એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં કૉંગ્રેસ અને ભાજપ કોઈ મુદ્દે એક થઈ જાય ને એક જ સૂર કાઢીને કોઈને ઝાટકી નાંખે એવું ભાગ્યે જ બને છે. ભારતમાં રાજકીય વાતાવરણ એ હદે પ્રદૂષિત થયેલું છે કે, આવું કંઈ થાય એ વિરલ દૃશ્ય કહેવાય ને અત્યારે એવું જ દૃશ્ય ભજવાઈ રહ્યું છે.
અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિ અને દાનવીર જ્યોર્જ સોરોસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે એલફેલ વાતો કરી તેની ભાજપે તો ટીકા કરી જ પણ કૉંગ્રેસે પણ ઝાટકણી કાઢી છે. જ્યોર્જ સોરોસે ગુરુવારે જર્મનીની મ્યુનિક સિક્યોરિટી કાઉન્સિલમાં કહ્યું હતું કે, ભારત લોકશાહી દેશ છે પણ વડા પ્રધાન મોદી લોકશાહી તરફી નથી. મોદી ઝડપથી નેતા તરીકે ઉભર્યા અને દેશના વડા પ્રધાન બની ગયા તેનું કારણ મુસ્લિમોની સાથે કરાયેલી હિંસા છે.
સોરોસ પહેલાં પણ આવા લવારા કરી ચૂક્યા છે. સોરોસે ભારતમાં સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બનાવાયો ત્યારે મોદી સરકારની ટીકા કરીને તેમને મુસ્લિમ વિરોધી ગણાવેલા. કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ રદ કરાઈ ત્યારે પણ મોદી પર નિશાન સાધીને કહ્યું હતું કે ભારત હિંદુ રાષ્ટ્ર બની રહ્યું છે અને મુસ્લિમો માટે ભારતમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે.
જ્યોર્જ સોરોસે હિંડનબર્ગ રિપોર્ટના કારણે અદાણી ગ્રૂપના શૅરોમાં થયેલા ઘટાડાને મુદ્દે પણ ડહાપણ ડહોળ્યું કે, શેરબજારમાં અદાણીની કંપનીના શૅર પત્તાંની જેમ ધરાશાયી થઈ ગયા છે ને મોદીએ આ અંગે જવાબ આપવો પડશે. તેના કારણે સરકાર પર તેમની પકડ નબળી પડશે અને ભારતમાં ફરી લોકશાહીનો ઉદય થશે.
સોરોસે બીજી પણ ઘણી વાતો કરી છે ને એ બધી વાતો અહીં માંડવી શક્ય નથી પણ સોરોસની વાતોનો અર્થ એ જ છે કે, મોદી ભારતમાં લોકશાહીનું ગળું ટૂંપી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ ભાજપ તેના કારણે ભડક્યો છે. ભાજપ અને કેન્દ્ર સરકાર વતી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોરોસની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, વિદેશી ધરતી પરથી ભારતના લોકશાહી માળખાને નબળું બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને ભારતની લોકશાહીમાં દખલગીરી કરવાના પ્રયાસ થઈ રહ્યા છે એ બિલકુલ નહીં ચલાવી લેવાય.
સ્મૃતિ ઈરાનીએ આક્ષેપ મૂક્યો છે કે, જ્યોર્જે એલાન કર્યું હતું કે ભારતમાં એવું તંત્ર ગોઠવીશું કે જે ભારતમાં પોતાનાં હિતની નહીં, પણ સોરોસનાં હિતની રક્ષા કરશે. સોરોસ આવું બોલ્યા હશે એવું રિપોર્ટિંગ ક્યાંય થયું નથી પણ એ મુદ્દો મહત્ત્વનો નથી. સોરોસે મોદીને નિશાન બનાવીને પ્રહાર કર્યા છે એ હકીકત છે ને આ વાત સહન ના કરી શકાય.
ભારતમાં લોકશાહી છે ને દર પાંચ વર્ષે લોકશાહી ઢબે ચૂંટણી કરીને કેન્દ્રમાં સરકાર ચૂંટવામાં આવે છે. મોદી એ રીતે જ ચૂંટાયા છે ત્યારે તેમની ચૂંટણીને બીજા કોઈ મુદ્દા સાથે જોડવી એ ભારતની લોકશાહીનું અપમાન છે, ભારતના જનાદેશનું અપમાન છે, ભારતનાં લોકોનું અપમાન છે. સોરોસ એક રીતે ભારતના લોકશાહી માળખાં પર પ્રહાર કરી રહ્યા છે ને એ ચલાવી ના લેવાય. ભારત સરકારે તેનો જડબાતોડ જવાબ આપવો જોઈએ ને દરેક ભારતીયે તેને ટેકો આપવો આપવો જોઈએ.
કૉંગ્રેસે એ જ વલણ અપનાવ્યું છે એ આનંદની વાત છે. કૉંગ્રેસ વતી મુખ્ય પ્રવક્તા જયરામ રમેશે સાફ શબ્દોમાં કહ્યું છે કે, અદાણી કૌભાંડના કારણે ભારતમાં લોકશાહીનો ફરી ઉદય થશે કે નહીં તેનો સંપૂર્ણ આધાર કૉંગ્રેસ, વિપક્ષ અને ભારતની ચૂંટણી પ્રક્રિયા પર નિર્ભર છે. જ્યોર્જ સોરોસને તેની સાથે કોઈ લેવાદેવા નથી. જ્યોર્જ સોરોસ જેવા લોકો અમારા ચૂંટણી પરિણામો શું હશે એ નક્કી ન કરી શકે.
કૉંગ્રેસની વાત સાવ સાચી છે. અદાણીના કહેવાતા કૌભાંડના કારણે ભારતમાં શું થશે એ નક્કી કરવાનું કામ આ દેશની પ્રજાનું છે ને તેમાં કૉંગ્રેસ સહિતના વિપક્ષોની ભૂમિકા છે, સોરોસને કંઈ લેવાદેવા નથી. કૉંગ્રેસ સહિતના વિપક્ષો અદાણી કૌભાંડમાં મોદીની કોઈ ભૂમિકા છે એ વાત લોકોના ગળે ઉતારી શકે તો લોકો મોદીને ફેંકી શકે. લોકોને લાગે કે, મોદી તો દૂધે ધોયેલા છે તો મોદીને ફરી તક પણ આપી શકે. ટૂંકમાં વાત મોદી, વિપક્ષો અને લોકો વચ્ચે છે. સોરોસને તેની સાથે કંઈ લેવાદેવા નથી.
જો કે ચૂંટણીનાં પરિણામો ગમે તે આવે પણ ભારતમાં લોકશાહી છે અને રહેશે. મોદીની માનસિકતા શું છે ને એ લોકશાહીમાં માને છે કે નહીં એ મુદ્દો જ ગૌણ છે. મોદી દેશની ચૂંટાયેલી સરકારના વડા છે ને લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારના વડા છે તેના પરથી જ ભારતમાં લોકશાહી છે એ સ્પષ્ટ છે. ભારતે વરસોવરસ પોતાની લોકશાહીની તાકાતને સાબિત કરી છે ને સોરોસ કે બીજા કોઈના સર્ટિફિકેટની ભારતને જરૂર જ નથી. મોદી ભારતની પ્રજાએ ચૂંટેલા વડા પ્રધાન છે ને તેમાં મુસ્લિમો પણ આવી ગયા તેથી મોદીને પણ બીજા કોઈના સર્ટિફિકેટની જરૂર નથી.
સોરોસ ગમે તે લવારા કરે તેનાથી ભારતને કઈ ફરક પડતો નથી પણ સોરોસ જેવા લોકોના પેટમાં શું દુ:ખે છે એ સમજવાની જરૂર છે. એ લોકો મોદીના બહાને પ્રહાર કરે છે પણ વાસ્તવમાં તેમના પેટમાં ભારત આગળ નિકળી રહ્યું છે તેનું દુ:ખ છે. સોરોસ અમેરિકન છે ને ભારત અમેરિકા જેવા દુનિયાના દાદા દેશને પણ ગણકારતું નથી તેની આ બળતરા છે.
જ્યોર્જ સોરોસે ભારત અને રશિયાના સંબંધો વિશ કરેલી વાતમાં આ બળતરા છલકાઈ જ ગઈ છે. સોરોસે કહ્યું જ છે કે, ભારત ક્વાડનું સભ્ય છે અને ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન પણ તેના સાથીઓ છે છતાં ભારત રશિયાથી મોટા ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઈલ ખરીદીને નફો કમાઈ રહ્યું છે. સોરોસ જેવા લોકોને ભારત અમેરિકાની ઐસીતૈસી કરીને રશિયાને સાથ આપે છે એ દુ:ખે છે.
સોરોસને જે દુ:ખતું હોય એ પણ ભારતને કોઈ ફરક પડતો નથી. ભારત માટે પોતાનાં હિતો મહત્ત્વનાં છે ને એ હિતો સાચવવા જતાં કોઈને પેટમાં દુ:ખે તો ભલે દુ:ખે, કોઈ લવારા કરે તો ભલે કરે. હાથી પાછળ કૂતરાં ભસે.