બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
માર્કેટિંગની આવશ્યકતા અને માર્કેટિંગ કરવું જોઈએની સમજણ આજે વધુ દેખાય છે. ખાસ કરીને જ્યારથી સોશિયલ મીડિયા અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી. આજે બધા વેપારીઓ નાના કે મોટા બધાને એમ લાગે છે કે આપણે સોશિયલ મીડિયા પર હોવું જોઈએ. સોશિયલ મીડિયાની સફળતાનું કારણ તે વ્યવહારમાં અને વેપારમાં બંને જગ્યાએ છે. લોકો વ્યક્તિગત જીવનમાં અને વ્યવસાયિક જીવન, આ બંનેમાં તેનો ભરપૂર ઉપયોગ કરે છે. આની સારી વાત તે કે બધા લોકો આ મીડિયા પર હોવાથી તમારે ગ્રાહકો શોધવા નથી જવા પડતા અથવા બીજા શબ્દોમાં આ માધ્યમ પર તમને તમારા ગ્રાહકો મળી શકે છે. આ માધ્યમનું આ સબળ પાસું છે જો તેને વ્યૂહાત્મક રીતે ઉપયોગમાં લેવાય તો. હું ઘણા વેપારીઓને નાનાથી લઈને મોટા કોર્પોરેટ્સ બધાને મળતો હોવ છું અને આ વિષય પર વિસ્તારે ચર્ચા પણ થતી હોય છે. ઘણી બ્રાન્ડ કે વેપારીઓ સોશિયલ મીડિયા પર બધા છે તેથી આપણે પણ હોવું જોઈએની માનસિકતા ધરાવે છે અને તેનું પરિણામ તે આવે છે કે કોઈ ફાયદો તેમને થતો નથી. સોશિયલ મીડિયા પર જો બ્રાન્ડ પ્રમોટ કરવી હોય તો તેની યોગ્ય વ્યૂહરચના બનાવવી જોઈએ. જે રીતે હું મારુ વ્યક્તિગત સોશિયલ મીડિયા ચલાવું તે રીતે તેને ના ચલાવી શકાય. તમારી પર્સનલ પ્રોફાઈલમાં તમે કંઈપણ નાખો તે ચાલે પણ પ્રોફેશનલ પેજ પર તેની અલગ રીતે, પ્રોફેશનલી કામ થવું જોઈએ. બીજી મોટી ભૂલ લોકો કરતા હોય છે કે ૩૦ દિવસની ૩૦ પોસ્ટ નાખો જેની કોઈ આવશ્યકતા નથી. પ્લાન કરેલી મહિનાની ૧૦-૧૨ પોસ્ટ પૂરતી છે. રોજ ગુડ મોર્નિંગ કે પછી બધા તહેવારોમાં લોકોને શુભેચ્છા પાઠવતી પોસ્ટ નાખવાની જરૂર નથી.
આ ઉપરાંત ફક્ત પોસ્ટ નાખવાથી કામ નથી પતી જતું, પોસ્ટનું ક્ધટેન્ટ ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ. લોકો એક શબ્દ વાપરે છે કે તે વાયરલ થવું જોઈએ. કઈ પોસ્ટ વાયરલ થશે તે કોઈના હાથમાં નથી, ક્ધઝ્યુમરને કઈ પોસ્ટ ગમશે અને કઈ નહિ તે તેના હાથમાં છે. વિવિધ બ્રાન્ડ અને તેમના ક્ધટેન્ટનો અભ્યાસ કરી હાલમાં કયો ટ્રેન્ડ છે તે જાણી ક્ધટેન્ટ બનાવવું આપણા હાથમાં છે. આ ઉપરાંત ક્ધટેન્ટ આપમેળે લોકો સુધી નથી પહોંચતું, તેને બુસ્ટ અથવા મીડિયામાં અમુક પૈસા ખર્ચી પ્રમોટ કરવું જોઈએ અને તે પણ પ્લાનિંગ સાથે. સૌપ્રથમ તમારે નિયમિત રીતે મહિનામાં એક વાર વિવિધ મેટ્રિક્સના સહારે તમારું સોશિયલ મીડિયા પર્ફોર્મન્સ તપાસવું જરૂરી છે. સોશિયલ મીડિયા મેટ્રિક્સ એ ડેટા છે જે દર્શાવે છે કે તમારી સોશિયલ મીડિયા વ્યૂહરચના તમારા માર્કેટિંગ લક્ષ્યો સુધી પહોંચવાની દૃષ્ટિએ કેટલું સારું પ્રદર્શન કરી રહી છે. આ મેટ્રિક્સ તમને તમારા પ્રેક્ષકો તમારા સોશિયલ મીડિયાના પેજ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેનાથી લઈને તમે તમારી વ્યૂહરચના કેવી રીતે સુધારી શકો છો અને તમારી બ્રાન્ડ સોશિયલ મીડિયામાંથી કેટલી કમાણી કરે છે તે બધું સમજવામાં તમને મદદ કરી શકે છે. હવે પ્રશ્ર્ન થશે કે આ પર્ફોર્મન્સના માપદંડ કેવીરીતે નક્કી કરવા. તમારી સોશિયલ મીડિયા માર્કેટિંગ વ્યૂહરચનાનું પર્ફોર્મન્સ માપવા માટે ઘણી રીતો છે. વેબ ટ્રાફિક, ઇમ્પ્રેશન્સ, એન્ગેજમેન્ટ અને લીડ જનરેશનનું વિશ્લેષણ આ સૌથી સામાન્ય પદ્ધતિઓ છે.
વેબ ટ્રાફિક: તમારો વ્યવસાય શેનો છે અને તમારી કંપની જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેના આધારે તમારી વેબસાઇટ પર ટ્રાફિક વધારવો એ ટોચની અગ્રતા હોવી જોઈએ. મોટે ભાગે માર્કેટર્સે ઓર્ગેનિક સોશિયલ મીડિયાની સફળતાને માપવા માટે તેમની વેબસાઇટ પરના ટ્રાફિકને અગ્રતમ મેટ્રિક તરીકે માને છે. જો તમારી કંપની તેની વ્યવસાય વ્યૂહરચનાના ભાગ રૂપે વેબ ટ્રાફિક પર આધાર રાખે છે, તો આ વાત વધુ જરૂરી છે કે તમારા કેટલા પેજ વ્યૂઝ સીધા સોશિયલ મીડિયા પરથી આવે છે. આના માટે તમે પેઈડ મીડિયાનો સહારો પણ લઇ શકો છો કારણ ઓર્ગેનિક ટ્રાફિક ધીમી પ્રોસેસ છે. આના માટે તમે મુખ્ય પ્લેટફોર્મમાં ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વગેરેનો સમાવેશ કરી શકો. તમારો ટ્રાફિક ઓર્ગેનિક સોશિયલ મીડિયામાંથી કેટલો આવે છે તે માપવા માટે તમે ગૂગલ એનાલિટિક્સ જેવા વેબ ટ્રાફિક ટૂલનો ઉપયોગ કરી શકો છો.
સોશિયલ મીડિયા ઇમ્પ્રેશન: આ પદ્ધતિ તમને કેટલા વપરાશકર્તાઓ તમારી ક્ધટેન્ટના સંપર્કમાં આવ્યા હતા તે ટ્રેક કરવા યોગ્ય મેટ્રિક છે. તમારી સોશિયલ મીડિયા ઇમ્પ્રેશનને સમજવું મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ ડેટા તમારો જાહેરાત ખર્ચ કેટલી હદ સુધી જઈ શકે છે તેની મૂલ્યવાન ઇનસાઇટ્સ પ્રદાન કરી ભવિષ્યમાં પેઇડ જાહેરાત ખર્ચની જાણ કરવામાં મદદ કરી શકે છે જેથી કરીને તમે તમારા બજેટને મહત્તમ કરી શકો. જો પેઇડ જાહેરાતો તમારી વ્યૂહરચનાનો એક ભાગ ન હોય તો પણ, તમે સમય જતાં તમારી સોશિયલ મીડિયા ક્ધટેન્ટ કેટલી ઇમ્પ્રેશન એકઠી કરી રહી છે તે જાણી શકો છો. આ ડેટા તમને કહી શકે છે કે કેવી રીતે વિવિધ પ્રકારના ક્ધટેન્ટ વિવિધ પ્લેટફોર્મ પર તમારા પ્રેક્ષકો પર કેવો
પ્રભાવ પાડે છે. એ નોંધવું પણ યોગ્ય છે કે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇમ્પ્રેશનને અલગ રીતે માપે છે. ઉદાહરણ તરીકે, ટ્વીટર પર, દરેક વપરાશકર્તા જે ટ્વિટ જુએ છે તેને ઇમ્પ્રેશન ગણે છે. ફેસબુક પર, જ્યારે પણ સ્ક્રીન પર પેઇડ જાહેરાત જોવામાં આવે છે, ત્યારે તેને એક ઇમ્પ્રેશન ગણવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ દરેક વખતે જ્યારે વપરાશકર્તા ક્ધટેન્ટનો ભાગ જુએ છે ત્યારે (જેમ કે સ્થિર પોસ્ટ, વાર્તા અથવા રીલ) છાપની ગણતરી કરે છે.
લીડ જનરેશન: આનો અર્થ છે સંભવિત ગ્રાહકોને આકર્ષિત કરવા. માર્કેટર્સ પ્રેક્ષકોને આકર્ષે અને આનંદિત કરે તેવા આકર્ષક ક્ધટેન્ટ બનાવીને સોશિયલ મીડિયા દ્વારા લીડ્સ જનરેટ કરી શકે છે. લીડ્સ જનરેટ કરવામાં તમારી સોશિયલ મીડિયાની સફળતાને માપવા માટે, અન્ય મેટ્રિક્સ જેમ કે વેબ ટ્રાફિક, લીડ ક્વોલિટી અને તમારી સોશિયલ મીડિયા ચેનલ્સમાંથી ક્ધવર્ઝન રેટ માપો. ઉદાહરણ તરીકે, ફેસબુક પરથી નોંધપાત્ર પ્રમાણમાં વેબસાઇટ ટ્રાફિક સૂચવે છે કે તમારું ફેસબુક લીડ જનરેશન માટે સારો સ્ત્રોત છે.
લાઇક્સ અને કોમેન્ટ્સ: જો પ્રેક્ષકો તમારા ક્ધટેન્ટ સાથે નિયમિતપણે ક્રિયાપ્રતિક્રિયા કરતા ન હોય તો મોટી સંખ્યામાં ફોલવર્સ હોવા કામના નથી. તેથી, તમારા સોશિયલ મીડિયા પર પ્રેક્ષકો કેટલી વાર લાઈક અને કોમેન્ટ કરે છે તે માપવું આવશ્યક છે. લાઇક્સ દર્શાવે છે કે તમારા પ્રેક્ષકોને તમારું કોન્ટેન્ટ ગમ્યુ છે જ્યારે કોમેન્ટ તમારા પ્રેક્ષકોની પ્રતિક્રિયાની સમજ આપે છે. લાઇક્સ અને કોમેન્ટ્સ પણ તમારી બ્રાન્ડની સામાજિક મીડિયાના એન્ગેજમેન્ટ તરીકે જાણી શકાય. સરળ રીતે એન્ગેજમેન્ટ માપવાની રીત છે : એન્ગેજમેન્ટ રેટ = નંબર ઓફ એન્ગેજમેન્ટ / નંબર ઓફ ફોલોવર્સ ૧૦૦.
સેલ્સ અને રેવેન્યુ: શું તમારી સોશિયલ મીડિયા પ્રવૃત્તિ સીધી આવક અને વેચાણમાં પરિણમે છે? તમારું છઘઈં (રીટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ) શું રહ્યું છે? તમારી પ્રવૃત્તિની સફળતાને માપવા માટે એકંદર વેચાણ અને આવક મેટ્રિક્સ મહત્ત્વપૂર્ણ છે.
આમ તમારી સોશિયલ મીડિયા પ્રવૃત્તિની સફળતા પર નજર રાખવા માટે ઘણા બધા મેટ્રિક્સ છે જે તમને તમારા મીડિયાના રોકાણને ટ્રેક કરવા, તેનું રીટર્ન માપવા, ગ્રાહકો મેળવવા અને ઉત્પાદનો વેચવા મદદ કરી શકે છે. આથી સોશિયલ મીડિયાને વૈયક્તિક નહિ પણ વ્યવસાયિક દૃષ્ટિએ, પર્સનલ નહિ પણ પ્રોફેશનલી મેનેજ કરો જેથી તમે ધાર્યા પરિણામો મેળવી શકો.