ચીનમાં ફરી એક વાર કોરોનાએ તબાહી મચાવી દીધી છે, જેમાં બે સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે અને આગામી ત્રણ મહિનામાં 60 ટકા કેસનું સંક્રમણ વધી શકે છે, એવી નિષ્ણાતોએ ચેતવણી આપી હતી.
આગામી ત્રણ મહિનામાં કોવિડ-19 ત્રીજી લહેરની સંભાવના છે, જ્યારે અત્યારે પહેલી લહેરની ચપેટમાં દેશના અનેક શહેર આવી ચૂક્યા છે. પહેલી લહેરની પીક 15મી જાન્યુઆરીની આસપાસ આવશે, જ્યારે 21મી જાન્યુઆરીના ચીનના લુનાર ન્યૂ યર શરુ થઈ રહ્યું છે, તેથી લોકોની અવરજવરની સંખ્યા વધી શકે . ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ સુધીમાં ત્રીજી લહેર તબાહી મચાવી શકે છે, એવી નિષ્ણાતોએ શક્યતા વ્યક્ત કરી હતી.
ચીનમાં કોરોનાથી બીજિંગમાં બે વધુ દર્દીનાં મોત થયા હોવાની ડોક્ટરે માહિતી આપી હતી. ચીને પોતાની ઝીરો કોવિડ નીતિમાં છૂટ આપવામાં આવ્યા પછી કોરોનાનું સંક્રમણ વધ્યું છે, જેનાથી સમગ્ર ચીનમાં કોરોનાનું સંક્રમણ અને મૃતકની સંખ્યામાં વધારા થઈ રહ્યો છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. ચીનના અનેક શહેરમાં ઓમિક્રોનના બે સબ વેરિયન્ટ છે, જે પૈકી બીએફાઈવટૂ અને બીએફસેવન (Omicron Subvariant BF.7)ના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જે બંને વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. વધુ બે દર્દીના મૃત્યુ થવાથી દેશમાં ત્રણ વર્ષમાં કોરોનાથી 5,237 જણનાં મૃત્યુ તથા કુલ કેસની સંખ્યા 3,80,453 થઈ હોવાની માહિતી નેશનલ હેલ્થ કમિશને આપી હતી, પરંતુ આ આંકડા અન્ય દેશના શહેરોની તુલનામાં ઓછા હોવાનું કહેવાય છે.
અનેક શહેરોની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં 85થી 95 ટકાનો વધારો થઈ રહ્યો છે, જ્યારે હોસ્પિટલોમાં બેડની અછત ઊભી થઈ છે. બેડની અછતને કારણે હોસ્પિટલમાં દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. તબીબો અને નર્સિંગ સ્ટાફની પણ અછત છે. દવા અને ઓક્સિજનનું સંકટ પણ ઘેરાવવા લાગ્યું છે. રોજ સેંકડો લોકો મૃત્યુ પામી રહ્યા છે. એવા ઘણા મૃત્યુ થયા છે કે હોસ્પિટલોમાં મૃતદેહો રાખવા માટે જગ્યા બચી નથી. મૃતદેહોને રૂમથી લઈને હોસ્પિટલની બહાર રાખવામાં આવી રહ્યા છે. અંતિમસંસ્કાર માટે સ્મશાન/કબ્રસ્તાનમાં લાંબી કતારો જોવા મળી રહી છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે.