ઑપરેશન તબાહી-૧

ઉત્સવ

અનિલ રાવલ
વાલિદ સા’બે પાકિસ્તાની અફસરની સામે મીઠાઇનાં બે બોક્સ ધર્યાં. ‘મત ખોલો.. ઇસમેં બૉમ્બ હો સકતા હૈ.’ ફફડી ઊઠેલો પાક સિપાહી બરાડી ઊઠ્યો.

ભારત અને પાકિસ્તાનના ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધમાં ધીમે ધીમે ઊકળી રહેલા સંબંધોની વચ્ચે પોષ મહિનાની કડકડતી ઠંડીમાં કચ્છના રણની રેતી થીજી ગઇ હતી. દેશની સરહદે આવેલું સુમરાઓ અને મુસ્લિમોની માંડ પાંચેક હજારની વસતી ધરાવતું ઝાયલા ગામ ટૂંટિયું વાળીને સૂતું હતું. સરહદની બેઉ બાજુથી અવારનવાર થતાં તોપમારા કે બંદૂકની ગોળીઓથી ટેવાઇ ગયેલા આ ગામમાં આમેય છ વાગે સોપો પડી જતો. ભયથી થરથરતા ઘેંટાં-બકરાં અને ઊંટ પણ અવાજ ન કરે ત્યારે ઝાયલા ગામના ગારમાટીથી લીપેલા એક ઘરમાં પેટ્રોમેક્સના ઝાંખા કરી દેવાયેલા અજવાસમાં થોડા લોકોની દબાયેલી હંસી-ખુશીનો માહોલ ઝગમગતો હતો. ઓરડામાં વચ્ચોવચ્ચ માચી પર બેઠેલા દુલ્હા મિંયાને માથે સહેરો બંધોયા, માથા પર રૂંવાટીદાર ટોપી પહેરાવાઇ. ગળામાં ગુલાબના ફુલોનો હાર લટકાવાયો. નાનકડી શીશી ખોલીને તીવ્ર સુંગધી અત્તર શેરવાની પર છાંટવામાં આવ્યું. અત્તરની તીવ્ર વાસ તાજી લીપેલી માટીની મહેક સાથે ભળીને કોઇ અલગ જ સુગંધ પ્રસરાવતી હતી. રાતે બારને ટકોરે દુલ્હાના બાપના ઇશારે પેટ્રોમેક્સ હોલવી દેવાઇ. બિલ્લી પગે બારાત બહાર નીકળી અને એની સાથે બારાતીઓએ છાંટેલા સસ્તા અત્તરની ખુશ્બુ પણ ઠંડી હવામાં પ્રસરી ગઇ. દુલ્હામિંયાના દોસ્ત ઉસ્માને ફળિયામાં બાંધેલા બકરાને ખભા પર ઊંચકી લઇને હળવેકથી ઝાંપો બંધ કર્યો. ટાઢથી ઠૂંઠવાતો બકરો ભયથી બરાડી ઊઠ્યો. બારાતમાં માત્ર પાંચ જણ… દુલ્હામિયાં ઉપરાંત એક મુસ્લિમ યુવતી મરિયમ, દુલ્હામિયાંનો દોસ્ત ઉસ્માન, દુલ્હાના વાલિદ રહેમતમિયાં અને અન્ય એક શાદીનો સાક્ષીદાર સલામત અલી. શાદી માટે રવાની થયેલી બારાત કાતિલ ઠંડીમાં એકધારા ચૂપચાપ વહેતા પવનની રવાનીએ રેતીમાં પગલાં પાડતી આગળ વધી. ના કોઇ ઢોલનો ધુબાંગ કે ના શરણાઇના સૂર. ઢોલની જગ્યાએ રણમાં ખાબકતાં પગલાનો ધીમો તાલ હતો ને શરણાઇને સ્થાને પવનના સૂસવાટાના સૂર હતા. હા, વચ્ચેવચ્ચે બકરાનો ભયભરલો અવાજ રાગ ‘ભયેશ્વેરી’ છેડતો હતો, જેનાથી બારાતીઓ પણ ચોંકી જતા હતા. ઠુંઠવી નાખનારી ટાઢથી બચવા ઢાબળા ઓઢેલા બારાતીઓના ઓછાયા સરકી રહ્યા હતા…કોઇ એક ચોક્કસ દિશા તરફ. ‘મિશન શાદી’ પાર પાડવા.
અચાનક બારાતમાં મક્કમ પગલે સૌથી આગળ ચાલી રહેલા રહેમતમિયાંએ હાથ ઊંચો કરીને બધાને રોક્યા. અવાજ નહીં કરવાનો ઇશારો કર્યો. બધાના જીવ તાળવે ચોંટી ગયા. કદાચ બકરો કોઇ ગરબડ કરી બેસે. ઉસ્માને એને પોતાની સાથે ઢાબળામાં ઢબૂરી દીધો. રહેમતમિયાંએ દૂરથી દેખાતી બે દેશોને ભૌગોલિક રીતે અલગ પાડતી કાંટાળી વાડ અને એની પાસે આંટા મારતા ફૌજીઓને જોઇ લીધા હતા. એણે એકપણ સેક્ધડ ગૂમાવ્યા વિના હાથમાંની ટોર્ચથી ત્રણ વાર ઝબકારા કર્યા. સામેથી પણ ત્રણ ઝબકારા થયા. રહેમતમિયાંએ આત્મવિશ્ર્વાસ સાથે ડગલાં આગળ માંડવાનું શરૂ કર્યું એની પાછળ બારાત પણ ચાલી, પણ કોણ જાણે કેમ જેમજેમ સરહદની કાંટાળી વાડ નજીક આવતી ગઇ તેમતેમ રેતીમાં ચાલવા ટેવાયેલા પગલાં હવે ભારે થવા લાગ્યા. બારાતીઓને રહેમતમિંયા પર અને ટોર્ચના ઝબકારા પર વિશ્ર્વાસ હતો, પણ એક જરાસરખી ગરબડ બારાતીઓના ધબકારા બંધ કરવા માટે પૂરતી હતી. થોડે આગળ પહોંચતા રહેમતમિંયાએ ફરી ટોર્ચનો એક ઝબકારો કર્યો. સામેથી ઝબકારાનો જવાબ ઝબકારાથી મળ્યો. હવે બારાતીઓમાં જોમ આવી ગયું. ભારતની સરહદે ટોર્ચનો ઝબકારો કરનારા સુબેદાર નેગીએ બારાતીઓનું સ્વાગત કર્યું.
ચલો, ચલો જલદી કરો.’ સાંભળતા જ દુલ્હાનો બાપ કાંટાળી વાડમાંથી ઝુકીને પેલે પાર ગયો.
‘મીઠાઇ લાયે હો…?’ સુબેદાર નેગીનો રૂઆબદાર અવાજ રણને ચીરતો દૂર નીકળી ગયો, પણ સુબેદાર નેગીને એની દરકાર ન હતી. અહીં એ ફરજ પર હતા, અહીં એનું સામ્રાજ્ય હતું, અહીં એની આણ વર્તાતી હતી.
કાંઇપણ બોલ્યા વિના દુલ્હાના બાપે મીઠાઇનું બોક્સ એના હાથમાં પકડાવ્યું. બારાતીઓ એક પછી એક જરાય ખરોચ ન પહોંચે એમ કાંટાળી વાડ ઊંચી કરીને દાખલ થવા લાગ્યા. સૌથી છેલ્લે ઉસ્માન બકરા સાથે ઘૂસ્યો.
‘અરે ઓય..તું બરાત મેં યે બકરા લેકે કહાં ઘૂસા જા રહા હૈ…?’
‘બિરિયાની કે બગૈર શાદી-બ્યાહ કા મઝા હી કહાં હૈ સુબેદાર સા’બ.’
ઉસ્માન ટાઢમાં બત્રીસી ડગડગાવતો બોલ્યો. એણે બકરો ફરી પીઠ પર ચડાવ્યો. બારાતે હજી પાકિસ્તાની ફૌજની બાજનજર હેઠળથી પસાર થવાનું હતું. માંડ હેઠા બેઠેલા ધબકારા ફરી તેજ થઇ ગયા.
ભારત બે ટુકડામાં વહેંચાયું એ વખતે કેટલાંક આ તરફ તો કેટલાંક એ તરફ રહ્યાં. બે પડોશી દેશો વચ્ચેના બે યુદ્ધો અને બે ઊભા ટુકડા પણ સરહદ નજીકના ગામોના રહેવાસીઓ વચ્ચેની રિશ્તેદારીના ભાગલા પાડી શક્યા નહોતા. એમની વચ્ચે રોટી-બેટીનો વહેવાર હજી ચાલુ રહ્યો હતો. સરહદની પેલે પાર ગામના ઘેંટા-બકરા ચરી આવે એમ લોકો પણ ત્યાં વસી જ ગયેલા પોતાના રિશ્તેદારોને દુઆ-સલામ કરી આવતા. છોકરા-છોકરીઓના શાદી-બ્યાહનું પણ ગોઠવી આવતા, સરહદ પાર કરીને શાદી પણ કરી આવતા, પણ આ બધું બંને બાજુ સરહદ પર તૈનાત સૈનિકોની મીઠી રહેમ નજર હેઠળ થતું. જોકે, આજકાલ બે દેશો વચ્ચેની તંગદિલીએ સરહદ પરની કાંટાળી વાડને જરા વધુ તંગ કરી દીધી હતી. બંને બાજુ જાપ્તો વધી ગયો હતો. એટલે જ આ બારાત અંધારી રાતમાં નીકળી હતી, ગુપ્ત મિશન શાદી પાર પાડવા.
‘દુલ્હન રાહ દેખતી હોગી….કદમ બઢાઓ.’ નિકાહ માટે ઉતાવળો થયેલો દુલ્હામિંયા બોલ્યા અને રેતીમાં બારાતીઓના પગલાં ઊંટની જેમ ખાબકવા લાગ્યા.
પાકિસ્તાનની બોર્ડર નજીક આવવામાં હતી. હવે ખરી કસોટી હતી. કેમકે પાકિસ્તાની સૈનિકોએ ઘણીવાર બારાતને પાછી ધકેલી હતી. અને દુલ્હામિંયાએ વિલેમોઢે પાછા ફર્યા હોવાના દાખલા બન્યા હતા, પણ આજે દુલ્હામિયાં ખુશખુશાલ હતા. એની નિગાહ નિકાહ પર હતી અને બારાતીઓમાં એને પરણાવાનો ભારે હરખ હતો. દરમિયાન હરખઘેલા દુલ્હામિંયાએ બારાતના સુકાની અને પોતાના વાલિદ સાથે આગળ જઇને કાંઇક ગૂસપૂસ પણ કરી લીધી.
અચાનક સામેથી એક મોટી ફ્લડલાઇટ ઝબકી ને બધાના પગ રેતીમાં ખોડાઇ ગયા. એકમાત્ર રહેમતમિયાં કોઇપણ જાતના ખૌફ વિના આગળ વધી રહ્યા હતા. એણે ટોર્ચના આગળના કાચ પર લીલા રંગનું પ્લાસ્ટિક મૂકીને ટોર્ચ ઓન કરી. બારાત અટકી પણ એ ચાલતા રહ્યા. થોડી ક્ષણોમાં ફ્લડ લાઇટ બંધ થઇ અને સામેથી લીલી ઝંડી ફરકાવતી ટોર્ચનો લીલો રંગ પથરાયો. રહેમતમિયાંએ બારાતીઓને ચાલતા રહેવાનો ઇશારો કર્યો. પાક સરહદે કાંટાળી વાડ પર બારાત થોભી બે પાક સિપાહીઓ બંદૂકો તાણીને ઊભા રહી ગયા. વાડની પેલે પારથી એક અફસરનો અવાજ આવ્યો.
‘મિંયા, શાદી કરને જા રહે હો ઔર ઇતને હી લોગ…?’
‘સા’બ આજકાલ બારાતમેં ઝાઝા માણસો પોસાતા નહીં હૈના. લો મોઢા મીઠા કરો.’ વાલિદ સા’બે પાકિસ્તાની અફસરની સામે મીઠાઇના બે બોક્સ ધર્યા.
‘મત ખોલો… ઇસમેં બૉમ્બ હો સકતા હૈ.’ ફફડી ઊઠેલો એક પાક સિપાહી બરાડી ઉઠ્યો.
‘અરે યે લોગ…યે લોગ ક્યા બૉમ્બ બનાયેંગે.’ કહીને અફસરે રહેમતમિંયાએ ધરેલું બોક્સ ખોલી નાખ્યું. મીઠાઇ જોઇને ઘોર અંધારી રાતમાં અફસરની આંખો ચમકી ઊઠી. રહમતમિંયા એની આખોની ચમક પામી ગયા.
શાદી મેં મોઢા મીઠા તો કરના પડતા હૈના. ઘરવાલી ભી ખુશ હો જાયેગી સબ લોગ આપસ મેં વહેંચ લેના.’ રહેમતમિંયાએ કહ્યું.
‘મિંયા આતે વક્ત ભી લાના….મેરી ડ્યૂટી ઇસી બોર્ડર પર લગી રહેતી હૈ.’ અફસર મીઠાઇના બોક્સમાં મૂકેલી પાકિસ્તાની કરન્સી નોટોના બંડલોમાં જોતા જોતા બોલ્યો: ‘ઓય જાને દો બરાતીઓ કો.’ અફસરનો અવાજ સાંભળતા જ સિપાહીઓએ બંદૂકો નીચી કરી. હરખાતો દુલ્હો શાદીને માંડવે પહોંચવા અધીરો હતો. ત્યાં ફરી અફસરનો અવાજ ધણધણ્યો.
‘અરે.. રુકો રે… ઇનકા મથ્થા ગિન લો…આતે વક્ત ઇતને બારાતી હી આને ચાહિયે.’
‘પાંચ બરાતી હૈ.’ એક પાક સિપાહીએ ઉતાવળે ગણીને કહ્યું.
‘શાદી કરને જા રહા હું …વાપસી મેં મેરી બીવી હોગી. છેહ લોગ હોંગે…ચલેગાના…?’ દુલ્હામિયાંએ મજાકમાં કહ્યું.
અફસરનો ભોઠો પડી ગયેલો અવાજ ટંગડી ઊંચી રાખવા માગતો હોય એમ ફરી બોલ્યો: ‘એક બકરા ભી હૈ.’
‘સા’બ બકરા તો બિરિયાની કે લિયે હૈ.’ ઉસ્માને ફોડ પાડ્યો અને પાકિસ્તાની અફસરની અક્કલના લીરાં ઊડી ગયા.
પાક સરહદ પાસેનું એક નાનકડું ગામ વટાવીને બારાતીઓ રોડ પર આવ્યા પછી હાશકારો લીધો. હવે શાદીમાં કોઇ રુકાવટ નહીં આવે. વાલિદસા’બ મનોમન બબડ્યા. ત્યાં જ અચાનક એક કાળા રંગની કાર ધસી આવી. મોં પર બુકાની બાંધેલા બે જણ કારમાંથી ઊતર્યા, દુલ્હામિયાંનું મોઢું કાળા કપડાથી ઢાંકીને એને કારમાં ધકેલી દીધો અને આંખના પલકારામાં પલાયન થઇ ગયા. દુલ્હાના ધમપછાડા કોઇ કામ ન આવ્યા. આ શું થઇ ગયું એની કોઇને ભણક આવે તે પહેલાં તો કાર અંધારામાં ગરકી ગઇ. બેબાકળા વાલિદસા’બ અને ઉસ્માન પાછળ દોડ્યા, પણ વ્યર્થ હતું. ચોરીછૂપીથી મિશન શાદી માટે આવેલા દુલ્હાના અપહરણની ફરિયાદ ક્યાં જઇને કરે…? હવે શું કરવું.? ક્યાં જવું…? લગનને માંડવે કયા મોડે જવું. સામેવાળા કોઇ સ્વાગત તો જવા દો, લેવા પણ ન આવ્યા એની ચિંતા સાથે રહેમતમિયાંએ બધાને ચાલતા રહેવાનો ઇશારો કર્યો. બધા ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યા. સામેની સાઇડમાં ફુલોથી શણગારેલી એક કાર ઊભી હતી. થોડીવાર પહેલાનો અનુભવ જોઇને ડરેલા બારાતીઓ આમતેમ થવા લાગ્યા, પણ અંદરથી અવાજ આવ્યો. મિશન શાદી. કોડવર્ડ સાંભળીને રહેમતમિયાંના જીવમાં જીવ આવ્યો.
‘મૈં હાફીઝ હું. હમ આપકો લેને કે લિયે આયે હૈ. ચલો જલદી બૈઠ જાઓ. સબ રાહ દેખ રહે હૈ.’ કારનો દરવાજો ખુલ્યો. બધા ફફડતા હૈયે ગોઠવાયાં.
‘દુલ્હા કહાં હૈ.?’ કાર સ્ટાર્ટ કરતા હાફીઝે પૂછયું.
‘કોઇ ઉસકો હમારી આંખો કે સામને ઉઠા કે લે ગયા.’
‘ક્યા…? ફિર શાદી કૈસે હોગી…? કિસ સે હોગી.? થોડીવાર મૌન રહ્યા પછી કાંઇક વિચારીને બોલ્યો: લેકિન આપ ફિકર ના કરે…હમ કૂછ કરતે હૈ.’
શાદીનો સાક્ષી બનવા આવેલા સલામત અલીને હવે અસલામતી લાગવા માંડી. એ ડરનો માર્યો એટલું જ બોલ્યો: ‘પહેલાં મને મારા ચાચાજાનના ઘરે જવા મૂકી જાવ.’
હાફીઝે રહેમતમિયાં સામે જોયું. રહેમતે સલામતઅલીના ચાચાનું સરનામુ બતાવ્યું. હાફીઝે ગાડીનો યુટર્ન લીધો. થોડીવારમાં કાર એક સુમસામ મહોલ્લામાં પહોંચી. પીળી લાઇટથી બિહામણી લાગતી ગલીને નાકે જ સલામત અલીએ કાર થોભાવીને કહ્યું: ‘બસ, મને અહીં જ ઉતારી દો. હવે હું ઘર શોધી લઇશ.’
સલામત અલી ઊતર્યો. ઉસ્માને કહ્યું: ‘લે, આ બકરો પણ લેતો જા. હવે આ બકરો અમારા કોઇ કામનો નથી તમે લોકો બિરિયાની બનાવીને ખાજો.’
સલામત અલી બકરાને દોરીને લઇ જવા લાગ્યો. એ થોડા ડગલા ચાલ્યો ત્યાં પાછળથી અવાજ આવ્યો: ‘સલામત અલી.’ તેણે પાછળ ફરીને જોયું. ઉસ્માને પોતાના શરીર પર વીંટાળેલો ઢાબળો ફગાવીને સાઇલન્સરવાળી ગનથી બે ગોળી સલામત અલીના શરીરમાં ધરબી દીધી. એક ઉંહકારા સાથે સલામત અલી ઢળી પડ્યો. ઉસ્માનની પાછળ મરિયમ આવીને ઊભી રહી ગઇ. ‘મોં ખોલે તે પહેલાં જ મોં બંધ કરવું પડે. ભરોસો ન કરાય.’ ઉસ્માન બોલ્યો.
બીજી તરફ કારમાં બેઠેલા રહેમતમિંયાએ બનાવટી સફેદ દાઢીમૂછ કાઢ્યા. મુસલમાની ટોપી બાજુ પર મૂકીને બોલ્યા: ‘મારી પાસે બીજો કોઇ રસ્તો ન હતો. અમે બારાત માટે સલામત અલીના ઘરનો ઉપયોગ કર્યો. એને ભારત પરથી ભરોસો ઊઠી ગયો હતો. એને કોઇપણ ભોગે પાકિસ્તાનમાં આવીને વસવું હતું.’
ઉસ્માને બકરા પર ગોળી છોડવા નિશાન તાંક્યું પણ મરિયમે અટકાવ્યો. ‘છોડી દે. આ મોઢું ખોલશે તો પણ આની બોલી કોઇ સમજવાનું નથી.’
બંનેએ આસપાસ નજર કરી. કોઇ નથી એની ખાતરી કરીને ઝડપથી પાછા કારમાં બેઠાં. કાર સ્ટર્ટ થઇ. ‘મને દુલ્હામિયાંની ફિકર થાય છે.’ રહેમતમિયાંની વાત સાંભળીને હાફીઝે કારની સ્પીડ વધારી.
*************
એક જૂના ખખડધજ મકાનની કિચૂડ કિચૂડ કરતી લિફ્ટ સૌથી ઉપરના ચોથા માળે એક ઝટકા સાથે ઊભી રહી. અપહરણકારોએ દુલ્હામિયાંને એક ધક્કા સાથે રૂમમા ધકેલી દીધો. અંદરથી બારણું વાસી દીધું. એક જણે એના મોઢા પરથી કાળું કપડું હટાવ્યું. દુલ્હાએ આંખો ચોળતા ચોળતા બંને સામે જોયું. અને બેમાંથી એકનો અવાજ સંભળાયો.
‘મિશન શાદી. વેલકમ કબીર. આઇ એમ સુશાંત.’
‘અને હું શેખર.’
‘આઇ એમ શ્યોર, તમારા આ નામ સાચા નહીં હોય કારણ આપણા કોઇ નામ નથી હોતા, માત્ર કામ હોય છે, કબીરે કહ્યું.
એની વેયઝ કેવી રહી સરપ્રાઇઝ દુલ્હે મિંયા…?’ સુશાંત બોલ્યો અને બંને હસી પડ્યા.
‘ઓહ માય ગોડ..મારો તો જીવ અધ્ધર થઇ ગયો હતો. પહેલાં મને આ જરકસીજામા કાઢવા દો. આ અત્તરે તો પત્તર ફાડી નાખી છે. સસ્તા અત્તરથી માથું ફાટફાટ થાય છે.’
‘ગો ઇન સાઇડ. બધું તૈયાર છે તમારા માટે.’ શેખરે કહ્યું. કબીર સહેરો કાઢતો અને હાર ઉતારતો અંદર ગયો. જરા ઝુકીને ફરવાળી ટોપી ઉતારીને અંદરથી રિવોલ્વર કાઢીને કબાટના અંદરના ખાનામાં મૂકી. બહાર સુશાંતે શીશમના ટેબલ પર મૂકેલા ટેલિફોનનું ડાયલ ઘુમાવ્યું.
દિલ્હીમાં ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સી (આઇઆઇએ)ની ઑફિસની ઘંટડી રણકી ઊઠી. આઇઆઇએના ચીફ ગોપીનાથ રાવે ફોન ઊચક્યો.
‘દુલ્હા પહોંચ ગયા હૈ.’ ચીફે સાંભળીને ફોન કાપી નાખ્યો. સિગારેટ સળગાવીને ઊંડો કશ લીધો.
ક્રમશ:

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.