સપ્તાહની શરૂઆતામાં જ કડાકો: સેન્સેકસે ૧૪૬૬ પોઇન્ટ નીચે પટકાઇને અંતે ૮૬૧ પોઇન્ટ ગુમાવ્યા

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં સપ્તાહનો પહેલા દિવસ શેરધારકોને માટે નુકસાનકારક પુરવાર થયો. સેન્સેકસે પ્રારંભિક સત્રમાં ૧૪૬૬ પોઇન્ટ નીચે પટકાઇને અંતે ૮૬૧ પોઇન્ટ ગુમાવ્યા હોવાથી બીએસઇ પર લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં રૂ. ૨.૩૯ લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે. સેન્સેક્સ ૮૬૧.૨૫ પોઇન્ટ અથવા તો ૧.૪૬ ટકાના કડાકા સાથે સત્રને અંતે ૫૭,૯૭૨.૬૨ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૨૪૬ પોઇન્ટ અથવા તો ૧.૪ ટકાના ઘટાડા સાથે ૧૭,૩૧૨.૯૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં ૪.૫૭ ટકાના કડાકા સાથે ટેક મહિન્દ્ર ટોપ લૂઝર શેર બન્યો હતો. અન્ય ગબડનારા અગ્રણી શેરોમાં ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી, ટાટા ક્ધસ્લ્ટન્સી, કોટક મહિન્દ્રા બેન્ક, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો સમાવેશ હતો. જ્યારે વધનારા અગ્રણી શેરોમાં મારુતિ સુઝુકી, નેસ્લે, એશિયન પેઇન્ટ, આઇટીસી, એમએન્ડએમ અને હિંદુસ્તાન યુનિલીવરનો સમાવેશ હતો. રિલાયન્સની એજીએમની જાહેરાત બાદ તેના શેરમાં ૦.૮૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વિસ્તરણ અને ફાઇવ-જી નેટવર્ક સાથે ડાઇવર્સિફિકેશનની યોજના અંતર્ગત રૂ. ૨.૭૫ લાખ કરોડની રોકાણ યોજનાની જાહેરાત કરી છે. રિલાયન્સ જીઓએ ફાઇવ-જી નેટવર્ક માટે રૂ. બે લાખ કરોડની રોકાણ યોજના તૈયાર કરી છે અને દિવાળી સુધીમાં કંપની મહત્ત્વના શહેરોમાં હાઇ સ્પીડ સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી રહી હોવાનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારાનો સંકેત જાહેર થયા બાદ વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં ગભરાટ જોવા મળ્યો હતો અને સ્થાનિક બજારમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને રિયલ્ટી શેરોમાં પ્રારંભિક સત્રથી જ ભારે વેચવાલી અને ધોવાણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિદેશી હૂડિયામણ બજારમાં રૂપિયામાં મોટા ધોવાણ અને વૈશ્ર્વિક ક્રૂડ ઓઇલના ભાવના ઉછાળાને કારણે પણ સેન્ટિમેન્ટ ખોરવાયું હતું. અમેરિકા અને ચીનના વણસી રહેલા સંબંધોને કારણે વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ પહેલેથી જ ડહોળાયેલું છે.
ફુગાવાને કાબૂમાં રાખવા માટે ફેડરલના અધ્યક્ષ જેરોમ પોવેલે સેન્ટ્રલ બેન્કની પોલિસી પીડાદાયક રહેવાનું કથન કર્યું હોવાથી એવી આશા પર પાણી ફરી વળ્યાં હતાં કે કેન્દ્રીય બેંક આર્થિક મંદીને રોકવા માટે તેના દરમાં વધારો કરવાના વલણને નરમ પાડશે. બજારના નિષ્ણાતો એવી ચિંતા વ્યકત કરી રહ્યાં છે કે અમેરિકા વ્યાજદરમાં વધારો ચાલું રાખશે તો વૈશ્ર્વિક અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર થશે અને આર્થિક વિકાસને ફટકો પડશે એવી ભીતિને પરિણામે આગામી દિવસોમાં બજારમાં અફડાતફડી અને ઉથલપાથલનો દોર ચાલુ રહેવાની સંભાવના છે.
એનર્જી, એફએમસીજી અને ઓઈલ એન્ડ ગેસ સિવાયના બધા સેક્ટરલ ઈન્ડેક્સ ઘટ્યા હતા. સેન્સેક્સમાં ૦૮ કંપનીઓ વધી હતી, જ્યારે ૨૨ કંપનીઓ ઘટી હતી. આજે માર્કેટ કેપ રૂ. ૨૭૪.૫૬ લાખ કરોડ રહ્યું હતું, જે શુક્રવારે રૂ. ૨૭૬.૯૬ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૧.૩૭ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૧.૨૬ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૮૦ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૫૭ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૧.૧૮ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૧.૧૧ ટકા, બીએસઈ ઓલ કેપ ૧.૨૪ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૧.૨૪ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૬૮ ટકા ઘટ્યો હતો, જ્યારે બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૬૯ ટકા વધ્યો હતો.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં એનર્જી ૦.૦૮ ટકા, એફએમસીજી ૦.૩૫ ટકા અને ઓઈલ એન્ડ ગેસ ૦.૧૯ ટકા વધ્યા હતા, જ્યારે બેઝિક મટિરિયલ્સ ૦.૮૭ ટકા, સીડીજીએસ ૦.૫૪ ટકા, ફાઈનાન્સ ૧.૫૭ ટકા, હેલ્થકેર ૦.૦૭ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૬૩ ટકા, આઈટી ૩.૩૪ ટકા, ટેલિકોમ ૦.૬૩ ટકા, યુટિલિટીઝ ૦.૨૨ ટકા, ઓટો ૦.૩૫ ટકા, બેન્કેક્ ૧.૮૭ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૬૫ ટકા, કઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૬૭ ટકા, મેટલ ૧.૬૯ ટકા, પાવર ૦.૨૪ ટકા, રિયલ્ટી ૧.૩૦ ટકા અને ટેક ૩.૧૪ ટકા ઘટ્યા હતા. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારૂતી ૧.૩૦ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૬૧ ટકા, નેસ્લે ઈન્ડિયા ૦.૫૨ ટકા, આઈટીસી ૦.૨૪ ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૨૦ ટકા વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્રા ૪.૫૭ ટકા, ઈન્ફોસિસ ૩.૯૩ ટકા, વિપ્રો ૩.૦૬ ટકા, એચસીએલ ટેક ૨.૯૮ ટકા અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ૨.૭૩ ટકા ઘટ્યા હતા. બીએસઈના ડેરિટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે કુલ રૂ. ૨,૧૩,૯૬૦.૮૯ કરોડનું ટર્નઓવર થયું હતું. કુલ ૭૩,૩૦૬ સોદાઓમાં ૨૫,૪૧,૭૯૦ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૩૯,૭૪,૧૦૩ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. ઈન્ડેક્સ ફ્યુચરના ટ્રેડ થયેલા બે સોદામાં ૨ કોન્ટ્રેક્ટ સાથે રૂ.૦.૧૮ કરોડનું કામકાજ થયું હતું.ઈન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૧૧,૦૪૬ સોદામાં ૩,૭૯,૩૮૫ કોન્ટ્રેક્ટ સાથે રૂ.૩૭,૪૩૯.૭૧ રોડનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ થયેલા ૬૨,૨૫૮ સદામાં ૨૧,૬૨,૪૦૩ કોન્ટ્રેક્ટ સાથે રૂ. ૧,૭૬,૫૨૧.૦૦ કરોડનું કામકાજ થયું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.