Homeઉત્સવકુદરત અને મોતની જાલિમ જુગલબંધી!

કુદરત અને મોતની જાલિમ જુગલબંધી!

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

આ દેશમાં કુદરતી આફતો વિશે આવતા દરેક સમાચાર, આ દેશના માણસના મોતની સાથે જોડાયેલા રહે છે. ભલેને પછી એ હવામાનમાં ફેરફારના સામાન્ય એવા સમાચાર જ કેમ ના હોય? લૂ વાય તો લોકો મરે, ઠંડી વધે તો લોકો મરે, પૂર આવ્યા તો થોડા લોકો ડૂબી ગયા, વાવાઝોડું આવ્યું અને આટલાં મૃત્યુ થયાં, કુદરત સંબંધી દરેક માહિતી આ દેશમાં મૃત્યુની માહિતી સાથે જોડાયેલ હોય છે!
આટલી મોટી ભીડ, આટલી મોટી વસ્તી ધરાવતા આ દેશમાં માણસ ક્યાં છે એ તો ભગવાન જ જાણે. જ્યારે કોઈ ઝાડ પડે, ત્યારે ખબર પડે કે એની નીચે માણસ હતો! પૂર આવે, ભૂકંપ આવે, ત્યારે ખબર પડે કે ત્યાં માણસો જીવતા હતા! જ્યારે લાશ પાણીમાં વહીને આવે છે, ત્યારે આપણને ત્યાંની માનવ વસ્તીની જાણકારી મળે છે. આ એક અજીબ સચ્ચાઈ છે. પૂર આવે તો એ પણ માણસોના મોત વગર વ્યર્થ કહેવાશે. વાવઝોડું માથા પરથી પસાર થઈ જશે પણ જરૂરી છે કે દરેક વાવાઝોડાની લડાઈ, નાનાકડાં દીવા સાથે હોય જ! જરૂરી છે કે દીવો ઓલવાય, તો જ તો આપણને વાવાઝોડાની ખબર પડશે! સરકારી તંત્ર આવી લડાઈમાં હંમેશા તટસ્થ રહેશે. વાવાઝોડાને તો એ રોકી ન શકે, પણ દીવાને તો બચાવી જ શકે ને! પણ હા, જો સરકાર ધારે તોને?
આપણા દેશમાં રિક્ષા, કાર, ટેક્સી, બસ, ટ્રક, રેલગાડી, બોટ એ બધા એટલા માટે હોય છે કે, કુદરતી આફત આવે અને એ બધાં સાધનો થંભી જાય. એ બધાં રાતોરાત કામ કરતાં રોકાઈને કે ખોટકાઇને કંઇ કર્યા વિના કુદરતી આફતને ચૂપચાપ લડત આપે અને પછી આફત ટળવાની નિરાંતે રાહ જુએ.
એ બધાં સાધનોને આફત આવે તે પહેલા કાર્યરત કરીને દેશના માણસને આવનાર મુસીબતોથી શું બચાવી ન શકાય? પણ આપણા દેશમાં હેલિકોપ્ટરનું એ જ મહત્ત્વ છે કે, પૂરના તાંડવનું નિરીક્ષણ કરવામાં આવે! પાણી જ્યારે ભેગું થઈ જાય, ત્યારે એના પર નેતાઓના નકલી આંસુ વરસાવીને પાણીનું સ્તર વધારે વધારવામાં આવે! શું આપણે એ જ હેલિકોપ્ટરોથી પૂર અથવા વાવાઝોડું આવતા પહેલા માણસને બચાવી ન શકીએ? ત્યાંથી એને ખસેડી ન શકીએ?
દરેક દેશે એ નક્કી કરવું પડે છે કે, એની ભૌગોલિક સીમામાં માણસનું મહત્ત્વ શું છે? એની કિંમત કેટલી છે? એનું જીવન દેશને માટે કેટલું મૂલ્યવાન છે? આપણે એ સ્વીકારીશું નહીં, કારણ કે એનાથી આપણી પ્રતિષ્ઠિત અને સંસ્કારી છબીને ઠેસ પહોંચે છે. પણ સચ્ચાઈ એ જ છે કે રોગ, પૂર, લૂ, ઠંડી, વાવાઝોડામાં માણસો ન મરે, એ બાબતમાં આ દેશની સરકાર અને સામાજીક કાર્યકરો ખાસ ચિંતા નથી કરતા! શું છે કે માત્ર જાહેરાત કરી નાખવાથી કે- “વાવાઝોડું આવશે, ભારે વરસાદ થશે એનાથી માણસ બચી નથી જતો! રસ્તાથી લઈ જંગલ સુધી આપણે માણસને ભગવાન ભરોસે છોડી દીધો છે! કોઈના મૃત્યુથી આપણને ક્યારેય ખોટ નથી લાગતી. આપણા દેશના મોટા-મોટા લોકો કદાચ ‘માલ્થસ’ની થિયરી પ્રમાણે આ વાતને સાચી અને યોગ્ય માનતા હશે! એટલા માટે આપણા દેશમાં ઉત્તરપ્રદેશમાં અથવા ઓડિશામાં પૂરથી માણસના મોતના સમાચાર મોસમી સમાચાર છે કે હંમેશાના ન્યૂઝ છે. સરકાર એ માનીને ચાલે છે કે છોડો ને યારોં, કુદરતી આફતોથી માણસોના મોત તો થશે જ! જ્યારે બધું જ તબાહ થશે, એની સાથે-સાથે મોત પણ આવશે, એમાં શું? ત્યારે અમે થોડાં ફૂડ પેકેટ્સ કે પાણીનાં પાઉચ ઉપરથી ફેંકશું પબ્લિક પર. પણ હા, જે જીવિત છે એ લોકોને બચાવવા માટે નહીં, મૃત્યુ પામેલા માણસોના શ્રાદ્ધ કરવા માટે! એ જ તો મહાન ભાવના છે અને એ જ આપણી સંસ્કૃતિ પણ છે! ને દેશ ચાલ્યા કરે છે. ( મૂળ લેખ: ૧૯૮૫)

RELATED ARTICLES

Most Popular