શ્રીલંકામાં કટોકટી જાહેર કરાઈ: રાષ્ટ્રપતિ દેશ છોડી ગયા

દેશ વિદેશ

વડા પ્રધાન કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા: પરિસ્થિતિ સંભાળવા લશ્કર બોલાવાયું

વડા પ્રધાનની ખુરશીનો કબજો: શ્રીલંકામાં વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેની ઑફિસ પર દેખાવકારોનો કબજો. એક તોફાની તો વડા પ્રધાનની ખુરશી પર બેસી ગયો હતો. શ્રીલંકામાં કટોકટી જાહેર કરીને લશ્કરને બોલાવાયું છે. રાષ્ટ્રપતિ શ્રીલંકા છોડીને માલદીવ્સ ભાગી ગયા હતા અને ત્યાંથી સિંગાપોર જવા રવાના થયા હતા. વડા પ્રધાને પોતાને કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા. અગાઉ, વિરોધીઓએ રાષ્ટ્રપતિભવનનો પણ કબજો લીધો હતો. મોંઘવારી અને અરાજકતા સામે મોટા પાયે દેખાવ થઇ રહ્યા છે. (એપી-પીટીઆઇ)

કોલંબો: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબયા રાજાપક્સા દેશ છોડીને માલદીવ્સ ગયા બાદ એ દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. દરમિયાન વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેએ કાર્યવાહક રાષ્ટ્રપતિપદનો અખત્યાર સંભાળ્યો હતો. રાષ્ટ્રને આર્થિક પતન તથા રાજકીય અનિશ્ર્ચિતતા ભણી ધકેલવા બદલ રાજાપક્સા અને તેમના પરિવાર સામે જનતાના બળવા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ તેમણે રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જોકે રાજીનામું આપવાના થોડા કલાકો પહેલાં ૭૩ વર્ષીય રાજાપક્સા તેમનાં પત્ની અને બે સુરક્ષા અધિકારીઓ સાથે મિલિટરી જેટમાં માલદીવ્સ જવા રવાના થયા હોવાનું શ્રીલંકાના હવાઈ દળે જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ દેશ છોડી ગયા હોવાના સમાચારને વડા પ્રધાનની ઑફિસે પણ સમર્થન આપ્યું હતું. રાષ્ટ્રપતિએ ૧૩ જુલાઈએ રાજીનામું આપનાર હોવાની જાહેરાત ગયા શનિવારે કરી હતી.
હવાઈ દળે જણાવ્યું હતું કે સરકારની વિનંતી અને રાષ્ટ્રપતિ તરીકેની બંધારણીય સત્તાઓના અનુસંધાનમાં રાષ્ટ્રપતિ ગોટાબયા રાજાપક્સા, તેમનાં પત્ની અને બે સુરક્ષા અધિકારીઓ સહિત ૧૪ જણને મંગળવારની મધરાત પછી કટુનાયકે ઍરપોર્ટ પર ઍરફોર્સનું જેટ ઉપલબ્ધ કરાવાયું હતું. સ્થાનિક સમય પ્રમાણે બુધવારની પરોઢ પૂર્વે ત્રણેક વાગ્યે માલદિવ્સના પાટનગર માલે સ્થિત વેલેના ઍરપોર્ટ પર માલિદવ્સના સરકારી પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ રાજાપક્સાનું સ્વાગત કર્યાના સત્તાવાર સમાચાર પણ પ્રકાશિત થયા હતા. માલદીવ્સ પહોંચ્યા પછી તેમને પોલીસના રક્ષણમાં સોમવારે રાતે ગોટબયા રાજાપક્સા અને તેમના ભાઈ અને શ્રીલંકાના ભૂતપૂર્વ નાણાં પ્રધાન બાસિલ રાજાપક્સા દેશ છોડવાના પ્રયાસ રૂપે કોલંબો
વિમાનમથકે પહોંચ્યા ત્યારે તેમને પાછા મોકલવામાં આવ્યા હતા.
રાજાપક્સા દેશ છોડી ગયાના સમાચાર વહેતા થયા બાદ તરત સ્થાનિક સંસદના સ્પીકરે વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેએ કાર્યવાહક રાષ્ટ્રપતિપદનો અખત્યાર સંભાળી લીધો હોવાની જાહેરાત કરી હતી. વિક્રમસિંઘેએ કોલંબોના ફ્લાવર રોડ પર તેમની ઑફિસની આસપાસ વિરોધપ્રદર્શકો એકઠા થવા માંડતાં દેશના પશ્ર્ચિમી પ્રાંતમાં સંચારબંધી લાગુ કરી હતી. તેમણે સુરક્ષા દળોને રમખાણો કરતા લોકોની ધરપકડ કરવાનો હુકમ કર્યો હતો. બંધારણીય જોગવાઈઓ અનુસાર ગોટબયા રાજાપક્સાને રાષ્ટ્રપતિપદ પર હોય, એ દરમિયાન કાનૂની કાર્યવાહી સામે રક્ષણ પ્રાપ્ત હોવાથી ધરપકડથી બચવા માટે રાજીનામું આપતાં પહેલાં દેશ છોડી ગયા હોવાનું મનાય છે. માલદીવ્સની સંસદના સ્પીકર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશીદે સ્થાનિક તંત્ર જોડે ગોટબયા રાજાપક્સાને માલદીવ્સમાં લાવવાની વાટાઘાટો પાર પાડી હતી. માલદીવ્સની સરકાર કહે છે કે રાજાપક્સા હજુ શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે. તેમણે રાજીનામું આપીને અનુગામીને સત્તા સોંપી નથી.
શ્રીલંકાના રાષ્ટ્રપતિભવન પર વિરોધપ્રદર્શકોએ કબજો કર્યો તે પછી ત્યાંથી કરોડો રૂપિયા રોકડા મળ્યા હોવાનું કહેવાય છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબયા રાજાપક્સાના સત્તાવાર નિવાસસ્થાનમાં ધસી ગયેલા સરકાર વિરોધી દેખાવકારોએ એ મહાલયમાંથી કરોડ રૂપિયાની રોકડ રકમ હાથ લાગી હોવાનું જણાવ્યું હતું. આંદોલનકારો ચલણી નોટો ગણતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. એ ચલણી નોટો સુરક્ષા સંસ્થાઓને સુપરત કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. આંદોલનકારોના ધસારા પછી નાસી ગયેલા રાષ્ટ્રપતિ ગોટાબયા રાજાપક્સા દરિયામાં શ્રીલંકન નૌકાદળના એક જહાજમાં બેઠાં બેઠાં પરિસ્થિતિ પર નિગરાણી રાખતા રહ્યા હોવાનું કહેવાય છે. એ વખતમાં તેઓ શ્રીલંકાની સંસદના સ્પીકર મહિંદા યાપા અબેયવર્દનેના સંપર્કમાં રહ્યા હોવાનું મનાય છે.
ભારતે શ્રીલંકાને સંકટમાંથી ઊગારવા માટે દરેક પ્રકારની મદદ આપવાની તૈયારી બતાવી હતી. લગભગ બાવીસ અબજ લોકોની વસતી ધરાવતો દેશ દેવાના બોજ નીચે દબાયો છે. શ્રીલંકા પર પચીસ અબજ અમેરિકન ડૉલરનું દેવું છે. તેમાંથી ચાલુ વર્ષમાં ચૂકવવાપાત્ર સાત અબજ અમેરિકન ડૉલરનું વિદેશી કરજ ચૂકવવામાં નાદારી સરકાર જાહેર કરી ચૂકી છે.
અગાઉ સર્વપક્ષી બેઠક પછી સ્પીકરે રાજીનામાની માગણીની જાણ કરતાં રાષ્ટ્રપતિ રાજાપક્સાએ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનું જણાવવામાં આવ્યું હતું. નવી વ્યવસ્થામાં ચૂંટણીના આયોજન અને સમાપન સુધી રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની ગેરહાજરીમાં સ્પીકર હંગામી રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રનું સુકાન સંભાળનાર હોવાનો નિર્ણય સર્વપક્ષી બેઠકમાં લેવાયો હતો. કેટલાક વખત પહેલાં ગોટાાબયા રાજાપક્સાના મોટા ભાઈ મહિંદા રાજાપક્સાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.
ઉગ્રવાદી સંગઠન લિબરેશન ટાઇગર્સ ઑફ તમિળ ઇલમ (એલટીટીઈ) સામેની લડાઈમાં વિજય બદલ રાજાપક્સા બંધુઓ શ્રીલંકાના નાગરિકોના ‘હીરો’ બની ગયા હતા. શ્રીલંકામાં આર્થિક મંદી, ફુગાવા, મોંઘવારી અને રાજકીય અસ્થિરતાથી ત્રાહિમામ પોકારી ગયેલા સેંકડો લોકોએ શનિવારે રાષ્ટ્રપતિભવન તાબામાં લીધું હતું. લોકો દીવાલો કૂદીને ભવનમાં ધસી ગયા હતા, પરંતુ ત્યાંના ફર્નિચર કે અન્ય સંપત્તિને નુકસાન કર્યું નહોતું. જોકે પછીથી તોફાની ટોળાંએ વડા પ્રધાનના ઘરને આગ ચાંપી હતી. ‘ચલો કોલંબો’ના સૂત્ર સાથે સમગ્ર દેશમાંથી એકઠા થયેલા નાગરિકોએ રાષ્ટ્રપતિ રાજીનામું ન આપે ત્યારસુધી વિરોધપ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. કેટલાક દિવસોથી ઉગ્ર બનતા જનાક્રોશનો અંદાજ આવતાં રાષ્ટ્રપતિ ગોટાબયા રાજાપક્સા રાષ્ટ્રપતિભવનમાંથી દરિયાઈ જહાજ પર પહોંચી ગયા હતા.
વિરોધપ્રદર્શકોના ટોળાં પર નિયંત્રણ માટે પોલીસે વૉટર કૅનન્સના વપરાશ અને અશ્રુવાયુ છોડવા ઉપરાંત લાઠીમાર પણ કર્યો હતો. સમગ્ર શ્રીલંકામાં વ્યાપક ધોરણે રસ્તા પર ટોળાંના સૂત્રોચ્ચાર અને ઉગ્રતાને કારણે કેટલાક ઠેકાણે પોલીસ અને આંદોલનકારો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. અથડામણની ઘટનાઓમાં અનેક લોકો ઘાયલ થયા હતા. અથડામણોમાં જાનહાનિની શક્યતા પણ સત્તાવાર સૂત્રોએ દર્શાવી હતી. પરિસ્થિતિ અસહ્ય બનતાં સરકારની નિષ્ક્રિયતા અને અક્ષમતા સામે રોષ વ્યક્ત કરવા માટે નાગરિકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. વિરોધપ્રદર્શનમાં ભૂતપૂર્વ ક્રિકેટર સનત જયસૂર્યા સહિત કેટલાક
સાર્વજનિક જીવનના મહાનુભાવો પણ જોડાયા હતા. (એજન્સી)

1 thought on “શ્રીલંકામાં કટોકટી જાહેર કરાઈ: રાષ્ટ્રપતિ દેશ છોડી ગયા

  1. “ભારતે શ્રીલંકાને સંકટમાંથી ઊગારવા માટે દરેક પ્રકારની મદદ આપવાની તૈયારી બતાવી હતી. લગભગ બાવીસ અબજ લોકોની વસતી ધરાવતો દેશ દેવાના બોજ નીચે દબાયો છે. શ્રીલંકા પર પચીસ અબજ અમેરિકન ડૉલરનું દેવું છે. તેમાંથી ચાલુ વર્ષમાં ચૂકવવાપાત્ર સાત અબજ અમેરિકન ડૉલરનું વિદેશી કરજ ચૂકવવામાં નાદારી સરકાર જાહેર કરી ચૂકી છે.”
    Please check! “બાવીસ અબજ લોકોની વસતી ધરાવતો દેશ..”??!!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.