ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર કેદાર જાધવના પિતા ગુમ થવાના સમાચારને કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો. ત હવે આ મામલે સારા સમાચાર આવ્યા છે. ગુમ થયાના થોડા કલાકો બાદ જ મુંબઇ પોલીસે કેદાર જાધવના પિતાને શોધી કાઢ્યા હતા. મહાદેવ જાધવ ડિમેન્શિયાથી પીડિત છે, અર્થાત તેમને મેમરી લોસની બીમારી છે. કેદારના પિતા મહાદેવ જાધવ સોમવારે સવારે ઘરેથી ફરવા નીકળ્યા હતા અને મોડી સાંજ સુધી ઘરે પાછા ફર્યા નહોતા. તેમનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હોવાથી પરિવારની ચિંતામાં વધારો થયો હતો. આથી કેદારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે તેમને સોમવારે મોડી રાત્રે તેમને પુણેના મુંઢવા વિસ્તારમાંથી શોધી કાઢ્યા હતા. તેમની હાલત સારી છે અને તેમને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. 2014માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનાર કેદાર જાધવ હાલમાં ભારતીય ટીમની ટીમમાંથી બહાર છે. તેમણે ભારત માટે 73 ODI અને 9 T20 રમી છે. તેમણે ભારત માટે છેલ્લી મેચ વર્ષ 2020માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.