દક્ષિણ મુંબઇના વેપારીઓ સાથે થઈ કરોડોની છેતરપિંડી: કેરળથી દંપતીની ધરપકડ

આમચી મુંબઈ

મુંબઈ: દક્ષિણ મુંબઈના વેપારીઓ પાસેથી સોનાના દાગીના લીધા બાદ તેમને પાછા ન આપી રૂ. ૪.૨૨ કરોડની છેતરપિંડી આચરવાના આરોપસર એલ.ટી. માર્ગ પોલીસે જ્વેલર્સ શ્રીકુમાર શંકરન પિલ્લઇની ધરપકડ કર્યા બાદ હવે આ કેસમાં કેરળથી દંપતીની ધરપકડ કરી હતી. પકડાયેલું દંપતી જ્વેલર્સ પિલ્લઇને ત્યાં મેનેજર તરીકે કામ કરતું હતું.

એલ.ટી. માર્ગ પોલીસે ધરપકડ કરેલા દંપતીની ઓળખ જોસ ચુમ્મર મુક્કાદુકરાકરણ (૫૧) અને સોજી ઉર્ફે સુજી જોશ મુક્કાદુકરાકરણ (૪૯) તરીકે થઇ હતી. બંનેને કોર્ટમાં હાજર કરાતાં તેમને ૨૩ ઓગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

કાલબાદેવીમાં ઇ.એમ.કે. જ્વેલર્સ નામે શોરૂમ ધરાવનારા વેપારી અને એસ. કુમાર જ્વેલર્સ તેમ જ એસ. કુમાર ગોલ્ડ એન્ડ ડાયમંડના માલિક પિલ્લઇ દરમિયાન ૨૦૨૦થી ૨૦૨૧ વચ્ચે દાગીના ખરીદી-વેચાણનો વ્યવહાર ચાલી રહ્યો હતો. આરોપી પિલ્લઇએ ફરિયાદી ઉપરાંત અન્ય વેપારીઓ પાસેથી રૂ. ૪.૨૨ કરોડના દાગીના લીધા હતા અને બાદમાં તે દાગીના કે તેના પૈસા આપવામાં ટાળાટાળ કરી રહ્યો હતો.

દરમિયાન પિલ્લઇ તેના ૧૨ શોરૂમ બંધ કરીને અચાનક છૂ થઇ ગયો હતો. આથી તેની વિરુદ્ધ એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી, જેમાં પિલ્લઇ ડોંબિવલી પૂર્વમાં રહેતો હોવાની માહિતી મળી હતી. આથી પોલીસે ત્યાં જઇને તેને તાબામાં લીધો હતો. તેના ઘરમાંથી પોલીસને બીએમડબ્લ્યુ કારની ચાવી મળી આવી હતી. આ કાર તેણે ઘરથી એક કિલોમીટર દૂર રસ્તાના કિનારે પાર્ક કરી હતી. પોલીસેને કારમાંથી બે કરોડની રોકડ મળી આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.