મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
એક સારા માણસમાં પણ દુષ્ટતાની એટલી જ ક્ષમતા હોય છે જેટલી એક ખરાબ માણસમાં હોય છે. ૧૯૭૧માં, ફિલિપ ઝિમ્બારડો નામના એક સોશિયલ સાઇકોલોજીસ્ટે, અમેરિકાની સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં એક જાણીતો પ્રયોગ કર્યો હતો. તેણે સ્થાનિક પેપરમાં જાહેરાત આપીને તન-મનથી તંદુરસ્ત ૨૪ લોકોને એક પ્રયોગમાં ભાગ લેવા આમંત્રિત કર્યા હતા. તેમાંથી અમુકને તેણે જેલના કેદી અને અમુકને સંત્રી બનાવ્યા હતા.
કેદીઓની અસલી પોલીસે “ધરપકડ કરી હતી, અને યુનિવર્સિટીના ભોંયતળિયે બનાવવામાં આવેલી જેલમાં સંત્રીઓને સોંપી દીધા હતા. જેલમાં બંને જૂથોને એકબીજા વિશે ખબર નહોતી. સંત્રીઓ માનતા હતા કે કેદીઓ અસલી અપરાધી છે અને કેદીઓને એમ હતું કે તેઓ અસલી જેલમાં અસલી સંત્રીઓના હાથમાં છે. પ્રયોગનો હેતુ એ સમજવાનો હતો કે સત્તા અને લાચારીમાં માણસ કેવી રીતે વર્તે છે.
પ્રયોગ શરૂ થયાના અમુક કલાકોમાં જ સંત્રીઓએ કેદીઓને તેમની સત્તાનો પરચો બતાવવાનું શરૂ કર્યું, અને કેદીઓએ વિદ્રોહ શરૂ કર્યો. એમાં સંત્રીઓએ એવો અત્યાચાર વર્તાવાનું શરૂ કર્યું કે અઠવાડિયામાં જ પ્રયોગ રોકી દેવો પડ્યો. સંત્રી બનેલા લોકો સામાન્ય અને તંદુરસ્ત મનના હતા, પરંતુ તેમને સત્તા મળી તો ક્રૂર બની જતાં વાર ન લાગી.
આ પ્રયોગથી એ સિદ્ધ થયું કે, સાધારણ વ્યક્તિ હોય કે વડા પ્રધાન, સત્તાનો દુરુપયોગ
કરવાની વૃત્તિ માણસમાં જન્મજાત હોય છે. સત્તા ન હોય ત્યારે તો દરેક માણસ સદાચારની વાતો કરતો હોય છે. તેનું અસલી ચારિત્ર્ય તે સત્તાનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના પરથી મપાય છે.
મોટાભાગના સત્તાધીશો સત્તામાં છકી જાય છે તેનું કારણ એ છે કે નૈતિકતાની તેમની વ્યાખ્યા બદલાઈ જાય છે અને બીજું, તેઓ બીજા લોકો (અને તેમની લાગણીઓથી) દૂર થઇ જાય છે જેથી સત્તાનો દુરુપયોગ આસાન થઈ જાય છે. હિટલર એટલા માટે જ ૬૦ લાખ યહૂદીઓને મારી નાખવા સક્ષમ બન્યો હતો, કારણ કે તે યહૂદીઓથી એટલો દૂર થઇ ગયો હતો કે તેનામાં સહાનુભૂતિ મરી પરવારી હતી.
માણસ મૂળભૂત રીતે પશુ છે, અને પશુઓમાં સાચા-ખોટાનો વિવેક તેમની તાકાતની ભાવનામાંથી આવે છે. જેટલી તેની તાકાત વધે, યોગ્ય-અયોગ્યનો તેનો ભાવ વ્યક્તિગત થતો જાય.૧૯મી સદીના બ્રિટિશ ઈતિહાસકાર લોર્ડ એક્ટને એટલે જ કહ્યું હતું સત્તા માણસને ભ્રષ્ટ બનાવે છે અને સંપૂર્ણ સત્તા તેને સંપૂર્ણ રીતે ભ્રષ્ટ કરે છે.
ભારતીય ક્રિકેટ આનું ઉત્તમ ઉદાહરણ છે. એમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેવું કશું રહ્યું નથી. ગયા અઠવાડિયે, આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઊ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ પછી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે માથાકૂટ થઇ તે ભારતીય ક્રિકેટમાં સિક્કા અને સત્તાનો જે સડો પેઠો છે તેની એક લેટેસ્ટ ઝલક છે. ૧૦ વર્ષ પહેલાં, બેંગ્લોરમાં આઈપીએલની જ એક મેચમાં આ બંને વચ્ચે મારામારી થતાં રહી ગઈ હતી.
૨૦૨૦માં, આઈસીસી અન્ડર-૧૯ વર્લ્ડ કપ મેચમાં ભારત અને બાંગ્લાદેશના ખેલાડીઓ એકબીજાને મારવા પર આવી ગયા ત્યારે કપિલ દેવે કહ્યું હતું કે ક્રિકેટ હવે જેન્ટલમેનની રમત રહી નથી. ખેલાડીઓના ઝઘડા તો ક્રિકેટનાં અન્ય દૂષણો સામે જુનિયર’ કહેવાય.
ઇંગ્લેન્ડમાં જયારે ક્રિકેટનો પ્રારંભ થયો ત્યારે ૧૮૦૬માં જેન્ટલમેન વર્સેસ પ્લેયર્સની એક મેચ રમાતી હતી જે ૧૯૬૧માં બંધ થઇ હતી. જેન્ટલમેન ટીમમાં ઉચ્ચ અને ભદ્ર વર્ગના ખેલાડીઓ હતા અને પ્લેયર્સમાં વર્કિંગ ક્લાસના ખેલાડીઓ રમતા હતા. બ્રિટિશ સામ્રાજ્યના વિકાસની સાથે જેન્ટલમેનની આ રમત દુનિયાભરમાં પ્રચલિત થઇ હતી. પ્રમાણિકતા, સ્પોર્ટ્સમેન સ્પિરિટ, ટીમવર્ક અને તંદુરસ્ત હરીફાઈ ક્રિકેટ તેનો આદર્શ હતો.
એ આદર્શ હવે નેવે મુકાઈ ગયા છે. એમાં એટલા બધા પૈસા અને રાજકીય શક્તિ આવી ગઈ છે કે લોકો તેમાં તેમની પ્રતિભા બતાવવાને બદલે બાવડાં બતાવવામાં વધુ રસ લે છે. છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય ક્રિકેટમાં અનેક પ્રકારનાં કૌભાંડ જોવા મળી રહ્યાં છે. મજાની વાત એ છે કે દેશમાં ક્રિકેટની રમત જેમ જેમ વિકસતી ગઈ અને તેમાં તગડા પૈસા આવતા ગયા તેમ તેમ તેની અંદર ભ્રષ્ટાચાર પણ વધતો ગયો છે. એક જમાનામાં ભારતીય ક્રિકેટ બોર્ડ સૌથી ગરીબ હતું. આજે સૌથી સમૃદ્ધ છે.
૧૯૭૧માં, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણી જીત્યા પછી ભારતના ક્રિકેટમાં બદલાવ આવવાનો શરૂ થયો હતો. ત્યાં સુધી એ ભદ્ર વર્ગના લોકોની જેન્ટલમેન રમત હતી, પરંતુ ૭૧ પછી ભારતના મધ્યમ-વર્ગને એમાં ‘ધર્મ’ નજર આવવાનો શરૂ થયો હતો. એ પછી એમાં રાજકારણીઓ, બૂકીઓ, જુગારીઓ અને અસામાજિક તત્ત્વોને પૈસા અને પાવર દેખાવાનું ચાલુ થયું. ૧૯૮૩માં, વર્લ્ડ કપના વિજય પછી ક્રિકેટનું પરિવર્તન પૂરું થઇ ગયું હતું અને તેનો આખો ચહેરો જ બદલાઈ ગયો.
૯૦ના દાયકાનું મેચ ફિક્સિંગ કૌભાંડ જેને યાદ હશે તેને ખબર હશે કે જેને આ દેશના લોકો ‘ભગવાન’ અને હીરો’ ગણતા હતા તે ખેલાડીઓ કેવા માટીપગા હતા. પૈસા સર્વે દૂષણોનો મૂળ છે એ વાત ક્રિકેટને એકદમ લાગુ પડે છે. આઈપીએલના આગમનથી તો ક્રિકેટમાં એ બધાં જ દૂષણો ઘૂસી ગયાં છે જેને આપણે આપણા ઘરમાં આવવા ન દઈએ. આજે ક્રિકેટ પૈસા બનાવવાના એક તોતિંગ મશીન કે એક મલ્ટીનેશનલ કંપની જેવું બનીને રહી ગયું છે. એમાં ગૌરવ લેવા જેવું છે કે નહીં તે સૌએ જાતે નક્કી કરવાનું છે.
વ્યક્તિ હોય કે સંસ્થા, તેની પાસે બહુ બધા પૈસા અને પાવર આવી જાય પછી તેને જો સંયમથી સંભાળવામાં ન આવે તો તે હાનિકારક સાબિત થાય છે. સત્તા અને સફળતા મળ્યા પછી પણ માણસની માનસિકતામાં પરિવર્તન ના આવે, તો સમજી લેવું કે તેનો દુરુપયોગ નિશ્ર્ચિત છે. સત્તા તમારી અંદરનો અંકુશ (આવું કરાય, આવું ના કરાય…આવું બોલાય, આવું ના બોલાય) દૂર કરે છે. સાધારણ માણસની અંદર એક નૈતિક સેન્સરબોર્ડ હોય છે, જે તેના વ્યવહારનું નિયમન કરે છે. સત્તા તમને એ અંકુશમાંથી મુક્ત કરે છે. એ નિરંકુશતામાં, વ્યક્તિ જો ઉદાર હોય, તો તેની ઉદારતા વધુ બહાર આવશે, અને એ જો અસભ્ય હશે, તો તેની અસભ્યતા અધિક બહાર આવશે.
માણસ બુનિયાદી રૂપે પશુ છે. ઉચિત-અનુચિતની તેની ભાવના ‘જેની લાઠી તેની ભેંસ’ની પાશવિક ભાવનામાંથી આવે છે. માણસ શુદ્ધ છે અને તે સત્તાનો દુરુપયોગ નહીં કરે એ આશા કમરામાં નગ્ન સ્ત્રીને જોઈને પુરુષ રેપ ન કરે તેવી આશા રાખવા જેવું છે. કાયદાશાસ્ત્રમાં તેની સાદી સમજણ છે: માણસની નૈતિકતા સ્વયંભૂ નથી હોતી. તેને જયારે બીજા લોકોનો ડર લાગે, ત્યારે તે નૈતિક વ્યવહાર કરે. હું કશું ખરાબ કરીશ તો બીજા લોકો આવીને મને અટકાવશે, એ સમજણ મને અશુદ્ધ બનતાં અટકાવે છે.
ભારતમાં રાજા-મહારાજાઓના ભ્રષ્ટાચાર અને શોષણનો એક આખો ક્રૂર ઇતિહાસ છે, પણ જનતાએ એની સામે વિદ્રોહ કર્યો હોય એવું સાંભળ્યું છે? ઊલટાનું જનતાએ આવા રાજાઓને માથે બેસાડ્યા છે કારણ કે એ રાજાઓએ હંમેશાં એની જનતાનું ધ્યાન રાખ્યું છે. અંગ્રેજો આ જ શ્રેણીમાં આવે છે, પરંતુ અંગ્રેજોએ લૂંટાલૂંટ કરીને લંડનની તિજોરીઓ ભરી એટલે બિરાદરીમાંથી બળવો થયો. બિરાદરીના કલ્યાણ માટે વ્યવહાર કરવાના આ દબાવના કારણે જ રાજકારણમાં ચૂંટાઇને આવેલો ગરીબ માણસ થોડા જ વખતમાં એના પરિવાર, સમુદાય કે પ્રદેશના હિતમાં ‘ભ્રષ્ટ’ બની જાય છે. ક્રિકેટનું પણ એવું જ થયું છે.