વક્રદૃષ્ટિ સારું જોવા દેતી નથી: આપણે જેવા હોઈએ એવા જ બીજાને જોઈ શકીએ

ધર્મતેજ

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

આ જગતમાં બે પ્રકારના લોકો છે એક છે આગ્રહશીલ આમ જ થવું જોઈએ. હું કહું એ જ સાચું . આ મારો સિદ્ધાંત છે. એમાં કશી બાંધછોડ નહીં એવું માનવાવાળા. આવા લોકો જિદ્દી હોય છે અને કેટલીક વખત હઠાગ્રહી. તૂટી જાય છે પણ વાતને છોડતા નથી. બીજા પ્રકારના માણસો સરળ અને સીધા છે. તેમને કોઈ આગ્રહ નથી. તેમને જે કાંઈ હોય તે સ્વીકાર્ય છે. જેવા સંજોગો ઊભા થાય તે પ્રમાણે તેઓ પોતાની જાતને વાળી લે છે. તેઓ કોઇ પણ બાબતમાં ઘસડાતા નથી પરંતુ સરળતાથી વહે છે.
એક નાનકડી ઝેન કથા છે. એક નદીમાં ભારે પૂર આવ્યું. ઘાસના બે નાના તણખલાઓ પાણીમાં વહી રહ્યા હતા. એક આડું પડીને નદીના પ્રવાહને રોકવા મથી રહ્યું હતું અને સાથે સાથે ઘસડાઈ રહ્યું હતું. તે નદીની પ્રવાહ સામે લડી રહ્યું છે. નદીને આનાથી કંઈ ફરક પડતો નથી. પણ આ તણખલું મરણિયું થયું છે. બીજું તણખલું નદીના પ્રવાહની સાથે વહી રહ્યું છે. તેને કોઈ જાતનો વિરોધ નથી તે આનંદમાં ઝૂમી રહ્યું છે. નદીની લહેરો પર સવાર થઈને તે આનંદ માણી રહ્યું છે. થોડી વાર પછી નદીના પૂર ઓસરી
ગયા. આડુ પડેલું તણખલું વિરોધ કરી કરીને તૂટી ગયું અને બીજું તણખલું હેમખેમ રીતે ઝૂમતું
રહ્યું.
જિંદગીમાં પણ જે લોકો પરિસ્થિતિ પ્રમાણે નમતા નથી, ઝૂકતા નથી, અક્કડ બનીને ઊભા રહી જાય છે તેઓ છેવટે પોતાના જ ભારથી તૂટી પડે છે. વાવાઝોડું આવે ત્યારે જે વૃક્ષો નમી જાય છે તેના પરથી વાવાઝોડું પસાર થઈ જાય છે. અને જે અક્કડ બનીને ઊભા રહે છે તે ઉથલી પડે છે.
લાઓત્સેએ કહ્યું છે કે “માણસે હવા જેવા બનીને નદીના પ્રવાહની જેમ વહેતાં રહેવું જોઈએ.
મુશ્કેલી એ છે કે જિંદગીમાં આપણે વહેતા નથી. રોડાની જેમ આડા ઊભા રહી જઈએ છીએ. ચાલતા નથી અને કોઈને ચાલવા દેતા નથી. એટલે જિંદગીના પ્રવાહ સાથે આપણે તાલ મિલાવી શકતા નથી.
કેટલાક માણસો કોઈ પણ વસ્તુમાં જાણે કે ના જાણે પણ પોતાને જ્ઞાની સમજતા હોય છે. આ માણસનો અહંકાર છે અને અહંકાર અજ્ઞાનનું મૂળ છે. હું જાણતો નથી એમ કહેવું મુશ્કેલ છે. મોટાભાગના માણસો અધકચરી સમજણ સાથે પોતે બીજા કરતાં વધુ સમજદાર છે તેમ સમજે છે. કોઈ પણ માણસ કોઈ પણ બાબતમાં પોતાની રીતે સમજે એમાં કશો વાંધો નથી પરંતુ આવા સમજદાર લોકો પોતાની વાત બીજા પર થોપવાનો પ્રયાસ કરતા હોય છે. બીજાની વાત ખોટી છે એમ માનતા હોય છે. તેઓ બીજાની વાત સાંભળવાની પણ તકલીફ લેતા નથી. કોઈ બોલે તો તેને અધવચ્ચેથી અટકાવી પોતાનો કક્કો સાચો ઠરાવવાનો પ્રયાસ કરતા હોય છે. આવા માણસો વાત વાતમાં ડાહ્યા થતા હોય છે અને દરેક બાબતમાં માથું મારતા હોય છે. તેમજ વાતનું વતેસર કરીને સમગ્ર બાબતને ગૂંચવી નાખતા હોય છે. પરિવાર, સમાજ અને સંગઠનોમાં આવા માણસો ઠેર ઠેર જોવા મળશે. તેઓ કામ કરતાં નથી અને કરવા દેતાં નથી. એક રીતે કહીએ તો કોઈની આડે ન આવવું એ એક મોટી સેવા છે. હઠાગ્રહ, પૂર્વગ્રહ, પરિગ્રહ વગેરે ગ્રહો આપણને નડે છે. સુખેથી જીવવા દેતાં નથી.
દરેક વાતમાં બીજા આપણી સાથે સંમત થાય એવો આગ્રહ રાખવો જોઈએ નહીં. બીજો પણ સાચો હોઈ શકે છે. દરેકને પોતાના વિચારો અને મંતવ્યો છે. તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણી વાત સાચી હોય તો પણ બીજાની વાત શાંતિથી સાંભળવી જોઈએ. કેટલાક માણસો બીજાની વાત પૂરી સાંભળતા જ નથી. અધવચ્ચેથી તેને અટકાવીને પોતાની વાત શરૂ કરી દે છે. આપણો આવો અભિગમ સાચી વાતને સમજવા દેતો નથી. આવા મતમતાંતરને કારણે મોટાભાગના મનદુ:ખો સર્જાતાં હોય છે.
દરેક બાબતમાં જેટલું જ્ઞાન અને જેટલો અધિકાર હોય તેટલું જ બોલવું જોઈએ. જે આપણું ક્ષેત્ર ન હોય જે બાબતમાં આપણને પૂરતી જાણકારી ન હોય ત્યાં ડહાપણ ડોળવા બેસીએ તો મૂર્ખામા ખપીએ. કેટલાક માણસો વણમાગી સલાહ આપવા બેસી જાય છે. સલાહ આપવી ગમે છે પણ કોઈને લેવી ગમતી નથી. જિદ્દ અને અહંકારને કારણે માણસને સાચી વાત સમજાતી નથી. સાચું સમજાય તો પણ માણસ વાત છોડતો નથી. આ અંગેની એક કથા સમજવા જેવી છે.
એક સસરો અને જમાઈ ખેતર ખેડી રહ્યા હતા ત્યાં એક વટેમાર્ગુ આવ્યો અને પૂછ્યું અહીંથી સ્ટેશન કેટલું દૂર છે?
સસરાએ કહ્યું છ ગાઉ દૂર છે અને જમાઈએ કહ્યું પાંચ ગાઉ દૂર છે. આ વાતમાં સસરા અને જમાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ ગઈ.
સસરો કહે અહીં મારો જન્મ થયો છે અને વર્ષોથી હું આ ભૂમિ પર રહું છું. અહીંની તસુએ તસુ જમીનનો મને ખ્યાલ છે. સ્ટેશને જઈ જઈને મારા જોડા ઘસાઈ ગયા છે. સ્ટશન અહીંથી છ ગાઉ દૂર છે એમાં કોઈ શંકા નથી.
જમાઈ કહે હવે તમે વૃદ્ધ થયા છો. તમારા હાથ પગ બરાબર ચાલતા નથી. એટલે તમને બધું દૂર લાગે છે. સ્ટેશન અહીંથી પાંચ માઈલ દૂર છે એમાં બીજી કોઈ વાત નથી.
સસરો કહે મેં તારા કરતાં વધુ દિવાળી જોઈ છે. તું મને ક્યાં સમજાવવા બેઠો. તને શું ખબર પડે. તારામાં અકકલ ક્યાં છે.
જમાઈ કહે તમારા ધોળામાં ધૂળ પડી છે. હવે તમે ઘેર બેસો અને ભજન કરો. નહીંતર તમારી બુદ્ધિ બેર મારી જશે.
વાતનું વતેસર શરૂ થઈ ગયું. બંને વચ્ચે લાકડીઓ ઉછળે એ જ હવે બાકી બાકી રહ્યું હતું. ત્યાં દીકરી ભાતું લઈને આવી. પતિ અને પિતા બંને જીદે ચડ્યા હતા. કોઈ નમતું જોખવા તૈયાર નહોતું. દીકરી ડાહ્યી હતી એટલે તેણે વાતને વાળી લીધી.
દીકરીએ બાપને કહ્યું ; ‘બાપુ તમે મને વહાલ કરો છો કે નહીં ? બાપે કહ્યું દીકરી તારા કરતાં મારે વધુ શું છે. દીકરીએ કહ્યું : બાપુ તમારા આ છ ગાઉમાંથી એક ગાઉ મને આપી દો ને ! બાપે કહ્યું કે જા એક ગાઉ તને આપ્યો. દીકરીએ કહ્યું ; બાપુ છ ગાઉમાથી તમે મને એક ગાઉ આપ્યો તો હવે કેટલા ગાઉ રહ્યા ? બાપે કહ્યું પાંચ. તો હવે સ્ટેશન કેટલું દૂર ? બાપે કહ્યું; પાંચ ગાઉ’
આમ દીકરીએ ઝઘડો પતાવી દીધો. સસરાને અને જમાઈને કયા સ્ટેશને જવું હતું. પાંચ ગાઉ હોય કે છ ગાઉ. તેમાં તેમને શું ફરક પડતો હતો. પરંતુ માણસની જિદ્દ અને અહંકાર એવી બાબત છે જેમાં કશું લાગતું વળગતું ન હોય છતાં લોકો ઝુકાવી દેતા હોય છે. મોટાભાગના ઝઘડાઓ અને તકરાર નકામી બાબતમાં થતી હોય છે. હું કહું એ સાચું એવો હઠાગ્રહ વહાલાને વેરી બનાવે છે. આવી બાબતોમાં ઉદાર મતવાદી બનવું જોઈએ. બીજાની વાત ધ્યાનપૂર્વક સાંભળવી અને સમજવી જોઈએ. કેટલાક લોકોને બધે વાંકુ દેખાય છે એને આપણે ગુલાબ પાસે લઈ જઈએ તો પણ તેમને કાંટા દેખાશે. માણસની વક્ર દૃષ્ટિ તેને સાચું જોવા દેતી નથી.
જગતમાં બધું જ સારું અને સુખમય છે. બધી વાત તમે કેવા છો તમારો સ્વભાવ કેવો છે, તમારી દૃષ્ટિ કેવી છે તેના પર આધાર રાખે છે. જગત સુંદર છે પરંતુ તેને જોવા માટે દૃષ્ટિ જોઈએ. કેટલાક માણસો બીજાના ગુણોને જોઈ શકતા નથી. તેમને હંમેશાં દોષો જ દેખાય છે. સારા માણસો ગુણગ્રાહી હોય છે. તેઓ સારી બાજુને જુએ છે. ખરાબ બાજુ પર તેમની નજર જતી નથી. આવા માણસો પોતે સારા છે એટલે તેમને કોઈ ખરાબ લાગતું નથી. યુધિષ્ઠિરને કોઈ ખરાબ દેખાતું નહોતું. જ્યારે દુર્યોધનને કોઈ સારું દેખાતું નહોતું. આપણે જેવા હોઈએ એવા જ બીજાને જોઈ શકીએ.
અહંકાર આપણને બહાર ઉપસાવે છે. પરંતુ અંદરથી આપણને કમજોર બનતા જઈએ છીએ. અહંકાર દૂર થાય તો બધા દોષો દૂર થઈ જાય. જીવનની બધી આપાધાપી ‘હું અને મારું માં રહેલી છે. આ બે વસ્તુઓ દૂર થઈ જાય તો હું માં તું દેખાવા લાગે અને માણસ આ વળગણમાંથી મુક્ત બની જાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.