(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુુરુવારે અહીં જણાવ્યું હતું કે ભારત અને ઑસ્ટ્રેલિયાની મિત્રતામાં ક્રિકેટની ભૂમિકા મહત્ત્વની રહી છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બેનિઝની વિશેષ ઉપસ્થિતિમાં રંગારંગ કાર્યક્રમ સાથે શરૂ થઇ હતી. ભારત
અને ઓસ્ટ્રેલિયાની આ ટેસ્ટ મેચ સાથે ભારત અને ઑસ્ટ્રેલિયાની ૭૫ વર્ષની મિત્રતાની ખાસ ઉજવણી જોવા મળી હતી.
મેચ પૂર્વે બન્ને દેશના વડાએ એક સાથે સ્પેશિયલ રથમાં સવાર થઈને મેદાનમાં ઉપસ્થિત દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું તેમ જ બન્ને ટીમ સાથે વડા પ્રધાન મોદી અને એન્થનીએ રાષ્ટ્ર ગીત દરમિયાન ઉપસ્થિત રહીને ટીમોને શુભેચ્છા પાઠવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેચ શરૂ થાય તે પહેલા રોહિત શર્માને કેપ આપીને મેચની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન વડા પ્રધાન અને ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા ઘણાં ખુશ નજરે પડ્યા હતા.
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બેનિઝે પણ પોતાની ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથને સ્પેશિયલ ટેસ્ટ કેપ આપીને શુભેચ્છા પાઠવી હતી. બન્ને દેશો વચ્ચે ૭૫ વર્ષની ક્રિકેટની મિત્રતાની ખાસ ઝલક અમદાવાદના દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ મેદાન પર જોવા મળી હતી.
સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા બાદ ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બેનિઝનું સ્વાગત કર્યું હતું. આ પછી બન્ને દેશના વડાએ સાથે બેસીને ભારત અને ગુજરાતની સંસ્કૃતિને સંગીત અને નૃત્યના માધ્યમથી માણી હતી.
બન્ને દેશના વડાએ પોતાના ક્રિકેટ ટીમના કેપ્ટનને ટેસ્ટ કેપ આપ્યા પછી નરેન્દ્ર મોદીએ બે કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સાથે બન્ને હાથ ઉપર કરીને દુનિયાને મિત્રતાની તાકાત પ્રદર્શિત કરી હતી.
બન્ને ટીમોના કેપ્ટન સાથે મુલાકાત અને એ પછી વડા પ્રધાન મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાને ભારત અને ઑસ્ટ્રેલિયાની ક્રિકેટની મિત્રતા પર બનેલી ગેલરીમાં પ્રદર્શિત ફોટોગ્રાફ્સ જોયા હતા. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રવિ શાસ્ત્રી ગાઈડ બન્યા હતા અને બન્ને દેશના ક્રિકેટ ઇતિહાસ અંગેની વિગતો આપી હતી.
આજની મેચમાં ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. આજની મેચને લઈને દર્શકોમાં પણ જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.