મસ્ત રામની મસ્તી-મિલન ત્રિવેદી

લ્યો શ્રાવણ મહિનો પૂરો થયો અને ભાદરવાનો તડકો ચાલુ. ચુનિયો તરત જ બોલ્યો કે ફરાળનો મહિનો પૂરો અને ખીર ખાવાનો મહિનો ચાલુ. ભાદરવા મહિનામાં પૂનમથી ૧૬ દિવસ શ્રાદ્ધના હોય છે અને લોકો શ્રાદ્ધમાં કાગડાને કાગવાસ નાખે. મુંબઈમાં કાગડા મળી રહે છે તો ઘરની ખીર નથી મળતી અને સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં ખીર છે તો કાગડા ઓછા છે.
બચારા કાગડાના નસીબ એવા છે કે ફિક્સ મેન્યૂ જ હોય અને મોટાભાગે લોકેશન પણ અગાસી જ રહે..
આમ તો ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ બધે જ લાગુ પડે એટલે આખું વર્ષ તમે જેની ઉપમા ખરાબમાં જ લેતા હો પણ અત્યારે એની બોલબાલા થાય. તમને ખબર જ છે કે માણસોને પણ ‘કાગડા જેવો છે’ કહીને કોષવામાં આવે. કોઈક જોરથી બોલતો હોય તો કહેવામાં આવે કે ‘શું કાગડાની જેમ કાં કાં કરે છે?’ પણ આ ૧૫ દિવસ અચાનક જ કાગડાની માર્કેટ વધી જાય છે. આપણને એમ લાગે કે જાણે માણસો તેમને જે રીતે ઉપમા આપતા હોય તેનો બદલો લેવા તૈયાર જ હોય એ રીતે ગુમ થઈ જાય છે. કાગડાએ જોયું જ હોય ને કે તમે જેની સાથે રોજ બેસતા હો, ગપાટા મારતા હો, જમીન પર પણ લાંબા ટાંટિયા કરીને બેસી જતા હો તેને ખાલી એટલું કહો કે ‘દોસ્ત, તારું કામ પડ્યું છે’ એટલે એ જ માણસ તમને પહેલા તો બે-ત્રણ દિવસ સમય જ ન આપે અને આપે ત્યારે સોફા પર એવો પથરાયને બેસે કે તમારે ફરજિયાત નીચે બેસવું પડે! આ વખતે શ્રાદ્ધમાં મને નથી લાગતું કે કોઈ પિતૃ દેખાય અને દેખાશે ને તો પણ એક કાગડા બરાબર ૧૦૦ પિતૃની એવરેજ આવશે. હું પણ કાગડા શોધવા નીકળ્યો હતો. અસલ એમની જેમ જ ક્રાં ક્રાં બોલીને અવાજ દેતો હતો. બે-ત્રણ જણ તો ખીર લઈને બહાર નીકળી કાગડા આવ્યાનાં હરખમાં કાગવાસ લઈને અગાસીમાં પણ ગયા, પરંતુ મારો કલર સફેદ એટલે કાગડો નથી એવી જાણ થતા નિરાશ ચહેરે ઘરમાં પાછા જતા રહ્યા! મને પહેલી વાર હું કાગડો ન બન્યાનું દુ:ખ થયું કેમ કે ખીરની સુગંધ એવી હતી કે ગમે તે લલચાય જાય. હું શોધતો શોધતો ગાઢ વૃક્ષો વચ્ચે એક સાથે પાંચ કાગડા જોઈ ગયો. મને હરખથી આંખમાં આંસુ આવી ગયા અને મનમાં ખાતરી થઈ ગઈ કે આ જ મારા પિતૃઓ હશે કેમ કે મારા વડવાઓને કોઈ કામધંધો નહીં એટલે આ રીતે જ ઓટલે બેસીને આખા ગામની પંચાત કરતા. માથુું નમાવી એમની નજીક ગયો અને એમાં પણ બે કાગડાઓએ મારી સામે ડોળા કાઢ્યા એવો સમજી ગયો કે આમાં મારા પત્નીના પિતૃઓ પણ સાથે જ છે! ભાવભર્યું આમંત્રણ આપ્યું અને પછી નિરાંતે એમની સાથે વાતોએ વળગયો. મને મારી જાત પર અહંમ આવ્યો કે આવી ધમધમતી સીઝનમાં આ લોકો મારી સાથે ગપાટા મારવા ફ્રી થઈ ગયા એટલે મારી પ્રત્યે કેટલો પ્રેમ હશે! મેં હળવેથી આભાર વ્યક્ત કરતા પૂછી લીધું કે ‘કેમ ક્યાંય ભોજનનું આમંત્રણ નથી?’ અને પછી બાંધેલા બંધના પાટિયા ખૂલતા ધસધસતું પાણી આવે એમ એક પછી એક વાતો શરૂ થઇ..
દીકરા, અહિંયા બેસીને મળે એટલું ખવાય. ઊડી ઊડીને છેક શહેર સુધી જઈએ અને કાયમ એક જ મેન્યૂ? જાણે અમને કોઈને ડાયાબિટીઝ થતું જ ન હોય. જ્યાં જાઈએ ત્યાં મીઠું મીઠું અને મીઠું. મિષ્ટાનથી મોઢુ ન ભાંગી જાય? બાપુજી માનીને ખવડાવો છો તો કો’ક દિ’ પૂછો તો ખરા કે બાપુજી શું ખાશો? જીવતા જીવ તો પૂછ્યું નથી હવે તો પૂછો. માણસ એકાદ ભજિયું મૂકે, બે’ક તળેલાં મરચાં, પાપડ, ક્યારેક કોબીજનો સંભારો મુકાય પણ ના માંડ હાથમાં આવ્યો છે. એક જ વસ્તુ ખીર. ઘણાને ખીર બનાવતા નથી આવડતી. ચોખા સરખા ચડ્યા ન હોય, દૂધમાં પાણી નાખ્યું હોય અને હરામ બરાબર કોઈ સૂકો મેવો દેખાય તો. મોંઘવારી વધે એમાં અમારો વાંક? ગળ્યું જ ખવડાવવું હોય તો ઘીમાં લથપથ પૂરણપોળી ખવડાવો, એકાદ કાજૂ કતરીનું બટકુ મૂકો, ખસખસ વાળા ચોખ્ખા ઘીના ચૂરમાના લાડવા આપો પણ નહીં એટલે નહીં. અમને કોઈ દિવસ પૂછવાનું જ નહીં. હમણાં સાંભળ્યું છે કે પીઝા પણ ભાવે એવા મળે છે. જો પે’લો છેલ્લે બેઠોને એ પીઝાની દુકાનની સામેના ઝાડવે એક બેડરૂમનો ફ્લેટ બનાવેલો એટલે જો કેવો ખાઇ ખાઇને ફૂલી ગયો છે. ઉડી માંડ શકે છે પણ તાજોમાજો તો થઈ ગયો કે નહીં? તો અમને વડાંપાંઉ, પાંઉભાજી જેવા શોખ ન થાય? અમે તમારા જ પિતૃ છીએ, અમને ખબર છે કે કઈ રેકડી પર છાનામાના આમલેટ ખાય આવો છો. ક્યારેક ઘરના ન જુએ એમ આમલેટનો એકાદ કટકો રાખી દીધો હોય તો શું ખોટ જવાની? કેટલાયના પિતૃઓ છાંટોપાણી કરતા, છોકરાઓ કેમ ભૂલી જાય છે કે બાપુજીને કઈ બ્રાન્ડ ગમતી? તું નીકળ તારો વાંક ઓછો છે એટલે આવી જાઇશું પણ ક્વોલીટીમાં કોમ્પ્રોમાઇઝ ના કરતો ઘરમાં ખવાય એવી જ ખીર મૂકજે અને ખમણ કે પાત્રા ભેગા રાખજે એટલે મોઢુ ભાંગે નહીં અને તારા દાદીને નીચે જ રાખજે એટલે નિરાંતે ખાઇ શકાય અને ખાસ સૂચના કે બાજુ વાળી મંગૂના છોકરાનું ખાઇ આવ્યો એ કહેતો નહીં
હું રાજીપા સાથે પાછો વળ્યો પણ વિચાર આવ્યો કે માણસે કાગડાને જ શ્રાદ્ધમાં કેમ પસંદ કર્યો હશે? પણ કાગડાની ખાસિયતો મગજમાં આવી. જૂના જમાનાની વાર્તામાં પિતૃઓ ઘડામાં કાંકરા નાખવાની મહેનત તો કરતા. હવે લેટેસ્ટ પિતૃઓ તો સીધી સ્ટ્રો જ લાવે છે! કાગડાથી ચતુર પક્ષી એક પણ નથી. કાગડાની યાદશક્તિ ગજબ હોય છે. કાગડો માણસને ચહેરાથી યાદ રાખી શકે છે. અમારો ચૂનિયો અમસ્તો નથી હેલમેટ પહેરીને ફરતો. ચૂનિયાના પિતૃઓએ તો જાણે પરિપત્ર બહાર પાડ્યો હોય અને ફોટો વાયરલ કર્યો હોય એમ
કોઈ પણ પ્રદેશનો કાગડો ચૂનિયાને જુએ એટલે ચાંચ મારી જ જાય! કાગડાની પ્રકૃત્તિ લાલચુ હોય છે. પોતે પોતાનું ખાઇને ચાંચમાં ભરીને લઈ જાય એટલે આપણને એમ થાય કે પરિવાર માટે લઈ જતો હશે પણ જો પાછળ જઈને જુઓ તો એકાદ ઝાડવે નિરાંતે બેસીને પોતે જ ખાતો હોય! ઓડકાર ખાધા પછી જ પરિવારનો વિચાર કરે! ઘેર પહોંચ્યો ત્યાં વિચાર આવ્યો કે આ બધા ગુણો તો આપણા નેતાઓમાં પણ છે અને આપણે ખોટા કાગડાને બદનામ કરીએ છીએ તો શું આ વખતે કાગડા ન મળે તો નેતાઓને ખીર ન ખવડાવી શકાય? પણ ભાઈ જે સીધા જ સૂકા મેવા દાબતા હોય એને ખવડાવવા ક્યાં જવું પડે એ તો જાતે જ આપણા ખિસ્સા ખાલી કરવા સમર્થ છે.
વિચારવાયુ:
ભાઈ તું તો દારૂ પીતો ન હતો આટલા વર્ષ મુંબઈમાં રહ્યો તો પણ તે એક ટીપું પણ પીધું નહીં હવે કેમ પીવા માંડ્યો?
શું કરું ભાઈ થોડોક સમય ગુજરાતમાં રહ્યો ને એટલે આદત પડી ગઈ.

Google search engine