Homeઉત્સવઑપરેશન તબાહી-૨૭

ઑપરેશન તબાહી-૨૭

ક્રાઈમ સીન – અનિલ રાવલ

અન્સારી, કેપ્ટન અને ડો. ઝકરિયાની આંખોમાં શરાબ અને શબાબના નશાની જગ્યાએ વિસ્મયનું હેન્ગઓવર છવાઇ ગયું. બેગમ સાહિબાની અસલી ઓળખથી એમનું માથું ચકરાવે ચડી ગયું.. સૌથી વધુ આંચકો અન્સારીને લાગ્યો.. બેગમ સાહિબાની ખૂબ જ નિકટ હોવાનો નશો ચકનાચૂર થઇ ગયો હતો. એના ભ્રમનો બરફ પીગળી ગયો હતો કેટલીય વાર પાર્ટીઓમાં મળ્યાં સાથે વાઇન પીધો, વાતો કરી. અરે કેટલીય વાર કમરમાં હાથ નાખીને ડાન્સ કર્યો. દેશની સૌથી મોટી ઇન્ટેલિજન્સ એજન્સીનો વડો હોવા છતાં આ બાઇની અસલિયતને ઓળખી ન શક્યો….લાનત છે…શરમંદગીની કરવત એના કલેજાને કોતરી રહી હતી. કાયમ દારૂ પીવડાવીને પ્યાસો પાછો મોકલી દેનારી બેગમ સાહિબાનું અસલી રૂપ જાણીને અન્સારીને સૌથી વધુ અફસોસ તો એ વાતનો થયો કે પોતે બેગમ સાથેના શયનસુખથી વંચિત રહી ગયો. એ જમણી બાજુ ગાલ ખેંચીને જરા હસીને મનમાં બોલ્યો: હજી ય ક્યાં મોડું થયું છે. ઉચ્ચ ઘરાનાની મોહતરમા એક દિવસ પોતાનું પડખું સેવશે.’ એવા વિચાર માત્રથી એના શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઇ. મનની મુરાદ છુપાવવા એણે ઉપરાઉપરી દારૂના ઘૂંટ મારીને પોતે બહુ રાજી થયો હોય એવો ઢોંગ કર્યો. દેશનું સૌથી મોટું જાસૂસી તંત્ર સંભાળનારો અન્સારી બેગમ સાહિબાની વધુ નિકટ જવાના નિર્ણય સાથે મહેફિલની મોજ માણવા દારૂમાં ડૂબવા લાગ્યો.
બીજી બાજુ બેગમ સાહિબા અને મરિયમની સાચી ઓળખ જાણીને ડો. ઝકરિયાના દિમાગમાં કેમિકલ લોચો થઇ ગયો હતો. એના મગજની લેબોરેટરીમાં બે ભળતાં જ કેમિકલ ભેગા થતા ભડકો થયો હતો. અને અચાનક લાગેલી આગ એના આખા શરીરને દઝાડવા લાગી હતી. મુહમ્મદ અલી જિન્હાના ખાનદાનની આ છોકરી જાસૂસ હશે કે પછી પોતાને કોઇ ભ્રમ થયો.? ડો. ઝકરિયાને મરિયમ જાસૂસ હોવાની ખાતરી થઇ ચૂકી હતી તો બીજી તરફ ઝકરિયાનું એની પર દિલ આવી ગયું હતું. મરિયમની સાચી ઓળખે ખરી કશ્મકશ ઊભી કરી હતી. ઝકરિયાના દેશપ્રેમની સામે મરિયમનો દેશદ્રોહ. માણસનું મગજ એક સાથે સંખ્યાબંધ વિચારો કરવા સક્ષમ છે, પણ દિલ દિલથી વિચારે છે. એણે દિલનું માનીને મગજથી કામ લેવાનું નક્કી કરી લીધું. આ છોકરી કોઇપણ ખાનદાનની હોય એ જાસૂસ છે કે નહીં એની લિટમસ ટેસ્ટ કરીને…એને ભોગવી લઇને.. એનો ભોગ ચડાવી દેવાનો. કારણ કે સબ સે પહેલે અપના મુલ્ક હૈ. દીવાના મુજસા નહીં, ઇસ અંબર કે નીચે…આગે હૈ કાતિલ મેરા ઔર મૈં પીછે પીછે’ ગાતા ગાતા એણે નવો પેગ બનાવ્યો.
આ બધાથી અલગ મિજાજ ધરાવતા કેપ્ટન અખ્તર હુસેનના શાતિર દિમાગમાં બેગમસાહિબા અને મિરિયમના જિન્હા ખાનદાન સાથે લોહીના સંબંધ હોવાની જાણકારીએ એક નવી જ કોકટેલ બની હતી. જિન્હાએ ભારતના ભાગલા પડાવીને પાકિસ્તાનનું સર્જન કર્યું. જિન્હાના હૈયે મુસ્લિમોનું હિત હતું. એ મુલ્ક માટે બધું જ કરી છુટ્યા. સામે બેઠેલાં જિન્હા ખાનદાનના સદસ્યો આખરે છે તો પાકિસ્તાનના નાગરીકો જને.. એનું મૂળ ભારતમાં હતું….પણ એનું કુળ આજે અહીં પાકિસ્તાનમાં છે. જિન્હાની જેમ હું જે કાંઇપણ કરું છું એ દેશને માટે જ કરું છુંને..? હું બેગમ સાહિબા અને મરિયમને વાપરીશ…એનો ઉપયોગ કરીશ. કેપ્ટન અખ્તર હુસેનના દિમાગમાં બેગમ સાહિબા અને મરિયમને ભારત મોકલીને કે અહીં પાકિસ્તાનમાં રહીને એમની પાસે જાસૂસી કરાવવાનો શૈતાની વિચાર સળવળી રહ્યો હતો. ઝકરિયા અને અન્સારીના દિમાગમાં કામવાસનાનો કીડો ખદબદી રહ્યો હતો, જ્યારે કેપ્ટન બેગમ સાહિબા અને મરિયમને જોઇને મનમાં કહેતો હતો કે તૂમ બડી કામ કી ચીઝ હો.’
આ ત્રણેય પોતપોતાના વિચારોમાં ગૂમ હતા, પણ બત્રા પાસે પોતાની અસલી ઓળખ જાહેર કરાવનારાં બેગમ સાહિબાના દિમાગમાં શું ચાલી રહ્યું હતું એનો વિચાર કોઇને આવ્યો નહીં….કદાચ ખાં સાહેબ અને માયાને પણ નહીં.
જિન્હા ખાનદાનના વંશજો હાથમાં વાઇનના ગ્લાસ લઇને બેઠા હતાં અને એની સામે પાકિસ્તાનના ત્રણ ખુંખાર, સૌથી ખતરનાક ને વગદાર માણસો બેઠા હતા. અન્સારી અગાઉ બેગમને મળી ચુક્યો હતો, પણ ખરી ઓળખાણ આજે થઇ. ઝકરિયાની નજર સામે એરપોર્ટ પરની ચુલબુલી હસીના અને ટેબલના ખાના ફંફોસીને છટકી જનારી જાસૂસ તરવરવા લાગી. એકમાત્ર કેપ્ટન બધાથી અલિપ્ત હતો.
અરે.. આપ લોગ તો સપેરેને અચાનક અપની ટોકરીમેં સે નીકાલા હો ઐસે ચૌંક ગયે…દરઅસલ, બેગમ સાહિબા કી ખ્વાહીશ થી ખુદ કી અસલી પહેચાન દેને કી…. આપ લોગોં સે મિલને કી’ બત્રા બોલતો હતો ત્યારે કેપ્ટન અને અન્સારીની આંખો બેગમ પર હતી જ્યારે ડો. ઝકરિયાની નજર માયા પર હતી. ખાંસાહેબ કદાચ મામલો પામી ગયા. એમણે ફરી મહેફિલનો માહોલ જમાવવા પહેલ કરી.
અન્સારી સાબ, પહેલી ફરમાઇશ આપકી..ક્યા સુનના હૈ.?’ ખાં સાહેબે વાતના દૌરને સંગીતના સૂરમાં ફેરવી નાખ્યો. અન્સારીની હાલત બેગમ સાહેબાની અસલી ઓળખ જાણીને દીવાના જેવી થઇ ગઇ હતી.
બેગમ અખ્તર કી એક ગઝલ હૈ’ કહીને અન્સારી ખાંસાહેબના સૂરમાં સૂર પુરાવીને પોતાની હાલત બયાં કરતી ગઝલના શરૂઆતના શબ્દો બોલી ગયો
દીવાના બનાના હૈ તો દીવાના બના દે
વર્ના કહીં તકદીર તમાશા ન બના દે…
મૈં ઢૂંઢ રહા હું મિરી વો શમાં કહાં હૈ
જો બઝ્મ કી હર ચીઝ કો પરવાના બના દે’
ખાંસાહેબે બેગમ અખ્તરની રેકોર્ડ બજાવીને ફરમાઇશ પુરી કરી..તાળીઓના ગડગડાટ વચ્ચે જામના દૌર ચાલુ રહ્યા. ફરમાઇશ થતી રહી, ખા સાહેબ ગીતો વગાડતા રહ્યા. વચ્ચે વચ્ચે માયા ચોરીછૂપીથી ગ્લાસમાં વ્હીસ્કી ભરીને રાહુલને આપી આવતી.
મહેદી હસન સાહેબ કી ગઝલ હો જાયે..શાયર અહમદ ફરાઝ કી રંજિસ હી સહી. સુનાઇએ..’..કેપ્ટને જામ ભરેલો ગ્લાસ ઊંચો કરીને ફરમાઇશ કરી.
ક્યા બાત હૈ કેપ્ટન..મેરી ભી પસંદીદા ગઝલ હૈ યે. ખાં સાબ, મૈં સિર્ફ ફિલ્મી ગાંનોં કા શૌક નહીં રખતા..’ ડો. ઝકરિયાએ માયાની સામે જોતાં ગ્લાસ મોંએ માંડ્યો. ખાં સાહેબે રેકોર્ડ વગાડી.
રંજિશ હી સહી દિલ હી દુખાને કે લિયે આ
આ ફિર સે મુઝે છોડ કે જાને કે લિયે આ…
કિસ કિસ કો બતાયેંગે જુદાઇ કા સબબ હમ
તું મુઝ સે ખફા હૈ તો ઝમાને કે લિયે આ….
જૈસે તુમ્હે આતે હૈ ન આને કે બહાને
વૈસે હી કિસી રોઝ ન જાને કે લિયે આ’
ઝકરિયા ઝેરી સાપની જેમ સરકતો સરકતો માયા પાસે પહોંચી ગયો. ગઝલના શબ્દો માયાને સમજાવવા, ફસાવવા, પટાવવા માટેના હતા અને ઝકરિયાના ચહેરાના હાવભાવ પણ શબ્દોને અનુરૂપ હતા.
અબ મેરી ફરમાઇશ કા ગાના, જો મૈં ખુદ ગાઉંગી.’ હવે માયા મેદાનમાં ઉતરી. એણે ગ્લાસમાં બચેલો આખરી ઘૂંટ ગટગટાવ્યો.
ઇર્શાદ..ઇર્શાદ’ ઝકરિયા મોટેથી બોલ્યો. ને માયાએ ગાવાનું શરૂ કર્યું.
કયા મિલિયે ઐસે લોગોં સે જિન કી ફિતરત છૂપી રહે
નકલી ચહેરા સામને આયે અસલી સૂરત છુપી રહે’
માયાએ હજી ગીતનું મુખડું ગાયું ને અંદરના રૂમમાંથી મોર્સ કોડનો ઘસાતો-પીસાતો અવાજ આવ્યો. અન્સારી, કેપ્ટન અને ડો. ઝકરિયા ચોંકી ઉઠ્યા. માયા અને બેગમ સાહિબાને આંચકો લાગ્યો. રાહુલ છરો લઇને સાબદો થઇ ગયો. બત્રાને આઘાત લાગ્યો. ખાંસાહેબની રેકોર્ડની પિન અટકી ગઇ. હવે શું થશે. બધા સમજી ગયાં કે અવાજ મોર્સ કોડ મશીનનો છે. ઝકરિયાને તો ગોળનું ગાડું મળી ગયું કે મરિયમ જ નહીં આખું ખાનદાન જાસૂસી કરતું હશે. કેપ્ટનને પોતાના પાસાં અવળા પડતા લાગ્યા. જિન્હા ખાનદાન ખુદ અહીં રહીને ભારત માટે જાસૂસી કરે છે.
યહ કિસ ચીઝ કી આવાઝ હૈ.?’ અન્સારનો નશો ઉતરી ગયો.
આવાઝ…કૈસી આવાઝ..દેખતી હું.’ પોતે કાંઇ સાંભળ્યું ન હોવાના ઢોંગ કરતાં બેગમ સાહિબા અંદરના રૂમમાં જવા ઊભા થયા. અન્સારી, કેપ્ટન અને ઝકરિયા પાછળ જવા તૈયાર જ હતા. અંદરના રૂમમાંથી અવાજ સતત આવી રહ્યો હતો. બેગમ સાહિબાએ દરવાજે અટકીને કાન માંડ્યા. અવાજ હજી આવી રહ્યો હતો. હવે શું કરવું એના વિચાર સાથે એણે પાછળ નજર કરી. અન્સારી, કેપ્ટન, ઝકરિયા, બત્રા, માયા અને ખાંસાહેબ ઊભા હતા. રાહુલ રસોડાના દરવાજે ઊભો હતો. બેગમ સહિબાએ ધડ દઇને દરવાજો ખોલ્યો. અંદર પાંજરામાં પૂરાયેલો પોપટ તેની ચાંચ પંજરાના પતરાં સાથે ઘસી રહ્યો હતો. ભોંઠા પડી ગયેલા અન્સારી, કેપ્ટન અને ઝકરિયા એકબીજા સામે જોવા લાગ્યા.
ઇસ તોતેને પૂરા માહોલ ખરાબ કર દિયા. મરિયમ કિતના અચ્છા ગા રહી થી અસલી ચહેરા સામને આયે નકલી સૂરત છુપી રહે’ ખાં સાહેબ ખુદ હસી પડ્યા.
****
કેપ્ટન અખ્તર હુસેન રાહુલને બેગમ સાહિબાની પાર્ટીમાં જવાની વાત કરી નહતી. માત્ર એટલું જ કહ્યું હતું કે એક જગહ જાના હૈ, જહાં તુમ્હે બિરિયાની બનાની હૈ. રાહુલ તૈયાર જ હતો…બિરિયાની બનાવવા નહીં, પણ કેપ્ટન ક્યાં જાય છે અને એની બેઠકઉઠક કોની સાથે છે એ જાણવા. એ દિવસે પાર્ટીમાં જવા માટે નીકળતા પહેલાં રાહુલે તબરોઝા ગામમાં જઇને ચીજવસ્તુઓ લાવવાની કેપ્ટનને વાત કરી. કેપ્ટન કદાચ પાર્ટીના મૂડમાં આવી ગયો હતો..એણે તરત જ હા પાડી દીધી. એણે મેઇન ગેટ પર ફોન કરી દીધો. કે મારો ખાનસામા આવે છે એને બહાર જવાની પરવાનગી આપજો…અગાઉ પણ કેપ્ટને ફોન કરવો પડેલો….એ જોઇને રાહુલે કહેલું કે કાયમ માટે મારી પરવાનગી લઇને રાખો તો સારું પડે…વારેવારે તમારે તકલીફ નહી. ત્યારે કેપ્ટને કહ્યું કે થોડા દિવસમાં તારું આઇડી કાર્ડ બની જશે. રાહુલ તબરોઝા ગામમાંથી ખરીદી કરવાને બહાને મહેશને મળ્યો. મહેશે એને સલીમની વાત કરી.. ચાચા-ચાચીની અસલી ઓળખ પણ આપી. મહેશે મિલિટરીના મથકમાં અંદર ઘૂસવાની ઇચ્છા દર્શાવી ત્યારે રાહુલે મહેશને મથકની અંદરના માહોલથી વાકેફ કર્યો ને કડક જાપ્તો હોવાનું પણ કહ્યું, પણ મહેશ કોઇપણ ભોગે અંદર જવા માગતો હતો.
મારું આઇડી કાર્ડ બનવાનું છે. એવું જ તું તારું નકલી કાર્ડ બનાવીને અંદર ઘૂસી શકે.’ રાહુલે કહ્યું. કોઇપણ બાબત કાલ પર છોડવામાં નહીં માનનારા મહેશે સાંભળી લીધું પણ એ જ રાતે એણે અંદર ઘૂસવાની તક ઝડપી. રાહુલ બેગમ સાહિબાની પાર્ટીમાં હતો ત્યારે મહેશ રાતે ચોરની જેમ પહોંચી ગયો મિલિટરીના મથકે. પાછળના ભાગે જઇને નજર કરી. જેલ કરતાંય ઊંચી દીવાલ જોઇ. એની ઉપર ચડવું મુશ્કેલ લાગ્યું. બાજુમાં જ એક તોતિંગ ઝાડ જોયું. અંદર જોવા માટે એ સાવચેતીપૂર્વક ઝાડ પર ચડ્યો. દિવાલની અંદરની બાજુ એવું જ એક તોતિંગ ઝાડ હતું. જેની જાડી ડાળીઓ બહારના ઝાડને અડતી હતી. એમાંની એક ડાળી પકડીને અંદરની બાજુ ઉતર્યો. એ લપાતોછુપાતો ચાલતો રહ્યો.
અંધારામાં એણે એક વિશાળ બિલ્ડીંગ જોયું. બિલ્ડીંગની ફરતે…થોડે થોડે અંતરે એક પાકિસ્તાની સૈનિક તહેનાત હતો. એ બિલ્ડીંગની ડાબી બાજુ ચાલવા લાગ્યો. થોડો પહાડી વિસ્તાર આવ્યો. આ રહેણાંક વિસ્તારમાં થોડે થોડે અંતરે ક્વાર્ટરો હતા. રાહુલ કહતો હતો કે અમારા ક્વાર્ટરની પાછળ થોડા જ ઘરો છે જે ખાલી છે. અહીં તો ઘણાબધા ઘરો છે અને એમાં વસવાટ હોય એવું પણ લાગે છે. કોઇના ઘરની લાઇટ ચાલુ હતી..ક્યાંક નાઇટલેમ્પ ચાલુ હતા. બહાર કપડાં સૂકાતા હતા. આ રહસ્યમય મથકમાં કામ કરનારો સ્ટાફ અહીં જ રહેતો હશે મહેશ માટે બિલ્ડીંગની અંદર નજર કરવાનું મુશ્કેલ હતું. એને આટલાથી સંતોષ થયો નહીં…પણ રાત બહુ વીતી ગઇ હતી અને પકડાઇ જવાનો ડર પણ હતો. એણે એ રાત પૂરતું કામ આટોપી લીધું ને જે રસ્તે આવ્યો હતો એ જ રસ્તે સહીસલામત પાછો બહાર નીકળી ગયો. માર્ગમાં એ વિચારતો રહ્યો કે પાકિસ્તાની લશ્કર આ ભેદી મથકમાં દુનિયાથી છાની કોઇ કામગીરી કરી રહ્યું છે. દૂર અંતરિયાળ જંગલ વિસ્તારમાં લશ્કરી મથક, કામ કરનારા સ્ટાફના ક્વાર્ટરો, લશ્કરોનો કડક જાપ્તો. જંગલમાં બાંધેલા તોતિંગ બિલ્ડીંગમાં ચાલતી કામગીરીનો અંદાજ લગાવવાનું અઘરું નહતું. પોતે ભારતથી જાન જોડીને જે માંડવે પહોંચવા આવ્યો છે તે આ જ તો નહીં હોયને. હાથે મીંઢોળ બાંધીને વાજતેગાજતે માંડવે પહોંચીને, છેડાછેડી બાંધીને મિશન શાદી’ પાર પાડીએ તો જ ખબર પડે. મહેશ ઘરે પહોંચ્યો. ડેલી ખોલીને અંદર પ્રવેશ્યો કે સામે ચાચા-ચાચી એને પોંખવા સામે જ ઊભાં હતા. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -