Homeઆમચી મુંબઈઆરે કોલોનીમાંથી મગર મળી આવતા ખળભળાટ મચ્યો

આરે કોલોનીમાંથી મગર મળી આવતા ખળભળાટ મચ્યો

મંગળવારે બપોરે આરે કોલોનીના યુનિટ નં. 31 નજીક મગર પકડાયો હતો. તાજેતરમાં જ આરે કોલોનીમાં એક દીપડાને પણ જેર કરવામાં આવ્યો હતો અને હવે મગર પણ પકડાયો છે, તેથી આરે કોલોનીમાં જંગલી પ્રાણીઓને કારણે લોકોની સુરક્ષાની ચિંતા પણ વધવા માંડી છે.
તાજેતરમાં જ આરે કોલોનીમાં એક દીપડાએ દોઢ વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. આ બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું, જેના કારણે આરે કોલોનીમાં દીપડાનો આતંક ફેલાઈ ગયો હતો. છેવટે, દીપડાને પકડી લેવામાં આવતા અહીં રહેતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા, ત્યારે હવે મગરે દેખા દેતા લોકોમાં ચિંતા પસરી ગઇ હતી.
ઘટનાની વિગત મુજબ આરે કોલોનીની આંબાવાડીમાં ચંદન ચવ્હાણ નામના શખસને જંગલના નાળામાં એક મગર જોવા મળ્યો હતો. ચંદન ચવ્હાણે ગટરમાં કંઇક ફરતું જોયું. માછલી છે એમ વિચારીને તેણે તે જગ્યાએ જાળ નાખી. પરંતુ જ્યારે તેણે પ્રાણીને જાળમાં ફસાયેલું જોયું તો આશ્ચર્યચકિત થઇ ગયો કારણ કે એ મગર હતો.
જાળમાં મગરને ફસાયેલો જોઈને ચંદન ચવ્હાણે તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરી હતી. વન્યજીવ પ્રેમીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મગરને બચાવી લીધો હતો. વાઇલ્ડલાઇફ વેલ્ફેર એસોસિએશનના રવિ જાધવની આગેવાની હેઠળ મગરને પકડીને તેના કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યો હતો.
પકડાયેલો મગર દોઢ વર્ષનો હતો અને તે 3 ફૂટ 3ઇંચ લાંબો હતો. તબીબી તપાસ બાદ મગરને તેના સુરક્ષિત કુદરતી રહેઠાણમાં પરત છોડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

Most Popular