જયપુરમાં હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી પર ક્રાઈમ બ્રાંચના દરોડા, 13 મહિલાઓ, એક પોલીસ ઇન્સપેકટર સહિત 84 લોકોની ધરપકડ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Rajasthan: ગઈ કાલે મોડી રાત્રે રાજસ્થાનના જયપુરમાં ક્રાઈમ બ્રાન્ચે (Jaipur crime branch) એક હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી (Rave party) પર દરોડો પાડ્યો હતો. પોલીસે જયપુરના સાહીપુરામાં એક ફાર્મહાઉસમાંથી ચાલી રહેલી રેવ પાર્ટીમાં સામેલ 13 મહિલાઓ સહિત 84 લોકોની ધરપકડ કરી છે. મળેલી બાતમીના આધારે જયપુર પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે જયસિંહપુરા પોલીસને સાથે રાખી ફાર્મહાઉસ પર દરોડા પાડ્યા બાદ આ રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે. સ્થળ પરથી પોલીસે 23 લાખની રોકડ સાથે 20 લક્ઝુરિયસ કાર પણ કબજે કરી છે.
મળતી માહિતી મુજબ જયપુર ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે સાઈપુરા બાગ હોટેલમાં ડાન્સ પાર્ટીની આડમાં ગેરકાયદે પ્રવૃતિઓ ચાલી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક પોલીસને સાથે રાખી રવિવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો. અહેવાલો મુજબ, પાંચ અલગ-અલગ ટેબલ પર ઓનલાઈન કેસિનો ગેમ્સ રમાઈ રહી હતી અને યુવાનો હુક્કા અને દારૂ પીતા મળ્યા હતા. આ હાઈ-પ્રોફાઈલ પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવતીઓ અને યુવાનો સામેલ હતા. આ ઉપરાંત પાર્ટીમાં લોકોને મોટા પ્રમાણમાં દારૂ અને છોકરીઓ પૂરી પાડવામાં આવતી હતી.

“>

ધરપકડ કરાયેલા શખ્સોમાં કર્ણાટકના પોલીસ ઇન્સ્પેક્ટર, એક તહસીલદાર અને કૉલેજના પ્રોફેસરનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યા પ્રમાણે આ પાર્ટીમાં બહારથી આવતા લોકોને એક અલાયદી જગ્યા આપવામાં આવતી હતી, તેમજ દારૂની સાથે છોકરીઓ અને કેસિનો જેવી સુવિધાઓ ઓફર કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓ સામે માનવ તસ્કરીને પ્રોત્સાહન આપવાનો કેસ પણ નોંધવામાં આવશે. ધરપકડ કરાયેલા મોટાભાગના આરોપીઓ તેલંગાણા, હરિયાણા, પંજાબ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રના છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મેરઠના રહેવાસી મનીષ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. જે રિસોર્ટમાં રેવ પાર્ટી થઈ હતી તેના મેનેજર મોહિત સોનીની પણ ધરપકડ કરવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.