કાગડા બધે જ કાળા: બ્રિટિશ સાંસદોય સખણા નથી રહેતા!

વીક એન્ડ

ભાતભાતકે લોગ -જ્વલંત નાયક

આ લખાય છે ત્યારે મુંબઈ અને મહારાષ્ટ્રની ચર્ચા આખા દેશમાં છે. દર કલાકે કંઈક નવા સમાચાર આવે છે ને એની પાછળ પાછળ અનેક નવી નવી થિયરીઝ પણ બહાર આવે છે. આમાંની કેટલી થિયરી સાચી અને કેટલી ખોટી, એ તો આવનારો સમય જ કહેશે, પણ રાજકીય વિશ્ર્લેષકો માને છે કે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે ત્યારે એ આખો ઘટનાક્રમ બડો તોફાની નીવડશે. જોકે આપણને વિધાનસભા કે સંસદભવનમાં તોફાનોની ક્યાં નવાઈ છે! વારેતહેવારે આપણે ચૂંટેલા જનપ્રતિનિધિઓ ધારાસભાઓમાં કંઈક ને કંઈક તોફાનો, બદસલૂકી, ઘાંટાઘાંટ કરતા જ રહે છે. અહીં નોંધનીય વાત એ છે કે ભારતની પ્રજા બહુ ભોળી છે, જે પોતાના નેતાઓને જ ‘વંઠેલા’ સમજે છે. સરેરાશ ભારતીય માને છે કે ભારત જેવા ‘તોફાની’ રાજકારણીઓ બીજે ક્યાંય નથી, પણ આ માન્યતા ખોટી છે. આખા વિશ્ર્વના રાજકારણી સંસદભવનમાં જાત જાતનાં ગતકડાં કરવા માટે જાણીતા છે. ‘જેન્ટલમેન’ ગણાતી બ્રિટિશ પ્રજાનો જ દાખલો લો. બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં દર બુધવારની બપોરે ચૂંટાયેલા સાંસદો પોતાના પ્રધાનમંત્રીને સીધા પ્રશ્ર્નો પૂછી શકે છે અને બ્રિટિશ પ્રજાના પ્રતિનિધિઓ હાઉસ ઓફ કોમન્સમાંય એવી એવી હરકતો કરતા રહે છે કે નાછૂટકે એમને સદનમાંથી થોડા સમય માટે ડિસમિસ કરવાની નોબત આવે છે!
ડેનિસ સ્કિનર બ્રિટિશ સદનમાં બિરાજતા એક વરિષ્ઠ રાજકારણી છે. ડેનિસ લેબર પાર્ટી તરફથી ચૂંટાયા છે. તેઓ વન ઓફ ધ સિનિયર મોસ્ટ પાર્લામેન્ટેરિયન હોવા છતાં સૌથી ‘તોફાની’ સાંસદોમાં એમની ગણતરી થાય છે. બ્રિટિશ પ્રજા પોતાની એટિકેટ માટે જાણીતી છે, પણ ડેનિસ દાદા જરા જુદી માટીના બનેલા છે. ૨૦૧૬માં પનામા પેપર્સ લીક થયાં અને આખી દુનિયાના શ્રીમંતોએ કરેલા ગેરકાયદે નાણાવ્યવહારો અંગે ચર્ચાઓ ચાલી નીકળી. એમાં બ્રિટનના કેટલાક તવંગરો પણ ફસાયેલા હતા. બ્રિટનના તત્કાલીન પ્રધાનમંત્રી ડેવિડ કેમેરોન ખુદ પણ એમાં સંડોવાયેલા હોવાનું મનાતું હતું. પ્રધાનમંત્રી કેમેરુને લંડનની એક પ્રોપર્ટીના ગીરોખત પેટે મેળવેલા ધન વિષે સાંસદ ડેનિસ સ્કિનર હાઉસ ઓફ કોમન્સમાં બોલી રહ્યા હતા. કેમેરોન પોતે પણ સામી બેંચ પર બેઠેલા. પોતાના વક્તવ્ય દરમિયાન રંગમાં આવી ગયેલા ડેનિસ દાદાએ ડેવિડ કેમેરોનને પ્રશ્ર્ન પૂછતી વખતે ‘મજ્ઞમલુ ઉફદય’ સંબોધન કર્યું. ઉફદય શબ્દ ડેવિડ નામ માટે હતો, અને ‘મજ્ઞમલુ’નો અર્થ થાય મૂર્ખ વ્યક્તિ. પત્યું, એક વરિષ્ઠ સાંસદે હાઉસ ઓફ કોમન્સની ભરી સભામાં સાક્ષાત પ્રધાનમંત્રીને ‘મૂર્ખ’ કહ્યા હતા. સ્પીકરે તરત જ ડેનિસ સ્કિનરના શબ્દોને બિનસંસદીય જાહેર કર્યા અને જોશમાં બોલાઈ ગયેલા આ શબ્દો પાછા ખેંચવા અપીલ કરી, પણ ડેનિસ દાદા એમ ગાંઠે? એમણે તો શબ્દો પાછા ખેંચવાને બદલે વધુ એક વાર પ્રધાનમંત્રીને માટે ‘મજ્ઞમલુ’ સંબોધન વાપર્યું! નાછૂટકે સ્પીકરે ડેનિસ દાદાને એક દિવસ માટે હાઉસ ઓફ કોમન્સની બહાર કાઢી મૂક્યા!
ડેનિસ સ્કિનર માટે આવાં તોફાનો કોઈ નવી બાબત નથી. ૨૦૦૫માં જ્યારે એમની પોતાની લેબર પાર્ટી સત્તામાં હતી ત્યારે વિરોધ પક્ષના એક નેતા જ્યોર્જ ઓસ્બોર્ને લેબર પાર્ટીએ કરેલા આર્થિક સિદ્ધિઓના દાવાઓ સામે પ્રશ્ર્ન ઉઠાવ્યો, આથી અકળાયેલા ડેનિસ સ્કિનર સીધા પર્સનલ એટેક પર ઊતરી આવ્યા. એ દિવસોમાં જ્યોર્જ ઓસ્બોર્ન જ્યારે બાળવયના હતા, ત્યારનો એક ફોટો એ સમયે મીડિયામાં પબ્લિશ થયેલો. એ તસવીરમાં સંજોગવશાત્ બાળવયના જ્યોર્જ કોકેઈનના છોડ પાસે ઊભેલા દેખાતા હતા. સ્વાભાવિકપણે જ્યોર્જની ટીકા કરી શકાય એવું કશું એમાં હતું નહિ. તેમ છતાં આર્થિક બાબતો અંગેના જ્યોર્જના પ્રશ્ર્નોથી અકળાયેલા ડેનિસ સ્કિનર જ્યોર્જના બાળપણની એ તસવીર અંગે કટાક્ષ કરવા લાગ્યા. સ્પીકરે ડેનિસને અટકાવીને પોતાની ભદ્દી કોમેન્ટ પાછી ખેંચવા કહ્યું, પણ ડેનિસે એવું કરવાની કે જ્યોર્જની માફી માગવાની ઘસીને ના પાડી. આખરે થોડા સમય માટે ડેનિસને હાઉસ ઓફ કોમન્સમાંથી તગેડી મૂક્યા!
લેબર પાર્ટીના સાંસદ લોઇડ રસેલ તો વળી આનાથીય ચાર ચાસણી ચઢે એવા છે. તત્કાલીન પ્રધાનમંત્રી થેરેસા મે દ્વારા લેવાયેલા બ્રેક્ઝિટના નિર્ણય અંગે ઉગ્ર ચર્ચાઓ ચાલી રહી હતી. બન્ને પક્ષો ગરમાગરમ દલીલો કરી રહ્યા હતા અને વાતાવરણ બરાબર ગરમ થઇ ગયું હતું. હવે બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં એક ભયયિળજ્ઞક્ષશફહ ળફભય મૂકવામાં આવી છે. ગદા જેવા આકારની આ રચનાનું બ્રિટનની પાર્લામેન્ટમાં બહુ મહત્ત્વ છે. સેરેમોનિયલ મેસની ગેરહાજરીમાં સંસદમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઇ શકતી નથી. બ્રેક્ઝિટની ચર્ચાઓએ બરાબર ગરમી પકડી, એવા સમયે અચાનક શું થયું કે ઉશ્કેરાઈ ગયેલા સાંસદ લોઇડ રસેલે રોયલ ઓથોરિટીના પ્રતીકસમી સેરેમોનિયલ મેસ જ ઉપાડી લીધી અને બહાર નીકળવાના દરવાજા તરફ ચાલવા માંડ્યું! બીજા સાંસદો ‘લોઇડને રોકો… લોઇડને રોકો’ની બૂમો પાડતા રહ્યા અને લોઇડે બહારની દિશામાં કદમ ઉપાડ્યા. આખરે માર્શલે લોઇડને રોક્યા અને સ્પીકરે લોઇડને સસ્પેન્ડ કર્યા!
સંસદમાં બોલવામાં બફાટ કરવાનો હોય તો મહિલા સાંસદો પણ પાછળ નથી. પેની મર્ડોન્ટ નામની મહિલા સાંસદે ૨૬ માર્ચ, ૨૦૧૩ના દિવસે સંસદમાં જે સ્પીચ આપી, એમાં મરઘા માટે વપરાતા અંગ્રેજી શબ્દનો છ વખત પ્રયોગ કર્યો. અહીં લોચો એ વાતનો હતો કે અંગ્રેજી ભાષામાં આ જ શબ્દ પુરુષની જનનેન્દ્રિય માટે પણ વપરાય છે! પેનીએ પોતાના ભાષણમાં વારંવાર ‘હફુ’ અને ‘હફશમ’ જવા શબ્દો પણ વાપર્યા. આ બધા શબ્દપ્રયોગોને કારણે આ મહિલા સાંસદનું પ્રવચન જરા ‘બીલો ધ બેલ્ટ’ થઇ ગયું!
આ તો થઇ સંસદની અંદરનાં ‘તોફાનો’ની વાત, પણ કેટલાક સાંસદો એવાય છે, જે સંસદની બહારનાં કારનામાંઓ બદલ સસ્પેન્શન વેઠી ચૂક્યા છે!
જોનાથન સઈદ નામના સાંસદ જોકે કોઈ પણ પ્રકારનું મિસબિહેવ નહોતા કરતા, તેમ છતાંય એમણે સસ્પેન્ડ થવું પડેલું! આ માટે કારણભૂત બની એમની આગવી ‘મહેમાન નવાજી’! થયું એવું કે જોનાથનભાઈએ રાજકારણની સાથે સાથે એક ડાઈનિંગ એટિકેટ શીખવતી કંપની સાથે જોડાઈને સાઈડ ઇન્કમ ઊભી કરેલી. ‘સાઈડ ઇન્કમ’ શબ્દ એવો છે જે ભલભલાને લલચાવે, એમાં જોનાથનભાઈ ક્યાંથી બાકાત હોય? રાજકારણમાંથી જે ફ્રી ટાઈમ મળતો એમાં આ ભાઈ પોતાની કંપનીનું માર્કેટિંગ કરી લેતા. હવે થયું એવું કે કેટલાક રાજકીય વિરોધીઓએ જોનાથન સઈદનું જરા હટકે માર્કેટિંગ પકડી પાડ્યું! જે ટૂરિસ્ટ્સ સંસદ ભવનની મુલાકાતે આવતા એમને જોનાથન સઈદ ઝડપી લેતા અને પોતે જાણે ‘ગાઈડ’ હોય એ રીતે ટૂરિસ્ટ્સને ડાઈનિંગ રૂમ સુધી દોરી જઈને ‘ડિનર એટિકેટ્સ’ વિષે ડેમો આપતા. ઇન શોર્ટ, પોતાના સાંસદ તરીકેના પદનો ફાયદો ઉઠાવીને એ પોતાની કંપનીનું માર્કેટિંગ કરતા, પણ વિરોધી નેતાઓએ જોનાથનભાઈની આ ચાલાકી પકડી પાડી અને એમને પાર્લામેન્ટમાંથી બે અઠવાડિયાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા! જોનાથનભાઈ જો બ્રિટનના બદલે ભારતના રાજકારણમાં પડ્યા હોત તો ‘સાઈડ ઇન્કમ’ માટે એમણે આટલી મહેનત ન કરવી પડી હોત કે પછી આવું સસ્પેન્શન ન વેઠવું પડ્યું હોત. ખેર, જેવું જેનું નસીબ! આ બધા સાંસદો પૈકી કીથ વાઝનો ગુનો જરા વધુ ગંભીર પ્રકારનો હતો. એક અખબારના ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટે સાંસદ કીથ વાઝનાં કુકર્મો અંગેનો ભાંડો ફોડી નાખ્યો. થયું એવું કે પ્રૌઢ ઉંમરના કીથ વાઝ જરા રંગીન તબિયત ધરાવતા હતા. પોતાના લંડન ખાતેના ફ્લેટ પર કીથ વાઝે વેશ્યાઓ સપ્લાય કરનારી વ્યક્તિને બોલાવીને એને પૈસા આપ્યા હતા. કીથ વાઝનું આ આખું ‘પરાક્રમ’ ગુપ્ત કેમેરા વડે રેકોર્ડ કરી લેવામાં આવ્યું. કીથ માત્ર પેઈડ સેક્સ જ નહિ, પણ ડ્રગ ખરીદવાના આરોપમાં પણ સંડોવાયા. આખું પ્રકરણ બહાર આવ્યું, એ પછી કીથે કોઈ રીઢા ભારતીય રાજકારણીને છાજે એ રીતે ફેરવી તોળ્યું! કીથના કહેવા મુજબ લંડન ખાતેના એના ફ્લેટ પર આવેલી વ્યક્તિ કોઈ કોલગર્લ સપ્લાયર કે ડ્રગ ડીલર નહોતી, પણ ફ્લેટનું ઇન્ટીરિયર કરાવવા માટે એને બોલાવવામાં આવેલી! આ આખો મામલો સાબિત તો ન થઇ શક્યો, પરંતુ પોતાનાં કુકર્મો વડે સદનનું અપમાન કરવા બદલ કીથને છ મહિના માટે સસ્પેન્ડ કરાયા!
સો ધ મોરલ ઇઝ, આખી દુનિયાના રાજકારણમાં આવા ભાત ભાતના ખેલ અવિરત ચાલતા જ રહે છે. આપણે બહુ મન પર લેવું નહિ, કેમ કે કાગડા તો બધે જ કાળા!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.