Homeઉત્સવવાંકોચૂકો તોય વહુનો રોટલો!

વાંકોચૂકો તોય વહુનો રોટલો!

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ગયા સપ્તાહે કરેલી અન્ન – આહારની કહેવતોની વાત આગળ વધારીએ. ભારતીય સંસ્કૃતિમાં માના વિશેષ ગુણગાન ગાવામાં આવ્યા છે. આપણા જીવનનું કોઈ ક્ષેત્ર નથી જ્યાં માનો મહિમા નથી. અન્ન – ખોરાક પણ એમાં અપવાદ ક્યાંથી હોય? સાકર વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર કહેવતમાં આ વાત પ્રભાવીપણે વ્યક્ત થાય છે. લાપસી અથવા કંસાર એના ગળપણ માટે જાણીતો છે. કંસારને સંબંધોની મીઠાશનું પ્રતીક માનવામાં આવે છે. જો કંસારમાં સાકર જ ન હોય તો એ માત્ર મોળો જ નથી લાગતો પણ સંબંધોમાંથી પ્રતીકાત્મક રીતે મીઠાશ પણ ગાયબ થઈ જાય છે. પરિવારમાં માની હાજરી ઘરને સંગઠિત રાખી સંબંધોમાં મીઠાશ ફેલાવે છે. માની ઘરમાં હાજરી હોય ત્યાં સુધી પરિવારના સભ્યો વચ્ચે મીઠાશ જળવાઈ રહે છે. એની ગેરહાજરીમાં મીઠાશ જળવાઈ રહેવાની કોઈ ખાતરી નથી હોતી. માની હાજરી હોય ત્યાં સુધી દૂર દૂર રહેતા ભાઈઓ વર્ષે એકાદવાર તો મળે, પણ માના ગયા પછી વર્ષો સુધી એકબીજાનાં ખબરઅંતર પણ નથી પૂછતાં. મા વિના સૂનો સંસાર એ વાત સાવ સાચી છે. વાંકોચૂકો તોય વહુનો રોટલો કહેવતમાં ઓછા શબ્દોમાં ઘણી ગહન વાત કહેવાઈ છે. આ કહેવતમાં રોટલાનો સાંકેતિક ઉપયોગ કરી જીવનનો મર્મ સમજાવવામાં આવ્યો છે. સ્વભાવ ચીડિયો થવાથી કે શરીર કામ ન કરતું હોવાથી કે અન્ય કોઈ કારણસર ઘરમાં વૃદ્ધ વ્યક્તિની હાજરી ક્યારેક ક્લેશનું કારણ બને છે. વડીલો ઘરના દીકરા – વહુની નિંદા પારકા ઘરે કરે એવું પણ બનતું હોય છે. આ પરિસ્થિતિમાં કહેવત ઘણી યથાર્થ સાબિત થાય છે. વહુ – દીકરા ભલે ક્યારેક અણછાજતો વ્યવહાર કરતા હોય, પણ ઘર કરતાં અન્ય કોઈ પણ સ્થાને જીવવું વધુ મુશ્કેલ હોય છે. વહુ કદાચ સરખો ગોળ રોટલો બનાવી નહીં ખવડાવતી હોય, પણ એ વાંકોચૂકો પણ તમારા હકનો રોટલો છે, આત્મસન્માનથી મળતો રોટલો છે એ વાત ન ભૂલવી જોઈએ. પારકે ઠેકાણેથી મળતો રોટલો ઘીથી ચોપડેલો અને સરસ મજાનો ગોળાકાર હશે, પણ એ દયાભાવથી આપેલો હશે. એ રોટલો ક્યારે તમારા સન્માનને ઠેસ પહોંચાડી જાય એ કહી ન શકાય. ટૂંકમાં ઘરમાં સૌ સાથે હળીમળીને રહેવામાં જ સાર છે. મોટી ઉંમરે એકલા રહેવું શક્ય ન હોય ત્યારે વાંકોચૂકો તોય વહુનો રોટલો ભલો કહેવતની સમજણ બહુ ઉપયોગી સાબિત થાય છે.
આપણે ત્યાં સંયુક્ત કુટુંબની પરંપરા હવે લગભગ નામશેષ થઈ ગઈ છે અને વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવ્યા છે. પિતાના બે કે તેથી વધુ પુત્ર અલગ રહેવા લાગે એ હવે સ્વાભાવિક કહેવાય છે. એ સંદર્ભમાં એક કહેવત છે કે અન્ન નોખા તેના મન નોખા. મતલબ કે સંયુક્ત કુટુંબમાંથી બધા ભાઈ છૂટા પડે ત્યારે દરેકના રસોડાં અલગ થઈ જવાથી સૌના મન પણ પછી પોતપોતાના સ્વાર્થ જોતા થઈ જાય છે. પહેલા જેવો સ્નેહભાવ કે મનમેળ પછી નથી રહેતો. ઘણા લોકોને બીજાના ઘરે કે કોઈની પાર્ટીમાં વધુ પડતું ખાવાની – ઝાપટી લેવાની આદત હોય છે. આવા અકરાંતિયા માણસ માટે અન્ન પારકું છે, કાંઈ પેટ પારકું છે ? કહેવત વપરાતી હોય છે. અન્ન ભલે પારકું હોય પણ ગજા ઉપરાંત ખાવાથી પેટમાં પીડા થાય. અન્ન અને દાંતને વેર કહેવતમાં કોઈ વેરભાવની વાત નથી, બલ્કે વેર શબ્દની ઉપમાના ઉપયોગથી માણસની પરિસ્થિતિનું વર્ણન છે. અન્નના સાંસા હોવા, મુસીબતે ખાવાનું મળે એવી ગરીબ હાલત એ એનો ભાવાર્થ છે.
——
FOOD IDIOMS
આહાર જીવન સાથે ભાષામાં પણ કેવો વણાઈ ગયો છે એના કેટલાક રૂઢિપ્રયોગ અને કહેવતો વિશે આપણે ગયા સપ્તાહમાં જાણકારી મેળવી. આજે અન્ય પ્રયોગોથી માહિતગાર થઈએ. Like Two Peas In A Pod કહેવત બે વસ્તુ કે બાબતમાં સરખામણી સૂચવે છે. લીલા વટાણા ફોલીએ ત્યારે અંદરના બે વટાણાના દાણા કેવા સરખા હોય છે. Bring Home The Bacon રૂઢિપ્રયોગમાં રોજીરોટીની વાત વણાઈ ગઈ છે. નોકરી કરતા બે પૈસા મળવાથી જીવન જરૂરિયાતની મૂળભૂત ચીજો લાવી શકવા સમર્થ બનવું એ એનો ભાવાર્થ છે. After getting the job, Mohan is able to bring home the bacon. નોકરી મળી ગઈ હોવાથી મોહન બે ટંકના ભોજનની સગવડ તો કરી શકે છે. Cheap As Chips રૂઢિપ્રયોગ મૂલ્ય – કિંમત તરફ નિર્દેશ કરે છે. કોઈ વસ્તુના દામ ચિપ્સ જેટલા ઓછા હોય એનો અર્થ એ બહુ સસ્તી એવો થાય છે. I did not pay much for these shoes. In fact, they were as cheap as chips. મેં આ જૂતા માટે ઝાઝા પૈસા નથી ખર્ચ્યા. સાચું કહું તો સાવ સસ્તા ભાવે મળી ગયા. I did not pay much for these shoes. In fact, they were as cheap as કહેવત અત્યંત માર્મિક છે. લાયકાત કે ક્ષમતા કરતા વધુ વળતરની અપેક્ષા રાખવી અથવા બે સમાંતર રેખાને છેદવાની વાત કરવી. કેક ખાવી પણ હોય અને રાખી મુકવી પણ હોય એ બે વાત સાથે શક્ય નથી. Ruchira doesn’t want to work hard, but wants a salary hike. You can’t have a cake and eat it too. રુચિરાને મહેનત કર્યા વિના પગાર વધારો જોઈએ છે. એ શક્ય જ નથી. Don’t Cry Over Spilt Milk રૂઢિપ્રયોગમાં ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના કે પ્રસંગ સંદર્ભે નારાજી, દુ:ખ અથવા ફરિયાદનો સૂર વ્યક્ત કરવામાં આવે છે. મોટેભાગે here’s no use crying over spilt milk તરીકે એની રજૂઆત થાય છે. ગુજરાતીમાં ઢોળાઈ ગયેલા દૂધ વિશે રડવાનો કોઈ જ અર્થ નથી એવી કહેવત છે જ ને. Stop complaining about your lost pen. It is pointless crying over spilt milk. ખોવાઈ ગયેલી પેનના રોદણાં રડવાનું બંધ કરો, કારણ કે રડવાથી એ કંઈ પાછી નહીં મળે. A Lot in My Plate કહેવતમાં વધુ પડતી જવાબદારી કે પ્રવૃત્તિની વાત કરવામાં આવી છે. will not be able to attend the party as I have a lot on my plate right now. અત્યારે મારે ઘણા બધા કામ પૂરા કરવાના હોવાથી હું પાર્ટીમાં નહીં આવી શકું.
——–
खाण्यावरच्या म्हणी
ગયા સપ્તાહે અન્ન વિશે કેટલાક રૂઢિપ્રયોગ અને કહેવતની લિજજત આપણે માણી. આજે બીજા એવા ભાષા પ્રયોગોનો સ્વાદ ચાખીએ. આજની પહેલી કહેવત છે सतरा सुगरणी आणि भोपळा अळणी. અહીં સુગરણ શબ્દ રસોઈના કામકાજના અર્થમાં છે અને ભોપળા અળણી એટલે ફિક્કું, સ્વાદહીન કોળું. મતલબ કે રસોઈ બનાવવા ઘણા લોકો હાજર હતા, પણ તૈયાર થયેલી રસોઈ બેસ્વાદ હતી. ગુજરાતીમાં પણ ઝાઝી સુયાણીએ વેતર વંઠે (વધારે માણસો હસ્તક રખાયેલ કામ બગડે) એવી કહેવત છે જ ને. બીજી કહેવતમાં અન્નની હાજરી જીવનની ફિલસૂફી સમજાવે છે. तंटा मिटवायला गेला आणि गव्हाची करुन आला કહેવતમાં તંટા એટલે ઝઘડો કે કજિયો અને કણીક એટલે લોટ. બે પક્ષ વચ્ચે કોઈ લેણદેણ સંબંધી કજિયો થયો હતો. વાદ વિવાદને પગલે એવો નિર્ણય લેવામાં આવ્યો કે એક પક્ષે બીજા પક્ષને અમુક વજનના ઘઉં આપી દેવા. જોકે, આ ઉકેલથી બીજા પક્ષને સંતોષ નહોતો થયો એટલે ફરી ઝઘડો કરી અદાલતનાં પગથિયાં ચડ્યો. આ વખતે ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે ઘઉં આપવાને બદલે એને દળાવી લોટ આપી દેવો. ટૂંકમાં વધુ પરેશાની ભોગવવી પડી. કજિયાનો નિકાલ લાવવા જતા વધુ હેરાનગતિ થઈ. ઉલમાંથી ચૂલમાં પડવા જેવી વાત થઈ.लहानपण देगा देवा, मुंगी साखरेचा रवा તુકારામના અભંગની પંક્તિ છે. કીડી નાનકડી હોવા છતાં એને સાકરનો કણ મળી રહે છે, જ્યારે બળવાન હાથીને અંકુશનો માર ખાવો પડે છે. ટૂંકમાં માણસ લૌકિક રીતે જેટલો મોટો એટલો એને ત્રાસ વધુ સહન કરવો પડે. એટલે નાના રહેવામાં અને થોડાથી સંતોષ માનવામાં મજા છે એ એનો ભાવાર્થ છે.
——–
मुहावरे और खाने की आदते
ખોરાક કેવો લેવો એની સાથે એ કેટલો અને ક્યારે લેવો એ પણ અત્યંત મહત્ત્વ ધરાવતી બાબત છે. કહેવતો અને રૂઢિપ્રયોગોમાં આ વાત અત્યંત સરળ અને પ્રભાવી રીતે રજૂ થતી આવી છે. सुबह मै खीरा हीरा, दोपहर मै जीरा और रात में पीडा ઉદાહરણ પરથી આ વાત સ્પષ્ટ થઈ જશે. હિન્દીના ખીરા શબ્દને આપણી ખીર સાથે કંઈ લાગેવળગે નહીં. ખીરા એટલે કાકડી. આપણા સેલડમાં કાકડીનું વિશિષ્ટ સ્થાન છે. આખી કાકડીના ઊભા ચીરા કરી કે પછી ગોળ ટુકડા કરી કે પછી છીણીને શીંગનો ભૂકો અને દહીં સાથે ભેળવી એને લિજજતથી આરોગવામાં આવે છે. આંખોને ઠંડક આપતી કાકડીમાં પાણીનું પ્રમાણ સારું એવું હોય છે. એમાં ફાઈબર – રેસાનું પ્રમાણ પણ સારું એવું હોવાથી તેમજ એની તાસીર ઠંડી હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ થઈ પેટને સ્વસ્થ રાખે છે. જોકે, કાકડી બપોરના બાર વાગ્યા પહેલા જ ખાવી એવું આયુર્વેદ કહે છે. એ રીતે ખાવાથી એ હીરા જેવી એટલે કે શરીર માટે અત્યંત ગુણકારી સાબિત થાય છે. બપોરના બાર વાગ્યા પછી કાકડી ખાવાથી ખાસ લાભ નથી થતો. એટલે બપોરના બાર વાગ્યા પછી ખાવામાં જીરાનું પ્રમાણ કેટલું મામૂલી હોય છે એ જ પ્રમાણમાં કાકડી ખાવાની સલાહ આયુર્વેદમાં આપવામાં આવી છે. રાત્રે હળવો ખોરાક લેવા માટેનું સૂચન છે કારણ કે ઊંઘી ગયા પછી પાચનતંત્રની ક્રિયા મંદ થઈ જતી હોય છે. રાત્રે જો વધુ પડતી કાકડી ખાવામાં આવે તો રેસાના અધિક પ્રમાણને કારણે પચવામાં મુશ્કેલી પડે છે. પરિણામે અપચો થઈ શકે છે. વળી કાકડીમાં પાણીની અધિક માત્રા હોવાથી યુરિન પાસ કરવા વારંવાર ઊઠવું પણ પડે જેને કારણે ઊંઘ બગડે અને એની અવળી અસર શરીર પર પડી શકે. કાકડીની તાસીર ઠંડી હોવાથી અન્ય બીમારીમાં તકલીફ વધી શકે છે. આમ રાત્રે કાકડીનું સેવન પીડા કરનાર સાબિત થઈ શકે છે. એક કહેવતમાં આરોગ્યની જાળવણીની વાત કેવી સુંદર રીતે વણાઈ ગઈ છે.

RELATED ARTICLES

Most Popular