મુર્મૂની તરફેણમાં અનેક વિધાનસભ્યોનું ક્રોસ વોટિંગ

દેશ વિદેશ

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ૯૯ ટકાથી વધુ મતદાન

મોદીએ કર્યું મતદાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. (એજન્સી)

નવી દિલ્હી: સોમવારે સમગ્ર દેશના ચૂંટાયેલા સંસદસભ્યો અને વિધાનસભ્યોએ દેશના ૧૫મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. ૨૧ જુલાઈએ મતગણતરી કરવામાં આવશે અને પચીસમી જુલાઈએ નવા રાષ્ટ્રપતિ હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદભવનના રૂમ નંબર ૬૩ને મતદાનમથક બનાવાયું હતું. ચૂંટણી પંચના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે દેશભરમાં સંસદભવન અને રાજ્યો તથા દિલ્હી અને પુડ્ડુચેરી સહિતના વિધાનભવનો સહિત ૩૧ સેન્ટર્સ ખાતે સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીના સમયગાળામાં મુક્ત, ઔચિત્યપૂર્ણ અને પારદર્શક સ્થિતિમાં ચૂંટણી સફળતાપૂર્વક પાર પડી હતી. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પક્ષના આદેશનું અનુસરણ ન કરતા એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની તરફેણમાં તેમણે ક્રોસ વૉટિંગ કર્યું હોવાનું રાજ્યના અનેક વિધાનસભ્યોએ સોમવારે કહ્યું હતું.
વિરોધ પક્ષોના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહા સામે એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું પલ્લું ભારે છે. ભાજપના વર્ચસ્વ અને બિજુ જનતા દળ, બહુજન સમાજ પક્ષ, શિરોમણિ અકાલી દળ, શિવસેના અને ઝારખંડ મુક્તિ મોરચા જેવા પ્રાદેશિક પક્ષોના સમર્થનને કારણે એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ (ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ)નો વિજય નિશ્ર્ચિત મનાય છે. તેમને બે તૃતીયાંશથી વધુ મતો મળવાની શક્યતા છે. તેઓ દેશનાં રાષ્ટ્રપતિપદે બિરાજનારાં પ્રથમ આદિવાસી નેતા અને બીજાં મહિલા તરીકે માન મેળવશે.
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ૭૭૬ સંસદસભ્યો અને ૪૦૩૩ વિધાનસભ્યો મળીને મતદારસંખ્યા ૪૮૦૯ની છે. જોકે, સંસદમાં પાંચ બેઠકો અને વિધાનસભાઓમાં છ બેઠકો ખાલી છે. બે વિધાયકોને વિધાનસભાના સભ્યપદ માટે ગેરલાયક ઠેરવાયા હોવાથી લાયકાત ધરાવતા ૪૭૯૬ મતદારો હતા. ૯૯ ટકાથી વધારે મતદાન નોંધાયું હોવાનું ચૂંટણી પંચે સોમવારે જણાવ્યું હતું. તેમાં ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં ૧૦૦ ટકા મતદાન નોંધાયું
હતું. ૧૦૦ ટકા મતદાન નોંધાયું હોય એવાં રાજ્યોમાં છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, સિક્કિમ, તમિળનાડુનો સમાવેશ છે. મતદારોમાં સંસદ અને વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ છે. નિયુક્ત કરાયેલા સભ્યો અને વિધાનપરિષદના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીનો મતાધિકાર અપાયો નથી.
જે વિધાનસભ્યોએ ક્રોસ વૉટિંગ કર્યું હતું તેમાં એનસીપીના ઝારખંડ અને ગુજરાતના વિધાનસભ્ય, હરિયાણા તેમ જ ઓડિશાના કૉંગ્રેસના વિધાનસભ્યોનો સમાવેશ થતો હતો. તેમણે કહ્યું હતું કે અમે અમારા આત્માના અવાજનું અનુસરણ કર્યું હતું. આસામમાં આઈયુડીઓફના વિધાનસભ્ય કરીમુદ્દીન બર્ભુયાને દાવો કર્યો હતો કે રાજ્યના કૉંગ્રેસના ૨૦ વિધાનસભ્યોએ સોમવારે મુમૂર્ર્ની તરફેણમાં મતદાન કર્યું હતું. ઉત્તર પ્રદેશમાં શિવપાલ યાદવે પણ દાવો કર્યો હતો કે એક સમયે મારા ભાઈ અને સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવને આઈએસઆઈનો એજન્ટ લેખાવનાર યશવંત સિંહાને હું ક્યારેય ટેકો નહીં આપું. ગયા મહિને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વૉટિંગ કરનાર હરિયાણા કૉંગ્રેસના વિધાનસભ્ય કુલદીપ બિશ્ર્નોઈએ
કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ મેં આત્માનો અવાજ સાંભળીને જ મતદાન કર્યું હતું.
આ બાબત બિશ્ર્નોઈએ યશવંત સિંહાને બદલે મુમૂર્ર્ને ટેકો આપ્યો હોવાનાં સંકેત આપે છે.
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ગુપ્ત મતદાન કરવામાં આવે છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પક્ષ તેના સાંસદ કે વિધાનસભ્ય માટે વિપ બહાર નથી પાડી શકતો.
ઓડિશાની દીકરી હોવાને કારણે મેં મુર્મૂની તરફેણમાં મતદાન કર્યું હોવાની જાહેરાત કરી ઓડિશાસ્થિત કૉંગ્રેસના એમએલએ મોહમ્મદ મોકિમે વિવાદ ઊભો કર્યો હતો.
ઝારખંડમાં એનસીપીના વિધાનસભ્ય કમલેશસિંહે કહ્યું હતું કે મેં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની તરફેણમાં મતદાન કર્યું હતું.
ગુજરાતમાં એનસીપીના નેતા કાંધલ જાડેજાએ પણ મુમૂર્ર્ની તરફેણમાં મતદાન કર્યું હોવાનું કહ્યું હતું.
બીજેડી, વાયએસઆરસીપી, ટીડીપી, જેડીએસ અને શિરોમણી અકાલી દળ સહિતના પ્રાદેશિક પક્ષોએ પણ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મુર્મૂને ટેકો આપ્યો હતો. દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજયી નીવડશે અને દિલ્હીનો માર્ગ લખનઊમાંથી પસાર થાય છે, એમ રાજભરે કહ્યું હતું. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.