(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસના રૂ. ૧૮,૦૦૦ કરોડના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને માર્ચના મધ્યમાં મંજૂરી આપવામાં આવશે એમ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે શુક્રવારે કહ્યું હતું.
મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા વૈષ્ણવે કહ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં ભારત રેલવે ટેકનોલોજીના નિકાસકર્તા તરીકે ઉભરી આવશે. લાંબા સમયથી આયાતકર્તા રહેલા ભારત માટે આ એક મોટું પગલું બની રહેશે.
માર્ચની મધ્યમાં ટેન્ડર આપવામાં આવશે. મુંબઈની દરેક ઓથોરિટીએ આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, એમ રેલવેનું પ્રેઝન્ટેશન કરતાં વૈષ્ણવે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આ રિડેવલપમેન્ટને કારણે જગ્યાની અછત ધરાવતા શહેરમાં વિશાળ જગ્યા ઉપલબ્ધ થશે અને નાગરિકોને અવરજવરમાં સરળતા રહેશે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનર્વિકાસનો પ્રોજેક્ટ છેલ્લા કેટલાક વર્ષથી અભેરાઈ પર ચડી ગયો હતો. આ પ્રોજેક્ટને હાંસલ કરવા માટે અદાણી સહિત કુલ નવ કંપનીઓ રેસમાં છે.
ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે અગાઉના મુખ્ય પ્રધાનને વિકાસના પ્રોજેક્ટમાં કોઈ રસ જ નહોતો. તેમના અનુગામી એકનાથ શિંદે સત્તામાં આવ્યા બાદ હાઈ-સ્પીડ રેલવે સહિતના અનેક પ્રોજેક્ટ અમલી બન્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બૂલેટ ટ્રેનના ૧૫૨ થાંભલા તૈયાર થઈ ગયા છે.
સીએસએમટી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માર્ચના મધ્યમાં અપાશે: વૈષ્ણવ
RELATED ARTICLES