભી મકાનો બની રહે છે. આંતર્સ્ફૂરણા માટે પણ ચોક્કસ પ્રકારની પરિપક્વતા જરૂરી હોય છે. પાગલ વ્યક્તિને અકસ્માતે થયેલી સ્ફૂરણા એક સમયે ચાલી પણ જાય પણ આ પ્રકારનું વલણ સ્થાપત્યની ગંભીરતા માટે જોખમી છે. આ અને આવાં સ્થાપત્યના વલણ પાછળ ક્યાંક જરૂરિયાત હોય છે તો ક્યાંક વ્યક્તિગત મહેચ્છા. આ બધાં વલણો પાછળ થોડુંક સત્ય, થોડીક નાટકિયતા તો થોડીક આર્થિક બાબતો પણ વણાયેલી હોય છે. ક્યાંક આ માત્ર વાતો જ હોય છે તો ક્યાંક દંભ માત્ર. ઘણીવાર જે તે હેતુ માટે જે વલણ અસ્તિત્વમાં આવ્યું હોય તે હેતુ પણ સિદ્ધ થાય છે કે નહીં તે પ્રશ્ર્ન હોય છે. પરિવર્તન આવ્યા કરે છે અને આવ્યા કરશે જ. જે લાંબા સમય સુધી ટકી જાય તે યથાર્થ.