કવર સ્ટોરી – ગીતા માણેક
એક તરફ માનવી ભૌતિક સફળતા તરફ દોટ મૂકવામાં એકલવાયો થતો જાય છે અને સામાજિક માળખું તૂટવા માંડ્યું છે ત્યારે નિર્દોષ સ્પર્શ અને સહાનુભૂતિભર્યા સહવાસની જરૂરિયાતને પોષવા માટે કડલ થેરપિસ્ટની માગ ઊભી થઈ છે. ભારતીય સમાજમાં હજુ પણ જે વહાલ અને હેત માત્ર મફતમાં જ નહીં પણ આપણા હક તરીકે મળતું હતું તે વિદેશોમાં પૈસા આપીને ખરીદવું પડી રહ્યું છે. ભારતમાં પણ ધીમે-ધીમે એવી જ સ્થિતિ નિર્માણ થઈ રહી છે.
ધારો કે કોઈ વ્યક્તિએ પોતાનું સ્વજન ગુમાવ્યું છે, ભયંકર એકલતા અનુભવે છે અને તેની પાસે કોઈ મિત્ર કે સંબંધી નથી જે તેને વહાલભર્યો સધિયારો આપે કે પીઠ પર હેતસભર હાથ મૂકીને પસરાવી શકે અથવા તેની પીડાને સહાનુભૂતિપૂર્વક સાંભળી શકે તો હવે આવી વ્યક્તિઓ માટે હેતથી પંપાળનારાઓ ભાડેથી મળવા માંડ્યા છે. અત્યારે તો આ પરિસ્થિતિ મોટે ભાગે વિદેશમાં જ છે, પરંતુ ધીમે-ધીમે આવું હિંદુસ્તાનના શહેરોમાં પણ જોવા મળી રહ્યું છે.
માંડીને વાત કરીએ તો આપણે મનથી ભાંગી ગયા હોઈએ, પતિ-પત્ની કે સ્વજન ગુમાવી બેઠા હોઈએ, કોઈ અંગત વ્યક્તિએ દગો આપ્યો હોય કે કામધંધામાં મોટું નુકસાન થયું હોય અને પૈસા કે પ્રતિષ્ઠા ગુમાવી બેઠા હોઈએ ત્યારે આપણે પોતાના માતા-પિતા, નિકટના સગાં-સંબંધી અથવા મિત્ર કે બહેનપણી પાસે જઈએ છીએ. તેમની પાસે મોકળા મને વાત કરીને, તેમના ખોળામાં કે ખભે માથું મૂકીને ધ્રુસકે-ધ્રુસકે કે ચોધાર આંસુએ રડી શકીએ છીએ. તે સ્વજન આપણને વહાલથી પંપાળે, માથે હેતભર્યો હાથ મૂકે કે પ્રેમથી પીઠ પસરાવે તો આપણે હળવાશ અનુભવીએ છીએ. અમેરિકા, ઇંગ્લેંડ કે અન્ય પશ્ર્ચિમી દેશોમાં કાકા, મામા, પિતરાઈ કે એવા સંબંધોમાં ઔપચારિકતા વધુ અને નિકટતા ઓછી હોય છે. માતા-પિતા કે મિત્ર-બંધુઓ પોતપોતાના કામકાજ અને જીવનની દોડમાં એટલા વ્યસ્ત હોય છે કે ન તો કોઈ પાસે આવો સમય હોય છે કે ન તો એટલી ધીરજ કે કોઈની વાત કાન દઈને સાંભળે અને તેની આળપંપાળ કરે. આવા સંજોગોમાં હવે તેઓ ભાડૂતી હેત વરસાવનારાઓને ફી ચૂકવીને બોલાવા માંડ્યા છે. આને કડલ થેરપી કહેવામાં
આવે છે.
કડલ થેરપીના મૂળમાં એ વાત છે કે વહાલભર્યો સ્પર્શ એ માનવીની જરૂરિયાત છે. સામાન્ય સંજોગોમાં પણ આપણે મિત્ર કે સ્વજન મળે ત્યારે તેને વહાલથી ભેટીએ છીએ, તેના ખભે હાથ મૂકીએ છીએ, તેને ગળે વળગાડીએ છીએ. વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ આપણને આવો હેતભર્યો સ્પર્શ કરે છે ત્યારે પીયૂષ ગ્રંથિમાંથી ઓક્સિટોસિન નામના હોર્મોન અથવા રસાયણનો સ્રાવ થાય છે. આને લવ હોર્મોન પણ કહે છે. આ હોર્મોન માનવીના મન પરના ઘાવને રૂઝાવવામાં મદદરૂપ થાય છે, સલામતીની ભાવના આપે છે અને હું એકલો કે એકલી નથી એવો અહેસાસ આપે છે.
ન્યૂરોસાયન્ટિસ્ટ એડમન્ડ રોલ્સે સાબિત કર્યું છે કે શારીરિક સ્પર્શ કરવાથી આપણા મસ્તિષ્કના ઓર્બિફ્રન્ટલ કોર્ટેક્સ સક્રિય થાય છે. મગજનો આ ભાગ જ્યારે કોઈ આપણી પ્રશંસા કરે કે વળતર અથવા ઇનામ આપે અથવા સહાનુભૂતિભર્યો સ્પર્શ કરે ત્યારે સક્રિય થતો જોવા મળ્યો છે. મતલબ કે નિર્દોષ પ્રેમાળ સ્પર્શ જેમાં જાતીય સંબંધો બાંધવાની એટલે કે સેક્સની ભાવના ન રહેલી હોય એવા સ્પર્શથી સક્રિય થાય છે અને આપણે લાગણીની હૂંફ અનુભવીએ છીએ.
ભૌતિક સંપત્તિની પાછળ સ્વકેન્દ્રિત થતો જઈ રહેલો માનવી ભૌતિક સફળતા તો મેળવે છે પણ આ પ્રકારના સથવારાને ગુમાવતો જાય છે. એટલે જ હવે જે આપણને આપણા મા-પિતા, સંતાનો કે સગાંસંબંધીઓ પાસેથી સહજમાં મળતું હતું એ અજાણ્યા ભાડૂતી માણસો પાસેથી મેળવવું પડી રહ્યું છે. એના માટે આપણે મનોચિકિત્સક કે કાઉન્સેલર્સ પાસે પણ જઈએ છીએ. પરંતુ આ વ્યાવસાયિક મનોચિકિત્સકો ફી લઈને આપણી સમસ્યાઓ કે લાગણીના ઉભરાઓને સાંભળીને એમાંથી માર્ગદર્શન તો આપી શકે છે, પરંતુ તેમના વ્યવસાયના નૈતિકતાના ધોરણો અનુસાર આપણને સ્પર્શ કરી નથી શકતા.
અત્યારે તો વિદેશમાં એક કલાકના સાત હજાર રૂપિયાથી માંડીને દસ-બાર હજાર રૂપિયા ચૂકવીને કડલ થેરપિસ્ટ પાસેથી હેતભર્યું સ્પર્શ સુખ મેળવી શકાય છે. કડલ થેરપિસ્ટ સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ હોઈ શકે છે. વ્યક્તિ પોતાની જરૂરિયાત અનુસાર પુરુષ કે સ્ત્રી થેરપિસ્ટની પસંદગી કરી શકે છે. પરંતુ સૌથી પહેલી શરત એ હોય છે કે આમાં જાતીય સંબંધો એટલે શારીરિક સમાગમ કરવામાં આવતો નથી. આ પ્રકારની ભાવના પણ આ સ્પર્શમાં નહીં હોય એવી બાહેંધરી કડલ થેરપિસ્ટ અને તેનો ગ્રાહક બંને આપતા હોય છે. આ નિયમનું પાલન બંને પક્ષે કરવાનું હોય છે.
સામાન્યત: આ પ્રકારની થેરપીમાં થેરપિસ્ટ નક્કી કરેલા સમયે તમારા ઘરે આવે છે. તમે તેની સાથે બેસીને મોકળાશથી વાત કરી શકો છો, તમારા દુ:ખ-દર્દ, ફરિયાદો કે એકલવાયાપણાનું બયાન કરી શકો છો. ત્યારબાદ તમારી પરવાનગીથી તે વ્યક્તિ તમને સ્પર્શ કરે છે એ જ રીતે જે રીતે કોઈ મા બાળકને સ્પર્શ કરતી હોય કે એક મિત્ર કે બહેનપણી અથવા સ્વજન તમને સ્પર્શ કરતું હોય. ગ્રાહક પોતે પણ થેરપિસ્ટને સ્પર્શ કરી શકે છે. જેટલા કલાકનું નક્કી થયું હોય એટલા કલાક તે થેરપિસ્ટ તમને સહવાસ અને સ્પર્શનું સુખ આપે છે, તમારી વાતો રસ લઈને સાંભળે છે પણ તમારો ન્યાય તોળતો નથી કે તમારી ભૂલો દર્શાવતો નથી.
આપણે જે રીતે પશ્ર્ચિમનું અનુકરણ કરીને ભૌતિક સંપત્તિ માટે દોટ મૂકી રહ્યા છીએ, આપણું કૌટુંબિક અને સામાજિક માળખું નબળું પડી રહ્યું છે, એ સ્થિતિમાં આ પ્રકારના થેરપિસ્ટો હિંદુસ્તાનમાં પણ કાર્યરત થવા માંડ્યા છે. દિલ્હી જેવા શહેરોમાં આ પ્રકારના થેરપિસ્ટ મળી આવે છે. આ જ વિષય પર જાણીતા ફિલ્મ કલાકાર સંજય સૂરી અને ઈશા ચોપરા અભિનિત ‘કોલ મી એડી’ નામની સંવેદનશીલ શોર્ટ ફિલ્મ પણ બની છે જે દર્શાવે છે કે કડલ થેરપિસ્ટની જરૂરિયાત ભારતીય સમાજમાં
પણ ઊભી થવા માંડી છે.
એક કે બે બાળકો જ હોય એવા પરિવારોમાં હવે મામા-માસી-ફોઈ-કાકા જેવા સંબંધીઓનું અસ્તિત્ત્વ જ ઘટવા માંડ્યું છે. સંતાનો નોકરી કે વ્યવસાય અર્થે વિદેશમાં રહેવા માંડ્યા હોય અને અહીં પણ સામાજિક માળખું તૂટવા માંડ્યું છે ત્યારે જીવનસાથી ગુમાવી બેઠેલા આધેડ વયના સ્ત્રી-પુરુષો હેતભર્યા સ્પર્શનો અભાવ મહેસૂસ કરવા માંડ્યા છે. નિ:સ્વાર્થ અને નિર્દોષ મૈત્રી પણ દુર્લભ જણસ થવા માંડી છે ત્યારે ભારતમાં પણ કડલ થેરપિસ્ટોની સંખ્યા વધવા માંડે તો નવાઈ પામવા જેવું નથી.
ભારતમાં ગાયને વહાલ કરવાની થેરપીની બોલબાલા છે.
ભારતમાં સ્ત્રી કે પુરૂષ નહીં પણ કાઉ કડલિંગ એટલે કે થેરપી તરીકે ગાયને વહાલ કરવું, પંપાળવી એવો ટ્રેન્ડ શરૂ થયો છે. ગાયને સ્પર્શ કરીને, તેની પીઠ પંપાળીને કે તેની સાથે મિત્રતા કરી તે તમને ચાટે એવી બધી પ્રવૃતિઓથી ઘણી બધી સમસ્યાઓમાં રાહત મળે છે એવું કહેવાય છે. આમ તો જ્યારે આપણા પૂર્વજો ગામડાંઓમાં રહેતા હતા ત્યારે લગભગ દરેકના ઘરમાં ગાય-ભેંશ પાળવાની પરંપરા હતી. ખાસ કરીને ગાય તો જાણે પોતાનું સંતાન હોય એ રીતે જ લોકો તેને ઉછેરતા હતા. ગાયને નવડાવવા, ખવડાવવા ઉપરાંત તેની સાથે હૂંફભર્યો સંબંધ રહેતો. હવે મેડિકલ સાયન્સ કહે છે કે જો તમે ગાયને આ રીતે વહાલ કરો તો તમને ઘણી બીમારીઓમાંથી રાહત મળે છે.
ગાયને પ્રેમ અને વહાલ કરવાનું આપણા ગ્રંથોમાં તો વર્ષો પૂર્વે લખાયું જ છે. ગાયને અત્યંત કરુણાશીલ અને પ્રેમાળ પશુ માનવામાં આવે છે. હવે મેડિકલ સાયન્સ પણ કહેવા માંડ્યું ત્યારથી પશ્ર્ચિમમાં ગાયને કડલિંગ કરવાની બાબતને એક થેરપી તરીકે લેવામાં આવવા માંડી છે. કહેવાની જરૂર નથી કે જેની શરૂઆત પશ્ર્ચિમના દેશોમાં થાય છે એ આપણે ત્યાં આવે જ છે. કમનસીબી એ છે કે આપણી જ પરંપરાઓ પર આપણને પશ્ર્ચિમની મહોર જોઈતી હોય છે.
કાઉ કડલિંગનો આ ટ્રેન્ડ નેધરલેન્ડથી શરૂ થયો હોવાનું કહેવાય છે જ્યાં તેને કોએ કનોફલીન કહેવામાં આવે છે. જેમાં તમારે તબેલામાં આંટો મારવાનો હોય છે અને પછી કોઈ એક ગાય પાસે લાંબો સમય વીતાવવાનો હોય છે. આ થેરપી દરમિયાન ગાય તમને ચાટે તો એ પણ કરવા દેવાનું હોય છે. દેશી ગાયને સ્પર્શ કરવાથી, તેને ભેટવાથી અને તેને પંપાળવાથી શરીરનું શુદ્ધિકરણ થાય છે એવું પણ માનવામાં આવી રહ્યું છે.
હવે તો કેટલાક ભારતીય ડૉક્ટરો પણ એક થેરપી તરીકે કાઉ કડલિંગનું સૂચન આપી રહ્યા છે. મેડિકલ સાયન્સ કહે છે કે કાઉ કડલિંગ એટલે કે ગાય સાથે સમય વીતાવવાથી, તેને સ્પર્શ અને વહાલ કરવાથી તનાવ ઘટે છે, ડિપ્રેશન, બ્લડપ્રેશરની બીમારીઓ, શ્ર્વાસોચ્છવાસ સંબંધી બીમારીઓ, એન્કઝાઈટી (ઉચાટ), કરોડરજ્જુની સમસ્યાઓમાં લાભ થાય છે. જેમને બહુ જ એકલવાયાપણું લાગતું હોય તેમના માટે આ શ્રેષ્ઠ થેરપી ગણાય છે.
અમેરિકામાં તો કલાકના ૭૫ ડોલર ચૂકવીને આવી કાઉ કડલિંગ થેરપી કરવા દેવામાં આવે છે. હવે ભારતમાં પણ તબેલા કે મોટા ફાર્મના માલિકો પૈસા લઈને ત્યાંની ગાયો સાથે સમય વીતાવવાની પરવાનગી આપે છે.