રિયાધઃ પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિનો રોનાલ્ડોએ તેની નવી ક્લબ અલ નાસર તરફથી સત્તાવાર રીતે નવી ઈનિંગ શરૂ કરી હતી. તેણે અલ-ઇત્તેફાક સામેની ફ્રેન્ડલી મેચ સાથે અલ નાસર તરફથી ડેબ્યૂ કર્યું હતું. અલ-ઇત્તેફાક સામેની મેચમાં રોનાલ્ડોનું વર્ચસ્વ રહ્યુ હતું. આ મેચમાં અલ નાસરે અલ-ઇત્તેફાકને 1-0થી હાર આપી હતી. ગયા મહિના દરિમયાન રોનાલ્ડોએ 175 મિલિયન ડોલરના એક વર્ષના કોન્ટ્રાક્ટ સાથે અલ નાસર સાથે જોડાયો હતો.
આ મેચમાં ક્લબના ચાહકોને અપેક્ષા હતી કે રોનાલ્ડો આવતાની સાથે જ ગોલ કરશે, પરંતુ તે ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. રોનાલ્ડોને અલ નાસરનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે પોતાની ડેબ્યૂ મેચમા 90 મિનિટ સુધી મેદાન પર રહ્યો હતો. જોકે, રિયાધમાં રમાયેલી આ મેચમાં તે ગોલ કરી શક્યો નહોતો પરંતુ તેની ટીમે 1-0થી મેચ જીતી લીધી હતી.
આ સાથે આ ટીમ સાઉદી અરેબિયન લીગમાં ટોપ પર પહોંચી ગઈ છે. હવે તેની આગામી મેચ ગુરુવારે સેમીફાઈનલમાં અલ ઈત્તિહાદ સામે રમાશે.