કવર સ્ટોરી-મુકેશ પંડ્યા
આ સમયમાં સ્વાસ્થ્ય જાળવવા શું કરશો?
—-
અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, પરંતુ એપ્રિલ મહિના જેવી ગરમી પડી રહી છે. શિયાળામા ઉનાળાની અનુભૂતિ તે આનું નામ. સવારે થોડી ઠંડી પડતી હોય પણ બપોરે કાળઝાળ ગરમી સહન કરવી પડે છે. એક જ ઋતુમાં બે ઋતુનો અનુભવ આપણને થઈ રહ્યો છે. કલાઈમેટ ચેન્જ એ હવે માથાનો દુખાવો સાબિત થતો જાય છે. વાવાઝોડા કે માવઠા જેવા કુદરતી પરિબળોને કારણે પણ એક જ દિવસમાં બે ઋતુનો અનુભવ થાય છે. આવા સમયમાં બીમારી ન વધે તો જ નવાઈ. ખાસ કરીને શરદી-ઉધરસ ખાંસી, તાવ કે શરીરમા કળતરના કેસ વધી જાય છે.
બે ઋતુ અને ડોક્ટરો જેને ડબલ સિઝન કહે છે તેવા સમયમાં વાતાવરણમાં જીવજંતુઓ, બેક્ટેરિયા અને વિષાણુઓનું પ્રમાણ વધે છે જેને કારણે વાઈરલ ઈન્ફેકશન થાય એ પણ સ્વાભાવિક છે. ખાસ કરીને બાળકો બે ઋતુનો જલદીથી ભોગ બની જાય છે.
આવા સંજોગોમાં આપણા અને આપણા સંતાનો માટે આવી ઋતુથી બચવા શું કરવું જોઈએ તે જાણવું જરૂરી છે.
કુદરતી પરિબળોને કારણે પલટાતા હવામાન સામે આપણે તો ક્શું કરી શકતા નથી, પરંતુ હા તેની આડઅસર થી બચવા આપણે આપણી જાતને કેળવી શકીએ છીએ.
જો આપણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીએ તો બીમારી સામે એક ઢાલ ઊભી કરી શકીએ છીએ.
આ સમયમાં આપણે આપણ દિવસની શરૂઆત સહેજ ગરમ કે નવશેકા પાણી પીવાથી કરવી જોઈએ જેથી આ ઋતુમાં સતાવતા કફ-શરદી સામે રક્ષણ મળે. જો ગરમ પાણી ન ભાવતું હોય તો તાંબા પિત્તળના ઘડામાં ભરેલું ઓછુ ઠંડુ પાણી પીઓ. ફ્રિજના પાણીનો કે માટલાના પાણીનો ઉપયોગ આ સમયમાં બંધ કરો અથવા ઓછો કરો. તમે કે તમારા સંતાનો સવારે દૂધ પીતા હોય તો તેમાં હળદર નાખી બરાબર હલાવીને પીઓ. હળદરમાં એન્ટિબાયોટિક ગુણો છે તે આપણને વિવિધ ચેપી રોગો સામે રક્ષણ આપે છે. યુરોપ અમેરિકામાં આવું દૂધ લિટ્ટા મિલ્કના નામે લોકો હોંશે હોંશે પીએ છે.
ખાવામાં સાકરનો ઉપયોગ ઓછો કરી ગોળનો ઉપયોગ વધારી શકાય. ૨૫ ડિસેમ્બરે છોકરાઓ સાકર મુક્ત કેક, ચોકલેટ્સ કે આઈસક્રીમ ખાઈને શરદી ઉધરસ વધારે તેન કરતા ગોળ-ઘીમાંથી બનાવેલા સૂકામેવા મિશ્રિત વસાણા કે પાક ખવડાવો. આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો ગોળ ધી અને લોટમાંથી સુખડી જેવો પૌષ્ટિક ખોરાક બનાવીને પણ છોકરાઓને આપવો જોઈએ કે પોતે ખાવો જોઈએ.
ભોજનની વાત કરીએ તો દરેક પ્રકારના રસ મળે તેવો ખોરાક છોકરાઓને ખવડાવવો જોઈએ. પહેલાના સમયમાં દાદીમાઓ છોકરાઓને કડવામણ પાઈ દેતી . તૂરો રસ પણ ચટાડતી. આમ ગળ્યા, ખાટા, તીખા, ખારા કડવા અને તૂરા – છ એ રસનો અનુભવ કરાવતી. આજ કાલ તો દવાઓ કે ગળવાની ગોળી પણ સુગર કોટેડ કરીને આપવામાં આવે છે. છોકરાઓને દરેક રસ ખાતા શીખવશો તો ફાયદામાં રહેશો. લીમડાનું પાણી કે કારેલા કંકોળાનું શાક થોડું તો થોડુ પણ તેઓ ખાય એની તકેદારી રાખજો.
અઠવાડીયે કે પંદર દિવસે એકાદ ઉપવાસ કરી લ્યો તો પણ બીમારીથી રાહત મળે છે. જાનવરો બીમાર પડે ત્યારે ખાવાનું છોડી દેતા હોય છે. ઘણા લોકો શ્રાવણની જેમ આખો માગશર મહિનો પણ ઉપવાસ, એકટાણાં કરતાં હોય છે. કંઈ નહી તો પંદર દિવસમાં એક વાર આવતી એકાદશી જરૂર કરવી જોઈએ. આટલું પણ ન થાય તો બે ભોજન વચ્ચે કાચરકૂચર ખાવાનુ આવી બે ઋતુમાં છોડવું જોઈએ. પાચન શક્તિ બગડે તો અનેક રોગ પેદા થાય છે. ઉપવાસ કે ઓછું ખાવાથી પાચન શક્તિને આરામ મળે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
બીજી એક વાત આપણે ત્યાં જે હવનની પ્રથા છે તે આવા સમયમાં ખાસ અપનાવવી જોઈએ. ઔષધિયુક્ત પોષક સમિધા તત્ત્વો દ્વારા કરાતા હોમહવન વાયુમાં રહેલા રોગાણુઓને મારી હટાવે છે. વાયુમંડળને શુદ્ધ કરે છે. ચેપી રોગો સામે રક્ષણ આપે છે.
ઉપરોક્ત બધા પ્રયોગો સામાન્ય વ્યક્તિ ધ્યાન રાખીને કરે તો આ સમય દરમ્યાન મોટા ભારાની બીમારીને દૂર રાખી શકે છે. પણ હા જો તમે બીમાર પડી ચૂક્યા હોવ કે વધુ બીમાર હોવ તો તુરંત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરો અને તેમની સલાહ પ્રમાણે વર્તો.