ભવિષ્યમાં શરીરમાં ચિપ બેસાડીને જ કોન્ટેક્ટલેસ પેમેન્ટ થશે

વીક એન્ડ

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

આ ચિપનું વજન એક ગ્રામ કરતાં પણ ઓછું છે અને તેનું કદ ચોખાના દાણા જેટલું જ છે અને જ્યાં પણ કોન્ટેક્ટલેસ પેમેન્ટ સ્વીકારવામાં આવતું હોય ત્યાં આ ચિપનો ઉપયોગ કરી શકાશેે
——————
અત્યારે આપણે બધા ઓનલાઈન પેમેન્ટ કે પછી કાર્ડથી પેમેન્ટ કરીએ છીએ, પણ હવે ડિજિટલ ક્રાંતિ એટલી આગળ વધી ગઈ છે કે ભવિષ્યમાં એવો સમય આવશે કે તમે કાર્ડની મદદ વિના જ પેમેન્ટ કરી શકશો. જી હા, આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ અને એની શરૂઆત કરીએ એક કિસ્સાથી.
૩૭ વર્ષીય પેટ્રિક પોમેન કોઈ દુકાનમાં કે રેસ્ટોરાંમાં જઈને પૈસાની ચુકવણી કરે ત્યારે આસપાસના લોકો ચોંકી જાય છે અને તેની પાછળનું કારણ છે તેમની પેમેન્ટ કરવાની પદ્ધતિ. પેટ્રિક પેમેન્ટ કરવા માટે ન તો કોઈ કાર્ડ વાપરે છે કે ન તો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. આ બધાને બદલે તેઓ પોતાનો ડાબો હાથ જ કોન્ટેક્ટલેસ કાર્ડ રીડરની ઉપર રાખી દે છે અને બસ એમનું પેમેન્ટ થઈ જાય છે. આ જ એ પદ્ધતિ છે જેના વિશે આપણે વાત કરવાના છીએ. પેટ્રિક હમણાંથી નહીં પણ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી આ જ રીતે પેમેન્ટ કરે છે. ૨૦૧૯થી તેમના હાથમાં એક માઈક્રો ચિપ બેસાડવામાં આવી છે અને તેઓ પેમેન્ટ કરી રહ્યા છે.
આ વિશે નેધરલેન્ડમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા પોમેન જણાવે છે કે ‘ઘણા લોકોને અને તેમાં પણ ખાસ કરીને કેશિયરને આ જોઈને અચરજ થાય છે. માઈક્રો ચિપ બેસાડવાની પ્રક્રિયા વિશે વાત કરું તો એ ખૂબ જ સરળ છે અને તમને બસ કોઈ ચૂંટિયો ભરે એટલી જ પીડા થાય છે. આ રીતે માણસના શરીરમાં ચિપ નાખવાનો પહેલોવહેલો પ્રયોગ ૧૯૯૮માં કરવામાં આવ્યો હતો, પણ કોમર્શિયલી વાત કરીએ તો છેલ્લા એક દાયકાથી જ આ ટેક્નોલોજી ઉપલબ્ધ થઈ છે. રહી વાત કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે આ રીતે ચિપ લગાવવાની તો છેલ્લા એક વર્ષથી તેનું વેચાણ એક બ્રિટિશ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. મજાની વાત તો એ છે કે આ ચિપનું વજન એક ગ્રામ કરતાં પણ ઓછું છે અને તેનું કદ ચોખાના દાણા જેટલું જ છે અને જ્યાં પણ કોન્ટેક્ટલેસ પેમેન્ટ સ્વીકારવામાં આવતું હોય ત્યાં આ ચિપનો ઉપયોગ કરી શકાશે. આ ચિપ એકદમ સલામત છે અને તેની ટેક્નોલોજીને સત્તાવાર મંજૂરી મળેલી છે. શરીરમાં ઇમ્પ્લાન્ટ કરવાની સાથે જ તે કામ કરતી થઈ જાય છે અને શરીરમાં તે એક જ જગ્યાએ ચોંટેલી રહેશે. તેને બેટરીની જરૂર નથી કે બીજી કોઈ પણ પ્રકારની ઊર્જાની જરૂર પડતી નથી. ચિપ બનાવનાર કંપનીનો એવો દાવો છે કે અત્યાર સુધી તેમણે પાંચસોથી વધુ આવી ચિપ વેચી છે. આપણામાંથી ઘણા લોકોને આ રીતે શરીરમાં ચિપ લગાવવાની વાત જ ચોંકાવનારી લાગે છે, પણ જ્યારે ૨૦૨૧માં યુકે અને યુરોપિયન યુનિયનમાં ૪,૦૦૦ લોકો પર એક સર્વે કરવામાં આવ્યો ત્યારે ૫૧ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ આ પ્રકારની ચિપ શરીરમાં લગાવવા વિશે વિચાર કરશે.
પેટ્રિક પોતાના અનુભવ વિશે વાત કરતાં જણાવે છે કે આપણે લોકો રોજબરોજના જીવનમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ એ જ ટેક્નોલોજી આ ચિપમાં પણ છે. આ ચિપની મદદથી તમે દરવાજા ખોલવા માટેની ચિપ, જાહેર પરિવહનમાં પ્રવાસ માટે મળતાં કાર્ડ્સ, બેન્ક કાર્ડ્સ વગેરેમાં કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકો છો. મને મારા પર્સનલ ડેટા કે સિક્યોરિટીની જરાય ચિંતા નથી કે ન તો મને એ વાતનો ડર સતાવે છે કે હું ક્યાં છું તેની જાણ મારા સિવાય બીજા કોઈને પણ હોય છે કે તેની માહિતી ક્યાંક રજિસ્ટર થાય છે.
આ ચિપ વિશે બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે આગળ જતાં તે કેટલી ઍડવાન્સ થાય છે અને તેમાં વ્યક્તિનો કેટલો પર્સનલ ડેટા ઉમેરી શકાય છે, તેમાં માહિતી ઉમેર્યા બાદ તેને સુરક્ષિત રાખી શકાય છે કે કેમ? આ ચિપ પહેરેલી વ્યક્તિને ટ્રેક કરી શકાય છે કે નહીં?
આ રીતે ચિપથી પેમેન્ટ કરવું એ સુવિધાજનક તો છે, પણ તેના ગેરફાયદાઓ વિશે પણ આપણે વિચારી લેવું જોઈએ. પ્રાઈવસી અને સિક્યોરિટીની આપણી હદ ક્યાં સુધીની છે એ પણ આપણે નક્કી કરી લેવું જોઈએ. રીડિંગ યુનિવર્સિટીની હેન્લી બિઝનેસ સ્કૂલના પ્રોફેસર નડા કેકાબડ્સ પણ આ વિશે ચેતવણી ઉચ્ચારતાં જણાવે છે કે આવી ચિપ જ્યારે વધારે આધુનિક બનશે ત્યારે ભયજનક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. ટેક્નોલોજીના જેટલાં સારાં પાસાં હોય છે, એટલાં જ તેનાં ખરાબ પાસાં પણ હોય છે અને તેનું સૌથી ખરાબ પાસું એટલે કે તમારી માહિતીનો દુરુપયોગ. આ ડેટાની માલિકી કોની? તે કોને જોવા મળશે? અને આપણે પાલતુ પ્રાણીઓને ચિપ લગાવીએ એ જ રીતે માણસની અંદર પણ ચિપ લગાવી દેવાનું કેટલી હદે યોગ્ય છે? ટૂંકમાં કહેવાનું થાય તો ચિપના ફાયદા થોડા છે, પણ તેની સામે તેના ગેરફાયદા ઘણા જ છે.
વિન્ચેસ્ટર યુનિવર્સિટીના ઇનોવેશનના સિનિયર લેક્ચરર સ્ટીવન નોર્ધમ પોતાનો મત વ્યક્ત કરતાં જણાવે છે કે ‘આવી ચિંતાઓનું કોઈ કારણ નથી.’ શૈક્ષણિક ક્ષેત્રમાં સક્રિય રહેવાની સાથે સાથે તેઓ એક કંપની પણ ચલાવે છે જે ૨૦૧૭થી ઇમ્પ્લાન્ટ કરી શકાય તેવી કોન્ટેક્ટલેસ ચિપ બનાવી રહી છે. તેમની કંપની એવા ઇમ્પ્લાન્ટ્સ બનાવી રહી છે જે અશક્ત વ્યક્તિઓને ઉપયોગી થાય અને તેઓ કોઈ જગ્યાએ જાય ત્યારે ચિપના કારણે આપોઆપ દરવાજો ખૂલી જાય.
નોર્ધમ આ વિશે વધુ વાત કરતાં જણાવે છે કે ‘અમને આશરે આવી ચિપ વિશે ઈન્ક્વાયરી આવે છે અને અમે યુકેમાં ૫૦૦ જેટલાં ઈમ્પ્લાન્ટ કર્યાં છે. જોકે કોવિડને કારણે તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આ ટેક્નોલોજી પ્રાણીઓમાં વર્ષોથી ઉપયોગમાં આવી રહી છે. તે બહુ નાની હોય છે અને સુષુપ્ત પડી રહે છે. તેનાથી કોઈ જોખમ હોતું નથી.’
નેધરલેન્ડના પોમેન પોતાને ‘બાયોહેકર’ ગણાવે છે. એવી વ્યક્તિ જે પોતાના શરીરમાં ટેક્નોલોજીની વસ્તુને દાખલ કરવાની છૂટ આપે, જેથી તેની કામગીરી સુધારી શકાય. તેઓ કહે છે, ‘ટેક્નોલોજી સતત સુધરતી જતી હોય છે એટલે હું નવી નવી લીધા કરું છું. મારા ઇમ્પ્લાન્ટથી મારા શરીરમાં ઉમેરો થાય છે. મને તેમના વિના જીવવું નહીં ગમે. એવા લોકો પણ રહેવાના, જે પોતાના શરીરમાં કોઈ છેડછાડ ન કરાવવા માગતા હોય. આપણે તેમને માન આપવું જોઈએ, પણ તે લોકોએ પણ અમારા જેવા બાયોહેકર્સને માન આપવું જોઈએ.’
ટૂંકમાં કહેવાનું થાય તો આજથી પાંચ-દસ વર્ષ પછી ભારતમાં પણ લોકો આ રીતે શરીરમાં ચિપ બેસાડીને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરતાં દેખાય તો નવાઈ પામવાની જરૂર નહીં રહે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.